એક નાનું ગામ.બાજુ માં ખળ-ખળ કરતી નદી વહે. ગામ ની વસ્તી વધુ નહીં હોય. ગામ જેટલું નાનું, ગામવાળા ના હૃદય એટલા જ મોટા. ગામ ની શરૂઆત માં જ એક મોટો વડ. વડ ની આજુબાજુ ગોળ ઓટલો. લટકતી વડવાઈઓ, ડાળીએ પંખીઓ ના માળા. વડ ના છાંયડે જ એક કૂવો. પથ્થરો ની પાળ, ઉપર લાકડા ના બે બાજુ ટેકો કરી ને વચ્ચે ગરગડી ગોઠવેલી. ગામ ની સવાર તો પાણી ભરવા આવતી સ્ત્રીઓ ની છમ-છમ કરતી ઝાંઝરી થી થતી, કુવા માં ડોલ નાખતા થપાક થતા અવાજ થી થતી. કૂવો ગામ નો શ્વાસ હતો, ને વડ ગામ નો મોભો.

આ ગામ માં હીરુ રહેતી. હીરુ, એની માં, એના બાપુ અને નાનો ભાઈ. ગામ ની વચ્ચોવચ એનું એક ઓરડી રસોડું નું નળીયા વાળું કાચું મકાન. હીરુ ના બાપુ ગામ ના સરપંચ. હીરુ ૧૦ વર્ષ ની ને નાનો ભાઈ ૬ વર્ષ નો.

હીરુ નું વિશ્વ તો આ ગામ જ હતું. ગામ ની બાર ની દુનિયા એને જોયેલી નઈ. હીરુ નાની હતી ત્યારથી એની માં જોડે રોજ સવારે કૂવે જતી. સવારે કૂવે મેળો જામતો. હીરુ ને એના મિત્રો વડ ની નીચે રમતા. થપ્પો દાવ, પકડદોડ, સતોળિયું, સંતાકૂકડી. હીરુ ઘણી માનતાઓ પછી થયેલું બાળક હતી એટલે એની માં બાપુ ની ઉંમર ઘણી વધારે હતી. જેમ જેમ હીરુ મોટી થઈ એમ સવારે પછી એ એકલી કૂવે પાણી ભરવા આવતી. હીરુ માટે વડ ને કૂવો, એના જીવન નું સૌથી મહત્વ ના અંગ હતા. એ પાણી ભરી ને પછી ઘડો વડ પાસે મૂકી ને બહેનપણીઓ સાથે રમતી, વડવાઈઓ એ હીંચકા ખાતી. માં ખિજાશે એ બીકે પછી ઘરે ભાગતી. શાળા એ થી પાછા આવી ને ફરી મંડળી કૂવે જ ભેગી થતી. કુવા ના પાણી માં પથ્થર નાખી ને ગોળ ગોળ બનતા વમળો જોયા કરતી. કુવા સાથે વાતો કરતી.

એની માં ને કહેતી " હે માં, આપડે કૂવો આપણા ઘર પાસે કેમ ના રાખીયો !? "

માં હસી ને કહેતી " બેટા, એ કૂવો તો એક મુનિ ના આશિષ છે, જયારે નદી સુકાણી તી ને પીવા ના પાણી નોતા એ દી એક મુનિ હાથ માં શ્રીફળ રાખી ને આખા ગામ માં ફરિયો તો, ને આ વડ નીચે જ ચમત્કાર થ્યો, શ્રીફળ ની ચાંચ ટટાર ઉભી રઇ ગઈ. ને મુનિ એ કીધું આયા ખોદો ને પાણી જડશે ને એમ જ થયું. ઈ દી ને આજ દી, કૂવો સુકાણો નથી. "

એ દિવસે કૂવે જઈ ને હીરુ કુવા ને પગે લાગી તી.

તહેવાર વખતે કુવા ની આજુબાજુ રંગોળી બનતી, દીવા મુકાતા. શાળા માં રજાઓ ચાલુ થાય એટલે વડ નીચે ગામ ના સૌથી સમજુ ને વૃદ્ધ ડોશી કુવા ને ટેકે બેસતી, આજુબાજુ છોકરાવ નું ટોળું, ને ડોશી વાર્તા કે, રામ ની વાતો, કૃષ્ણ ની વાતો, પંચતંત્ર ની વાર્તા. પંખીઓ ના બચ્ચાં પણ માળા માંથી ડોકિયાં કરી ને સાંભળતા. વડલો હસતો. ગામ ખુશ હતું. સમૃદ્ધ હતું.

એક દિવસ શાળા એ થી પાછા આવતા હીરુ એ જોયું એના બાપુ બે ત્રણ અજાણીયા માણસો સાથે વાત કરી રહયા હતા. એ માણસો કપડાં ઉપર થી બહુ મોટા ઓફિસર લાગ્યાં. એમના ગયા પછી બાપુ ના માથે કરચલી દેખાઈ. એ દિવસે રાતે બાપુ ના ગળે થી કોળિયો ના ઉતર્યો. હીરુ એ પૂછીયું પણ એમને હીરુ ના માથે હાથ મૂકી ને એનું કપાળ ચૂમી લીધું. હીરુ એ માં ને પૂછ્યું, માં ની આંખો માંથી તો બસ દડદડ આંસુઓ વહ્યા.

