આઉ.. બા બા બા..

મમમ. મંમ

મારી ખૂબ વહાલી મારા ઘરની વ્યક્તિઓ,

દાદા, દાદી, પાપા મમ્મી અને ઘરના સહુ


મને લખતાં આવડે છે? આશ્ચર્ય થાય છે ને? જો અભિમન્યુ યુદ્ધ વિદ્યા ગર્ભમાં શીખ્યો હોય તો હું લખતાં, અરે લેપટોપ પર શ્રુતિ ફોન્ટ માં પત્ર લખી શકું એમ નવાઈ શેની?

હું તમારું નવજાત 1 વર્ષ નું થવા આવેલ જીવતું રમકડું. તમારો દેવ નો દીધેલ.


હું આખરે માણસ ની 2017 ની આવૃત્તિ છું. મને ઘણું આવડે છે અને ઝડપથી આવડશે પણ દુનિયા, જેમાં હું આવ્યો છું, એ મને ખુબ ઝડપથી બધું શીખવા ને અમલમાં મૂકવા દોડાવવા, ભગાવવા માંગે છે.

સ્પર્ધા? મને ખબર છે, બાજુવાળાની બેબી રીખતા શીખે અને હું નહીં તો મમ્મી, તું મને હાથ પકડી ધીમેથી ધસડે પણ છે. કે.જી. માં ત્રીજો નંબર આવશે કે મમ્મી તારી આંખો ભીંજાઈ જશે, સામેવાળા નો બાબો કરાટે શીખે તો મારે કરાટે શીખી ફાઈટ આપવાની, બે મકાન દૂર નો બાબો “પેઇન્ટિંગ”(એટલે કે બસ આમ તેમ અવનવા રંગો ના લસરકા, એના મમ્મીને બાબાનું માર્કેટિંગ સારું આવડે છે.) શીખે એટલે મારે શીખવાનું.. એક મોડેમ જે સ્પીડ આપે એ બીજું આપેછે? એક કાર જેવો એ જ મોડેલ ની બીજી નો પિક અપ હોય છે?જો બે મશીન બધી રીતે સરખા ના હોય તો માણસ કઈ રીતે હોય?

હું વાત કરૂં છુંં બીજા સાથે સરખામણી ની કે તમારી ઈચ્છાઓ મુજબ મારુ જીવન ઘડવાની.

મને ખબર છે મારે શ્રેષ્ઠ થવાનું છે પણ ક્યાં ક્ષેત્ર માં? એ માટે તમે મને આંગળી ચીંધજો જરૂર, હાથ પકડી લઇ જશો નહીં. આંગળી પકડી જ રાખી સાથે ને સાથે ચાલશો નહીં કે આંગળી, ઇવન હાથ પકડી ધસડશો નહીં. કેટલાંક માં બાપતો વર્ચ્યુઅલ ધક્કો જ મારે છે.

હું એક જીવતું જાગતું માણસ છું ભલે નાની સાઈઝ નું. બીજાથી અલગ ખૂબી, ખામી ધરાવતું . ભલે એના જેવા જ હાથ, પગ ,શરીર, વાચા ,એમને મળતું વર્તન હોય.

હા હું તમારું રમકડું છું.જેવા આ ટ્રેન, ડ્રમ વગાડતો જોકર મારાં છે. પરંતું તમને હું જીવતું રમકડું એથી ક્યાંય વધુ પ્રિય છું જેટલાં મને એ ટ્રેન કે જોકર છે. રમી લો મારા થી, પછી એ વેળા નહીં આવે. જે આપાધાપીમાંથી તમે પસાર થયાં એનાથી નવા જ પ્રકારની વિટંબણાઓ, સ્ટ્રેસ, સંઘર્ષ મારે ભાગે આવશે.

અત્યારના પપૂડા ના અવાજ અને ઘૂઘરા ના અવાજ દુનિયાના શોર બકોર અને સૂચનાઓ નો ભેદ સમજાવશે, અત્યારનું બોલ કેચ કરવું જિંદગી ની તક ઝડપતાં શીખવશે, અત્યારે બેસતા ગબડી પડું તો કૈંક પકડતા તમે શીખવોછો, એ જિંદગી ની ઠોકર માં મને પોતાને સંભાળતા શીખવશે.

મને મારી રમતો રમવા દો, મને જુઓ અને નવી રમતો થી પરિચિત કરાવો. તમે મને જે રમતો જોવા ઈચ્છો એ ના રમું તો જુઓ હું શું કરું છું. પણ પરાણે તમે કૈક તમારી પસંદનું રમાડો નહીં. હું એટલે જ રડવા લાગુ છું કે જો મારી પ્રિય રમત ને બદલે કોઈ રમાડે એ રમવું પડે.


