ડિયર ...........


સંબોધન વગરનો મારો પત્ર મળતાં જ તને નવાઈ જરૂર લાગશે એ હું જાણું છું. તારા પત્રના જવાબરૂપે મારા તરફથી પણ પત્ર મળશે તેવું તે સ્વપ્ને પણ વિચાર્યુ નહીં હોય. મેં તો એ પણ નહોતું વિચાર્યુ કે હું જવાબ આપીશ. અચાનક અણધાર્યો તારો પત્ર મળ્યો ત્યારે બે ઘડી હું સ્તબ્ધ થઈ ગઈ હતી. આપણી વચ્ચે એવી કશી ક્યાં વાત હતી કે તારે આમ પત્રમાં લખવું પડે. હું તારા પત્રને તારો ચહેરો જોતી હોય તેમ આમતેમ ફેરવીને જોઈ રહેલી. પછી જેમજેમ તારો પત્ર વાંચવાનું શરૂ કર્યુતેમતેમ હું મારા જ પ્રેમમાં ડૂબતી ગઈ. તારી નિખાલસ કબૂલાત મારી નવી જીંદગીની શરૂઆતનું કારણ બની શકે, તેવો તારો વિશ્વાસ જાણીને ગળગળું થઈ જવાયું. પત્રનું સમાપન વાંચતી વખતે આંખ રીતસર ભીની થઈ આવેલી.


કોઈ પુરુષ મને આટલી હદે ઓળખી શકે તે જ મારે માટે અચરજ સમાન હતું. અંધકારભરીરાતોઅજવાળામાં પણ પડછાયો બનીને મને ચીપકી રહે છે તેવી હારી ગયેલી જીંદગીમાં તું દીવો લઈને પ્રવેશવા માગે છે પણ આ અંધારું તને નહીં વળગે તેની શી ખાતરી? તું મારા જીવનમાં ઉજાસ ફેલાવવા આવે છે પણ મારી અંદર ફેલાયેલીરતાશનું શું? તું તેને પાળી-પોષી શકીશ ? તને તારા પર પૂરો ભરોસો છે એ હું જાણું છું પણ ઘણી મહેનત પછી મને મારા પર આવેલો વિશ્વાસ હવે હું તોડવા નથી માગતી. ક્યાંક ઉતાવળમાં તારે અને પછી સરવાળે મારે પસ્તાવું પડે તેવો નિર્ણય હું લેવા નથી માગતી. એટલે જ હું બેધડક પૂછું છું, મારા માટે થઈને તું તારી જીંદગીનું બલિદાન તો નથી આપવા માગતો ને ?


શરૂઆતમાં ઉતાવળે લેવાઈ જતાં નિર્ણયો પછી અંત સુધી વેદના આપતાં રહે છે. ક્યારેક કોઈ કચાશના પ્રતાપે તારો પ્રેમભર્યો હાથ પછી મને પરાણે ધસડતો રહે એવી કોઈ સફરનો ભાગ મારે નથી બનવું. બહારથી મખમલ સમા વ્યવહારની અંદર જો ઋજુતા ન હોય તો તેવા સંબંધો ઝાઝૂ નથી ટકતા. તને લાગશે કે હું તને શિખામણ આપી રહી છું પણ આ જીવન પ્રત્યેની મારી દ્રષ્ટિ છે અને હું નથી ઈચ્છતી કે તેમાં કોઈ બદલાવ આવે. અકસ્માતમાં પગ કપાઈ ગયા પછી જીવન વિશેનો સાચો મર્મ સમજમાં આવ્યો છે. પોતીકા છોડીને ચાલ્યા જાય તે હાલતમાંઅજાણ્યા પર કેટલો ભરોસો રાખી શકાય!


ઘણા દિવસો ડિપ્રેશનમાં રહ્યા બાદ સમજાયું છે કે વેદનાને સહારે જીવન તરી શકાતું નથી. હું તો બસ એટલું જાણું કે મારી પ્રત્યેના તારા પ્રેમનું કારણ મારો સ્વભાવ હોવો જોઈએ, નહીં કે મારી હાલત. તારા પ્રેમ પાછળ મારી પર દયા ખાઈને લીધેલો નિર્ણય જો જવાબદાર હશે તો તેવો પ્રેમ, કદાચ મને તો ખુશી આપી શકશે પણ એ દરેક ખુશી પાછળ પસ્તાવાનો રોષ પણ હશે. હું તેવા આભાસી પ્રેમમાં પડવા કરતાં અત્યારની જીંદગી જીવવાનું વધારે પસંદ કરીશ.


