કોમેડી ઑફ મેનર્સ : રીતભાતનાં તૈયાર પ્રમાણપત્રો!

મસ્કાબન: આ 'ફિલિંગ્સ પ્રુફ' દેશમાં ઓપન ડેફિકેશન થઇ શકે છે, ઓપન કિસિંગ એ ઓબ્સિનિટી ગણાય છે!

આપણે બધા જ ચારેકોર વિરોધાભાસ થી ઘેરાયેલા છીએ! એક બાજુ સિનેમા સ્ક્રિન પર આલ્કોહોલ કે સ્મોકિંગ આવતા જ જાતભાતની ચેતવણીઓ થી સ્ક્રિન ઇરિટેટ કરી મૂકે છે અને બીજી તરફ ફેમિલી ફિલ્મમાં પણ બિલો ધ બેલ્ટ હ્યુમર અને પ્રાઈમ ટાઈમ ટીવી સિરિયલ્સમાં પણ બેડરૂમ સીન્સ આવવા લાગ્યા છે! આપણી ચર્ચાનો મુદ્દો પ્રિયંકા ચોપરાનું સ્કર્ટ અને એની ક્લિવેજ સાથે સંકળાયેલો તિરંગા વાળો દુપટ્ટો હોય છે. આપણી દેશભક્તિ વંદેમાતરમ ફરજીયાત ગવડાવવામાં અને 'ભારત માતા કી જય' બોલાવવામાં હોય છે પણ સ્વાઈન ફ્લુ થી ગુજરાતમાં 288 લોકો મૃત્યુ પામ્યા હોય એ સમાચારો વાંચી આપણે આસાનીથી એને ભુલી જઈએ છીએ! સોમવતી અમાસ સુધી ઉભરાતા શિવાલયો ભાદરવા સુદ એકમ થી જ ખાલીખમ્મ થઇ જાય છે. મેનર્સ અને રીતભાતો સમાજ બનાવે છે, સમાજ એટલે આપણે સૌ! સંસ્કારો શ્રાવણની વધેલી દાઢી જેવા હોય છે, જે સમય આવ્યે દૂર થઇ જતા કોઈની રાહ નથી જોતા!

પાણી મોઢે માંડીને ન પિવાય, ઘરે ભલે હાથે થી કે ચમચી થી ખાઈએ પણ બહાર બધાની સામે તો ન ફાવે તો પણ ફોર્ક થી જ ખાવાનું! ખાવાપીવાની મેનર્સ પણ કેવી સાહેબ? ચૉપ સ્ટિક થી ખાતા તો આપણે શીખ્યા નહિ, પણ ક્યારેક હાથે થી જ ઉત્તપમ કે ઢોસો ખાવામાં આપણે કેમ નાનપ અનુભવીએ છીએ? ગુજરાતી પુરુષો રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ વેઈટર કે મેનેજર સાથે હિન્દીમાં વાત કરવા લાગે છે એ પણ પાછી ભાંગી તૂટી! રેસ્ટોરન્ટમાં મોટે થી ન બોલાય, પણ થિયેટરમાં મોટે થી મોબાઈલમાં વાત થાય, નાટક કે ફિલ્મોમાં ઓડિટોરિયમમાં નાના બાળકોની ચિચિયારી સૌને પરેશાન કરે છે પણ આપણે સમયસર એને બહાર લઇ જવાની તસ્દી પણ નથી લેતા! ફિલ્મો જોઈએ તો ફિલ્મ જોવા આવ્યા કે માત્ર ખાવા એ જ કળી ન શકાય! શો પૂરો થયા પછી કાર્પેટ પર પોપકોર્ન ઢોળાયેલી હોય તો જ પૈસા વસુલ થયા કહેવાય. બાળકોને સંસ્કાર શીખવીએ છીએ પણ મંદિર થી સિનેમા સુધી બધે જ લાઈનમાં ઉભા રહેવામાં આપણે ઝોલમઝોલ કરીએ છીએ.

કોમેડી ઑફ મેનર્સ એ સાહિત્ય-સિનેમાંનો એક એવો પ્રકાર છે જ્યાં સમાજનાં સેટ થયેલા સ્ટાન્ડર્ડ વિષે કટાક્ષનો સહારો લઇ ફક્ત કુશળ રાઇટિંગના સહારે કૉમેડી સર્જવામાં આવે! ઓસ્કાર વાઈલ્ડનું પ્રખ્યાત પ્લે 'ધ ઇમ્પોર્ટન્સ ઑફ બિઇંગ અર્નેસ્ટ' માં એક સંવાદ છે જેમાં પ્લેનું સેન્ટ્રલ કેરેક્ટર જૅક કહે છે, 'હું આખી જિંદગી મારી મરજી થી સત્ય બોલતો રહ્યો, આજે મને એ સમજાય છે, તું મને માફ કરી શકીશ?' અને જવાબમાં ગ્વેનડોલન કહે છે, 'ઠીક છે, પણ હવે સુધરી જજે!' આપણે ઈચ્છીએ તો પણ જેવા હોઈએ એવા રહી નથી શકતા, એવા દેખાઈ નથી શકતા. આસપાસનો સમાજ એટલો જજમેન્ટલ છે કે ગાર્ડનમાં બેસતા લવર્સ એ સીધા કેરેક્ટરલેસ અને બેજવાબદાર લોકોમાં ખપી જાય છે! આ દેશમાં પ્રોસ્ટિટ્યુશન, ચાઈલ્ડ ટ્રાફિકિંગ, પાઈરસી અને ટેરરિઝમનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યું પણ લગ્ન પહેલા કોઈ લવ અસ્તિત્વમાં હોય તો એ 'ખાનગી' રાખવો પડે છે!

