મૂળ લેખક : રે બ્રેડબરી

મૂળ ભાષા : અંગ્રેજી

અનુવાદ : દિલીપ ગણાત્રા


ઉજ્જડ ગામમાં આ સુકા ભઠ્ઠ પ્રદેશમાં એક નાનકડી હોટેલ જમીન પર એક ફોલ્લા જેવી ઊભી હતી. આખો દિવસ માથે બળબળતો સૂરજ, હોટેલ પર આગ વરસાવતો હતો. ઉપર છાપરું અને ઓરડાઓ જાણે શેકાઈ જતા હતાં. સાંજ પછી પણ ક્યાંય સુધી કોઈ લાઈટો બાળતા નહીં , કારણ કે પ્રકાશ એટલે ગરમી !

હોટેલના રહેવાસીઓ અંધારાંમાં નીચેના હોલમાં ફંફોસતા ચાલતા, જાણે હવાની એક ઠંડી લહેરખી શોધતા ન હોય!

એવી એક રાત્રે, બહાર વરંડામાં પડેલી જુની ખખડધજ રોકીંગ ચેર પર ત્રણ વૃધ્ધો ચુપચાપ બેઠાં હતાં. એક હતા હોટેલના માલિક મિ.ટર્લ, અને બીજા બે હતા મિ.સ્મિથ, અને મિ. ફ્રેમલી- હોટેલના રહેવાસીઓ.

ત્રણે ખુરસીઓ ઝુલાવી લહેરખી જેવો અનુભવ મેળવવાના વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતાં.

“ મિ.ટર્લ એક એરકંડીશ્નર નખાવો તો સરસ કામ થાય”

“મિ.સ્મિથ” ટર્લે કહ્યું “ એવી વસ્તુઓ માટે પૈસા નથી”

બન્ને રહેવાસીઓ થોડાંક છોભીલાં પડી ગયાં. છેલ્લા એકવીસ વર્ષથી તેમણે ભાડું જ ચૂકવ્યું ન હતું !

લાંબો સમય ચુપચાપ રહ્યા પછી મિ.ફ્રેમલી એક નિસાસો નાખીને બોલ્યાં “ શા માટે આપણે આ નરકમાં પડ્યા છીએ ? બોરિયા બિસ્તરા ઉપાડી ચાલો આપણે કોઈ નાનકડા શહેરમાં ચાલ્યા જઈએ. આ રોજની બાળી નાખતી ગરમી અને અવિરત પરસેવાથી તો છુટકારો મળે !”

મિ.ટર્લે શાંતિથી જવાબ આપ્યો “ કોણ ખરીદશે આ ઉજ્જડ ગામની હોટલ ? ના ભઈ ના, જ્યાં છીએ ત્યાં સારા છીએ. રાહ જોઇયે મહાન દિવસ ૨૯ જાન્યુઆરી ની.

૨૯ જાન્યુઆરી..

આખા વર્ષમાં આ એક જ દિવસ છે, જ્યારે વરસાદ ગાંડોતુર થઈને અહીં તૂટી પડે છે.

મિ.સ્મિથે પોતાની જરી પુરાણી ઘડિયાળ જોઈ. બોલ્યા” હવે કેટલી વાર ? ૨૯ જાન્યુઆરીને હવે ફક્ત બે કલાક અને અઢાર મિનિટની જ વાર છે, પણ મને આખા આકાશમાં એક નાની સરખી વાદળી યે દેખાતી નથી”.

“જુવો હું જનમ્યો ત્યારથી હું જોતો આવ્યો છું કે ૨૯મી જાન્યુઆરી વરસાદ પડે જ છે. “ મિ.ટર્લે આવેશ પૂર્વક કહ્યું “ અને જો એકાદ દિવસ મોડું થાય તો હું કંઈ ભગવાન પાસે રાવ કરવા દોડી જવાનો નથી”.

મિ.ફ્રેમલીએ પૂર્વ થી પશ્ચિમ સુધી નજર ફેરવી અને ધીમેકથી બોલ્યા” કદાચ વેપાર અને જાહોજલાલી અહીં પાછા આવે તો ?”

મિ.સ્મિથ ઊકળ્યા “ બિલકુલ નહીં ! જાહોજલાલી કદી નહીં. શરત મારવી છે? વરસાદ પણ નહીં પડે – આજ નહીં- કાલ નહીં – કદી નહીં !”

આકાશમાં જાણે કાણું પડી ગયું હોય તેવા પીળા પડી ગયેલા ચંદ્રને આ ત્રણે વૃધ્ધો તાકી રહ્યાં.

