રજનીકુમાર પંડ્યા
પ્રકાશિત સાહિત્ય
10
વાચક સંખ્યા
19,984
પસંદ સંખ્યા
590

પરિચય  

પ્રતિલિપિ સાથે:    

સારાંશ લખો:

ગુજરાતી ભાષામાં લખવા છતાં જેમની નામના સમગ્ર ભારતમાં અને ભારતની બહાર વિદેશોમા પ્રસરી રહી છે તેવા જૂજ ગુજરાતી સાહિત્યકારોમાં રજનીકુમાર પંડ્યાનું નામ પ્રથમ પંક્તિમાં આવે. 1938 ના જુલાઈની 6ઠ્ઠીએ સૌરાષ્ટ્રના જેતપુરમાં જન્મેલા રજનીકુમારે લગભગ 1958-59 ની સાલથી નવલિકાઓના લેખનથી શરૂઆત કરી. ધીરેધીરે એમાં ઈનામ-અકરામ-સન્માનો મળતા થયા પણ વાણિજ્યના સ્નાતક હોવાથી તેમનો વધુ સમય ઓડિટ કે બેંકની નોકરીમાં જતો હતો. પણ 1980 પછી તેમની સંદેશની ઝબકાર કટાર દ્વારા તેમને અમાપ કિર્તી મળી અને લેખનના બજારમાં તેમની માગ એટલી વધી કે તે પણ 1989 માં રાષ્ટ્રિયકૃત બેંકનું મેનેજર પદ છોડીને પૂર્ણ સમયના લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું અને તે પછી તેમની લેખન કારકિર્દીનો ગ્રાફ ઉંચો ને ઉંચો જવા માંડ્યો. 2012 ની સુધીમાં તેમના પચાસ ઉપરાંત  પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમાંથી નવલકથાઓ તો માત્ર સાત જ છે, પરંતુ તેમાંથી અર્ધાથી વધારે તો ટી.વી. સિરિયલ કે નાટકમાં રૂપાંતર પામી.હાલમાં જ તેમની એક નવલકથાના હક્કો હિંદી ફિલ્મ માટે વેચાયા. તેમની સૌથી વધુ યશોદાયી નવલકથા “કુંતી” પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બબ્બે વાર હિંદી ટી.વી. સિરિયલો બની, ને પ્રાઈમ ટાઈમમાં દર્શાવાઈ. ‘કુંતી’ની માંગ તો મશહુર સ્ટાવ દેવ આનંદે રજનીકુમારને સામેથી પત્ર લખીને કરી હતી. ઉપરાંત રજનીકુમારેરે વિશેષ આમંત્રણથી 1994માં અમેરિકા જઈને સાચ્ચા પાત્રો વચ્ચે રહીને લખેલી ડૉક્યુનોવેલ ‘પુષ્પદાહ’ પરથી મુંબઈના નિર્માત્રી સુશીલા ભાટીયા ‘વો સુબ્હા હોગી’ નામની ધારાવાહી હિંદીમાં બનાવી રહ્યા છે. જેના સંવાદો તેમના ભાઈ હરિશ ભીમાણી (‘મેં સમય હું’ ફેઈમ) લખી રહ્યા છે. તો રજનીકુમારની નવલિકા ‘જુગાર’ પરથી અભિનેત્રી આશા પારેખે જ્યોતિ સિરીયલમાં એક એપિસોડ બનાવ્યો. તો શ્રી ગોવિંદ સરૈયાએ પણ તેમની એક વાર્તા ‘આકાશમાં છબી’પરથી WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનિઝેશન ) માટે ટેલિફિલ્મ બનાવી.   રજનીકુમારની નવલકથા ‘અવતાર’ પરથી મુંબઈના નાટ્યકાર અરવિંદ જોશીએ ‘આયના તૂટે તો બને આભલાં’ જેવું સુંદર સ્ટેજપ્લે બનાવ્યું હતું. રજનીકુમારની ટૂંકી વાર્તાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ભાત ‘ભાત કે લોગ’ સિરીયલના ઘણા એપિસોડ બનાવ્યા હતા. તો તેમની ‘પરભવના પિતરાઈ’ ચરિત્રાત્મક નવલકથા  ઉપરથી ટેલિફિલ્મ બની હતી. દિલ્હીની