સાવ એવું તો ના હોયને ? તે કાંઇ ત્રાહિત પુરૂષ થોડો હતો ? અને તે પણ આવું કરવાનું ...! અને તે પણ ક્યારે ...? તે ઘેર નહોતી અને પિયર આવી હતી ત્યારે ? માની લીધું કે તે રંગીલો છે .... તે તેની બધી લીલાઓ ચલાવી લે છે , પણ અત્યારે જ્યારે તે તેની નાની બહેનના લગ્ન માટે પિયર આવી છે ત્યારે આવી નાગાઇ કરવાની ...? અત્યાર સુધી તે કોઇ સ્ત્રી કે છોકરીને ઘેર લાવ્યો નહોતો . તેની લીલાઓ અને લંપટતા ઘર બહાર ચાલતાં હતાં ,તેને ખબર પડે તો તેનો ઉધડો લેતી હતી , ખખડાવતી હતી , તે મિયાની મીંદડી જેવો થઇ જતો હતો , પોતાના દુષ્ચરિત્રની કબૂલાત પણ કરતો હતો ,માફી પણ માગતો હતો અને ફરીથી આવું નહીં બને તેની ખાત્રી પણ આપતો હતો – પણ તે તો નામની જ ...! એ રામ પ્રસંગ પતી ગયા પછી પાછા હતા તેમના તેમ ...! પથ્થર ઉપર પાણી . કશો ફરક નહીં . કૂતરાની પૂંછડી ગમે તેટલી ભોંયમાં દાટો પણ વાંકીને વાંકી જ રહેતી . ફરીથી તેમની કામલીલાઓ શરૂ થઇ જતી . તેને બધી જ ખબર પડતી . તેને ખબર ના પડી હોય તો એ માણસ પોતે જ જણાવી દેતો . માત્ર એટલું જ નહીં પણ તેનો શિકાર બનેલી સ્ત્રીના દેખાવનું આબેહૂબ વર્ણન પણ કરી બતાવતો . તે સ્ત્રીમાં તેને શું ગમ્યું અને શું ના ગમ્યું તે પણ જણાવતો. આવો ભોળો હતો તેનો માણસ . પણ આજે તો તેણે હદ કરી નાખી હતી . એક તો તે ઘરમાં નહોતી અને બીજું આટલી નાની ઉંમરની છોકરીને તેણે ક્યારેય હાથ લગાડ્યો નહોતો કે ફસાવી નહોતી . કહેનારના મત પ્રમાણે તો છોકરી સોળ કે સત્તર વરસની જ હતી , અને તેની ઉંમર તો કદાચ ચાલીસ વરસથી પણ વધારે હતી ...! તેની દિકરીની ઉંમરની ગણાય આ છોકરી તો ...! આવી છોકરીને ફસાવતાં તેને શરમ પણ ના આવી ..? જીવનમાં પહેલીવાર આ બધું બનતું હતું . તે પહેલીવાર તેના લફરાને ઘરમાં લઇ આવ્યો હતો . પહેલીવાર આટલી નાની છોકરી ....! અત્યાર સુધી તેણે ઘણી યુવતીઓ સાથે મોં કાળું કર્યું હતું . એ કુંવારી યુવતીઓ પણ હતી , પરણેલી પણ હતી અને વિધવા પણ હતી . તેના કરતાં નાની ઉંમરની હતી તો કદાચ તેના કરતાં મોટી પણ હતી . પણ આટલી નાની તો પહેલીવાર ફસાવી હતી .

