તેનું નામ શીલા. શીલા કોઠારી. તેના પપ્પા સાવ સાધારણ. એક સાંધે ત્યાં તેર તૂટે. મમ્મી પણ કામ કરે. બસ આખો દિવસ બંને જણ કામમાં જ રચ્યા પચ્યા રહે. બીજા સંતાનનો બોજો સહન નહિ થાય તેવું માનીને, આ એક શીલાથી જ સંતોષ. શીલા ભણવા જાય પણ શું ભણે છે; તે માતા પિતા કોઈને ય ખબર નહિ. શીલાની મમ્મી ખુબ જ સ્વરૂપવાન. શીલા પણ દેખાવડી અને ખુબસુરત. પણ નાનપણથી જ કોણ જાણે ક્યાંથી શિલામાં એક ઉડીને આંખે વળગે તેવી વાત; તે તેની વાકછટા. વાતને રજુ કરવાની તેની અભિવ્યક્તિની કળા. છટાદાર અભિવ્યક્તિ 'ને મનમોહક અવાજ. પ્રાથમિક શાળામાંથી જ દરેક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જ હોય. માધ્યમિક શાળામાં પણ આ ક્રમ ચાલુ રહ્યો. અને કોલેજમાં પણ.

તેની કોલેજમાં એક દિવસ કેરિયર બિલ્ડીંગનો એક ખાનગી કંપનીનો સ્પોન્સર કાર્યક્રમ ગોઠવાયો. એન્કર એટલા બધા પ્રભાવી ઢંગથી વાત કરતા હતા કે બધા જ વિદ્યાર્થી સંમોહિત થઇ ગયા. શીલા પણ ખુબ જ સંમોહિત થઇ ગઈ. કાર્યક્રમને અંતે 1700 રૂપિયાની બુક્સ અને સીડી ખરીદવાની હતી. પણ શીલા પાસે તો 17 રૂપિયા પણ ન હતા. કંપનીની એક પ્રભાવશાળી એન્કર છોકરી દરેક વિદ્યાર્થીનો એક એક કરીને સંપર્ક કરીને ખરીદી માટે આગ્રહ કરતી હતી. શીલા સાથે તેની વાતચીતમાં શીલાએ પ્રભાવી ઢંગથી, પોતે આ કેમ ખરીદી શકે તેમ નથી, તેની રજુઆત કરી. આ બધી બાબત પર નજર રાખી રહેલ કંપનીનો હેડ એન્કર, સંતોષસિંઘ સોઢી, શીલાની રજુઆત કરવાની રીત અને અભિવ્યક્તિને જોઈ રહ્યો અને તેને લાગ્યું કે આવી છોકરી જો પોતાની કંપનીમાં નોકરી માટે આવે તો કંપનીનું સેલ વધી જાય. તેણે શીલાને બોલાવીને પોતાના મનની વાત કરી. શીલા તો તેની વાત સાંભળીને અચંબામાં દિગ્મૂઢ થઇ ગઈ. તે જણાતી હતી કે તે ઘણી જ પ્રભાવશાળી રીતે વાતચીત કરી શકે છે, અને પોતાની વાતને ખુબ જ સારી રીતે સામાવાળાને સમાજાવી શકે છે; પણ આ માટે કોઈ તેને નોકરીની ઑફર કરે, તેની તેણે ક્યારેય કલ્પના કરી ન હતી.