તને લાગશે કે હું વધારે પડતી સ્પષ્ટવક્તા છું. જો એવું હોય તો એ બાબત ઉલટાનીવખાણવાલાયક કહેવાય. પીઠ પાછળ આક્રોશ વ્યક્ત કરવાથી સંબંધો હંમેશા બગડતાં હોય છે. તેના કરતાં દિલની વાત સ્પષ્ટ રીતે કહી દેવાથી ખોટા દેખાડાથી બચી શકાતું હોય છે. લગ્નજીવનમાં મોટાભાગનીતકલીફો કહી ન શકવાની આદતોના લીધે જ થતી હોય છે. જો એકબીજાથી કઈં છૂપાવવાનું ન હોય તો જીંદગી જીવવાની સાચી મજા આવે છે. તને લાગશે જ કે હું વધારે પડતી નિખાલસ છું પણ આ નિખાલસતા મને ઘણી વેદના બાદ મળી છે.


તારો ભાવભીનો પત્ર વાંચ્યોતેમતેમ મને મારા જ વિશે એવી વાતો જાણવા મળી જે કદાચ હું નહોતી જાણતી. હજી હમણાં સુધી મારા ભાઈના મિત્ર તરીકે હું તને ઓળખું છું. મારી યાદોમાં આવતાં એક ચહેરા તરીકે મેં તને કદી જોયો નથી. જેટલું મળ્યા છીએ તે પરથી તારો સ્વભાવ જાણી શકી છું પણ તારું અંતર કેવું છે એ હજી ક્યાં ઓળખી જ શકી છું. તને પૂરેપૂરો હજી મેં ઓળખ્યો જ નથી છતાં એ બાબત કાબિલેદાદ છે કે આટલા ટૂંકા સમયમાં તે મને સંપૂર્ણ ઓળખી લીધી છે. આપણી વચ્ચે મિત્રતા જેવું'ય છે એ તો હું જાણી જ શકી નહીં અને તું મારા પ્રેમમાં પડી ગયો તે વાત મને જરા અચરજસમી લાગી.


જો કે પત્રમાં મારા અસ્તિત્વ વિશેની તારી વાતો સિવાય અન્ય બાબતો મને મૃગજળ સમી લાગી. હું જાણું છું કે કદાચ તે તારી લાગણીઓને સાચા રસ્તે જ વહાવી હોય પણ સમય કદી સરખો નથી રહેતો. લગ્ન પહેલા આપવામાં આવતા ઘણા ખરાં વચનો લગ્ન પછી જલ્દી તૂટી જતાં હોય છે. હું તેવા ડગુમગુ થતા વચનોના પૂલ પરથી પસાર થવાને બદલે વિશ્વાસની હોડી થકી જીવનનૈયા પાર કરવાનું વધારે ઉચિત સમજીશ.


આપણે એકબીજાને ચાહતાંહોઈએ તો એકબીજાની ભૂલ પણ સ્વીકાર કરતાં શીખવું જોઈશે. તું લખે છે કે તું મારા સ્વભાવથી સૂપેરે પરિચિત છે પણ આજે મારે તને મારો સાચો પરિચય કરાવવો છે. હું માનું છું કે તમે જેવા છો એવા જ તમને કોઈ ચાહી શકે તો પ્રેમ સાચો. હું તારા માટે મારી જાતને બદલી નહીં શકું કે તને બદલવા માટે આગ્રહ કરી શકીશ નહીં. આપણે એકબીજાને જેવા છીએ તેવા ચાહશું તો જ પ્રેમની ઉંડાઈને જાણી શકીશું.