સવારે ગરમ હવાની લહેરખી હોટેલની ધાબા પડી ગયેલી દીવાલ પર લટકતા કેલેંડરના પાનાં ફેરવવા માંડી.

ત્રણે સુકલકડી વૃધ્ધો વરંડા પર ઉભા રહી આકાશ તરફ જોઇ રહ્યાં.

જાન્યુઆરી ૨૯

“દયાનો એક છાંટો પણ નહીં”

“ હજુ તો પરોઢ જ થયું છે.. ઘણો ટાઈમ છે”

“ મારી પાસે નથી” ફ્રેમલી બોલ્યા અને ધીરે ધીરે લથડતા પગે ઉપર પોતાના ઓરડામાં ચાલ્યા ગયા અને પોતાની શેકાઈ ગયેલી પથારી પર લાંબા થઈ ગયા.—બપોર સુધી.

મિ.ટ્ર્લે બૂમ મારી “ મિ.ફ્રેમલી”

“ આપણે સાલા રણના થોર જેવા છીએ” ફ્રેમલી બોલ્યા “ અરે થોરને પણ એકાદ ઘૂંટડો પાણી જોઈયે, પછી આખું વર્ષ ભલે કંઈ જ ન મળે. આપણેતો સાલા થોરથી પણ ગયાં. હું અહીં જ સુતો રહીશ જ્યાં સુધી વરસાદના ટીપાં છાપરા પર નહીં ઝીંકાય. મરી જઊં તોય ભલે”.

“ તમારી પ્રર્થનામા દમ રાખો, અને છત્રી તૈયાર રાખો” મિ.ટર્લે કહ્યું.

સાંઝ પડી કે છાપરા પર વરસાદના ફોરાંનો ટપટપાટ સંભળાયો.

મિ.ફ્રેમલી બરાડી ઊઠ્યા “ મિ.ટર્લ રહેવાદો, રહેવાદો. મને ખબર છે કે તમે બગીચાના હોઝ થી પાણી છાંટી રહ્યાં છો. તમારા પ્રયત્ન માટે થેંક્યુ”.

“જા સાલા બાર મહિના હજુ? હવે રાહ જોવાય તેમ નથી” મિ.સ્મિથ પોતાની બે સૂટકેસ લઈને બહાર આવ્યાં અને ધબ લઈને સૂટકેસને વરંડા પર મૂકી.

ટર્લ આતુરતાથી બોલ્યા “ મિ.સ્મિથ તમે ત્રીસ વર્ષ પછી આમ ચાલ્યા જશો?”

મિ.સ્મિથે કહ્યું “આયરલેન્ડમાં મહિનામાં વિશ દિવસ વરસાદ પડે છે. હું ત્યાં કોઈ કામ શોધી કાઢીશ. વરસાદમાં ખુલ્લે માથે રખડીશ, ખુલ્લું મ્હોં રાખીને વરસાદના ફોરાં જિલીશ.”

મિ.ટર્લે વિચાર્યું કે આને રોકવાનો ઉપાય શું ?

“ તમે ચાલ્યા જશો? તમારે મને ભાડાના નવ હજાર ડોલર આપવાનાં બાકી છે.”

મિ.સ્મિથને જાણે પેટમા કોઈએ મુક્કો માર્યો હોય તેવું લાગ્યું . આંખો તે દુઃખ ઢાંકી શકી નહીં.

“ ના ના મારો એવો મતલબ ન હતો” મિ.ટર્લે કહ્યું “ એટલે દૂર શા માટે? અહીં સિઆટલમાં અઠવાડિયામા બે ઇંચ વરસાદ પડે છે, ત્યાં ચાલ્યા જજો. બને તો પૈસા મોકલાવજો, નહીં તો કંઈ જ નહીં. પણ રાત સુધી રોકાઈ જાવે. ઠંડક થતાં શહેરના બસ સ્ટેન્ડ સુધી ચાલ્યાં જજો”

“ અત્યારથી રાત સુધી કંઈ જ બદલાવાનું નથી”

“વિશ્વાસ રાખો. જ્યારે કંઈજ ન હોય ત્યારે એક ટેકો વિશ્વાસનો જ હોય” મિ.ટર્લે કહ્યું “ આવો અહીં ઉભા રહો મારી પાસે અને વરસાદ વિષે વિચારો. બસ મારી આ છેલ્લી વાત રાખો”

“ શું વિચારું ? “ મિ.સ્મિથ તડૂક્યાં “ વરસાદ હે મારા વહાલા વરસાદ તું આવ અહીં આવ… એવું બધું ?”

