સતત લાંબો દેખાઈ રહેલો મારગ..., મારગની બન્‍ને બાજુએ ખીલેલાં ફૂલો, વેલ, પાંદડાં, ડાળી અને એની ઉપર થીજ ગયેલા બરફના ટુકડા. આગળ ને આગળ ઝડપથી ચાલી રહેલા વત્સલ... અને તેમને રોકવા હાંફળી, હાંફળી દોડતી હું..., ક્યાંય હવાનું નામોનિશાન નહીં. સઘળુંય સાવ સ્થિર... મારી પાછળ લગભગ મારી જ ઝડપે દોડી રહેલ એક પુરુષાકૃતિ, અને આગળ ઘનઘોર વાદળોના ગોટેગોટા.

‘આ વત્સલ ક્યાં લાગ્યો... !’ બૂમો પાડી મારું ગળું સુકાવા લાગ્યું. શ્વાસ રૂંધાવા લાગ્યો... ! અને હું... ‘આ વત્સલ મને એકલી મૂકીને તમો ક્યાં ચાલ્યા... !’ અને... મારી નજર સમક્ષ જ ઘનઘોર વાદળોએ તેમને પોતાનું ભારેખમ વસ્ત્ર ઓઢાડી જ દીધું. મને કાંઈ સમજ ન પડી. મેં પાછળ જોયું. ક્યાં છે પેલી પુરુષાકૃતિ... ? ત્યાં તો કશું જ ન હતું. મારી આગળ... મારી પાછળ... વેરાન સૂમસામ મારગ અને હું.

‘મમ્મી... મમ્મી... સાડા નવ થયા છે કેટલું ઊંઘશો...?’

‘માસી ઊઠોને, તમે હા કહેજો પ્લીઝ.’

‘મમ્મી, ચાલને ઊઠને... !’

મેં આંખો ખોલી, પાંપણો ભારે લાગી, છતાંય... વર્ષોથી દેખાતાં રહેતાં ચિત્ર- વિચિત્ર સ્વપ્નાઓની એ દુનિયામાંથી જાણે હું લાગલી જ બહાર આવી ગઈ. લગભગ પોતાની સંપૂર્ણ શક્તિ વડે મને ઢંઢોળી રહેલા હર્ષિલ અને મેઘાવીને જોઇ હું બેઠી થઈ ગઈ. વસ્ત્રો સંકેલી વાળ સરખા કરવા લાગી.

‘શું છે હર્ષિલ... મેઘાવી !’

‘માસી, તમે હા કહેજો પ્લીઝ.’

‘હા, પણ શેની હા પાડવાની છે... ?’

‘તમારે આજે અમારે ત્યાં જ રોકાવાનું છે અને પપ્પા. સાંજના શોની પિક્ચરની ટિકિટો લાવવાના છે.’

‘અરે પણ, પિક્ચર જોવું મને નથી ગમતું.’

‘ના... ના... પ્લીઝ મમ્મી, સલમાન ખાનનું પિક્ચર છે.’

‘તમેય શું નેહા દીદી, છોકરીનું મન રાખતા હો તો !’ કિચનમાંથી શ્રેયા બોલી.

‘અરે પણ... !’

‘એ પણ બસ કાંઈ નહીં... ચાલો છોકરાઓ ટિકિટ આવી જશે બસ. દીદીને આરામ કરવા દ્યો.’ શ્રેયાને ફરમાન બહાર પાડી જ દીધું.

‘મમ્મી, હર્ષિલ કેરમ રમતાં અંચઈ કરે છે.’

‘ના માસી, એ ખોટું બોલે છે.’

બોલતાં બોલતાં જ બન્‍ને જણા આગળના ઓરડામાં જતા રહ્યા.

જરા મનને હાશ કરી, નેહાએ નજર ઊંચી કરી. પૂનાના પોશ વિસ્તારમાં શ્રેયા-પરિમલનો પાંચ બેડરૂમનો સુંદર સજાવેલો નાનો સરખો બંગલો હતો. પોતાના બેડરૂમના ખુલ્લા દરવાજામાંથી જમણી બાજુ પર લગાવેલી કોતરણીવાળી વિશાળ જાળીમાંથી કંઈક ઉત્સાહ અને ઝડપભેર કામ કરતી શ્રેયાની બંગડીઓનો રણકાર સ્પષ્ટ સંભળાતો હતો. અને સાવ અચાનક જ નેહાની નજર પોતાની બંગડીઓ વિનાના સૂના હાથ તરફ ગઈ અને કંઈ વિચારે તે પહેલાં જ... !

