માણસના મૂળ અને કૂળની પેચીદી વિજ્ઞાનકથા પર એક નજર.

ફક્ત સજાતીય સંબંધ ધરાવનાર સામે જ 'હોમો' કહીને આંગળી ચીંધવા જેવી નથી, કારણ કે આપણે સૌ હોમો છીએ. આજના માનવીનું વૈજ્ઞાનિક નામ છે, હોમો સેપિયન્સ. આ બે શબ્દો કંઈક અંશે જ્ઞાાતિ અને પેટાજ્ઞાાતિ જેવા છે. સમજવા ખાતર એવું કહી શકાય કે પટેલોમાં એક ફાંટો લેઉઆનો પડયો અને જૈનોમાં એક ફાંટો શ્વેતાંબરનો પડયો એમ હોમોમાં એક ફાંટો સેપિયન્સનો પડયો. તો જેમ લેઉઆ છેવટે પટેલ છે અને શ્વેતાંબરો છેવટે જૈન છે એમ આપણે સેપિયન્સ છેવટે હોમો છીએ. અલબત્ત, આ સરખામણીમાં એક મહત્ત્વનો ફરક એ છે કે પટેલોમાં લેઉઆ-કડવા-આંજણા તથા જૈનોમાં શ્વેતાંબર-દિગંબર-સ્થાનકવાસી-તેરાપંથી જેવી અનેક પેટાજ્ઞાાતિઓ આજે હયાત છે, જ્યારે હોમોમાંથી ફંટાયેલી (અને શોધી શકાયેલી) પંદરેક મુખ્ય પ્રજાતિઓમાંથી આજે ફક્ત એકલી સેપિયન્સ જ બચેલી છે. બીજી બધી જ હોમો પ્રજાતિઓ ખતમ થઈ ચૂકી છે. હોમો શબ્દનો અર્થ જ માણસ થાય છે. એટલે કે અન્ય માણસો ખતમ થઈ ગયા, ફક્ત આજનો આધુનિક મનુષ્ય - સેપિયન્સ જ એકલોઅટૂલો ટક્યો છે.

તો, હાલમાં એવી શોધ જાહેર થઈ કે માણસની જ હોમો જાતિની નાલેદી નામની એક અન્ય પ્રજાતિ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવી છે. તમે કદાચ જાણતાં હશો કે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પાસે ૫૦,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલો એક વિસ્તાર ક્રેડલ ઓફ હ્યુમનકાઇન્ડ (માનવજાતનું પારણું) તરીકે ઓળખાય છે. આધુનિક માનવીના નિકટતમ વડવાઓના અસ્થિ (હોમિનિડ ફોસિલ્સ)ના જેટલા પણ અવશેષો આજ સુધીમાં શોધાયા છે એમાંના ૪૦ ટકા તો એકલા આ જ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અહીંથી હોમો જાતિની વધુ એક પ્રજાતિ નાલેદીના અવશેષો મળી આવ્યાના સમાચારથી ઉત્ક્રાંતિના વિજ્ઞાાનમાં રસ ધરાવનારાઓને તો ગોળનું ગાડું મળી ગયું. આ ખુશી સ્વાભાવિક છે, કારણ કે હોમો જાતિની પ્રજાતિઓ આજના માનવીને ઓળખવા-સમજવામાં સૌથી ઉપયોગી છે. આપણે કોણ છીએ, હોમોની અન્ય પ્રજાતિમાંથી આપણામાં શું ઊતરી આવ્યું છે? માણસનું મૂળ વતન કયું હતું? આપણી મૂળ સંસ્કૃતિ અને અસ્મિતા કેવી હતી! એ બધું સમજવામાં નાલેદી પ્રજાતિની શોધ પછી વધુ મદદ મળશે. તો, 'આપણાં નજીકનાં સગાં' હોમો નાલેદી મળી આવ્યા એ અવસરે આવો, આપણે હોમો સેપિયન્સના ઇતિહાસ-ઉત્ક્રાંતિને સહેજ વિગતે સમજીએ.