સાડી અને જિન્સની જ વાત લઇ લો, સાડીમાં કમર, પેટ અને પાછળ પીઠ એમ ખાસ્સું અંગ પ્રદર્શન થતું હોવા છતાં એ સંસ્કૃતિનો એક ભાગ કહેવાય છે, અને જિન્સમાં કઈં જ ન દેખાતું હોવા છતાં, જિન્સ થી છોકરાઓની નજર ત્યાં જાય છે એમ કહીને જિન્સ 'વેસ્ટર્ન' માં ખપી જાય છે! ગુજરાતી છોકરીઓ આજે પણ પોતાની કરિયર માટે વોરિયર નથી બની શકતી, માસ્ટર્સ કે ગ્રેજ્યુએશન કરતા કરતા જ છોકરાઓ જોવાનાં શરુ થઇ જાય છે. ગુજરાતી ગાળો એ ગ્રોસ કહેવાય છે, અંગ્રેજી ગાળો ઈનથિંગ! તન્મય ભટ્ટ કે કિક્કુ શારદાને જોક ક્રેક કરવા માટે નોટિસ કે જેલ મળે છે અને સાક્ષી મહારાજ જેવા લોકો ચાર બાળક પેદા કરવાની વાત કરે છે!

આપણે પ્રસંગમાં મોડા આવવાને શાન ગણીએ છીએ, પૈસા આપી મંદિરોમાં વીઆઈપી દર્શન કરીએ છીએ. મંગળવારે નોનવેજ ન ખાવાની વાત કરીએ છીએ, અને હોસ્પિટલની બાજુમાં જ પંડાલો લગાવીએ છીએ! આમલેટની લારી થી કોન્ડોમની જાહેરાત સુધી ચારેકોર આપણી કૂણી કૂણી લાગણીઓ સતત હર્ટ થઇ જવા માટે તૈયાર જ હોય છે. કાઠિયાવાડી અને અમદાવાદી બોલીમાં પણ આપણને મેનર્સ દેખાય છે! કાઠિયાવાડી બોલે એ દેશી તમંચા, અને અમદાવાદી બોલી બોલીએ એ બધા અર્બન! ગુજરાતી ફિલ્મોને 'અર્બન' કહીએ તો એ હાઈફાઈ થઇ જાય એવો ભ્રમ પાળવામાં આવ્યો છે અને થિયેટરમાં જઈએ તો ગણીને દસ લોકો પણ નથી જડતા!

એરપોર્ટ પર લાઉન્જમાં નીચે બેસીને થેપલા શાક ખાઈને ગંદકી કરવી, એરપોર્ટનાં વોશરૂમમાં ટિસ્યુની અને હોટેલ રૂમમાં કંડિશનર-શેમ્પુ અને સાબુ ઉઠાવી લેવા એ આપણી મેનર્સ અને હક્ક લેખાય છે, પણ હિલ સ્ટેશન પર કોઈ જસ્ટ મેરિડ કપલને હગ કરતા જોઈને ગુજરાતી પતિઓ સ્ટેર કરી જોવા માંથી ઊંચા નથી આવતા! મેનર્સને આપણે સબ્જેક્ટિવ બનાવી દીધી છે, દરેકનાં પોતાના વર્ઝન. પોતાની કારની અંદર બ્રાન્ડેડ સોફ્ટ ટિસ્યૂઝ રાખતા લોકો દરવાજો ખોલીને પાનની પિચકારીઓનાં કોગળા કરતા રહે છે! ત્રણ વર્ષે જ બાળકને દેખાદેખીમાં પ્લે હાઉસમાં ધકેલી દઈએ છીએ, પાંચ-છ વર્ષે એ જ ગોખેલી પોએમ્સ, મહેમાનો કે પાડોશીઓની સામે હિન્દીમાં વાત કરવી એ જ આપણી મેનર્સ અને એટિકેટ્સ ગણાય છે! સેક્સ વિષે વાત નથી કરી શકતા, પણ ફેમિલી પ્લાનિંગ કે સેક્સ એજ્યુકેશનની સેન્સ નથી. મેન્સ વર્લ્ડ કે મૅક્ઝિમ જેવા મેગેઝિન ક્રોસવર્ડમાં જઈને છુપાઈને વાંચતા ગુજરાતીઓ ઘરે જન કલ્યાણ - પરમાર્થ વાંચે છે.

મેનર્સ જોવી હોય તો કોઈ શોપિંગ મોલમાં જઈને ટ્રાયલ રૂમ પાસે જઈને ઓબ્ઝર્વ કરજો! ચારેકોર ટ્રાય કરેલા કપડાં ચોળાયેલા એક ખૂણા માં પડ્યા હશે, ગુજરાતી પુરુષો મોબાઈલમાં જોતા જોતા પોતાની પત્નીને ઈશારા થી કહેતા જાય છે, 'આ બહુ રિવીલિંગ છે, ન પહેરીશ!'. મેનર્સનું મહાભારત અસિમ છે, અને કોઈ જયારે ન જોતું હોય ત્યારે એકલતામાં થતું વર્તન જ સૌથી સાચ અને અસ્સલ હોય છે! ડાઈનિંગ ટેબલ પર અને ફેસબુક પર રાજકારણની ચર્ચા કરવી એ આજકાલનો નવો ગૃહ ઉદ્યોગ છે! મેનર્સ અને ઍટિકેટ્સની આ કૉમેડી, આ દાસ્તાન સદાય આવી જ રહેવાની!


ડેઝર્ટ:

“To be natural is such a very difficult pose to keep up.”

― Oscar Wilde in his play: ‘The Importance of Being Earnest’


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.