કિરદાર

સોસાયટીના રસ્તે પહોંચ્યો હોઈશ, ત્યાં જ મિતાનો ફોન આવ્યો, ‘બાપુજી પોસ્ટમૅનને યાદ કરે છે. પૂછે છે કે પેન્શન કેમ હજી નથી આવ્યું ?’

‘ઓત્તારી..., ભુલી જવાયું હો, ચાલ હું પાછો આવું છું, કોટ અને થેલો તૈયાર કરી બહાર લાવ.’ કહીને હું પાછો વળ્યો.

બાના ગયા પછી બાપુજી લાંબા સમયથી માંદગીના બિછાને. આંખ, કાન અને પગ અંશતઃ નકામા થઈ ગયેલા, પણ મન અને મગજ પૂરેપૂરા મક્કમ અને સંપૂર્ણ સ્વસ્થ. નિવૃત્તિ સમયે એમના પેન્શનના કાગળિયા બધા મોટાભાઈએ કરેલા, ને પેન્શન પણ મોટાભાઈના ગામમાં એમણે ખોલાવેલા બાપુજીના બૅન્કખાતામાં જ જમા થાય. પણ બાપુજીને પહેલેથી મોટાભાઈ પર ભરોસો નહીં. જિદ્દી તો એવા કે અમારું કોઇનુંય કાંય ગણકારે જ નહિ. એમની જિદ આગળ હમેશા નમતું જોખવું જ પડે. વળી, એમના ઘણા સાથી-મિત્રોને પણ મનીઑર્ડરથી જ પેન્શન મળે. એટલે એમના મનમાં દ્રઢ ગ્રન્થિ બંધાયેલી કે પેન્શન તો દર મહિને પોસ્ટ દ્વારા જ આવે.

પરિણામે નાછૂટકે એમનું મન રાખવા મહિને એકવાર મારે જ પોસ્ટમૅનનો રોલ ભજવવો પડે !

ઘરના દરવાજે ટપાલી રાખે એવો જૂનો થેલો અને ખાખી કોટ લઈ મિતા ઊભી હતી.

‘કંઇ ગરબડ તો નહિ થાય ને ?’ –મારા મનમાં મુંઝવણ રહે.

મિતા છણકે, ‘લે, તમે ક્યાં પહેલી વાર પોસ્ટમૅન બનો છો ?’

તો પણ આવે વખતે હું જરા અસ્વસ્થ પણ બની જતો. ‘બાપુજીની ખુશી માટે એને છેતરવાના ?’

પણ મિતા સધિયારો આપે, ‘એમાં છેતરવાની વાત જ ક્યાં આવી ? ઘરડા માણસોના સ્વભાવને સાચવવા આવું કરવું જ પડે ને. તમે આમ મોળા પડો એવા તો છો નહિ, પછી શું કામ જીવ બાળો છો. બાપુજીની બધી ઈચ્છા પૂરી કરવી એ તમારી ફરજ છે, ..ને મને ખાતરી છે કે તમે આ રોલ પણ બરાબર નિભાવી શકશો.’

તેની આંખોના અમી મારામાં આત્મવિશ્વાસ ભરી આપે.

ઝડપથી ખાખી કોટ પહેરીને થેલો ખભે લીધો, ને સહેજ અવાજ બદલાવીને ‘પોસ્ટમૅન’ એવી બૂમ બાપુજીને કાને અથડાય એમ લગાવી. ને સીધો જ એમની પાસે પહોચી ગયો.

એ વાતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે સામાન્ય સંજોગોમાં ઓછું દેખતા અને અધકચરું સાંભળતા બાપુજીને ‘પોસ્ટમૅન’ની બૂમ એક અવાજે બેઠા કરી દેતી. જોવામાં કશો ફેર પડતો ન હોવા છતાં પાસે રાખેલા ચશ્મા આંખે ચઢાવી ને હરખથી કહે, ‘ભાઈ, તારી જ તો રાહ જોઉં છું, આ મહિને મોડું તો કર્યું હો.’