# ફક્ત આપણે જ શા માટે ટક્યા? હોમો એટલે માણસ, એમ સેપિયન્સ શબ્દનો અર્થ થાય છે સમજદાર. એટલે કે હોમો સેપિયન્સનું ગુજરાતી થાયઃ માણસ સમજદાર. એ તો હકીકત છે કે હોમોની અન્ય તમામ પ્રજાતિઓ કરતાં આપણે સેપિયન્સ એટલા ચતુર, કાબેલ અને જુગાડ કરી જાણનારા હતા કે આપણે ટકી ગયા (અને ભૌગોલિક પરિબળોએ આપણને ખતમ ન કર્યા એ બદલ કુદરતના આપણે આભારી છીએ). જગત પર આજે તો આપણું સેપિયન્સનું રાજ ચાલે છે. હાલની માનવજાતને વિજ્ઞાાન 'આધુનિક માનવ' (મોડર્ન મેન) તરીકે ઓળખે છે. આ આધુનિક શબ્દ પણ સમજવા જેવો છે. વિજ્ઞાાન જેને આધુનિક ગણાવે છે એવા માનવીઓમાં ભલભલા પછાત આદિવાસીઓ પણ આવી જાય. અસલમાં આધુનિક માનવીનું વૈજ્ઞાાનિક નામ ત્રણ શબ્દોનું બનેલું છે. એમાં સેપિયન્સ શબ્દ બે વાર આવેઃ હોમો સેપિયન્સ સેપિયન્સ (માણસ સમજદાર સમજદાર, દોઢ નહીં ડબલ ડાહ્યો માણસ). આમાંનો પહેલો શબ્દ હોમો જીનસ (જાતિ), બીજો શબ્દ સ્પીશીઝ (પ્રજાતિ) અને ત્રીજો શબ્દ સબ-સ્પીશીઝ (પેટા પ્રજાતિ) સૂચવે છે. મતલબ કે હોમો સેપિયન્સમાં પણ પેટાપ્રકાર છે. જેમ ઓસવાલ જૈનોમાં દશા ઓસવાલ જૈન અને વીસા ઓસવાલ જૈન હોય તેમ હોમો સેપિયન્સ (પ્રજાતિ)માં પણ સેપિયન્સ સેપિયન્સ અને સેપિયન્સ ઇદાલ્તુ જેવા પેટા પ્રજાતિના ફાંટા છે. એ સેપિયન્સ ઇદાલ્તુ જેવી પેટા પ્રજાતિ પણ ન ટકી શકી. માણસની એક જ જાતિ-પ્રજાતિ પેટા પ્રજાતિ ટકી, હોમો સેપિયન્સ સેપિયન્સ, આપણે.

# માણસ આવ્યો ક્યાંથી? માણસ આદમ-ઇવમાંથી ઊતરી આવ્યો કે પછી બ્રહ્મા-વિષ્ણુ-મહેશે માણસનું સર્જન કર્યું એવી બધી વાત ધર્મોમાં છે. આ બધામાં વિષ્ણુના અવતારોવાળી વાત વિશેષ રસપ્રદ છે, કારણ કે ભગવાન વિષ્ણુએ જે નવ અવતાર ધારણ કર્યા છે એ સીધેસીધા માણસ તરીકેના નથી. પહેલો અવતાર પાણીનો જીવ છે (મત્સ્ય). બીજો અવતાર પાણીમાં તેમ જ જમીન પર રહેનારો છે (કૂર્મ, કાચબો). ત્રીજો અવતાર જમીન પર રહેતું પ્રાણી છે (વરાહ, ડુક્કર). ચોથો અવતાર અર્ધમાનવ-અર્ધપ્રાણીનો છે (નૃસિંહ, અડધો નર, અડધો સિંહ). પાંચમો અવતાર માણસનો છે, પણ એ ઠીંગણા મનુષ્ય તરીકેનો વામન અવતાર છે (હાલમાં મળી આવેલો હોમો નાલેદી પણ પ્રમાણમાં વામન છે). પછી છઠ્ઠા પરશુરામ અવતારથી ભગવાન વિષ્ણુ પૂર્ણ, 'નોર્મલ' મનુષ્યરૂપે અવતરે છે. આ જે સિક્વન્સ છે, એ પ્રાણીની ઉત્ક્રાંતિની વૈજ્ઞાાનિક થિયરીને મળતી આવે છે.

