સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે તો શું બોલો ?

- એ તો હું જ નહિ...સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.' પણ કોઇને પણ 'સર' કહીને બોલાવવાનું છોડી દો...ઇવન સ્કૂલ-કૉલેજના શિક્ષક-પ્રોફેસરોને પણ નહિ ! 'સર' એ બ્રિટનનો ખિતાબ છે, અને પોતાને 'સર' કહેવડાવનારા ટયુશનિયા માસ્તરો ય એનો અર્થ સમજતા નથી. યસ. તમે એમને 'સાહેબ' ચોક્કસ કહી શકો. 'સાહેબ' પણ 'સર' કરતા ઓછું સન્માન નથી. (રાજ દોશી, ભાવનગર)


તમે 'કપિલ શર્મા' જેવો શો કેમ શરૃ ન કરી શકો ?

- એનો શો અદ્ભુત છે. નવા સુધારા-વધારાની જરૃર નથી. (પિનાક બામણીયા, વેરાવળ)


સ્કૂલમાં તમારા ગુજરાતીના શિક્ષક કોણ હતા ? એમનું સન્માન થવું જોઇએ.

- અમદાવાદની ગુજરાતની સર્વોત્તમ સ્કૂલ સાધના હાઈસ્કૂલમાં અમને સ્વ. સુધાબેન મિસ્ત્રી ગુજરાતી ભણાવતાં, એમનો આ બધો પ્રતાપ છે. (ધવલ જે. સોની, ગોધરા)


હમણાં તો કોઇના સમાચાર પુછાય એવા નથી, પણ તમે કેમ છો ?

- તબિયત સારી છે, એટલે 'છું'! (અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા)


પ્રજા માટે કહેવાતી સેવા કરવા નીકળી પડયા છે...પ્રસિદ્ધિ માટે !

- હું રોજ મારા ફલૅટ નીચે ઝાડુ લઈને ઊભો રહું છું...કચરો ફેંકવાવાળા તો બહુ આવે છે...ટીવી-કૅમેરા લઇને કોઇ આવતું નથી. (જીજ્ઞાાસા માંકડ, મુંબઇ)


સામાજિક અર્થવ્યવસ્થા ડોલમડોલ થઇ ગઇ છે. તમને શું લાગે છે ?

- હા, હમણાંથી કોઇની સગાઇ તૂટવાના સમાચારો તો નથી ! (મધુલતા માંકડ, મુંબઈ)


મોદીજી બ્લૅકમની બહાર લાવી શકશે ?

- આખરે તો, 'ખાધું, પીધું ને રાજ કર્યું' વાળો ખેલ થયો ! (ભારતી ગજ્જર, સિમી વૅલી-કૅલિફૉર્નિયા)


'ઑનલાઇન' સીસ્ટમ સારી હશે, પણ એમાં મથામણો બહુ છે. એને સરળ ન કરી શકાય ?

- સર્વોત્તમ ઉદાહરણ શાકભાજીવાળાનું છે. એક હાથ લે, એક હાથ દે...! ને એમાં તો પૈસા બાકી રાખવાની ય સગવડ મળે છે. (કોમુ ભટ્ટ, ગાંધીનગર)


સત્તાપ્રાપ્તિ માટે રાજકારણ કૉપી-પૅસ્ટ કરતાં ય આગળ છે, એની કેજરીવાલને સમજ નહિ પડતી હોય ?

- એ મીડિયાએ ઊભું કરેલું બાળક છે. મીડિયા ય એવું જ કરે છે ને ? (રાજેશ શેલત, વડોદરા)


અગાઉ સ્મશાનમાં ડાઘુઓ ટુવાલ લઇને જતા....હવે મોબાઇલ લઇને જાય છે. સારો ચૅઇન્જ કહેવાય ?

- કમનસીબે, હજી સુધી સ્મશાનમાં 'ઓનલાઇન' જવાતું નથી. (મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


આજકાલ લોકોને એકબીજાને ઉતારી પાડવાની ટેવ કેમ પડી છે ?

- ટીવી-ન્યૂસ રોજ જોવાના ને ? (સંકેત કે. વ્યાસ, રાલીસણા-મેહસાણા)


ટ્રાફિક-પોલીસની કામગીરી વિશે તમારુંં શું માનવું છે ?

- જે મોટી શોપવાળાઓ પૈસા વધારે આપે, એના આંગણે ગેરકાયદેસર પાર્કિંગ કરવા દે ! અમારો સ્ટેડિયમ વિસ્તાર કોકવાર જોવા આવો. (વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)


આપની પાસે કાળું નાણું કેટલું છે ?

- ધોળું થાય નહિ એટલું ? (નૂતનકુમાર ભટ્ટ, સુરત)


રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રેસિડૅન્ટ ક્યારે થશે ?

- ગામનો ચોરો છે...જે આવીને બેસે, એ મુખી. (પ્રણવ કારીઆ, મુંબઈ)


જુગારમાં પોલીસની રેડ પડે, એમાં બધી ૫૦૦ અને ૧૦૦૦-ની જ નોટો હોય તો ?

- ધાર્મિક બની જવાનું. બધી નોટો પોલીસ-વૅલ્ફૅર ફંડમાં દાન કરી દેવાની. (પંકજ લાખાણી, વાંસદા-નવસારી)


નશાબંધી અને નોટબંધીમાં સારું શું ?

- શરદીથી મારુંં નાક ભરાઇ ગયું છે...અત્યારે તો 'નાકબંધી' ચાલે છે..એ પેલા બે ય થી ભૂંડી છે. (ઠાકોરભાઈ બારીયા, વડોદરા)


આજના ઝડપી યુગમાં 'કર્મનો સિદ્ધાંત' ધીમો નથી લાગતો ?

- કર્મ પણ નસીબનું પેટ્રોલ પુરાવો તો ચાલે ! (જયેશ અંતાણી, ભાવનગર)


જૅનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓના વિવાદમાં સાચું શું ?

- જૅનેરિક દવાઓ કૅમિસ્ટે કમ્પ્યૂટરમાં ટૅલી કરીને આપવી પડે છે. ભૂલ થાય તો ગુન્હો બને. હું જૅનેરિક દવાઓ જ વાપરું છું. ભાવમાં કેવો આસમાન-જમીનનો ફર્ક હોય છે!! (જુહિત મેહતા, ભરૃચ)


નામ, સરનામું, મોબાઈલ નંબર...આ બધું શા માટે ?

- કોઇ તમારા નામે આડોઅવળો સવાલ પૂછે નહિ એટલા માટે. પોસ્ટકાર્ડ્સ વખતે તો કેટલાક સવાલ પૂછીને ય ફરી જતા હતા કે, 'મેં પૂછ્યો જ નથી.' (મહેશ ધાબલીયા, મુંબઈ)


'ઍનકાઉન્ટર'માં આપો છો એવા સારા જવાબો ઘરે આપી શકો છો ?

- ત્યાં સાચા જવાબો આપવા પડે છે. (નિસર્ગ લખતરીયા, કોઠારીયા)


ભારતમાં આટલી શિક્ષિત બેકારી કેમ ?

- ઓછું ભણેલાઓને ય પાપી પેટ પૂરવા મળે છે, માટે. (મોના ઠાકર, ધોળકા)


તમે બધાને જડબાતોડ જવાબો કઇ રીતે આપી શકો છો ?

- લોકસભા-રાજ્યસભાનું લાઇવ-ટૅલીકાસ્ટ રોજ જોવાનું ને ?(જયેશ બારડ, સુરત)

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.