‘અરે યાર કોઈ આ એકલી શરણાઈની ડિવીડી ના વગાડતા હોં મારા લગન વખતે. મેં ઇન્સ્ટ્રુમેન્ટલ આપ્યાં છે એમાં શરણાઈ સાથે તબલાં, ગિટાર અને બીજાં ઘણા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું કોમ્બિનેશન છે.’
‘આ છોકરી પણ ખરી છે. કેટલું પરફેક્શન હોય લાઈફમાં. ઓફિસ ઓછી છે આ?’
‘મમ્મી તારી આ જર્નલિસ્ટ દીકરીએ લગનના પાંચેય પાંચ ફંક્શનના રનઓર્ડર સુદ્ધાંની લખેલી કોપી કઢાવીને નથી આપી દીધી? તમને પણ મળી છેને? વળી એમાં પૂજાપાથી માંડીને પહેરામણી સુધીનું બધું લખેલું છે. આ કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ છે કે ઘરમાં લગ્ન? ખરી છે. મિલિટરી શાસન ચલાવે છે અને દોડાવે છે બધાને... પેલા એના થનારા પતિનેય ઉંચકાવ્યો ‘તો. તુષાર તારા ફલાણા ઝભ્ભા સાથેના મેચિંગ ચંપલ લેવાના બાકી છે. લગ્નના ચાર દિવસ પહેલાં બંને માધુપુરા માર્કેટમાં રાત્રે દસ વાગ્યે જે છેલ્લી દુકાન ખુલ્લી હતી એમાંથી ચંપલ વીણતા હતા?’
‘હા તો? શું થયું સારા લાગીએ એવું પહેરવા રહેવા પર પાબંદી છે? વળી, મને કોઈ પર ભરોસો નથી એક વસ્તુમાં ગરબડ કરો તો મારું માથું ફાટવા માંડે. પરફેક્શન તો હોવું જોઈએને? બધું બરાબર થવું જોઈએ અને હોવું જોઈએ. આફ્ટરઓલ આ મારાં લગ્ન છે. ખુશાલી દવેના.’
‘હા પણ સાસરે આવું પરફેક્શન ન પણ હોય કે તું જ પરફેક્શનમાં નહીં રહી શકે તો?’
‘બને જ નહીં. અમે બંનેએ અમારા સ્વભાવ, મિજાજ, નોકરી, પસંદ, નાપસંદ અને એકબીજાના ઈગોને મેન્ટેઈન કરવાના નિર્ણય સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. અમને બંનેને અમારા પર અને બંનેના પરિવાર પર પૂરેપૂરો એટલે પૂરેપૂરો ભરોસો છે કે કંઈ ઘટે નહીં એમાં.’
‘બસ, હવે બહેન આજે સંગીત સંધ્યા છે અને સંધ્યા થવાને બહુ વાર નથી. રેડી કર બ્યુટિપાર્લરમાં લઈ જવાનું હોય એ તારું બધું.’ લગનિયા શોરબકોર વચ્ચે ઘરમાં સંગીત સંધ્યામાં જવા માટેની વ્યવસ્થાઓ ગોઠવાતી હતી ત્યાં જ ડોરબેલ રણકી. ખુશાલીએ જ બારણું ખોલ્યું. તેની મિત્ર વર્ષા સામે ઊભી હતી.
‘ઓહ, વાઉ... આ તો સરપ્રાઈઝ છે. તને મારા લગ્નમાં આવવા માટેનો સમય મળી ગયો વરસી? આયહાય, કમ સે કમ નોકરી અને ઘરમાંથી તને મારા લગ્ન માટે ફુરસદ મળી ખરી.’
‘હા, બહુ પ્લાનિંગ કર્યું, પણ નક્કી કર્યું હતું કે તારા લગ્નમાં તો આવવું જ છે. ખાસ તો મારે જોવું હતું કે તેં કોને હા પાડી અને તને કોણે હા પાડી.’
‘હા તે જોજેને તારી સગ્ગી આંખે જ જોજે બહેન. પહેલાં આવ તને મારા ઘરના લોકો સાથે મેળવી દઉં. આ મારી મમ્મી મંદાકિનીબહેન, મારી ફોઈ પલ્લવિકાબહેન, મારો ભાઈ નિર્મલ, મારી ભાભી પ્રાચી અને પપ્પા નહાવા ગયા છે.