આ પૃથ્વી પર પહેલો જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એનો સ્પષ્ટ જવાબ વિજ્ઞાનને નથી મળ્યો. જીવ, ચેતના અને ચૈતન્યની વાત તો દૂર રહી, પ્રત્યેક જીવન માટે પાયારૂપ એવા જીન્સનો મૂળ એકમ ન્યુક્લિયોટાઈડ પહેલાં અસ્તિત્વમાં આવ્યો કે એવા જ પાયારૂપ પ્રોટીનનો મૂળ એકમ એમિનો એસિડ પહેલાં પૃથ્વી પર રચાયો એ વિશે પણ વિજ્ઞાનીઓની ચર્ચા ચાલી રહી છે. હા, એટલું સ્પષ્ટ છે કે એકકોષી જીવમાંથી બહુકોષી જીવો વિકસતા ગયા અને એમાંથી વનસ્પતિઓ અને પ્રાણીઓ અસ્તિત્વમાં આવતાં ગયાં. આમાંનું પ્રથમ પ્રાણી દરિયામાં અસ્તિત્વમાં આવ્યું. એ જળચરમાંથી પછી ઉભયચર (પાણી અને જમીન બન્ને પર રહી શકનારાં પ્રાણી), ભૂચર (માત્ર જમીન પર જીવનારાં), ખેચર (ઊડી શકનારાં) વગેરે પ્રકારનાં પ્રાણીઓનું વૈવિધ્ય સર્જાયું. સરવાળે, ઉત્ક્રાંતિની યાત્રા દરમિયાન પ્રાણી, વનસ્પતિ, ફંગસ, બેક્ટેરિયા, આલ્ગી વગેરે સજીવોમાં વૈવિધ્ય એટલું વધતું ગયું, એટલું વધતું ગયું કે આજ લગીમાં પૃથ્વી પર કુલ પાંચ અબજ પ્રકારના જીવો જીવી ગયાનો અંદાજ છે. એમાંથી ૯૯ ટકા જીવો લુપ્ત થઈ ચૂક્યા છે. હાલમાં પૃથ્વી પર લગભગ સવા કરોડ પ્રકારના સજીવો જીવી રહ્યાનો અંદાજ છે, પણ એમાંના મોટા ભાગના સજીવો વિશે આપણે કશું નથી જાણતા. હાલમાં હયાત એવા જીવોમાંથી વિજ્ઞાાન સ્પષ્ટપણે જેમની નોંધ લઈ શક્યું છે એવા સજીવોની સંખ્યા ફક્ત બાર લાખ જ છે. એ બાર લાખ જાણી શકાયેલા જીવમાંનો એક જીવ છે, મનુષ્ય. હોમો સેપિયન્સ. માણસ સમજદાર.

# આપણે વાનરના વંશજ છીએ? એક પ્રચલિત છાપ એવી છે કે માણસ વાનરમાંથી, ખાસ તો ચિમ્પાન્ઝીમાંથી ઊતરી આવ્યો. પણ ના, સાવ એવું નથી. એ ખરું કે માણસ અને ચિમ્પાન્ઝી એ બેય હોમિનીની નામની ટ્રાઇબમાંથી ફંટાયા છે, પણ બેયની જાતિ અલગ છે. માણસની જાતિ (જીનસ) હોમો છે, જ્યારે ચિમ્પાન્ઝીની જીનસ પેન છે. દેખાવમાં જ જુઓને, માણસ અને ચિમ્પાન્જી કેટલા અલગ છે?