‘મને તો ઉપરથી મળે ત્યારે રૂપિયા પહોચાડું ને દાદા. મારા ખિસ્સામાંથી કેમ આપી દઉં ? લ્યો, અહિ સહી કરો ને આ રૂપિયા ગણી લો.’ હુ થેલામાંથી મનીઑર્ડરના કાગળ, રૂપિયા અને પૅન બાપુજીને હાથમાં આપું. આ બધું તો મિતાએ પહેલેથી જ થેલામાં તૈયાર કરી રાખ્યું હોય. આવી બધી બાબતોમા એ ચીવટવાળી. એ રીતે આ નાટકમાં એ પણ એટલી જ ભાગીદાર ખરી.

આંખો જીણી કરીને બાપુજી સહી કરે અને પછી ગણી લીધેલા રૂપિયામાંથી કેટલાક પોતાના ગાદલા નીચે રાખેલા પાકીટમાં મૂકે અને બાકીના મિતાને આપતા કહે, ‘લે મિતા, આ ગણીને એકબાજુ મૂકજે.’

પછી મને પણ કહે, ‘આ વખતે તો નહિ, પણ આવતે વખતે જો મોંઘવારી વધારો ઊમેરાઈને પેન્શન આવે તો મોઢું મીઠું કરાવી તને પણ બક્ષિસ આપીશ.’

એમના ચહેરાની ટાઢક જોઈ સંતોષ પામતો હું હસતો હસતો વિદાય લઉં.

પણ એ સંતોષનો મીઠો સ્વાદ અમે બહુ ઝાઝા દિવસ ચાખી ન શકીએ.

એકવાર તો બાપુજીએ નવી જ જીદ પકડી, કહે કે, ‘ડૉક્ટરને જલદી બોલાવી લાવ. પૂછવું છે કે મારે ચૂરમાનો લાડુ ખવાય કે નહીં, સાલ્લું બહુ મન થ્યું છે.’

‘ડૉક્ટરે તીખુંતળેલું ખાવાની મનાઈ કરી છે, બાકી કોઈ વાર એકાદ લાડવો ખવાય જાય તો એમાં કાંય વાંધો નહીં.’ મેં સમજાવ્યું.

પણ એમ માને તો બાપુજી શાના ? વળી કહે, ‘તું ડૉક્ટરનું ભણ્યો છ ? તને બહુ ખબર પડે ? ડૉક્ટર તપાસીને પછી જે કહે ઈ જ હુ તો માનું.’

શું કરવું ? અંદરના રૂમમાં ભેગા થઈ સૌના મન વિચારે ચડ્યા. આટલી નાની વાતમાં ડૉક્ટર પણ કેમ આવે ? એટલામાં મારો દીકરો સંજુ પોતાના રૂમમાંથી એક પેટી લઈ દોડી આવ્યો, ‘પપ્પા, હું નાનો હતો ત્યારે આનાથી જ ડૉક્ટર-ડૉક્ટર રમતો. આજે તમને કામ લાગશે ?’

એની બાલિશતાએ મને સહેજ ગુસ્સો તો આવ્યો પણ મિતાએ સ્મિત કરી ને એના સૂરમાં સૂર પુરાવ્યો, ‘એમાં ખોટું શું છે ? બે મિનિટ ડૉક્ટર બની જાઓ, પોસ્ટમૅન કરતાયે સારો વટ પડશે ને બાપુજીની લાડુ ખાવાની ઈચ્છા પણ પૂરી કરી શકાશે.’

‘પણ...’ –હું ગડમથલ અનુભવુ છું.