‘નેહા દીદી, ગુડ મોર્નિગ.’

‘હા શ્રેયા... ગુડ મોર્નિંગ.’

નેહાએ ઊઠીને વોશબેઝીન તરફ પ્રણાય કર્યું. ત્યાં જ બેલ વાગ્યો. નેહા દરવાજો ખોલવા આગળ વધી. બેઝીન પાસેની આડશમાંથી આવનારને સ્પષ્ટ જોઇ શકાતું હતું. લગભગ ચોવીસ વર્ષની સુંદર સ્ત્રી હતી. પાતળી કાયા, મનમોહક સ્મિત-નેહાને લાગ્યું... આટલી પરિચિત મુખાકૃતિ... જાણે હું એને સાવ નજીકથી ઓળખું છું અને પોતાના ઉપર જ તેને હસવું આવી ગયું. આઠ વર્ષ થયા શ્રેયા પૂનામાં સ્થાયી છે અને આટલાં વર્ષોમાં માત્ર બીજી વાર જ પોતે અહીં આવી છે.

‘છટ્‍...’ તેણે પાણીની છાલક મોં ઉપર છાંટી. નેહા નૅપકિન લઈ બેડ ઉપર આવી કે તરત જ શ્રેયા ગરમાગરમ ચા લઈને આવી જ ગઈ.

‘શ્રેયા... તને જોઇને કોઇ કહે નહીં કે તું મારી કઝીન છે !’

‘દીદી... હંમેશા કડવું બોલવું તમને કેમ ફાવતું હશે... !’

‘સારું બસ... ! નહીં બોલું’ મારાથી હસી દેવાયું.

આગળથી અવાજ આવ્યો. ટિકિટો આવી ગઈ છે.

‘હવે તો બસ કાલે જ જવાનું છે.’ શ્રેયા હક જમાવતી હતી.

‘અરે પણ... !’

‘તમે તો કશું બોલશો જ નહીં દીદી.

‘તું છોકરાઓની આદત બગાડે છે.’

‘દીદી, તમેય મને કેટલાં લાડ લડાવ્યાં હતાં. હું ભૂલી નથી.’

શ્રેયાની આંગળીઓ ચાદર સાથે રમત કરી રહી.

‘દીદી, મેઘાવી કેટલાં વર્ષની થઈ... ?’

‘અઢાર થવા આવ્યાં હશે.’

‘જુઓને દીદી સમય જતાં ક્યાં વાર લાગે છે... !’

‘હા શ્રેયા, જોને તારા વત્સલ જીજાને ત્રણ વર્ષ... !”

‘દીદી, આ ટેવ તમારી ગઈ નહીં... ?’

મેં સૂચક રીતે તેની સામે જોયું.

‘વાત વાતમાં ખોવાઈ જવાની.’ બન્‍ને હસી પડ્યાં. વાતાવરણ હળવું બન્યું છતાંય નેહાની આંખોએ તો આંસુ છલકાવી જ દીધાં. ‘શ્રેયા, વત્સલ વિના હું મારી જાતને સંભાળી નથી શક્તી.’

‘વત્સલ જીજા હતાય એવા... પ્રેમાળ, સૌમ્ય.’

‘દીદી, કેટલાં વર્ષ થયાં તમારાં લગ્નને... ?’

‘ચોવીસ વર્ષ.’

‘હું તમારા કરતાં દશ વર્ષ નાની નહીં !’

‘હાસ્તો.’

‘અહીં રહેવા આવ્યે અમને આઠ વર્ષ થયાં.’

‘તો... ?’

‘તમે તો માત્ર બીજી વાર આવ્યા છો.’

‘અરે... ! પણ તું મારા કરતાં નાની છો.’

‘એ હું કાંઈ ન જાણું. હવે તમારે મહિનામાં એકવાર મારા માટે સમય કાઢવાનો. અને મુંબઈ અને પૂના ક્યાં દુર છે ?’

‘અરે ગાંડી થઈ છો... ? પરિમલ શું કહેશે ?’

‘દીદી, તમારી સાથે વિતાવેલી એક એક ક્ષણ હું જરાય ભૂલી નથી. સમજણી થઈ ત્યાં સુધી મને ખબર ન હતી, કે હું જેને મારાં મમ્મી-પપ્પા કહું છું... તે મારાં કાકા-કાકી છે અને મારાં મમ્મી-પપ્પા તો... !’