સુવિખ્યાત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એ તેમની નવલિકા ‘કંપન જરા જરા’નું નાટ્યમંચન રજનીકુમારને ખાસ દિલ્હી નિમંત્રીને તેમની ઉપસ્થિતિમાં કર્યું હતું. નવલકથાઓ ઉપરાંત દસ જેટલા વાર્તા સંગ્રહો, ઉપરાંત અનેક જીવનચિત્રો અને જીવનચરિત્રોના ગ્રંથોનું સર્જન રજનીકુમારે કર્યું છે. તેમના જીવનચિત્રોનું એક પુસ્તક ‘અનોખા જીવનચિત્રો’ હાલ સુરતની નર્મદ યુનિવર્સિટીમાં એમ.એ. પાર્ટ-2 માં ટેકસ્ટ બુક તરીકે ભણાવાય છે. નિમંત્રણથી અમેરિકા જઇને,એક ગુજરાતી પરિવાર વચ્ચે ચાર માસ સુધી સાચા પાત્રો વચ્ચે રહીને તેમને ડિવોર્સની કારણે બાળકોના માનસ  પર પડતા ડામ વિષે તેમણે “પુષ્પદાહ” નામની નવલકથાનું સર્જન કર્યું. જેની પરથી હિંદી ટીવી સિરિયલ બની રહી છે. તેમણે આફ્રિકાના મલાવી દેશમાં જઇને ચરિત્રકથા “હંસપ્રકાશ “ લખી. તે ઉપરાંત તેમણે નિમંત્રણથી આફ્રિકાના કેનીયા-યુગાંડા-ટાંઝનીયા.અને સાઉથ આફ્રિકાના અને કેનેડા ,ઇંગ્લેંડ. ફ્રાંસ.મેક્સિકો .દુબાઇ .મસ્કત જેવા દેશોના પ્રવાસ ખેડ્યા.   સંપાદનકળા અને જીવન ચરિત્રલેખન રજનીકુમારની સુપર સ્પેશ્યાલિટી છે. રાજકોટના રતિભાઈ ગોંધીયાથી માંડીને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સુધીની હસ્તીઓના જીવનચરિત્રો કે આત્મકથનાત્મક પુસ્તકોના સંપાદકો રજનીકુમારે કર્યા છે. મશહુર ભક્તિગીતના ગાયિકા જૂથિકારોયની આત્મકથાનું સંપાદન તેમણે કર્યું છે. આમાંથી કેટલાકમાં પ્રસિદ્ધ લેખક બીરેન કોઠારી તેના સહયોગી રહ્યા છે. દૃશ્ય માધ્યમમાં પણ તેમનું માતબર પ્રદાન છે. મુંબઈના હિરાલક્ષ્મી ફાઉન્ડેશન માટે તેમણે નેવું વર્ષ પહેલાના ઉચ્ચ કક્ષાના ગુજરાતી સામયિક ‘વીસમી સદી’ને ધીમંત પુરોહિત (‘આજતક’ ચેનલ)ના સહયોગમાં ડીજીટલાઈઝ્ડ કરી તેની વેબસાઈટ gujarativismisadi.com વિશ્વના કરોડો ગુજરાતીઓ સમક્ષ રજૂ કરી ભાષાની મોટી સેવા કરી. આ ઉપરાંત તેમણે ગુજરાતી ડિસ્કવરી ચેનલ જેવા જૂના ગુજરાતી સામયિક ‘પ્રકૃતિ’ને પણ વેબસાઈટ ઉપરની રીતે નિર્મિત કરી gujaratiprakruti.com વળી તેમણે રાજવી શાયર ‘રુસ્વા’ મઝલૂમી તથા વિખ્યાત ભક્તિ સંગીતના વયોવૃદ્ધ ગાયિકા જૂથિકા રોયની હિંદી ડોક્યુમેંટ્રી સી.ડી.નું નિર્માણ કાર્ય પણ કર્યું . તેમના દિગ્દર્શનમાં કવિકુલગુરુ કાલિદાસના ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકો અનુવાદને સાંગીતિક સ્વરૂપ અપાયું છે જેની સ્વર રચના કરી છે આશિત દેસાઈએ અને કંઠ આપ્યો છે પ્રફુલ્લ દવેએ. જુના સુવર્ણયુગના હિંદી ફિલ્મ સંગીત રજનીકુમારના ઉંડા રસનો વિષય છે. મહાન ગાયકો અને સંગીતકારોની સાથેના તેમના અંગત સંસ્મરણો અને મુલાકાતો પર આધારિત પુસ્તક ‘આપકી પરછાંઈયા’ની ગુજરાતીમાં બે આવૃત્તિ થવા ઉપરાંત તે હિંદી અને અંગ્રેજીમાં પણ અનુવાદિત થઇને પ્રકાશિત થયું છે. ‘કુમાર’ માં પાંચ વર્ષ લગી સતત ચાલેલી, હિંદી બોલપટના પ્રથમ દર્શક (1931-41) નો વિગતપ્રચુર ઈતિહાસ આલેખતી તેમની લેખમાળા ફિલ્માકાશ માટે તેમને 2003 માં પ્રતિષ્ઠિત કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.