‘જુઓ, બાપુજીને લાડવો તો ખાવો જ છે, પણ જ્યાં સુધી ડૉક્ટર નહીં કહે ત્યાં સુધી એ લાડવાની ઈચ્છા અધૂરી રહેશે. આમેય બાના હાથના લાડવા એમને ખૂબ વહાલા હતા એ હું જાણું છું. આપણે યાદ ન કરાવીએ પણ આજે બાનો જન્મદિવસ છે. એટલે જ કદાચ... ને મને તમારા પર પૂરો ભરોસો છે કે તમે ડૉક્ટર બનીને પણ આબાદ કામ પાર પાડશો. મને ખબર છે તમે આ રોલ પણ નિભાવી જ શકશો. હું જાણું ને તમને !’ મિતાએ ફરી મારામાં આત્મવિશ્વાસનો પ્રાણવાયુ ફૂંક્યો.

કપડા બદલાવી સહેજ તૈયાર થઈને હું સંજુની પેટી લઈ બાપુજી પાસે જઈ પહોચ્યો.

‘ડૉક્ટરસાહેબ આવ્યા છે.’ મિતાએ બાપુજી સાથે મારો પરિચય મોટા અવાજે કરાવ્યો.

‘આટલા ઝડપથી ? વિમાનમાં બેસીને આવ્યા કે શું ?’ બાપુજી બોલ્યા.

‘હા, હા, ઉડીને આવ્યો એમ જ સમજો દાદા. અહિથી ફોન આવ્યો ત્યારે હું આ તરફની એક વિઝિટ પતાવીને અહીંથી જ નીકળતો હતો.’ શક્ય એટલા દાકતરી અવાજમાં હું બોલ્યો. અને પેટીમાંથી સંજુનું સ્ટેથોસ્કોપ બહાર કાઢી કાને લગાવ્યું ને બીજો છેડો બાપુજીની છાતી પર મૂકી ઊંડા શ્વાસ લેવા જણાવ્યું. ત્યાર બાદ આંખો અને જીભ પણ જરા-તરા તપાસવાનો ડોળ કરતા કહ્યું, ‘હમ્મ, લાડુ ખાવા છે એમને ?’

‘હેં.. હા., હા..., પણ તમને કોણે કહ્યું ?’ બાપુજી બોલ્યા.

‘ફોન આવ્યો ત્યારે પેશન્ટને શું તકલીફ છે એ પણ અમે પૂછીને જાણી જ લઈયે ને દાદુ ? તમતમારે લાડવા ખાવ અને ખવરાવો, તમને કાંય તકલીફ નથી.’ કહેતાં હું પેટી બંધ કરું છું.

મારી પરવાનગી મળતાં જ ખુશ ખુશ થયેલા બાપુજી મિતાને કહે, ‘તમારી સાસુ બનાવતી એવા લાડવા બનાવો, હું તો એક જ ખાઈશ, પણ તમેય બધા ખાજો.’ હું હસી પડ્યો.

બાપુજીના ચહેરા પરનો ઉમંગ હું જોતો રહ્યો. મારી કામિયાબી પર વિજયી અંગૂઠો દેખાડતી મિતા મારી સામે સ્મિત કરે છે. પેટી લઈ હરખાતો હરખાતો હું બહાર નીકળી જાઉં છું.

થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. વળી એક દિવસ બાપુજીએ મને સાદ કર્યો.

‘નાનકા..’ મને પાસે બોલાવી ને બાપુજી કહે, ‘મોટાના કાંઈ સમાચાર નથી ?’

‘અરે બાપુજી એને નોકરી જ એવી છે તો કેમ કરીયે ? ક્યારેક ફોન કરું ત્યારે તમારા ખબર-અંતર તો પૂછી લેતો હોય છે.’ સૂઝે એવો સુંદર જવાબ હું આપી દઉં છું.

‘ના, એમ કાંય હોય ? એવી તે વળી કેવી નોકરી ? એમ કર, કાલે બોલાવી લે, મેં દોઢ વરહથી એને જોયો જ નથી.’ બાપુજી બોલ્યા.