લાગલો જ નેહાએ શ્રેયાના મોઢે હાથ દઈ દીધો.

‘હવે કોણ કડવું બોલે છે... ?’

‘તમારી પાસેથી જ શીખી છું.’ બન્‍ને હસી પડ્યાં. વાતાવરણ હળવું કરવા નેહાએ પાસે પડેલ પુસ્તક હાથમાં લઈ વિષય બદલ્યો.

‘અરે વાહ... ! વાંચવાની ચોર મારી બહેનના ઘરમાં પુસ્તક ?’

‘દીદી, પરિમલને વાંચવાનો શોખ છે.’ શ્રેયા શરમાઈ. ‘જુઓ, દીદી બુક નવી જ આવી છે.’

‘શ્રેયા સાંજે હું ઘરે જ રહીશ. મને પિક્ચર જોવું નથી ગમતું.’

‘સારું દીદી, તમને યાદ છે... આપણી મલાડની કોટજ... ?’

‘હાસ્તો વળી.’

‘ત્યાં પાંચમી કોટેજમાં એક ભાઈ રહેતા હતા.’

‘કોણ ?’

‘તમારા મિત્ર હતા. ક્યારેક આપણા ઘરે પણ આવતા તમને મળવા માટે.’

‘શ્રેયા... શું જેમ ફાવે તેમ બોલે છે... ?’

‘ના દીદી, સોરી... પણ શું નામ... પરાગ પારેખ.’

‘પરાગ... !’

વર્ષોથી સંતાડી રાખેલ કોઇ વાત અચાનક ઉઘાડી પડી ગઈ હોય, એમ નેહા ચોંકી ઊઠી... !

‘શ્રેયા ઘેલી થા મા.’

‘હા દીદી, એમની જ દીકરી પૂજા. એક વર્ષ થયા અહીં ત્રીજા જ બંગલામાં રહેવા આવી છે. એ જ સવારે આવી હતી.’

નેહાનું મન વિચારી રહ્યું. હાસ્તો... એ જ ચિરપરિચિત ચહેરો હતો. અલગ પરાગ જેવી જ મુખાકૃતિ.

અને થોડી વારે શ્રેયા અને નેહા બન્‍ને જીવનની રોજિંદી ઘટમાળમાં જોડાઈ ગયાં. પરાગ સાથે વિતાવેલી કેટલીક સુખદ ક્ષણો નેહાના માનસ ઉપર ઊભરાવા લાગી. સમય અને સંજોગોની નીચે કચડાયેલાં વીતેલાં વર્ષોને પાછળ છોડી દઈ, જીવન આગળ વધી ગયું. ઉત્તર વિનાના કંઈ કેટલાય પ્રશ્નો મારા મનની ભીતરમાં ઘરબાયેલા છે. વીતેલા જીવનથી મને જરાય અસંતોષ નથી. વત્સલે મને સંભાળી લીધી હતી, પરંતુ આ... જીવન, મારું ઇચ્છિત તો ન જ હતું.

શા માટે... પરાગ... શા માટે ?

સુખ-સમૃદ્ધિની કમી ન હતી.

જ્ઞાતિ-જાતિનાં બંધન ન હતાં.

વડીલોની કનડગત ન હતી. છતાંય... શા માટે... ? જીવનમાં હું અને તમે નદીના બે કિનારા બની ગયા... !

‘દીદી, જમવાનું તૈયાર છે... ચાલો.’

શ્રેયાના અવાજે નેહાનાં સ્મરણોની શૃંખલા તોડી નાખી.

જમવાના ટેબલ ઉપર ટી.વી.નો કોલાહલ, હર્ષિલ અને મેઘાવીની મસ્તી, અને પરિમલની મજાકો સાથે સમય ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. પ્રશાંતના ફોનની રીંગ પણ ક્યાં સુધી વાગ્યા જ કરી. શ્રેયાએ ફોન આપ્યો.

‘હલો મમ્મી, હું અને માના તમને મીસ કરીએ છીએ.’

‘હું આજે નીકળવાની જ હતી ભેટા, પણ... મેઘાવીએ... !’

‘કાંઇ નહીં મમ્મી, કાલે ચોક્કસ. અને..., એક સરપ્રાઈઝ.’

‘હા બેટા...’