છતાં વિચારવા જેવું એ છે કે ચિમ્પાન્ઝી અને આજના માનવીના ડીએનએ વચ્ચે સમાનતા કેટલી હોઈ શકે? દસ-વીસ-ત્રીસ-પચાસ ટકા? ના, આધુનિક માણસ અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં સમાનતાનું પ્રમાણ છે ૯૮ ટકા. જેમની જીનસ (જાતિ) જ આપણાથી અલગ છે એ ચિમ્પાન્ઝીનું બંધારણ જો માણસને આટલું બધું મળતું આવતું હોય તો પછી જેમની જીનસ પણ હોમો જ છે એવી પ્રજાતિઓનું બંધારણ આપણાથી કેટલું મળતું હોઈ શકે? આનું એક ઉદાહરણ જોઈએ. મૂળ પૂર્વ આફ્રિકાના વતની એવા હોમો સેપિયન્સ જ્યારે ત્યાંથી નીકળીને એ યુરોપ, એશિયા તરફ ફંટાયા ત્યારે એમનો સમાગમ હોમો સેપિયન્સ જેટલા જ જૂના હોમો નિયાન્ડરથલેન્સિસ સાથે થયો (બેયની ઉંમર બે લાખ વર્ષની. એમાંથી આપણે સેપિયન્સ ટક્યા, પણ નિયાન્ડરથલ જૂથના છેલ્લા છેલ્લા લોકો ૪૦,૦૦૦ વર્ષ પહેલાં ખતમ થયા). આ નિયાન્ડરથલ્સ અને સેપિયન્સના ડીએનએ વચ્ચે ૯૯.૮૮ ટકા સમાનતા નોંધાઈ છે. આજના સેપિયન્સમાં, ખાસ તો યુરોપની કેટલીક પ્રજાઓમાં આ નિયાન્ડરથલ્સનું લોહી (ડીએનએ) ૧થી ૪ ટકા નોંધાયું છે. આ ઉપરાંત, હોમો ડેનિસોવા (સાઇબિરિયા) તથા હોમો ફ્લોરેસિયેન્સિસ (ઇન્ડોનેેશિયા) જેવા માણસોનું લોહી પણ આજના માનવીના લોહીમાં ભળેલું છે. તેમ છતાં (અથવા કદાચ એટલે જ) માણસને પ્યોર બ્લડની, શુદ્ધ રક્તની બહુ ચિંતા હોય છે. આપણે ક્યાંક વર્ણસંકર ન બની જઈએ એ ચિંતા વિશ્વભરની પ્રજાઓમાં અને એમના સાહિત્યમાં જોવા મળે છે. ગીતામાં પણ કૃષ્ણે પ્રજા વર્ણસંકર બનવાના જોખમનો ઉલ્લેખ કર્યો છે.

# ઉત્ક્રાંતિઃ નિસરણી નહીં, જાળું! ઉત્ક્રાંતિ માટે વર્ણસંકરતા અને વૈવિધ્ય અનિવાર્ય છે. ઉત્ક્રાંતિનો સાદો નિયમ એ છે કે પ્રગતિ માટે ડીએનએ બદલાવા જોઈએ. ડીએનએ અનેક રીતે બદલાય. મ્યૂટેશન (જિન્સમાં અચાનક આપોઆપ થતો એવો ફેરફાર જે પછીની પેઢીને પણ વારસામાં મળે), પર્યાવરણના પ્રભાવ જેવાં પરિબળો ઉપરાંત નજીકની પ્રજાતિ સાથે લોહીની ભેળસેળનો પણ ડીએનએ પરિવર્તનમાં થોડો ફાળો હોય છે. ડીએનએ સતત બદલાતા રહ્યા એટલે જ તો મામલો આધુનિક માનવી સુધી પહોંચ્યો. બાકી તો જીવનનો ખેલ અમીબા-બેક્ટેરિયા જેવા સાદા એકકોષી જીવ પર જ અટકેલો રહ્યો હોત, પણ એવું ન થયું. એકકોષીમાંથી બહુકોષી જીવોમાંથી પ્રાણીમાંથી સસ્તનોમાંથી ઉત્ક્રાંતિ દ્વારા, ડીએનએનાં પરિવર્તનોને લીધે આજનો માનવી અસ્તિત્વમાં આવી શક્યો છે. આમાં એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ઉત્ક્રાંતિ એક જ સીધી લીટીમાં નથી થતી. ઉત્ક્રાંતિમાં ક્રોસ કનેક્શન્સ ઘણાં છે. એ સીધી નિરસણી જેવી ઘટના નથી. ઉત્ક્રાંતિ કંઈક અંશે એક જાળું છે, જેમાં બધું એકમેક સાથે જબરું ગૂંચવાયેલું, સંકળાયેલું છે. માણસ-ઝાડ-અમીબા સાવ જુદાં હોવા છતાં એમના કોષનો અભ્યાસ કરીએ તો એમાં અનેક સમાનતાઓ જોવા મળે.

