દિવાળી! કેટલો સુંદર શબ્દ ! કેટલો ઝબૂકતો અર્થ! મને નથી લાગતું કે જેટલો આનંદ આપણને સૌને દિવાળી આવ્યાનો થાય, એથી વધુ આનંદ બીજી કોઈ પણ જડ કે ચેતન વસ્તુના આવવાથી થઇ શકે. હા, કારણ કે દિવાળી એકલી નહિ પુરા કાફલા સાથે આપણા ઘરે આવીને આપણું ઘર-આંગણ અજવાળે. કાફલો પણ ખાસ્સો મોટો. સૌથી પહેલી આવે અગિયારસ, તે દીવસથી જ રોજ રાત્રે દીવા પ્રગટાવી દરેક ઘરને ઉજ્જવળ બનાવી દેવાય. અમે નાના હતા ત્યારે પિતાજી અગિયારસ પહેલાં જ દારૂખાનું લાવી દેતા, અને બધા ભાઈ બહેનોના સરખા ભાગ પાડીને અમને વહેચી દેતાં. અમારા પોતાના ભાગમાં પાછા પેટા આઠ ભાગ પાડીને આપતા. અગિયારસથી દારૂખાનું ફોડવાનું શરુ થઇ જતું, તે છેક ભાઈબીજ સુધી ચાલતું. તેમાં દારૂખાનાના સાત ભાગ વાપરતા અને આઠમો ભાગ લાભ પાંચમ માટે અલાયદો સાચવી રાખવાનો. એટલે રાત્રે પણ જીવ એમાં જ રહે, ક્યારે લાભપાંચમ આવે ને ફટાકડા ફોડીએ! અમે બે બહેનો ઘણી નાની એટલે અમને અમુક દારૂખાનું ફોડતા બીક લાગતી. એનો લાભ લઈને ભાઈને ડબલ ફોડવા મળતું. ફોડે કોઈ પણ, છતાં તાળીઓ પાડીને હરખભેર કુદાકુદ કરીને તેને માણવાનું તો અમને બધાને મળતું. આસપાસના બધા બાળકો પણ હાજર હોય, ચિચિયારીઓ અને તાળીઓથી અમે વાતાવરણ ગજવી મુકતાં. અમારા વડીલો એવી ગોઠવણ કરતાં કે, દરેક ઘરનું દવાખાનું વારાફરતી ફોડીએ. અને એટલે અમને કલાકો સુધી અનહદ આનંદ માણવા મળતો.


દારૂખાનું ફોડવું, એ દિવાળી માટેની એક પ્રવૃત્તિ હોતી. બીજી પ્રવૃત્તિ અગિયારસથી શરુ કરીને આંગણે નિત નવી રંગોળી પુરાવાની. અમે રોજ રાત્રે વાળુ પછી રંગોળી પુરતાં તે કામ કલાકો સુધી ચાલતું. કારણ એ હતું કે, રાત્રે બાર વાગે રંગોળીનું નિરીક્ષણ અને પરિક્ષણ કરવામાં આવતું. પ્રથમ ત્રણ નંબરે આવનારને ઇનામ જાહેર થતું. અમારા ઘરમાં બધા ચિત્રકળાના ખાં રહેતા હોય તેમ, રોજ પહેલો કે બીજો નંબર અમારી રંગોળીનો જ રહેતો. એ વાત પણ ઓછી આનંદદાયી નહોતી. આ દિવસોમાં જે ત્રિજી એક ખાસ પ્રવૃત્તિ રહેતી તે પણ આનંદનાં ખજાના જેવી લાગતી. અને તે એટલે રોજ સ્નાન કરીને એક નવો ડ્રેસ પહેરીને બધા સાથે મંદિરે જવાનું. અને આખો દિવસ તે રૂપાળો ડ્રેસ સોહાવીને ફર્યા કરવાનું, મલકાયા કરવાનું, ને હરખાયા કરવાનું!


દિવાળી માટેની ચોથી પ્રવૃત્તિ તો જીહ્વા થકી જીવ સુધી જોરદાર ખુશાલીપ્રદ બની રહેતી! સવારે બ્રેકફાસ્ટમાં મઠીયા, સુવાળી, મગજ, ઘૂઘરા જેવા અદ્ભુત સ્વાદવાળા વ્યંજનો ઝાપટવાના, (હાસ્તો આટલું બધું દેવાળીએ એટલે ઝાપટેલું જ કહેવાય!) પાછું લંચમાં પણ જબરદસ્ત વિવિધતા. ધનતેરસે માં લક્ષ્મીજીના સત્કાર માટે કંસાર તો ખરો જ. બધાને કદાચ કંસાર ના ભાવે તે માટે બીજી એકાદ મીઠી વાનગી પણ બની જ જાય. દિવાળી માટે જુદા રહેતાં ભાઈ ભાંડુડા પણ મોટા ઘરે આવી જતાં એટલે બધું વપરાઈ પણ જતું . આ સારા દિવસોમાં ઘરના નોકર-ચાકરો માટે પણ બધું જ બનતું. ત્યારે અમને બાળકોને પણ થઇ જતું, -વાહ, વહેંચીને ખાવાની મઝા પણ કંઈ ઓર જ હોય છે, હોં ! કાળી ચઉદશે કઢિયેલ દૂધપાક, ભરપુર એલચી, જાયફળ, બદામ,પીસ્તા,ચારોળી, કેસર વિગેરેની સહિયારી સોડમથી આખા ઘરને મહેકાવી મુકે. અમે ખાવા બેસીએ તો ઊઠવાનું મન ના થાય, લાગે કે, જમતાં જમતાં અહીં જ ઊંઘી જઈએ. દિવાળીના દિવ્ય પર્વ માટે ખાસ ઘઉંની સેવની લાપસી બને- ઘીથી લસલસતી!


