પ્રિય રાજી

પ્રિય રાજી,

મિત્રતા દિવસ મુબારક, આપણી મિત્રતા એટલે ફક્ત મિત્રતા જ નહી પણ બીજી અનેક એવી લાગણીઓ નો કોમ્બો કે જેને આપણે ખુબ સારી રીતે માણી શકીએ છીએ. દરેક મિત્રનું આપણા હૃદયમાં એક અનોખું સ્થાન હોય જ છે. પણ મારા માટે ‘તું’ એટલે મારા અસ્તિત્વનો જ એક ટુકડો. તારી મૈત્રી એટલે ‘स्वर्गदापी गरीयसी’ .

‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય’ અને મારા માટે આ ઢાલ એટલે તું. ઓરકુટથી શરુ થયેલ આ સંબંધ અવિરત ચાલ્યા કરે છે અને એ જ આ સંબંધની ગરિમા છે. આપણે નહોતા મળ્યા ત્યારે ક્યારેય મને એવું નથી લાગ્યું કે આપણે એકબીજાને નથી મળ્યા અને મળ્યા પછી ક્યારેય ‘મળ્યા’ નો સંતોષ નથી થયો. સમય હંમેશા કેમ ઓછો જ પડતો હશે. તારામાં હંમેશા મને અનેક રૂપ દેખાયા છે. ક્યારેક સખી, ક્યારેક પુત્રી, ક્યારેક યોગીની, ક્યારેક માં અને ક્યારેક પ્રેમિકા. હા પ્રેમ શબ્દ કઈ એક જ સંબંધ નો મહોતાજ નથી.

કદાચ આપણી વેવલેન્થ સરખી હોવી જોઈએ ,એટલે જ આપણને કોઈ પણ પ્રકારનું અંતર નથી નડ્યું. વાંચન એ આપણને જોડતી કડી છે એવું મને હંમેશા લાગ્યું છે. એટલે જ કદાચ આપણે એકબીજાને વાચી શકતા હઈશું. કેટલું બધું છે ને સમયના પેટાળમાં? તારી સાથે વિતાવેલ સમય ને યાદ કરું તો હું ‘મને’ મળતી હોઉં એવું લાગે. આપણી મૈત્રીને હું દૈવિક મિત્રતા તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરું. આપણે કેટલા જોડાયેલા છીએ એકબીજા સાથે. આજે પણ તારા મૂડ સ્વીન્ગ્સ હું આટલે દુરથી પણ જાણી શકું છું. રાજી મૌન એ આપણી ભાષા હોઈ શકે? તું પણ કઈ ના બોલે, હું પણ કઈ ના બોલું અને છતાં આપણે એકબીજાને સમજી જઈયે અને બસ એક નાનકડો વોટ્સેપ મેસેજ કરીએ ‘R u ok? Or ‘miss u yar’ અને પછી બની શકે કે સામે છેડે થી બે ત્રણ દિવસ પછી રીપ્લાય આવે કે હા હું બરાબર છું ‘હવે’.