મમ્મી, આ વર્ષા છે. અમે સુરતમાં સાથે જોબ કરતા હતા, પણ ક્યારે જોબ મૂકીને ચાલી ગઈ એ ખબર જ ન પડી. ત્રણેક મહિનામાં જ જોબ છોડી દીધી હતી એણે. અત્યારે બેક ઓફિસર તરીકે એક કંપનીમાં જોબ કરે છે. હેને?’
‘હા, સુરતમાં જ એક કંપની છે એમાં. સાથે ગવર્નમેન્ટ જોબ માટેની એક્ઝામની તૈયારી પણ કરું છું.’
‘અરે, બંને ખુશીના રૂમમાં જ જાઓ.’
‘હા, વર્ષા ચાલ હું સાંજે સંગીત સંધ્યામાં પહેરવાની કપડાંની બેગ જ વ્યવસ્થિત કરતી હતી. મારી સાથે સાંજ માટે બ્યુટિપાર્લરમાં કોણ આવશે એ નક્કી નહોતું. તું છે તો તું જ આવજે. તારે બ્યુટિ ટ્રીટમેન્ટ બાકી જ લાગે છે. પ્રાચી ખબર છે? આ એની હાફ નેલપોલિશ તો ઓફિસમાં ફેશન સિમ્બોલ બની ગઈ હતી. એને નેલપોલિશ કરવી બહુ ગમે છે, પણ હંમેશા બહેન હાફ નેલપોલિશમાં હોય.’
‘એમ? તમને હું મારાં શેડ્ઝ પણ બતાવીશ. થોડાં વાયબ્રન્ટ છે, પણ સારા લાગશે.’
‘હા, ચોક્કસ. મને નેલપોલિશ કરવી બહુ ગમે, પણ સમય જ નથી મળતો. વળી આંગળીઓમાં વાઢિયા થઈ જાય છે અને ક્રિમ પણ લગાવવાનો સમય નથી રહેતો. ત્વચાગરમી જેવું પણ રહ્યા કરે છે. બાકી મને તો હાથ અને પગ બંનેના નખમાં નેલપોલિશ કરવી ગમે.’
‘સારું સારું લે આ હુંફાળું પાણી તૈયાર જ છે. એમાં થોડી વાર પગ બોળીને ખોટી ચામડી નીકળે એટલી કાઢી નાંખ અને તને ગમે એવી નેલપોલિશ કર. આપણી પાસે હજી પણ સમય છે.’
ખુશાલીએ ગરમ પાણીનું ટબ ભર્યું. બંને ટબ લઈને ખુશાલીના રૂમમાં ગયાં. ખુશાલીએ લગનનો સામાન ભરેલો હતો એ રૂમમાંથી સંગીત સંધ્યામાં પહેરવાના કપડાં અને ઘરેણાં સાથે બધું જુદું તારવવા માંડ્યું.
‘બોલ વર્ષા. બાકી શું ચાલે જિંદગીમાં.’
‘ચાલ્યા કરે છે બસ. સાચું કહું, આપણી ઓફિસમાં કામ કરતા હતા ને પેલા હિતેશભાઈ એ એક દિવસ બજારમાં મળ્યા હતા. એમણે કહ્યું હતું કે, ખુશીના લગ્ન થવાના છે. તમને કંકોતરી આવી? ત્યારે હજી મને કંકોતરી મળી નહોતી તારી. મને તો એમ હતું કે હું તો ટ્રેઈની હતી તે તું મને ભૂલી જ ગઈ હોઈશ, પણ તારી કંકોતરી આવી. એ પહેલાં મને ઊંડે ઊંડે હતું પણ ખરું કે તું તો મારી મોટી બહેન જેવી કહેવાય. તને ફોન કરું કે મારે તારા લગ્નમાં આવવું છે, પણ તારો નંબર મારી પાસે નહોતો. તારું એડ્રેસ પણ નહીં. બાકી તને આટલા વખતમાં કાગળ લખત. વળી કોઈની પાસેથી એ લેવા જવાનો સમય મળે નહીં. મને તો માન્યામાં નહોતું આવતું કે તારા જેવી છોકરી લગ્ન કરે. એમાંય તારા વિચારો અને મગજ ઘણા આકરા પહેલેથી. એટલે તું હંમેશા લગ્ન માટે કદાચ ‘ના’ કહેતી રહી હોઈશ. અમે તો તને ઓફિસમાં પણ કહેતા નહીં કે લગન કરવા જોઈએ. સારું થયું કે તું જીવનમાં આગળ વધી.’