‘અને મમ્મી... !’

‘હા... બોલને... !’

‘મમ્મી... એડવન્સ હેપી બર્થ-ડે !’ ફોન મુકાઈ ગયો.

નેહાની આંખોમાં વળી ઝળઝળિયાં આવી ગયાં. વત્સલ વિના પણ મારો જન્મદિવસ આવે છે અને મારા દીકરા-દીકરીઓ મને સંભાળી લે છે. વત્સલની જેમ જ.

‘જોયું ને દીદી, વળી ક્યાં ખોવાઈ ગયાં... !’ શ્રેયાએ ટકોર કરી અને નેહા કાચબાની પેઠે સંકોચાઈને ઓરડામાં ભરાઈ ગઈ. હાથમાં બુક લેવાનો ડોળ માત્ર કર્યો અને મન તો ક્યાંય ભટકતું હતું. મનમાં ચાલતી વત્સલ વિશેની સુખદ સ્મૃતિઓની વણઝારથી મન તો આળું આળું થઈ ગયું. લગ્ન પહેલાં જ વત્સલને પરાગ વિશે બધું જ જણાવી દીધું હતું. અને કદાચ મારી એ નિખાલસતા જ વતસલને ક્યાંક સપર્શી ગઈ હતી. વત્સલ સાવ હળવા બની ગયા હતા. તેમના મુખ ઉપર સંતોષનું પૂર્ણસ્મિત હતું. તેમણે કહ્યું.

‘નેહા, ખરો ભાગ્યવાન તો હું છું... તું જેની પાસે નથી, તે સાચે જ કમનસીબ છે,’

સાડાપાંચ થઈ ગયા. ખબર જ ન પડી. શ્રેયા, પરિમલ, મેઘાવી, હર્ષિલ બધાં જ તૈયાર થઈ ગયાં હતાં. પરિમલના અતિઆગ્રહ છતાં મને તો પિક્ચર જોવાની ઇચ્છા જ થતી ન હતી. બધાંને આવ-જો કહી હું અંદર આવી. લાગલો જ બેલ વાગ્યો. મેં બારણું ખોલ્યું. શ્રેયા જ હતી.

‘દીદી, પૂજા ચાલી લેવા આવે તો ડાઇનિંગ ટેબલની પાસે મુકી છે.’

મેં હકારાત્મક માથું ધુંણાવી દરવાજો બંધ કર્યો. સ્મૃતિઓનું વળગણ પણ માનવીના મનનો પીછો છોડતું નથી.

લગભગ કલાકેક થયો હશે અને બેલ વાગ્યો.

મેં દરવાજો ખોલ્યો અને... હું સ્થિર નેત્રે નીખરી રહી.

‘પરાગ... તમે... !’

‘નેહા... તમે... અહીં !’

દરવાજામાંથી ખસીને મેં સહજ જ આવકાર આપ્યો.

‘આવો પરાગ.’

થોડી વાર અસમંજસમાં વિતાવી નેહા પાણી લઈ આવી. વળી કેટલીક ક્ષણો મૌન અને...

‘કોફી લેશો પરાગ... !’

અને પરાગે સંમતિસૂચક મસ્તક ઘુણાવ્યું.

નેહા કિચનમાં જઈ કેટલીક ક્ષણોમાં જ કોફી ટ્રે લઈ આવી. કિટલીમાંથી એક કપમાં દૂધ રેડ્યું. અને એક ચમચી ખાંડ નાખી કપ પરાગના હાથમાં આપ્યો.

કોફીનો પહેલો ઘૂંટ ભરતાં જ પરાગે કહ્યું.

‘નેહા, તમને હજી યાદ છે મારી કોફીમાં એક ચમચી ખાંડ...’ અચાનક જ નેહાને લાગ્યું.

‘ઓહ... હું ઘણું બધું ભૂલી જાઉં છું... છતાંય પરાગની એક એક વાત હું હજી સુધી ભૂલી નથી શું... ?’ પરાગને સાંભલતાં સાંભળતાં જ નેહાએ બીજા કપમાં એક ચમચી ખાંડ નાખી. અને બીજી ચમચી ખાંડથી ભરી કપમાં નાખવા જતી હતી, ત્યાં જ તે ચોંકી... તેણે તો કદી કોફી પીધી જ ન હતી. તો પછી... આ કોફીનો કપ અને તેમાં બે ચમચી ખાંડ નાખવાનું બન્યું કઈ રીતે. ક્યાંક અજાણતાં જ તેણે વત્સલની કોફી તો નહોતી મૂકી ને... ! તેણે માંડ માંડ પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યો અને નજર ઊંચી કરી. પરાગ તરફ જોયું. પરાગ હજી બોલતા જ હતા. ‘તમને યાદ છે નેહા.. તે દિવસે તળાવની પાળે પેલા બન્‍ને અપૂર્ણ કિનારાને નીરખતા કરેલી કેટલી વાતો આપણા જીવનનું સત્ય બની ગઈ.’