ખેર, તો આજ સુધી પૃથ્વી પર જન્મેલા ૯૯ ટકા જીવો લુપ્ત થઈ ચૂક્યા છે અને નવોસવો માણસ હજુ ટકેલો છે અને જગત પર છવાયેલો છે, પર પિક્ચર અભી બાકી હૈ. ટકી રહેવાની ક્ષમતા અને લવચિકતા (ફ્લેક્સિબિલિટી)ના મામલે માનવી કરતાં એકકોષી બેક્ટેરિયા અને અમીબા જેવા જીવો ઘણાં આગળ છે. શક્ય છે કે આજથી થોડા હજારો-લાખો વર્ષ પછી અન્ય જીવો ટક્યા હોય અને આપણે હોમો સેપિયન્સ ન પણ ટકી શકીએ. આ થઈ ભવિષ્યની વાત, અને ભૂતકાળની વાત કરવી હોય તો માણસ-વનસ્પતિ વગેરેની સમગ્ર સજીવસૃષ્ટિના મૂળમાં અમીબા-બેક્ટેરિયા જેવા એકકોષી જીવોને આપણા સૌથી વરિષ્ઠ વડવા તરીકે સ્વીકારવાં પડે. આપણા જેવા માણસો તો કંઈક આવ્યા અને ગયા, પરંતુ આ એકકોષી જીવો જીવનના આરંભથી આજ લગી ટક્યા છે (અલબત્ત, એ દરમિયાન એ ખાસ્સા બદલાયા પણ છે).

મુદ્દો એ છે કે સેંકડો વર્ષ પહેલાં કોણે કોના પર કેવા જુલમો ગુજાર્યા કે કેટલા હજાર વર્ષ પહેલાં કઈ સંસ્કૃતિ કેટલી મહાન હતી એવા બધા ઇતિહાસમાં બહુ રસ પડતો હોય તો પાછળ જવામાં અટકવું શા માટે? પાછળ જવું તો પૂરું જવું અને છેક પાછળ નજર કરીએ તો ખ્યાલ આવે કે પૃથ્વી પર જીવનનો ખેલ શરૂ થયાને ચારેક અબજ વર્ષનો ગાળો વીતી ચૂક્યો છે. એમાંથી આપણે હોમો સેપિઅન્સ છેલ્લા ફક્ત બે લાખ વર્ષથી જ આ પૃથ્વી પર છીએ અને આપણે સેપિયન્સ પણ સો ટકા સેપિયન્સ નથી. આપણે અન્ય હોમો પ્રજાતિનું રક્ત પણ ધરાવીએ છીએ તેમજ ચિમ્પાન્ઝી જેવા વાનરો સાથે ૯૮ ટકા જિનેટિકલ (જનીનિક) સામ્ય ધરાવીએ છીએ. આ બધું સમજાય તો કુળ-સંસ્કૃતિ-ધર્મની મહાનતાના વિવાદો બાલિશ લાગી શકે. સરવાળે ઉત્ક્રાંતિ ભલભલા ગૌરવના ફુગ્ગામાં ટાંકણી ભોંકે એવું શાસ્ત્ર છે. એટલે ઝાઝી માથાકૂટ કર્યા વિના ફક્ત એટલું જ અંકે કરીએ કે આપણે મનુષ્યોએ બહુ ખાંડ ખાવા જેવી નથી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.