‘કાલે જ ? એમ કેવી રીતે આવે ?’ મેં દલીલ કરી.

‘કેમ ? એની ગાડી લઈને આવે તો ત્રણ કલાકનો જ રસ્તો છે, ઘડીક મારી પાસે બેસીને નીકળી જશે તોય વાંધો નહીં, તું તારે ફોન કર ને કહે કે બાપુજી યાદ કરે છે.’ બહુ ભારે અવાજે બાપુજીએ આદેશ જ કરી દીધો.

ફરી અંદરના રૂમમાં અમારી કૉન્ફરન્સ ભેગી થઈ. મોટાભાઈને ફોન કરવાના અમારા પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે સંજુ અને મિતાની પ્રશ્નાર્થભરેલી ચાર આંખો ફરી એકવાર મારા તરફ સૂચક રીતે મંડાય છે !

‘હમ્મ, મને ખબર છે.. તમે શું ઈચ્છો છો, હું તૈયાર છું. ‘મોટો’ બનવું મારે માટે કંઈ અઘરું પણ નથી, એનો તો અવાજ અને દેખાવ પણ મારાથી ખાસ અલગ નથી, એટલે આ તો ડાબા હાથનો ખેલ છે, પણ.. હમેશા આમ જ બાપુજી ને...? ક્યારેક સાચી વાત પકડાઈ જશે ત્યારે એમને દુઃખ નહિ થાય ?’ મેં કહ્યું.

મિતા નજીક આવી, ‘સાચુ કહીને તમે બાપુજીને ક્યું સુખ આપી દેવાના ? તમે બાપુજીને કહી શક્શો કે મોટાએ ક્યારેય તમને નથી યાદ કર્યા કે નથી ક્યારેય તમારો ફોન ઉપાડ્યો ? મા-બાપે આપણને રાજી રાખવા પોતાની જાત ઉપર-તળે કરી હોય કે નહીં ? ને આપણે તો બસ એમને ખુશ રાખવા છે એટલું જ. એ સિવાય બીજું શું જોઈયે ? બાપુજી માટે તમે આટઆટલુ કર્યું છે તો મને તો ખાતરી છે કે તમે આ પાત્ર પણ ભજવી જ શકશો.’

-બીજે દિવસે બાપુજી પાસે ‘મોટો’ આવી પહોચ્યો !

‘આવ ભાઈ, કેટલા વખતે જોયો તને ? ક્યારેક ક્યારેક આવતો રહે ને, મને જરા સારું લાગે.’ બાપુજીની આંખોમાં હર્ષના આસું ઉભરાયા.

‘શું કરું બાપુજી, આખાયે તાલુકાનો વહીવટ મારા માથે છે, ને એમાં ઉપરથી આ ચૂંટણી ટાણું, એટલે ઘડીની પણ નવરાશ નો મળે.’ હું કહું છું.

‘સારું ભાઈ, મોટો વહીવટદાર થ્યો છો તો કામેય રહે જ ને ? તું આવી ગયો એટલે મારું મન રાજી રાજી. પણ ચૂંટણી પતે પછી નિરાંતે રહેવાય એમ આવજે પાછો.’ બાપુજીના ચહેરા પર હળવાશ આવે છે. એ જોઈ મને પણ આનંદ થાય છે.

મિતાની સાથે આ વખતે સંજુ પણ અંગૂઠો ઉઠાવી સાંકેતિક રીતે મને ‘વેલ-ડન’ કહી દે છે. ને હું બાપુજીને પગે લાગીને રજા લઉં છું.

પણ એમ સંતોષનો સ્વાદ અમે કેટલા દિવસ ચાખી શકવાના ?

એક દિવસ વહેલી સવારે મિતાએ મને જગાડ્યો, ‘તમે જુઓ ને જરા, બાપુજી આજે હજુ સુધી જાગ્યા કેમ નહિ હોય ?’