‘હા, પણ બધું યોગ્ય લાગ્યું એટલે...’
‘હાસ્તો, તારા લગ્નનું સાંભળ્યું ત્યારથી વિચાર આવે છે કે તું કહેતી કે, પરિસ્થિતિ કોઈ પણ હોય જોયા જાણ્યા વગર તો લગન ન જ કરવા જોઈએ. એમાં પણ આપણા જેવી વિચારી શકતી હોય એવી પત્રકારોએ તો નહીં જ. એટલે તેં શોધેલા જીજાજીમાં કંઈ કહેવાપણું નહીં જ હોય એમાં હું શ્યોર છું.
‘હા અત્યારે તો મને બધું સારા સપના જેવું લાગે છે સાચ્ચે.’
‘પણ, સપનાથી વાસ્તવિક્તા અલગ હોય છે ખુશી જીવે એ જાણે. મેં તને મારા ઘરની સ્થિતિની બધી વાત કરી હતી. યાદ છે તને? તું મને બહુ યાદ આવતી. એટલે તો અંતે પેલા ભાઈ પાસેથી તારે નંબર લીધો હતો ત્યાં તારી કંકોતરી આવી. મને ખબર હતી કે તારા લગનમાં તને સમય નહીં હોય છતાં મને થયું કે જેટલું મન હળવું થાય એટલું તારી પાસે કરવું છે. ભલે ને વીસેક મિનિટ મળે.’
‘હા તે કહેને લે એમાં શું? હું નથી જાણતી તને કે તું ગમે ત્યાં મન ઠાલવી નાંખે એવી નથી. નખ પર હાફ નેલ પોલિશ સાથે જીવતી રહીશ, પણ જિંદગી પર પોલિશ કરીને સુખી છે એ દેખાડવાનું ક્યારેય નહીં ચૂકે.’
‘હા, કોની પાસે ઠલવું મનની વાત? મા હોય તો માને કહેવાય. તને તો ખબર જ છે ને? મારી મમ્મી તો અમે ત્રણેય બહેનો નાની હતી ત્યારે જ ગુજરી ગઈ હતી. અમને ત્રણેય બહેનોને પપ્પાએ જ મોટી કરી છે. કલોલમાં રહેતાં તો પણ ભણાવી ગણાવી છે. પછી હું અમદાવાદમાં જર્નલિઝમ ભણી અને સુરતમાં મારું નક્કી કર્યું ને પછી સાસરિયા નોકરી કરવા દેવા રાજી હતા એટલે લગ્ન લેવાઈ ગયાં. એ પણ થોડાં જ સમયમાં.’
‘હા, પણ વર્ષા પછી તેં નોકરી કેમ છોડી દીધી હતી? એ તો તારી ડ્રીમ જોબ હતી. એ આજે પણ સમજાતું નથી? મને હંમેશાં તારો વિચાર આવતો ત્યારે થતું કે આ છોકરીને તો નામાંકિત પત્રકાર અને પછી એડિટર બનવું હતું. વળી તારું લખાણ અને રિપોર્ટિંગ પણ સારું હતું. તો જાતે કરીને શા માટે સામેથી જોબ છોડી મૂકી? કોઈ પણ પરિસ્થિતિમાં તું એટલી નબળી તો કેવી રીતે પડી ગઈ કે કરિયરને જ હોમી.’