હું કદી કોઈના પ્રેમમાં પડી નથી. મારી શારીરિક તકલીફ જોતાં કોઈ મારા પ્રેમમાં પડે એ વાત પણ હસવા જેવી લાગે. તારો પત્ર એટલે જ મારી આંખમાં ભીનાશ છાંટી ગયો. તારા પત્ર પરથી તું મને ઘણો ગમવા લાગ્યો છે. તારી ભાષા પરથી તારુ અંતર કેવું હશે તેનો આછોપાતળો ખ્યાલ તો આવી રહ્યો છે. એક રણપ્રદેશમાં પાણી માટે ઝૂરતા પ્રવાસી જેવી મારી હાલત છે એનો ખ્યાલ તને કેવી રીતે આવ્યો હશે ? તે કહ્યું છે કે તે પ્રેમપ્યાસબૂઝાવવા તું પ્રયત્ન કરશે જ. મને આ શબ્દ ખાસ ગમ્યો. પ્રયત્ન જ જીવનને શ્રેષ્ઠ બનાવે છે. કોઈ વ્યક્તિ સો ટકા સંપૂર્ણ નથી હોતી. વ્યક્તિને ઉણપ સાથે અપનાવી શકીએ તે પ્રેમ સર્વશ્રેષ્ઠ કહી શકાય.


તારા વિશે હું બીજી વાત પણ ખાસ કહેવા માગુ છું. તારા શબ્દોના લય પરથી મને જાણવા મળી છે તારી જીંદગી. અટપટાશબ્દોની માફક મને એવું લાગે છે કે તારી જીંદગી પણ ક્યાંક અટપટી ને ભારેખમ બની ગઈ હશે. ચારે તરફથી ઘેરાયેલા માનવ પાસે પ્રેમ જ છેલ્લો આધાર બની રહેતો હોય છે. બની શકે કે તને આ પહેલા પણ પ્રેમ થયો હોવો જોઈએ. જો તું તેવા કશા પ્રેમની મારા તરફથી અપેક્ષા રાખતો હોય તો હું એકરાર કરું છું કે હું તને એવો પ્રેમ નહીં આપી શકું. હા એટલું જરૂર કહી શકું કે હું તને મારામાં પૂરેપૂરોઓગાળીદઈશ. તારી જીંદગીમાં પ્રેમની વસંત બનીને આવવા તૈયાર છું પણ એક જ શરતથી કે તારે મને વધારે ઓળખવાનો પ્રયત્ન કરતું રહેવું પડશે. જો આપણે એકબીજાને દિલથી ઓળખી લઈશું તો આપણી વચ્ચે પાનખરનો અવકાશ નહીં રહે અને જો ક્યારેક પાનખર આપણી જીંદગીમાં આવી પણ ગઈ તો એ પાનખર વખતે પણ આ વસંત હંમેશા તારી સાથે ઢાલ બનીને ઉભી જ રહેશે.


દરરોજ નવો દિવસ ઉગવાની સાથે આપણી વચ્ચે નવી ઓળખાણ થશે તો આપણો પ્રેમ વધુ મજબૂત બનશે તેવું હું માનું છું. આ નવી ઓળખાણ આપણને નવો સંબંધ આપશે.


આ પત્રમાં લખાયેલાશબ્દોની વચ્ચે છૂપાયેલી ભાવનાને મારી જીંદગીનો સારાંશ માનજે. આ પત્રને મારા અંતરમનની પૂરેપૂરી ગઝલ માનજે. બને તો વારંવાર વાંચજે અને પછી જ નિર્ણય લેજે. તને લાગે કે હું તારા માટે યોગ્ય છું તો મને સાદ આપજે. તારા આવવાનાં એંધાણ આપજે તો હું દુલ્હનની જેમ સજીને તારા ઘરને આપણું બનાવવા તૈયાર થઈ જઈશ. નવા ઘરમાં નવા સંબંધોની મીઠાશ લઈને તારા દિલની ભીંતો પર સંવેદનાના થાપા મારવા હું કંકુવર્ણા હાથે દોડી આવીશ.


રહી વાત સંબોધનની તો તને થશે કે આટલી લાગણીઓ વ્યક્ત કરવા છતાં મેં તને દિલથી કેમ કોઈ સંબોધન ન કર્યુ. કહેવાય છે કે ક્યારેક અમૂક સંબંધોને નામ નથી આપી શકાતાં. કદાચ આપણો સંબંધ પણ એવો જ છે. નામ વગરના સંબંધને આપણે કઈ ઉપમા આપીશું? અહીંથી જીવન નવી શરૂઆત પણ કરી શકે છે જે હવે તારા હાથમાં છે. આ નવા સંબંધને શું નામ આપીશું એ પણ લખી જણાવજે અને આ પત્રમાં લખાયેલાશબ્દોને મારા હોઠના વ્યંજન ગણી તારી ચૂમીઓથી ભરી દે જે.


જેને તું ચાહવા લાગ્યો એ તારી જ .......

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.