હેડ એન્કર તેને કંપનીના એરિયા મેનેજર પાસે લઇ ગયો. ઇન્ટરવ્યૂ દરમ્યાન શીલા મેનેજરને પ્રભાવિત કરી શકી. પણ મેનેજરને એમ લાગ્યું કે શીલાને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવાથી તે ઝળકી ઉઠે તેમ છે. આમ શીલાએ ટ્રેનિંગની સાથે સાથે કોલેજ પણ પુરી કરી. તેમ છતાં તેને અને બીજી પાંચ છોકરીઓને અતિ વિશિષ્ટ ટ્રેનિંગમાં મોકલવામાં આવી. આ બધી ટ્રેનિંગ દરમ્યાન તેને ઘણું જાણવા મળ્યું. હવે તે પાકી પ્રોફેશનલ બની ચુકી હતી. જયારે તેને નોકરી માટેનો એપોઈંટ્મેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે પગારનો આંકડો જોઈને તે અત્યંત અચંબિત થઇ ગઈ. તેણે ક્યારેય કલ્પના કરી ન હતી કે તેને કોઈ એટલો બધો પગાર ઓફર કરી શકે.

હવે તેને આગળ વધતા કોઈ રોકી શકે તેમ ન હતું. તેની મનપસંદ જોબ હતી અને તેમાં તેની આવડત અને ટ્રેનિંગે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. હવે તે પ્રગતિના પંથે અગ્રસર થઇ ચુકી હતી. પછી તેણે ક્યારેય પાછું વાળીને જોયું નહિ. વર્ષો વીતતા ગયા. મમ્મી પપ્પાને પણ તે પોતાના જોબના સ્થળે લઇ આવી. હવે મમ્મી પપ્પા તેના લગ્ન કરીને નિવૃત થવા માંગતા હતા. પણ કેરિયર પાછળ દોડતી શીલા પાસે લગ્ન કરવાનો સમય પણ ન હતો અને ઈરાદો પણ ન હતો. સારી એવી બચતથી અને બેન્ક લોનથી તેણે એક સરસ મકાન પણ બનાવ્યું. તેની વાક્ચાતુરી પણ વધતી ગઈ. તે જ્યાં જતી ત્યાં કેરિયર બિલ્ડિંગની કેટલીય બુક્સ અને ઓડીઓ વિડિઓ સીડી વેચાઈ જતી.

એક દિવસ, તેના જે હેડ એન્કરને તે ઘણો જ પાછળ છોડી ચુકી હતી તેનો ફોન આવ્યો કે તે તેને મળવા માંગે છે. રૂબરૂ મુલાકાતનો સમય ગોઠવાયો અને તેની ઓફર સાંભળીને શીલાનું મન આસમાનમાં ઉડવા લાગ્યું. તેનો હેડ એન્કર હવે પોતે જ એક કંપની લોન્ચ કરવા જઈ રહ્યો હતો અને શીલાને 50% ભાગીદારીની ઓફર કરી રહ્યો હતો. નવી કંપનીમાં ભાગીદારી કરી શકાય તેટલી રકમ શીલા પાસે હતી નહિ તેથી સંતોષસિંઘે તેને કહ્યું કે તેની પાસે પણ એટલી રકમ તો નથી; પણ બેન્ક લોન આપવા તૈયાર છે. શીલા એ ઘણી શંકા કુશંકા વ્યક્ત કરી પણ સન્તોષસિંઘે કહ્યું કંપની ન ચાલે તો ભાડમાં જાય. પૈસા જાય તો બેન્કના જાય. આપણી બંનેની રેપ્યુટેશન આ ફિલ્ડમાં એટલી બધી છે કે, આપણે ફરીથી કોઈ પણ કંપનીમાં નોકરી મેળવી શકીયે તેમ છીએ.