‘હા, મેં જ હોમી દીધું. બધું. ઘણીવાર મને થાય છે કે તું સાચું કહેતી હતી. આપણે છોકરીઓ શા માટે લગ્ન કરીએ છીએ? તું ઘરે આવી હતી ત્યારે મારા સાસુ સસરાએ તને પણ નહોતું કહ્યું કે, બહેન આજે ઘરે મહેમાન આવવાના છે. સામાજિક જવાબદારી તો વહુ તરીકે નિભાવવી જોઈએને? ભલે પત્રકાર હોય તો પણ? મારા જોબ છોડવાના આગલા દિવસે જ આ જ વહુની સામાજિક જવાબદારીએ માથું ઉંચક્યું હતું. તને યાદ છે? સવારે સાડા નવ વાગે રિપોર્ટિંગ માટે જવાનું હતું? હું સવા નવે રેડી થઈને હજી તો ઘરની બહાર નીકળતી જ હતી અને મારા સસરા કહે કે, હમણાં દસ વાગ્યે મહેમાન આવવાના છે. પહેલી વખત તને મળશે. એમને મળ્યા વગર નોકરીએ જઈશ તો તું અભિમાની છે એવું લાગે. હું શું જવાબ આપું એ સમજાયું નહોતું એટલે ઓફિસમાં રિપોર્ટિંગ માટે એ દિવસે તો મેં તને ફોન કરી દીધો હતો કે આટલું સંભાળી લેજે. સગા વધુ રોકાવાના હતા તેથી મમ્મી એમની સામે જ કહે કે એક દિવસ રજા મૂકી શકે, બેટા? આમેય આવા કોઈને કોઈ કારણોસર હું મહિનામાં ત્રણ ચાર રજાઓ ક્યાં નહોતી લેતી?, પણ ખુશી આમ નોકરી કરતાં મારો આત્મા ડંખતો હતો. ક્યારેક એવું બનતું કે પહોંચી જ ન વળતી અને મને કોઈ સમજતું જ નહીં ઘરમાં. મારો વર પણ નહીં. એટલે જ ત્યારે મેં ફોન પર જ સરને કહી દીધું હતું કે સર કાલથી જ હું નહીં આવી શકું.’
‘તે અત્યારે જોબ તો કરે જ છે ને તું?’
‘હા, મેં પહેલી જોબ છોડી પછી આવક બંધ થઈ તો ઘર ચલાવવામાં તકલીફ ઊભી થઈ હતી. મારા વરથી માંડીને સસરા બધાંયને મારી કમાણી તો વહાલી છે જ, પણ નોકરીનો સમય તો હંમેશાં કઠતો એમને. સાસુ આજે પણ ત્યારે હતા એવાં જ છે. ત્યારે તું મને સમજાવતી ને હિંમત આપતી કે સ્ત્રીઓ પહેલાં જેવી નથી ને સ્ત્રી હોય કે પુરુષ બધાં સરખાં, પણ ખુશી જમાનો સો વર્ષ પહેલાં હતો એવો જ છે. સાવ જડ. લોકો ન સમજે એવા જ. ઉપરથી હવે તો વહુ નોકરી કરતી હોવી જોઈએ, પણ ૧૦થી ૬ સુધીની નોકરી કરતી હોવી જોઈએ. વાઇફ કે વહુની પરિસ્થિતિ આજે પહેલાં કરતાંય ખરાબ હોય છે. તમને તમારી જ સમજ જેવો વર અને સાસરિયાં મળવા મુશ્કેલ છે. મોટેભાગે આજે તો નોકરી કરતી સ્ત્રી કમાતી કામવાળી જ હોય. જેમ નખને સુંદર દેખાડવા પોલિશ કરતી રહેવી પડે એમ આજે ઘણી એવી સ્ત્રીઓ હશે જે હાફ નેલપોલિશમાં દેખાશે, પણ જિંદગીને પોલિશ કરીને પોતાની દુનિયા ચમકાવતી રહેશે. બિચારી કેટલીય મારા જેવી હશે કે કમાય પણ ખરી અને નોકરીએથી આવીને ઘરનું વૈતરું પણ કરે.’
‘...પણ શા માટે આવું? એક વખત તો સમજાવ તારા સાસરિયાઓને?’