સાહિત્યસર્જનના ક્ષેત્રે ગુજરાત સાહિત્ય અકાદમીના મહત્તમ મળી શકનારા પાંચ એવોર્ડ, ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના બે એવોર્ડ તેમને મળ્યા છે. ઉપરાંત કુમાર સુવર્ણચંદ્રક અને ધૂમકેતુ પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે. રાષ્ટ્રીય કક્ષાનો સ્ટેટ્સમેન એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે તો ગુજરાત સરકારના સર્વશ્રેષ્ઠ આલેખનના બે એવોર્ડ તેમને મળી ચૂક્યા છે. દૈનિક અખબાર સંઘના પણ બે એવોર્ડ તેમને મળ્યા છે. રજનીકુમારનું એક બહુ મહત્વનું માનવીય પાસું તે અખબારની કટારો દ્વારા જબરદસ્ત સમાજસેવાનું છે. તેમના આવા આલેખનોએ તળાવ અને તરસ્યા વચ્ચેના સેતુ જેવું અદ્દભૂત કામ કર્યું છે. તેમની કલમના ચમત્કારથી અનેક અનેક સંસ્થાઓ લાભાન્વિત થઈ છે. સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરીને રજનીકુમારે કરેલા આવા આલેખનોના કારણે દાતાઓએ માતબર દાનનો પ્રવાહ એવી સંસ્થાઓ કે જરૂરતમંદ વ્યક્તિઓ ભણી વળ્યો છે. રજનીકુમારની  નિયમિત કટારો દર પંદર દિવસે એકવાર-“શબ્દવેધ” શિર્ષકથી “જન્મભૂમિ–પ્રવાસી” પૂર્તિ અને ”ફૂલછાબ” પૂર્તિમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી આવે છે. તે જ લખાણ “ગુજરાત ટાઇમ્સ” ( અમેરિકા અને કેનેડા- નડીયાદ)માં રીપીટ થાય છે જેમાં તેનું નામ ‘સ્નેપશોટ’ છે. આ ઉપરાંત”દિવ્ય ભાસ્કર”ની ઇંટરનેટની આવૃત્તિમાં :ઝબકાર ગુજરાતનો નામે કટાર આવે છે  વળી તેમનો પોતાનો બ્લોગ-http;//zabkar9.blogspot.com પણ ચાલે છે રજનીકુમારના સાહિત્ય સર્જન ઉપર એક વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચડી કર્યું છે અને એક વિદ્યાર્થી હાલ કરી  રહ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓએ તેમના સાહિત્ય પર એમ ફીલ કર્યું છે. સ્થાયી ધોરણે અમદાવાદમાં રહેતા રજનીકુમાર પંડ્યાના પરિવારમાં તેમના વાર્તાકાર પત્ની તરૂલતા દવે છે. પરિણીત પુત્રી તર્જની સ્થાપત્યમાં ડિલ્પોમા હોલ્ડર છે તેમના પતિ જીગર દવે રિલાયન્સમાં ઓફિસર છે, જેમના સંતાનમાં પુત્રી અનુશ્રી છે.  


Rajesh Baraiya

72 ફોલોઅર્સ

vekariya ankur

0 ફોલોઅર્સ

Dravid Ramesh

0 ફોલોઅર્સ
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.