આખરે એક નવી કંપની અસ્તિત્વમાં આવી. પણ હવે શીલાના માતા પિતાએ આ દુનિયા છોડી દીધી હતી. હવે શીલાને પહેલા કરતા ઘણી વધારે મહેનત કરવી પડતી હતી. કમાણી પણ આસમાનને આંબવા મંડી હતી. એક માત્ર તકલીફ તેની હરીફ કંપનીથી હતી. છેવટે ખુબ મોટી રકમમાં સોદો થયો અને સંતોષસિંઘ અને શીલાએ મળીને તે હરીફ કંપની ખરીદે પાર કર્યો. હવે ખુબ જ મોટી નાણાકીય જવાબદારી હતી. હવે તેઓ શાળાના આચાર્યને અને શિક્ષકોને લાંચ આપતા અને તેમની પાસે બાળકોને આ બુક્સ અને સીડી ખરીદવાનું કહેવડાવતા. આ લાંચ માટે તેમણે કમિશન જેવો સોહામણો શબ્દ શોધી કાઢ્યો હતો. આમ કુનેહ અને આવડતથી તેઓએ ખુબ જ મોટી નાણાકીય જવાબદારી પણ પાર કરી. હવે ક્યાંય કોઈ તકલીફ ન હતી. હરીફાઈ પણ ન હતી. તેથી તેમણે મોનોપોલીનો લાભ ઉઠાવી પોતાની વાકચાતુરીથી રીતસરની લૂંટ શરુ કરી દીધી. એટલી બધી મનમોહક અને લોભામણી યોજનાઓ મૂકી અને એવા એવા દીવાસ્વપ્નો બતાવવાનું શરુ કર્યું કે ગરીબ વિદ્યાર્થીઓના ઘરનો ચૂલો પણ કોઈ કોઈ ટંક તો સળગતો નહિ પણ વિદ્યાર્થી બુક્સ અને સીડી તો અવશ્ય ખરીદતો જ.

એક સ્વયંસેવી સંગઠનને આ વાત ન રુચિ. તેમના હોદ્દેદારોએ શીલા પાસે આ વાતની રજુઆત કરી. શીલાએ સંતોષસિંઘને વાત કરી કે આપણે ક્યાંક પાપની કમાઈ તો નથી કરી રહ્યાને? સંતોષસિંઘ આવી વેવલાઈ પર ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે આપણે ક્યાં કોઈને ધોલ ધપાટ કરીને પૈસા લૈયે છીએ. પણ શીલાના મનમાં આ વાત ઘર કરી ગઈ. તેણે ખાનગીમાં સંતોષસિંઘને ખબર ન પડે તે રીતે છેલ્લા 10 વર્ષનો સર્વે કરાવ્યો કે આવી બુક્સ અને સીડી ખરીદ કરી ને જે વિદ્યાર્થીઓએ મોટી રકમો ચૂકવી છે; તે વિદ્યાર્થી હાલમાં શું કરે છે? પરિણામો બહુ જ ચોંકાવનારા આવ્યા. ક્યાંક આ બુક્સના પૈસા આપવાના હતા તેથી ઘરના મોભ એવા બાપની સરખી રીતે દવા થઇ શકી ન હતી તો ક્યાંક નાનો ભાઈ પૈસાના અભાવે ચોરી અને નશાની લાતે ચડી ગયો હતો. અને આ પરિણામોએ શીલાને ન જીરવી શકાય તેવો ખુબ જ મોટો આઘાત આપ્યો.

તે અત્યંત વ્યગ્ર રહેવા લાગી. તેની વાક્ચાતુરી લથડી ગઈ. તે હંમેશા વિચાર મંથનમાં ને વિચાર મંથનમાં જ નજર આવવા લાગી. અને આખરે 3 મહિનાના વિચાર સંઘર્ષ પછી તેણે સંતોષસિંહથી છુટા પાડવાનો નિર્યણ કર્યો. પોતાના ભાગે આવેલી બધી જ સંપત્તિ તેણે દાનમાં આપી દીધી. પાસે ફૂટી કોડી પણ રહેવા દીધી નહિ અને તે કાશી વિશ્વનાથના મંદિરે ગંગાતીરે રહેવા ચાલી ગઈ. આજે પણ તે ત્યાં જ રહે છે. રોડ પર જ બેસી રહે છે. નથી કોઈની સાથે વાત કરતી કે નથી કોઈ તેની સાર સંભાળ રાખતું.




gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.