હવે હાલરડાં નો યુગ આથમી ગયો છે પણ પેલું હાલરડું શિવજીનું મેઘાણીએ લખેલું યાદ છે ને” પોઢી લેજે મારા બાળ પેટ ભરીને .. કાલે કાળા જુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાંય ના રહેશે” તમારી ઊંઘ દાદા દાદી કરતાં બે કલાક ઓછી થઈ ગઈ છે, મારી પેઢીની એથી પણ ઓછી હશે. અત્યારે મને સુઈ લેવા દો.


હું રોબોટ માનવો, ઝોમ્બીઓ ના યુગ ના નજીક હોવા પર જનમ્યો છું. કોઈ એક કામ બતાવોકે સંપૂર્ણતા થી કરવાનું, ઝડપથી કરવાનું.

સ્કૂલ ની સ્પર્ધા, મિત્રો માં લીડર થવા ની સ્પર્ધા, અવ્વલ નંબર ની ગળાકાપ સ્પર્ધા, ધો. 10, 12 ની વૈતરણી, અને મારા પૌત્રો સુધી અનામત તો નહીં જ ગઈ હોય એટલે બિન અનામત વર્ગ માં જન્મી જે થાળીમાં નશીબ દ્વારા પીરસાય એ , મેં પૂરતું સારું રાંધ્યું હોય તો પણ ખાવું પડશે, જે પાટો દિશા જાણતો હોવા છતાં મને સિગ્નલ મળે એ જ પાટે ગાડી દોડાવી જિંદગીની આર્થિક, સામાજિક ઊંચાઈ મેળવી જીવન નો સ્વાદ લેવો પડશે.

મને બધી ખબર છે. હું ચોક્કસ મારુ સ્થાન નક્કી કરીશ, એ માટે દોડીશ, ઠેબા ખાઈશતો તમે જ મારો હાથ ઝાલશો એ ખાતરી છે.પણ હંમેશાં ઠેબા ખાતો બચાવવા તેડીને જ ફરશો નહીં.

અત્યારે મને રમી લેવા દો, જીવન ના દરેક તબક્કે હું બીજાથી અલગ એક માણસ છું એ મન માં રાખી મને વિકસવા દો.

બે સોફા વચ્ચેથી કાણામાં થઈ નાના મમ્મી પપ્પાઓ જોવાની મને મઝા આવે છે. જૂની મમ્મીઓ અ કર્ણપ્રિય અવાજે ગાતી એને બદલે સુરીલા રેડીઓ કે મ્યુઝિક સિસ્ટમ ના ગીતો થી સૂવું મને ગમે છે. મારા રમકડાં ને છાતી સાથે ચાંપવા કે તમારી છાતીએ ખાસ તો પપ્પાની પથ્થર શી કડક છાતી કે મમ્મી ની પોચી દૂધ ભરેલી છાતી સાથે ચંપાવું ગમે છે, આકાશના પંખીઓ જોવા કે ટોય ટ્રેન ની બેબી રાઈડ માં બેસવું ગમે છે. હમણાં મને એ જ કરવા દો, તમે પણ મારાથી રમી લો. બહુ થોડો વખત મળશે એ માટે. મારી જિંદગી બહુ ઝડપથી શૈશવ ઓળંગી આગળ નીકળી જશે.

જીવન ના દરેક તબક્કામાં રોકેટ શટલ ફાયર થઈ નીચે ફેકતું ને ઉપર જતું જાય એમ હું પાછલું ફેંકી આગળ જઈશ પણ મારી રીતે. મારી સફળતા નો ગર્વ જરૂર કરજો, મારા ગમ માં માથે હાથ ફેરવી તે ઓછો કરજો પણ કુકડા લડાઈ ની જેમ મને બીજા સામે ઉતારશે નહીં. ઉપર સ્વર્ગ માં કેટલાય જીવો મળેલા જે મા બાપ ની ઈચ્છા પૂરી ના થતા હતાશ થઈ આપઘાત કરી ઉપર આવેલ.

હું હું છું. મને વહાલ કરજો, વખતે વખતે દુનિયા ના સ્વિમિંગ પુલ માં ફેકજો જેથી હું જાતે તરી શકું પણ અમુક ઝડપે તરી અમુક જગ્યાએ પહોંચું નહીં તો મને નિષ્ફળ ગની પોતે દુઃખી થતા નહીં. તમારી વિશ મારી પર ઠોકી ન બેસાડતા.


સદાયે તમારો થવા આવેલો

તમારો 1 વર્ષ નીચેનો બાબો

વાઉ.. બબ બબ.. ટાટા.. ઘુ ઘુ..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.