તું મારા માટે ‘કૃષ્ણ’ છે. તું મને સરભર કરે છે. ક્યારેક કેટલા લાંબા સમય સુધી કોઈ જ કોન્ટેક્ટ નહી અને ક્યારેક લાંબી લાંબી ચેટસની મજા કેમ વિસરાય? એ શીઘ્ર કવિતાઓ ની મસ્તી કેમ વિસરાય? ક્યારેક એમ લાગે કે તું બિલકુલ મારા જેવી છે,આપણી વિચારધારા, શોખ કેટલા મળતા આવે છે ને? પણ ના પછી અહેસાસ થાય કે તું દરિયો છે લાગણીઓ નો અને હું તેમાં હિલોળા લઇ રહેલ મોજા છુ. મારા માટે કૈક વિશેષ છે તું, કદાચ તને ખબર નહિ હોય પણ મારા મોબાઇલનાં કોન્ટેક લીસ્ટમાં તારું નામ પહેલું આવે એટલે મે ‘ A Rajula ‘ તરીકે સેવ કર્યુ છે. આપણી મિત્રતાની સારી વસ્તુ એ છે કે આપણને એકબીજાથી ક્યારેય કોઈ ફરિયાદ નથી હોતી, તું હંમેશા મારા જન્મદિન એ શાર્પ ૧૨ વાગે મને વિશ કરે અને હું ઘણીવાર તારો જન્મદિન ભૂલી પણ ગઈ હોઇશ, પણ એ બધું તુચ્છ છે આ સંબંધ સામે. મને ગર્વ છે કે મને ઈશ્વરએ દોસ્તના રૂપમાં તને આપી, એમના જ એક સ્વરૂપ તરીકે. મને ઈશ્વર જેટલો જ વિશ્વાસ છે તારા પર. આપણે મળીયે એટલે જાણે કે સુખ નામનો ઉત્સવ. બસ તું હમેશા આવી જ રહે, મારા માટે મિત્રતા દિવસનો એક અર્થ ‘તું’ પણ છે. તારા શબ્દોએ તારું પ્રતિબિંબ છે રાજી, મને યાદ છે કે તું તારો લખાણનો આંખો ખજાનો મારા ત્યાં મૂકી ગઈ હતી અને એના એક એક પાને તું છલકાતી હતી, બસ આવી જ છલકાતી રહે તારા શબ્દો દ્વારા. ઘણી વાર એવું બનતું હતું કે આપણે બંને એ અલગ અલગ સમયે કશુંક લખ્યું હોય પણ જાણે એક જ કલમેં લખાયેલું હોય એવું લાગતું. એ સમય તો ગયો, તેની સુંદર યાદો મૂકી ને, ક્યારેક આપણે એ યાદોને ફરી જીવી લઈએ છીએ.

મારા માટે આપણી દોસ્તી એટલે એ વરસતા વરસાદમાં તારા માટે બહાર નીકળવું, મોડી રાત સુધી જાગીને કોઈ એક ટોપિક તારી સાથે ડિસ્કસ કરવો, દરેક ક્રશ વિષે તારી સાથે ચર્ચા કરવી, કોઈ એક પુસ્તક વિશેની ચર્ચા, સાચું શું અને ખોટું શું ની બદલે યોગ્ય શું અને અયોગ્ય શું તેનું વિશ્લેષણ, નેવર એન્ડીંગ ચેટ્સ, આપનો એકબીજા પ્રત્યેનો લગાવ, મેં આપેલા એ ડાઘ જે તે સાચવીને રાખ્યા છે, મારી તારા પ્રત્યેની આસ્થા, અને એવું ઘણુબધું જે અવ્યક્ત છે અને જેને વ્યક્ત થવાની જરૂર નથી. મિત્રતા એ વ્યક્તિત્વ થી પણ ઉપર હોય છે. તને સમજવું એટલે આર્ટસના વિદ્યાર્થીને પાયથાગોરસ નો સિધ્ધાંત સમજાવવો પણ આર્ટસની વિદ્યાર્થીની હોવા છતાં એ મને આનંદ છે કે તને સમજવાનો માઈલસ્ટોન મેં સર કરી લીધો છે અને એવું ઈચ્છું કે આવું જ કોઈ બીજું તને મળે જે ખરેખર તને અને તારી સ્પેસને સમજી શકે. જે તારા માટે આકાશ બની રહે ઉડવાનું અને તું ઉતુંગ શિખરો સર કરે જીવનના. હું હંમેશા તારી સાથે જ છું, કોઈ પણ સિચ્યુએશનમાં અને કોઈ પણ નિર્ણયમાં. હું આ ગીત તારાથી ઈન્સ્પાયર થઈને ગઈ શકું કે ,

“ यारो दोस्ती बड़ी ही हसीं हे,ये ना हो तो क्या फिर ये जिन्दगी हे”

આ મારી લાગણીની અભિવ્યક્તિ છે એટલે બની શકે કે સાહિત્યિક તત્વ ના હોય પણ મારા માટે આ એક એવો અવસર છે કે જેમાં હું તને એવું કૈક આપી શકું કે જેનો ક્યારેય નાશ ના થાય, અને એ છે મારા શબ્દો. બસ મારા શબ્દો તને અર્પણ, દોસ્તી દિવસ તને અર્પણ અને આપણી લાગણીઓ નો સમન્વય થાય અને જે સિમ્ફની બને તે તને અર્પણ . love u raji.

From :

એ જ કાબરી (શ્લોકા)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.