‘પરાગ, પોતાની જાતને જાતે સંભાળતાં હું શીખી ગઈ છું.’

‘નેહા, મારા મોટા ભાઈએ એક ગોઝારી ક્ષણે આત્મહત્યા કરી અને સંપૂર્ણ જવાબદારીઓ મારા શિરે આવી ગઈ. એ સમયે હું સંજોગોને અનુસર્યો.’

‘બસ... પરાગ, તમારાં આટલાં વાક્યોમાં જ મારું તો સર્વસ્વ છીનવાઇ ગયું.’

‘નેહા... તમે મને મારા કરતાં વિશેષ જાણો છો અને... તમે નેહા... !’

‘પરાગ... જીવનના ધ્યેય શોધવા જવા પડતા નથી. આપોઆપ જ મળી જાય છે. વત્સલ સાથે લગ્ન કરી મેં એક સંપૂર્ણ જીવન વર્ષો સુધી માણ્યું. ત્રણ વર્ષ થયાં વત્સલના દેહાન્તને.’

‘એક વર્ષ થયું મારી પત્ની પૂર્વીના દેહાન્તને. પૂજા જેવી સુંદર અને સંસ્કારી દીકરીની ભેટ આપી. વગર ગુનાની એક સજા તેણે વર્ષો સુધી ભોગવી. પૂજાનાં લગ્ન પણ અહીં જ થયાં છે.’

‘પરાગ... તમરા ઘરમાં બીજું કોણ છે ?’

‘માત્ર હું.’

નેહા અનુત્તર નત્‌મસ્તકે વિચારતી રહી.

‘નેહા, સંજોગોએઆજે આપણને એક એવા વળાંક ઉપર લાવીને મૂકી દીધાં છે. જ્યાંથી એક નવાં જ જીવનની રચના થઈ શકે.’

નેહા અનુત્તર રહી. તેનું મન તેને જાણે કહી રહ્યું હતું. એ એક સમય હતો, જ્યારે પોતે આ જીવન ઇચ્છયું હતું. આજે... સમયાંતરે એ જ જીવન પોતે જીવી શક્તી હતી.

કેટલીક ઔપચારિક વાતો કરી... પરાગ સવારે આવવાનું જણાવી, ચાવી લઈ જતા રહ્યા. પરંતુ નેહા તો વિચારતી જ રહી.

તે દિવસે એકાંત શોધી વત્સલે પૂછી જ લીધું હતું.

‘નેહા... આપણી અનહદ ખુશીની વચ્ચે એક પ્રશ્ન ઊઠે છે... ધાર કે આ સમયે પરાગ અહીં આવી ચડે તો ?’

અને મેં રોષપૂર્વક કહ્યું હતું.

‘છટ્‌... વત્સલ આ સમય છે. આવા પ્રશ્નનો ?’

‘છતાંય... નેહા...’

‘વત્સલ... તમારો આ પ્રશ્ન જ અસ્થાને છે. મારા જીવનમાં હવે માત્ર તમે જ છો. અને રહેશે.’

સ્થિર નેત્રે તાકી રહેલી નેહાને લાગ્યું કે વત્સલનો ચહેરો ઝાંખો થતો જાય છે. ને ધીમે ધીમે તેના ઉપર પરાગનો ચહેરો ઊપસતો આવે છે. વત્સલને બદલે પરાગનું આમ ઊપસવું નેહાને ધ્રુજાવી ગયું. તેને લાગ્યું... જો તે અહીં જ રહેશે તો વત્સલનો ચહેરો દેખાશે જ નહીં. સારું હતું કે આટલામ વર્ષોમાં એ માત્ર બે જ વખત અહીં આવી હતી. અને હવે તો... આવવાનો પ્રશ્ન જ ન હતો. તેણે બૅગ ખોલી અને સામાન ભરવા માંડ્યો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.