‘તું સમજદાર પત્રકાર છે, પણ સમજદાર ગૃહિણી બનવાને વાર છે હજી તારે. ભારતમાં મોટાભાગના મધ્યમ વર્ગીય સાસરિયા માટે આ બધું સામાન્ય છે. અમે તો અમારી વહુને નોકરી કરવાની ‘છૂટ’ આપી છે. દરેક રહેણીકરણી અને વિચારો જે હાનિકારક નથી હોતા, અયોગ્ય નથી હોતાં, એના માટે પણ આજેય વહુએ ‘છૂટ’ લેવી પડે છે. ખુશી આ તો ઘર ઘરની કહાની છે. વળી, આ મુદ્દો એટલો સામાન્ય હોય છે કે એના માટે આકરા થઈને સંબંધો તોડીને પૂર્ણવિરામ પણ ન મૂકી શકાય. એવું જો થાય તો ભારતમાં મોટાભાગના લગ્ન ટકે નહીં. એના માટે તો માત્ર કોઈક પાસે મન ઠલવાઈ જાય એટલું પૂરતું. ઘરસંસારનું ગાડું તો આમ જ ગબડ્યા કરે.
ખરેખર તો આજે પણ સદીઓ પહેલાંની જેમ જ સ્ત્રી પુરુષના ભેદ છે. સ્ત્રી સ્ત્રીની દુશ્મન એમ જ નથી કહેવાતી. તું કહેતી ને કે સ્ત્રી હોય કે પુરુષ બધા અંતે માણસ અને માણસની જેમ જ રહેવું જોઈએ, પણ આજે પણ મારા સાસુને એમ જ થાય કે, ઘરનું ને મારા દીકરાનું બધું કામ પણ હું કરું. નોકરી કરીને કમાઈને ઘરમાં આર્થિક મદદ પણ કરું. એ ક્યારેય નહીં સમજે કે એના દીકરાની જેમ મારી પણ નોકરી છે. કારણ કે એ ઘરમાં બધા માણસ છે, પણ હું ‘વહુ’ છું.
ખરેખર તો આપણા સમાજમાં બદલાવ નથી આવતા એનું કારણ એ છે કે, સાસુએ વહુને સહનશીલતાની મૂર્તિ બનાવી દેવાની ટ્રેનિંગ આપવાની હોય છે. ‘‘એેને તો બધું ચાલે.’’ ભલે હું નોકરી કરું, પણ ઘરે આવું ત્યારે હું એટલી ફ્રેશ હોવી જોઈએ કે હસતા મોઢે બધાને મનભાવતું બનાવીને જમાડી શકું.
વહુ ફ્રી બેઠી હોય એ આપણા સમાજને સ્વીકારવું લોઢાના ચણા ચાવવા જેવું છે. ક્યારેય સમાજ એ સ્વીકારી નહીં શકે કે વહુ પણ ફ્રી પડે. તું હંમેશા કહેતી કે સ્ત્રી પુરુષના ભેદભાવ વળી કેવા? બધાએ માણસની જેમ પરસ્પર હળીમળીને એકબીજાની સ્વતંત્રતા જળવાય એમ રહેવાનું હોય, પણ તારા વિચારે આ જગ ન ચાલે. આજેય સમાજ પુરુષપ્રધાન જ છે. આજેય મારા સાસુને થાય છે કે એમનો દીકરો નોકરીએથી આવે એટલે એની પત્ની એને પાણી આપે, પણ હું નોકરીએથી આવું ત્યારે? એ ક્યારે એ સમજશે કે વહુ પણ નોકરી કરે છે અને થાકે પણ છે. ખુશી, ક્યારેય એમણે કે પરિવારમાંથી કોઈએ હૂંફથી પૂછ્યું જ નથી કે ‘‘તું જમી?’’ ‘‘તને શું ભાવે?’’ ત્યાં સુધી કે મારા વરે પણ ક્યારેય મને પૂછ્યું નથી કે ‘‘તારી ઇચ્છા શું છે?’’, ‘‘તને શું જોઈએ?’’ ‘‘તું જમી?’’ હું એના કરતાં ઓછું કમાઉં છું, પણ આઠ કલાક કામ તો મારેય કરવાનું જ હોય છે ને? સાંજે થાકીને ક્યારેક કોઈ પ્રશ્ને હારીને ઓફિસેથી ઘરે પહોંચતા સવા છથી મોડું થાય તો સવાલ ઊઠે કે ક્યાં મોડું થયું? સાંજે બધા જમી લે પછી જમવાનું ને રસોડું પતાવીને ઊંઘવા જઈએ તો વર કહે ‘‘આજે તો ઓફિસમાં બહુ કામ હતું. થાક લાગે છે.’’ મને થાય કે ‘‘આમને કહું કે બબ્બે નોકરી કરું છું એ તમને ક્યારે દેખાશે?’’ એક તો આઠ કલાકની અને પછી જે સમય બચે છે એમાં તમારી અને તમારા કુટુંબની ગુલામી. મને ક્યારેય તમે કીધું છે કે ‘‘તને થાક લાગે છે?’’ તમને તો તૈયાર ભાણે જમવા મળે છે અને જમીને તારી થાળી ઉપાડીને ડાઈનિંગ ટેબલ પર મહોતું પણ હું મારું છું.