“ હા કંઈ પણ કંઈ પણ.”

મિ.સ્મિથ પોતાની બે જીર્ણ સૂટકેસ વચ્ચે પાંચ થી છ મિનિટ ઉભા રહ્યાં.

આ બે વૃધ્ધોનો સ્વાચ્છોશ્વાસનો અવાજ જ નીરવતાને ભાંગતો હતો.

છેલ્લે મિ.સ્મિથ વાંકા વળ્યા અને બન્ને સૂટકેસના હેન્ડલ પકડ્યાં પ્રયાણ માટે

અને ત્યાં જ મિ.ટર્લ કાને હાથની છાજલી કરી અને કંઈક સાંભળવા આગળ નમ્યાં.

મિ.સ્મિથ પણ સ્થીર થઈ ગયા.

દૂર ટેકરીઓ પરથી એક હળવો ઘરઘરાટ આવ્યો હોય તેવું લાગ્યું

“વાવાઝોડું” મિ.ટર્લ બબડ્યા

અવાજ મોટો થયો અને ટેકરીઓ પાસે કંઈક વાદળ જેવું દેખાયું.

મિ.સ્મિથ પગને ટેરવે ઊંચા થયાં જોવા માટે.

ઉપરને માળે મિ.ફ્રેમલી પણ બારી પાસે સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની માફક ખોડાઈ ગયાં.

મિ.ટર્લની આંખો પહોડી થઈ ગઈ. ખોવાયેલા વહાણના ટંડેલને જાણે જમીનના દર્શન થયાં. તે બરાડી ઊઠ્યાં “ જુવો જુવો”

છેલ્લી ટેકરી પાર કરીને, ધૂળની પાંખો ફેલાવી, ગર્જન, અવાજોનુ ઝુંડ આવી પહોંચ્યું.

વીશ દિવસ પછી આ પહેલી મોટર કાર આ ધુળિયા ઉજ્જડ ગામની મિ.ટર્લની હોટલ સામે મરણતોલ અવસ્થામાં આવી અને ફસડાઈ પડી.

મિ.ટર્લની મિ.સ્મિથ સામે જોવાની હિંમત ચાલી નહીં.

મિ.સ્મિથે ઉપરના માળ તરફ જોયું.

ઉપરથી મિ.ફ્રેમલીએ પણ આ કારને મરણતોલ અવસ્થામાં જોઈ.

કારના છેલ્લા અવાજો તેનું મૃત્યુ ઈંગીત કરતા હતાં. અગ્નિ વરસાવતો સુર્ય અને બળતા રસ્તા પોતાનું કામ કરી ગયાં.

આ જુની બાબા આદમના જમાનાની કાર હવે છેલ્લા શ્વાસ લઈ રહી હતી.

ડ્રાઈવરની સીટ પર બેઠેલી વૃધ્ધા આ ત્રણે પુરુષોને જાણે આંખોથી કહી રહી હતી “ આ કાર –મારો મિત્ર બહુ જ માંદો છે. મારો ખૂબ જ જૂનો મિત્ર છે. તેના અંતીમ શ્વાસ સુધી હું તેની સાથે જ રહીશ”.

કારના છેલ્લા ઘરઘરાટ પુરા થયાં અને તેનું પ્રાણ પંખેરુ ઊડી ગયું ત્યાં સુધી મહિલા પોતાની સીટ પર બેઠી રહી. પછી તેમણે આ ત્રણે વૃધ્ધોની સામે જોયું , એક ઉદાસ સ્મિત તેમના મ્હોં પર આવ્યું અને તેમણે પોતાનો હાથ ઉંચો કર્યો.

મિ.ફ્રેમલીને પોતાને નવાઈ લાગી કે તેમણે બારીમાં થી જવાબ આપતો હાથ ઉંચો કર્યો.

વરંડા પર મિ.સ્મિથ બબડ્યા”ગજબ છે! આ વાવાઝોડું નથી તો પણ મને નિરાશા કેમ નથી થતી ?”

મિ.ટર્લ ગાડી પાસે પહોંચી ગયાં “ અમને તો હતું કે વાવા….ખેર જવા દો. મારું નામ છે ટર્લ, જો ટર્લ” અને હાથ લાંબો કર્યો.