" બેટા, આપણા અંજણ પત્યા છે. "

એમને બસ એટલું જ કીધું, એટલું જ બોલી શક્યા.

બીજે દિવસે ગામ ના બધા લોકો વડ નીચે ભેગા થયા હતા જયારે બધા છોકરા શાળા એ ગયા હોય. એ પછી આખા ગામ ની રોનક એકાએક ઓછી થઈ ગઈ. કોઈ બાળકો ને કહેતું નહોતું પણ બાળકો સમજી શકતા હતા કે કંઈક થયું છે. હીરુ નું મન બેચેન હતું. હીરુ રાતે બધા સુઈ જાય એટલે કોઈ ને ખબર પડે નઈ એમ કૂવે પોંહચી જતી. કુવા ના પાણી માં પોતાનો ચહેરો અને ચંદ્ર નું પ્રતિબિંબ જોતી. ને પછી કુવા ને કહેતી

" ખબર નઈ શું થયું છે ! બધા દુઃખી છે. માં કે છે તું તો આશિષ છે ને મુનિ નો, તું તો ગામ નું દુઃખ દૂર કરે છે ને. તો કર ને ! "

પોતાના પ્રતિબિંબ ને જોયા કરતી. પછી ઘરે જતી રહેતી ને સવારે સુરજ ઉગે એ પેહલા રોજ કૂવે પાણી ભરવા પોંહચી જતી. માં બાપુ બે ત્રણ દિવસ થી હીરુ ને એનો ભાઈ સુઈ જાય પછી કપડાં ને ઘર નો સમાન ની ગાંસડી બાંધતા, ને રોતા રહેતા.

રોજના ક્રમ મુજબ આજેય હીરુ સુરજ ઉગે એ પહેલા કૂવે પાણી ભરવા પહોંચી ગઈ પણ આજે એ કૂવો ને સવાર રોજ જેવા ના લાગ્યા એને. વડ થી થોડેક દૂર મોટા ભયાનક પીળા દાંત વાળા ૧૦-૧૨ મશીનો પડ્યા હતા. આગલી રાતે હીરુ આવી ત્યારે તો કંઈ હતું નઈ. હીરુ ના હાથ માંથી ઘડો પડી ગયો. હીરુ ડરી ગઈ ને દોડતી દોડતી એના બાપુ પાસે પહોંચી ગઈ. હીરુ હેબતાઈ ગઈ હતી એ કંઈ બોલી શકી નઈ એટલે બાપુ નો હાથ પકડી એને કૂવે લઈ આવી. હીરુ ના બાપુ બધું જોઈ ને એકવાર માં સમજી ગયા ને માથે થી પાઘડી કાઢી ને નીચે બેસી ગયા. હીરુ હજી હાંફતી હતી.

" બાપુ, આ શું છે ?! "

હીરુ ની આંખો માં ક્યારનો એ સવાલ હતો.

બાપુ નીચે જોઈ રહ્યા. ને બોલ્યા

" દીકરા, આપણે હવે આયા નથી રેવાનું આ જે દેખાય ઈ આપણા ગામ ના બધા ઘર ને બધુંય આ માટી માં ભેળવી દેસે, આ કૂવો, આ વડ, આપણા મૂળિયાં કાંય નઈ રે દીકરા.. "

હીરુ ને સમજાયું નઈ. એ બાપુ ની બાજુ મા બેસી ગઈ

" પણ શું કામ બાપુ ? "

બાપુ નિસાસો નાખી ને બોલ્યા

" આ નદી માં આપણા ગામ થી દુર એક બંધ બનવે છે સરકાર, કે છે કે રાષ્ટ્ર ને બોવ ફાયદો થાશે, આપણું ગામ નદી ના ઉપરવાસ મા આવે છે, આયા બંધ બનશે એટલે તળાવ બનાવશે, આયા પાણી નો સંગ્રહ કરશે ગામ પાણી માં ગરક થઇ જા હે, આપણને બીજે ઘર દેશે, જમીનું દેશે.. "

બાપુ નો અવાજ રૂંધાતો હતો, આટલા વર્ષ થી આ માટી સાથે જે સબંધ હતો એ હવે એક ઝાટકે તોડી ને જવાનું હતું. હીરુ એના બાપુ ને ક્યાર ની ટગર ટગર જોઈ રહી હતી. એને વડ તરફ જોયુ હજી સુરજ ને ઉગવા માં થોડી વાર હતી પંખીઓ માળા માં છેલ્લી ઊંઘ લઈ રહયા હતા. એ ઉભી થઈ ને કુવા પાસે ગઈ કુવા ના પાણી માં જોયું. અંધારું હતું, આજે હીરુ ને પોતાના ચેહરા નું પ્રતિબિંબ ના દેખાયું. હીરુ ની આંખ માંથી એક મોતી ખર્યું, ને કુવા ના પાણી માં ગોળ વમળ થયા.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.