રુકમણીજી ઉનાળાના બળબળતા બપોર જેવું રૌદ્ર રૂપ ધારણ કરી તપેલા સૂર્ય જેવું લાલચટ્ટક મોં લઈને શ્રી કૃષ્ણથી રુસણાં લઈને મહેલમાં બેઠા હતા. સવારની સાંજ પડવા આવી તોયે પ્રભુ મને મનાવવા ણ આવ્યા એ વાત એમની આઠેય પટરાણીમાં શિરોમણી એવી પત્નીનાં અહં ને ઠેસ પહોચાડતી હતી. હજી થોડી વાર થઇ ત્યાં તો એમનાથી રેહવાયુ નહિ અને દાસીને બોલાવીને કહ્યું,” પ્રભુને બોલાવી લાવો....એમને કહો કે એમની વ્હાલી રુકમણી એમને યાદ કરે છે.” દાસી નાં પ્રત્યુત્તર કે “પ્રભુ તો બહાર ગયા છે ક્યાર નાં” એ તો રુકમણીને વિચલિત કરી મૂકી અને ઈર્ષા,ગુસ્સો અને આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે પ્રશ્નોની વર્ષા વરસાવતા પૂછ્યું,” ક્યા ગયા છે? કોની સાથે ગયા છે? મને જણાવ્યું પણ નહિ. હું અહી નારાજ થઇને બેઠી છું તો મને મનાવવાની જગ્યા એ બહાર વિહાર માટે ગયા.....” અને રુકમણીની નજર સામે સવારની ઘટના ફરી વળી. સવારે ઉઠીને પ્રભું રુકમણી પાસે આવ્યા ત્યારે પણ તેઓ નારાજ જ હતા. પ્રભુએ પૂછ્યું પણ હતું. એમની નારાજગીનું કારણ હતું પ્રભુ ને આજે પણ ઊંઘ માં રાધા યાદ આવે છે. જયારે આ વાત એમણે પ્રભુ ને જણાવીતો પ્રભુ એ કહ્યું ભલે આપણે ગમે તેટલા વર્ષો સાથે રહીએ, ભલે હું ને રાધા ગમે તેટલા વર્ષો નહિ મળીએ પણ હું રાધા વિના અધુરો રહીશ જ અને એણે તો યાદ કરીશ જ......... બસ ત્યારથી રુકામણીજી રીસાઈ ને બેઠા હતા. પ્રભુ બહાર ગયા છે એ સાભળતા જ એ સમજી ગયા કે પ્રભુ ક્યાં ગયા છે? અને એટલું સમજતા જ એના ગુસ્સાની ગરમીમાં ઈર્ષાની જ્વાળા ઉમેરાઈ. શ્રી કૃષ્ણની શ્રેષ્ઠ પટરાણી-મહારાણીને ઈર્ષા થઇ એક સામાન્ય ગોવાલણ રાધાની એપણ તરત જ નીકળી પડ્યા વૃંદાવન જવા.

રાતનો સમય હતો. પણ આજની રાત એ કઈ જેવી તેવી રાત ન હતી. આજની રાત હતી શરદપૂનમની.... ઋતુની રાણી વસંત છે. તો શરદ ઋતુઓનો રાજા છે. વસંતનો એક વૈભવ છે. તો શરદની પણ એક શીતળ માદકતા છે. પણ રુકમણીને આજે એ શીતળતા સ્પર્શતી ન હતી. આમતો વૃંદાવનનું વાતવરણ આજે તો પ્રેમથી ભરેલું, વેરીને વેર લેવાનું ભૂલવી દે એવું હતું. ચંદ્ર વાદળ વગરનાં ચોખ્ખા આકાશમાં સોળે કળાએ ખોલી મધુરી ચાંદનીનાં પ્રેમ કિરણોનું પાન ધરતીને કરાવી રહ્યો હતો. વનની વનરાજી પણ પ્રેમામૃતનું પાન કરી તૃપ્ત થઈ રહી હતી. મોર-ઢેલ, ચાતક-ચાતકી, પોપટ-મેના બધા પક્ષીઓ પ્રેમ ગીત ગાઈ રહ્યા હતા. ઠંડી-ઠંડી પવનની લહેરખી સાથે ગુલાબ, ચંપા, પારિજાત, ચમેલી જેવા ફૂલોએ દોસ્તી કરી પોતાની સુગંધ એને ભેટમાં આપી હોય તેમ પવનની લહેરખી સાથે ભળેલી સુગંધ વાતાવરણને વધુ પ્રફુલ્લિત કરતું હતું. યમુના નદીને કિનારે કદંબનાં ઝાડની ઓથે બે આકૃતિ દેખાઈ રહી હતી. એને જોતા જ રુકમણી એ બાજુ દોડી અને ઝાડની પાછળ સંતાઈ બંનેની વાતો સાંભળવાની કોશિશ કરી રહી હતી.