મહિલાઓ હાથ મિલાવ્યો અને નિર્મળ આંખો વડે મિ.ટર્લ સામે જોઈ અને ઓળખાણ આપી” મિસ બ્લાન્શે હિલગુડ. ગ્રીનલેન્ડ કૉલેજની ગ્રેડ્જુએટ, અપરિણત, સંગીત શિક્ષિકા. ગ્રીનસિટી આયોવામા ત્રીસ વર્ષ સ્કૂલના સંગીત વિભાગમાં સેવાઓ આપી. બાળકોને વાયોલિન, પીઆનો, વિણા વગેરેની તાલીમ આપી, કાર્યક્રમો કર્યા અને કરાવ્યા. હવે નિવૃત્ત થઈ મારો આ થોડોક સર સામાન લઈ ને કેલિફોર્નીઆ જઈ રહી છું”.

પેલી મરણ પામેલી કાર તરફ જોઈ અને મિ.ટર્લ બોલ્યાં” હવે તમે ક્યાંયે જઈ શકો તેવું લાગતું નથી”

“ હા મને પણ એવું જ લાગે છે. પણ કંઈ થઈ ના શકે ?” કાર તરફ ચીંધી મહિલાએ કહ્યું.

“ હા થાય ને ! આ પૈડાઓ નો વાડ બનાવવામાં ઉપયોગ થાય, બ્રેક ડ્રમમાં થી એક ઘંટ બનાવાય, અને બાકી રહેલા ભાગ, આપણા આ ગાર્ડનમાં સરસ રીતે ગોઠવી આપાય”

મિ.ફ્રેમલીએ બારી પરથી બૂમ મારીને કહ્યું “ અરે ભાઇ આ ગાડી મરી ચૂકી છે. હવે સહુ અંદર તો આવો !”

મિ.ટર્લ નાટકીય અદાથી બોલ્યાં “ આવકાર છે મિસ હિલગુડ, મારી આ રણ પ્રદેશની’ જો ટર્લ હોટલ’મા. આજની રાત અહીં જ રહી જાવ-ભાડું નહી લાગે. કાલે સવારે, અમારી ખખડધજ ફોર્ડમાં તમને શહેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીશું”

મિસ હિલગુડને હળવેકથી ગાડીમાંથી ઉતાર્યાં. કાર માથી પાછો એક ઘરઘરાટ થયો, જાણે કારે આ છેલ્લી વિદાયનું દુઃખ પ્રદર્શિત કર્યું.

“ મારા બે મિત્રો- એક આ કાર પુરુષ મિત્ર અને બીજી આ વિણા મારી સહેલી. હળવેક થી ઉતારી લેશો?”

“મિ.સ્મિથ, જરા હાથ આપોને”

મિ.ટર્લ અને મિ.સ્મિથે કવરમાં બંધ વિણાને ઉપાડી, અને અંદર લઈ જવા માટે ચાલ્યાં.

મિ.સ્મિથે ઠેબું ખાધું. હિલગુડ અને ટર્લ બન્ને બોલી ઊઠ્યાં “ સાવધાન”

મિ.સ્મિથ ગુસ્સામાં બોલ્યાં “ ક્યા ગધેડાએ રસ્તા વચ્ચે આમ સામાન રાખ્યો છે?” અને યાદ આવ્યું કે કોણે રાખ્યો છે!

શરમથી લાલ થઈ ગયાં

અંદર આવ્યાં. સામાન ગોઠવી , ટેબલ પર મીણબત્તી જલાવી , પ્લેટો ગોઠવી અને સહુ જમવા બેઠાં.

“ મિસ હિલગુડ તમારા વિષે કંઈક કહોને !”

મધુર રણકતા કંઠે મિસ હિલગુડ બોલ્યાં “ બાળપણથી હું સંગીતકારોમા ખોવાયેલી રહી. બિથોવન, બાખ, મોઝાર્ટ…વગેરે વગેરે. જોતજોતામાં તો હું ૨૯ વર્ષની થઈ ગઈ! બાળકોને તાલીમ, અને તાળિયોના ગડગડાટમાં હું ક્યાં ખોવાઈ ગઈ? હું તો ચાલીસ વટાવી ગઈ. અને…અ…ને હું કાલે ૭૧ની થઈ. હા પુરુષો હતાં મારી જીંદગીમાં, પણ કેવાં? દશમે વર્ષે જેમણે ગાવાનું બંધ કરી દીધેલું અને બારમે વર્ષે તો ઉડવાનુ પણ બંધ ! હું હમેશા માનતી આવી છું કે આપણે ઊડવા માટે જ સર્જાયેલા છીએ – ગમે તે રીતે – ગાઈને - વગાડીને – નાચીને – લખીને- ચિત્રો દોરીને- ગમે તે રીતે. પણ મારી આસપાસ જે પુરુષો હતા તે બધાં જાણે દુનિયા ભરનું લોઢું રગોમાં ભરીને બેઠા હોય તેવા ભારેખમ હતાં.બસ કાળા સૂટ, ટાઈ ,ચકચકતા જુતામાં સજ્જ થઈ જીંદગીમાં પગ ઘસડ્યે જતા હતાં. “

“ અને મૅડમ તમે ઊડી નીકળયા !”