માણસ કમાય શેના માટે સુખેથી બે રોટલા ખાવા માટે, પણ હું તો કમાઉં એ એક પણ પ્રશ્ન વગર તેમના હાથમાં મૂકી દઉં છું. કારણ કે મારા પપ્પાની પરિસ્થિતિ આર્થિક રીતે બહુ સારી નથી તે ક્યાંક હું એમની મદદ નહીં કરતી હોઉં એવી શંકા થાય છે.’
‘અરે, પણ તું આટલી દુઃખી હતી તો આ વ્હોટ્સએપ કે ફેસબુકના જમાનામાં ક્યારેક તો કોન્ટેક કરાય ને?’
‘મારા હસબન્ડને હું ફેસબુક કે વ્હોટ્સપ પર હોઉં એ નથી ગમતું એટલે હું એ બધા પર નથી. તું હવે ફિલ્ડમાં અનુભવી પણ છે. સારું કમાતી, સ્વતંત્ર અને ફિલ્ડમાં તારું નામ પણ છે એટલે તું જાતે આ બધું કરી શકે છે. મારી મોટી બહેન તો યુએસએમાં પરણી છે તેની સાથે વાત કરવા પણ મારા વરને ઇન્ટરનેટ કનેક્શન જોડવા મારે આજીજી કરતી રહેવી પડે છે. નાનીના હમણાં જ લગન કર્યાં છે, પણ બહુ ચકાસીને કર્યાં છે. કારણ કે મારી પરિસ્થિતિ જોઈને તેને થતું કે ચકાસીને જ કરવાં.’
‘ચલ, સારું ત્યારે બોધપાઠ લઈને એનું તો ચકાસીને કર્યું.’
‘હા.’
વર્ષાએ પોચી પડી ગયેલી ખોટી ચામડી કાઢવાનું બંધ કર્યું. પાણી ભરેલાં ટબમાંથી પોતાના પગ કાઢ્યા. ત્યાં જ પ્રાચીએ ટકોરા માર્યાં, ‘આવું, અંદર? લો વર્ષાદીદી નેલપોલિશના આ શેડ્ઝ ટ્રાય કરી જુઓ. થોડાં વાયબ્રન્ટ છે, પણ ટ્રાય કરશો તો કદાચ ગમી પણ જાય અને સૂટ પણ કરે.’
‘હા, વર્ષા ટ્રાય કરવામાં કંઈ વાંધો નહીં જ્યાં સુધી નુક્સાન ન કરે ત્યાં સુધી. આપણને ગમે એ જ શેડ્ઝ લગાવવાં. ભલે ભડકામણાં લાગે, પણ સારાં હોય તો બીજાને પણ કન્વિન્સ કરવાનો ટ્રાય કરવો કે મને આ જ શેડ્ઝ ગમે છે. નખ કદાચ શરીરનો મરેલો હિસ્સો ગણાતો હોઈ શકે, પણ એને શરીરમાંથી ઊખેડી ન શકાય અને એને સુંદર દેખાડવા એના પર ક્યા શેડ્ઝની નેલપોલિશ કરવી એ પણ આપણે જ નક્કી કરવાનું હોય છે.’
‘સાચું કહે છે તું ભગવાન કરે ને તારે ક્યારેય હાફ નેલપોલિશમાં ન રહેવું પડે. હું પણ પ્રયત્ન કરીશ કે નખ પર ક્યારેય હાફ નેલપોલિશ હવેથી ન રહે. નવા શેડ્ઝ પણ ટ્રાય કરીશ. વળી, ગમતા શેડ્ઝ જ નખ પર લગાવવાનો પ્રયત્ન પણ કરીશ.’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.