નવું વર્ષ! એ તો પર્વાધિરાજ કહેવાય, એના આગમન માટેની તૈયારી કરતાં કરતાં તો આખું ઘર થાકી જાય, છતાં ઉત્સાહ ઓછો ના થાય. સૌ પહેલાં ઉઠીને સ્નાનાદી પતાવી પ્રભુ દર્શન એ પહેલું કાર્ય બની રહેતું. નવલ વર્ષની વધાઈ આપવા જવાનું અને વધાઈ આપવા આવનાર સૌનું સ્વાગત કરવાનું, આ બધું જ અત્યંત આનંદ-ઉત્સાહથી કરવામાં આવતું. બીજા દિવસે ભાઈ બીજ, દેશભરના ભાઈ બેનો આ દિવસની ખાસ રાહ જોતાં હોય કારણ કે, આ જ દિવસે ભાઈ પોતાની બહેનને ત્યાં જમવા જાય અને એક અણમોલ ભેટ આપીને બેનને રાજી રાજી કરી મુકે. બેન પણ વ્હાલા ભાઈલાને ભાવતા વ્યંજનો યાદ કરી કરીને બનાવે, જરૂર પડે ભાભીને પૂછી લે," ભાભી આજકાલ મારા ભાઈને શું શું ભાવે છે?"


લાભ પાંચમ આવે તે પહેલાં તો ઘણાં બધા લાભ મળી ચુક્યા હોય જ, પણ તો ય આ પાંચમની બધા ખાસ રાહ જુએ. ઘણાં ખરાને આ દિવસે મુહુર્ત કરવાનું હોય છે. પોતાનું જે કાર્ય દિવાળીની ઉજવણી માટે ધનતેરસથી બંધ કર્યું હોય, તે ફરીથી નવા વર્ષે ચાલુ કરવાનો શુભ દિવસ એટલે લાભપાંચમ. દિવાળીની ઉજવણી માટે સ્થગીત થયેલા કાર્યોને રાબેતા મુજબ ચાલુ કરવાનો દિવસ. દિવાળીના દિવસો આપણને દિલાસો આપે કે, ગયા વર્ષે કંઈ ભૂલ થઇ હોય, ખોટું કાર્ય થયું હોય કે કોઈના પર ખોટું લાગ્યું હોય, તે બધું ભૂલી જઈને નુતનવર્ષને વધાવી લ્યો. તમારા મનની સ્લેટને કોરી કરી લ્યો, અને નવું નવું લખો.


દિવાળી આપણને એક સુંદર શીખ પણ આપે છે. દિવાળીમાં તમે પોતાનું ઘર-આંગણ સાફ કરીને દીવડા પ્રગટાવો છો. દરેક જણ આવું કરે છે, એટલે ઘરોથી બનેલી શેરી સાફ અને પ્રકાશિત બને. શેરીઓથી બનેલા ફળિયા અને ફળીયાઓથી બનેલાં ગામો સ્વચ્છ અને ઉજ્વળ બને. અને બધાં ગામો અને શહેરો પણ જ્યારે સ્વચ્છ અને પ્રકાશિત બને ત્યારે આપણો પૂરો દેશ સ્વચ્છ બને, ઉજ્વળ બને, પ્રકાશિત બને. અને ત્યારે આપણા મહાન ભારતની યશકલગીમાં એક અનોખું પીંછું ઉમેરાય. ત્યારે આપને હાક પાડીને દુનિયાને કહી શકીએ, " ના ના અમારો દેશ ગંદો નથી, ગરીબ નથી, ત્યાં મદારીઓ અને સાપ જ નથી. દિલેર દાતાઓ છે, દિલથી જીવતા માનવો છે, સ્વપ્ન જોતા યુવાનો છે. દેશને ઘડવામાં બધું ભૂલીને મચી પડેલા નેતાઓ છે, સોને એક ભારે પડે તેવા સૈનિકો છે, દેશ માટે જ આયખું ન્યોછાવર કરનાર શહીદો છે અને દેશ માટે પોતાનાં પ્રાણથી પ્યારા પુત્રને હોમી દેનાર માતાઓ છે. સૌ આવો અને સલામ કરો આ દેશને."


છેલ્લા મને એક ગીત યાદ આવે છે--દિલમાં દીવો કરો રે દીવો કરો--દીવાઓ થી જેમ ઘર આંગણ ઝળહળી ઉઠે, તેમ દિલમાં દીવો કરીએ તો આપણી અંદર પણ અજવાળું અજવાળું થઇ રહે. જેના પ્રકાશમાં આપણને કદાચ હરિદર્શનનો લાભ પણ મળી જાય.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.