‘એમાં શું ચિંતા ? રાત્રે મોડેથી ઉંઘની ગોળી લીધી હશે. ભલે ને નિરાંતે સુઈ રહે. તું પણ સુઈ જા.’ હું જાગ્યા વગર જ કહું છુ.

છંછેડાયેલી મિતા કહે, ‘એવું નથી, ઉંઘની ગોળી તો હમેશા લેતા હોય છે, તો પણ રોજ વહેલા ઊઠીને પાઠ કરવા લાગે છે. આજે જરા.. તમે જુઓ તો ખરા.. ચાલો તો.’

હું બાપુજી પાસે જાઉં છું. એમના ચહેરા પર સ્મિત અંકાયેલું છે. કપાળ અને કાંડે હાથ મૂકી જોયું પણ એમના શરીરમાં ઉષ્મા જણાતી નથી. છાતી પર કાન રાખું છું, પેટમાં ફાળ પડે છે. મને એમના શરીરમાં ચેતના જણાતી નહોતી.

હું જરા જોરથી બોલું છું, ‘કોઈ ડૉક્ટરને બોલાવો.. જલદી.’

મિતા બહાર દોડી જાય છે. પોતાના રૂમમાં સૂતેલો સંજુ મારી બૂમથી જાગીને આવે છે ને તરત જ દોડતો તેની પેટી લઈ મારી પાસે આવી પહોંચે છે.

મારી આંખમાં ઝળઝળિયા આવી જાય છે, ‘બેટા, અત્યારે સાચુકલા ડૉક્ટરની જરૂર છે !’

મારા તરફ અને બાપુજી તરફ જોતા એ પરિસ્થિતિની ગંભીરતાને પારખવા કોશિશ કરે છે. એટલામાં તો મિતાએ અડોશ-પડોશમાંથી સૌને બોલાવી લીધા. તેણે ડૉક્ટરને અને સગાવહાલાઓને પણ ફોન કરી દીધા. ગણતરીની મિનિટોમાં તો સૌ ભેગા થઈ ગયા.

ડૉક્ટર આવીને ગયા. નિરવ શાંતિ અને છૂટાછવાયા ડૂસકાંનાં સથવારે ઘરમાં ભીડ વધતી ચાલી. હું તો બાપુજીના પાર્થિવ શરીર પાસે એ જ સ્થિતિમાં બેસી રહ્યો. મને કશું જ સમજાતું નહોતું. બાપુજીના ચહેરા પર હજુ પણ સ્મિત રમતું હતું. થતું હતું કે હમણાં બેઠા થશે ને મને કહેશે, ‘આ ચૂંટણી પૂરી થઈ તોયે હજી મોટો કેમ દેખાણો નહિ ? ...આ વખતે મોટો આવે ત્યારે ચૂરમાના લાડુ જ બનાવશું હોં કે ? ... ને ભાઈ, આ મહિનાનું પેન્શન વધીને આવવાનું છે, પોસ્ટમૅન આવે કે તરત જ મને યાદ દેવડાવજે. એનેય રાજી કરવાનો છે હો...’

પણ બાપુજી તો કશુંય બોલતા નહોતાં. એમના રાજીપાભર્યા ચહેરાને હું અપલક તાકી રહ્યો. એટલામાં મિતા પાસે આવી, મારા ખભા પર હાથ મૂકતા કહે, ‘લો હવે જલદીથી નાહી ને લાલ મુકટો પહેરી લો, બાપુજીને પહેલો ખભો તમારે જ આપવાનો છે, અગ્નિદાહ પણ તમે જ આપશો ને બધી વિધિમાં પણ તમે જ.. જનોઈ પણ સવ્ય-અપસવ્ય કર્યા કરવાની રહેશે. ઊભા થાવ જલદી, હવે દીકરાની ફરજ નિભાવવાની ઘડી આવી છે... ને, મને તો આ વખતે પણ તમારા પર પૂરો ભરોસો છે કે...’

.....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.