“ હું ત્યારે તો મનમાં જ ઊડી હતી. અહીં ત્યાં – વાંસળી-પિયાનો-વિણા- આ બધામાં ઉડતી રહી. અને પામી શું? વાહ મિસ હિલગુડ સરસ વગાડ્યું, વાહ મિસ હિલગુડ તમે તો અમારા કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા- ઉત્સવનો રંગ રાખી દીધો- વગેરે વગેરે. કોઈને ખરે ખર સંગીત સંભળવામા જરીક પણ રસ ન હતો. મે વિચાર્યું કે શિકાગો, કે ન્યુ યોર્ક જઊં. સલાહ મળી કે ત્યાં મોટા સંગીતકારો વચ્ચે તમે વામણા થઈ જશો તેથી અહીં જ રહો. કહેનારા પોતે તો ચાલ્યા ગયા, અને હું ઉજ્જડ ગામમાં એરંડો થઈ ને રહી. સાઠ વર્ષે મને થયું કે કોઈ સાંભળે કોઈ સંગીત માણે એવા શ્રોતાઓ ની સામે વગાડું. મે હવે પાંખ ફેલાવી. હવે મારે ખરેખર ઊડવું હતું”

“ ઓ…તમે એટલા માટે કેલીફોર્નિયા જાવ છો ?”

“ગમે ત્યાં, જ્યાં કોઈ પણ મને સાંભળવા તૈયાર હોય ત્યાં”

થોડી વાર પછી મિસ હિલગુડે એક પ્લેટ ઉપાડી, અને ઉપરના માળે ગયાં. મિ.ફ્રેમલીને જગાડ્યા, તેમની બોજલ આંખો ખૂલી, ત્યારે સામે પ્લેટ ધરી અને કહ્યું “ લો જમી લો”

“શું વાતો કરી તમે સહુએ?”

“કાલે બધું જ કહીશ. હમણા જમી લો” કહી મિસ હિલગુડ નીચે ઉતરી આવ્યાં.

વિણાનું કવર ખોલતાં ખોલતાં તેમણે કહ્યું “ જમણ પેટે કંઈક આપી દઊં”

“અરે ના ના, જમણ મારા તરફથી છે” મિ.ટર્લ બોલ્યાં.

નકારમાં માથું ધુણાવી મિસ હિલગુડે વિણા કવરમાં થી બહાર કાઢી.

સરસ્વતીની કોતરણી વાળી આ વિણા અદ્ભુત લાગતી હતી.

મિસ હિલગુડ વિણા પાસે ગોઠવાયા. બન્ને વૃધ્ધો પોતપોતાની ખુરસી પર ટટ્ટાર બેસી ગયાં.

હિલગુડની આંગળીઓ જરીક વિણાના તાર પર ફરી અને સુરો, ઠંડા પવનની શાતા આપતા છાપરે જઈ અથડાયા અને હોટેલને ખૂણે ખૂણે ફરી વળ્યા.

મિ.ફ્રેમલીએ ઉપરથી જ બૂમ મરી “ શું થઈ રહ્યું છે ત્યાં”

પણ સાંભળે કોણ?

આંગળીઓ તાર પર રમવા માંડી અને જાણે સૂરાવલીઓનો વરસાદ તૂટી પડ્યો. છાપરા પર, ખૂણે ખૂણે, દરેક ઓરડામાં, દરેક શેકાઈ ગયેલી પથારીઓ પર આ વરસાદ વરસી રહ્યો. અને ખુલ્લી બારિઓમાથી જાણે વાછટ આવતી હોય તેમ ચીજ વસ્તુઓ પણ આ વરસાદમા ભીંજાવા માંડી.

આ સુરોનો વરસાદ હવે રોજ રાત્રે પડવા લાગ્યો. હવે છાપરા પર હોઝથી ્પાણી છાંટવાની જરૂરત રહી નહીં.

પચાસ વર્ષની અનાવૃષ્ટિનો અંત આવી ગયો.

આવી ગયો સમય-હવે લાંબા લાંબા લાંબા વરસાદનો.

આવરે વરસાદ…………………આવરે વ…ર…સા….દ

મૂળ વાર્તા “ ધ ડે ઈટ રેઈન્ડ ફોર એવર” લેખક ; રાય બ્રેડબરી


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.