એ બંને આકૃતિ હતી રાધા અને કૃષ્ણની...... સમર્પિત પ્રેમ અને ત્યાગનું બીજું નામ એટલે રાધા. બીજાની ખુશી માટે પોતાના પ્રેમને છોડનાર એટલે શ્રી કૃષ્ણ.
આજે બંનેની આંખો ઉદાસ હતી. આટલું સુંદર રમણીય વાતાવરણ કે જેને માટે બે પ્રેમીઓ હંમેશા ઝંખના રાખતા હોય એવા પ્રેમમય વાતાવરણમાં આ બંને પ્રેમી અધૂરા હૈયે અને ઉદાસ આંખે એકબીજાની સામે બેઠા હતા.

શ્રી કૃષ્ણ : “ રાધા.... રાધા..... બધું છે મારી પાસે પણ એક તું જ નથી. અને તું નથી એટલે બીજું કઈ નથી. દુનિયાદારીની રીતે અને પટરાણીની પ્રીતે આપણને એકબીજાથી દૂર કરી દીધા.
આટલું બોલતા બોલતા તો શ્રી હરિની આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. સામે રાધા શૂન્યમનસ્ક ચિતે બેઠી હતી. આંખમાં એકપણ આંસુ નહિ હતા.
શ્રી કૃષ્ણ : “રાધા, તે ગોકુળનાં ગોવાળને ચાહ્યો જયારે મારી પટરાણીએ દ્વારકાધીશને માંગ્યો. તે મારી વાંસળીના શૂરને સંગીત આપ્યું એમણે મને ચક્ર અને ગદા સાથે અપનાવ્યો. તે રાસલીલા રચાવી એમણે મારી યુદ્ધલીલાને માણી. તે મને ચાહ્યો અને એમણે મારી લીલાઓને ચાહી. હું ભગવાન તરીકે દુનિયાને ખુશ રાખવા તેમની ઇચ્છાઓ પૂરી કરવામાં પોતે અધૂરો અને દુખી રહ્યો રાધા ...... “
અને શ્રી કૃષ્ણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા રાધા બોલ્યા, “ રડો નહિ પ્રભુ મને જુઓ શું હું રડું છું??? તમને યાદ છે. જ્યારે તમે મને છોડીને ગયા ત્યારે મારી પાસે વચન લઈને ગયા હતા કે હું ક્યારે મારા આંસુ ધરતી પર નહિ પડવા દઉં ને ક્યારેય તમને નહિ મળું. મેં મારા એ બંને વચનને પાડ્યા છે. તમે ભલે મારાથી દૂર દુનિયાદારીમાં ખોવાઈ ગયા હોવ પણ મેતો મારા વાંસળી વાળા કાનાને મારા હૃદયમાંથી ખસવા જ નથી દીધા. આજેપણ હું મારા કાનાને મારી આંખોમાં અનુભવું છું. મારા હૈયામાં એનું હાસ્ય ગુંજે છે. એતો મારી પાસે જ છે. અને એને તો હું મારી પાસે જ રાખીશ. હું રડીશ પણ નહિ. તમને મળીશ પણ નહિ. અને તો પણ આજની આ શરદપૂનમની રાતે મારા કાના સાથે રાસલીલાને સ્વપ્નવત હું માણીશ પણ ખરી જ.... ખરી જ. હું તમારી નહિ થઈશ પણ તમને તો મારા જ રાખીશ. અને હંમેશા લોકો કૃષ્ણરાધા નહિ પણ રાધેકૃષ્ણ જ કહેશે....... જાવ પ્રભુ જાવ. ઘરે બધા તમારી રાહ જોતા હશે. હું તો અહી કંદમ તળે યમુના કિનારે મારા મનનાં માણીગર કાના સાથે રાસલીલા માણીશ.”
અને ઝાડ પાછળણી રુકમણી આબધું સાંભળી ત્યાં જ બેસી પડી અને શ્રી કૃષ્ણ દ્વારકા જવા નીકળી ગયા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.