અત્યાર સુધી તેણે જે તે સ્ત્રીના ઘરમાં ,કે હોટલના બંધ રૂમમાં અથવા રાતના અંધારામાં બગીચામાં ,ઝાડીમાં કે ખેતરમાં આવાં કાળાં કામ કર્યાં હતાં પણ તેના પોતાના ઘરમાં તે ક્યારેય કોઇ ઓરતને લાવ્યો નહોતો ...! આજે પહેલીવાર ...! તે જે કરતો હતો તે ખોટું છે એ તો તે પોતે પણ કબૂલે છે . તેને તેની સામે કોઇ ફરિયાદ નથી . તે તેને ગમતી નથી એટલે તે ચારિત્ર્યહીન બની ગયો છે એવું પણ નથી ...! તેનામાં કોઇ ખામી છે એવું પણ નથી ,બસ ... આદત પડી ગઇ છે ,પારકી ઓરતો પાછળ લટ્ટુ બનીને તેમની સાથે રંગરેલિયાં મનાવવાની ...! જેમ સમય થાય અને ચાની તલપ લાગે બસ ... બરાબર એ જ રીતે એકાદ અઠવાડિયું થાય એટલે તેને પરસ્ત્રીની તલપ લાગે છે . પ્રેમ-બેમ કાંઇ હોતું નથી . આ આવેગ અને આ ઉભરો પણ ક્ષણિક હોય છે ... જીવન જેમ ક્ષણભંગુર છે તેમ જ.....! કોઇ આવો સબંધ કાયમી હોતો નથી . પણ આ વખતે તેણે તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી ,તમામ મર્યાદાઓ વટાવી દીધી . કોઇ સ્ત્રી સાથે તેણે ક્યારેય કાયમી સબંધ બાંધ્યો નહોતો જ્યારે આ છોકરીને તો ઘરમાં જ ઘાલી રીતસર . કહેનારે તો એમ પણ કહ્યું કે – મને તો લાગે છે કે તે હવે સુમતિ સાથે છૂટાછેડા લઇ લેશે ,એટલેજ તે એટલે કે સુમતિ ફફડી ગઇ . તેને ગળા સુધીની ખાત્રી હતી કે તેનો માણસ સ્વરુપ આટલી નીચતા સુધી પહોંચી જશે ...! એટલે જ તેને વધારે આઘાત લાગ્યો .તે તેને છોડીને અહીં બહેનના લગ્નમાં આવી ત્યારે તો તેને કશું થયું નહોતું ....! તે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જ હતો ...! અત્યારે પણ કદાચ સ્વસ્થ જ હતો પણ તેનું મન ... તેનું દિલ કદાચ તેનાથી – સુમતિથી ભરાઇ ગયું હતું , તેના જીવનમાં હવે તેનું કોઇ જ સ્થાન નહોતું ...! હવે તો કદાચ સ્વરૂપ પેલી સોળ સત્તર વરસની છોકરી કે જે તેના ઘરમાં અડ્ડો જમાવીને બેઠી હતી , તેની સાથે જ રહેવાનો હતો –કદાચ સુમતિને રાખે કે ના રાખે ...! સુમતિને કાઢી પણ મૂકે ...! ના...ના... સ્વરૂપ સાવ એવો તો નહોતો જ ...! તે દુનિયાની બધી જ ઓરતો સાથે સબંધ રાખે ,રંગરેલિઓ મનાવે પણ તેને તો છેહ ના જ દે ...! ના...ના... સ્વરૂપ તેને છોડી દે અને પેલી છોકરીનો બની જાય એવો તો નથી જ...! સુમતિને ગળા સુધીની ખાત્રી હતી કે તેનો સ્વરૂપ આમ સાવ છેલ્લા પાટલે બેસી જાય એવો તો નથી જ...!

આખરે એ એક ઓરત હતી ,અને કોઇપણ ઓરત પોતાના મર્દને જેટલો ઓળખતી હોય તેટલો બીજો કોઇ ના ઓળખી શકે . સ્વરૂપ તેનો હતો , તેનો પતિ , તેનો મર્દ હતો . તે તેને ના ઓળખે ...! તેની રગ રગથી તે વાકેફ છે ... તેના સ્વરૂપ સમક્ષ એકવાર તો રૂપની રાણી પણ આવી જાયને- તો પણ તે પલળે નહીં , હા.... એક ભમરાની માફક તેનો રસ ચૂસીને ઊડી જાય .... ભલેને તે ગમે તેટલી રૂપસુંદરી હોય ...! પણ કાયમ માટે તો તે કોઇનો ના થાય ,તે તો સદા સર્વદા તેનો જ રહેવાનો હતો ... સ્વરૂપ સુમતિનો જ રહેવાનો હતો , રહ્યો છે ... સ્વરૂપને સુમતિ પાસેથી ઝુંટવી શકે તેવી તો કોઇની તાકાત નહોતી ... એટલીસ્ટ આ દુનિયાની ઓરતની તો નહીં જ...! તે વિચારતી હતી , બધું તેની તરફેણમાં જ હતું – તેને ગળા સુધીની ખાતરી હતી કે સ્વરૂપ તો તેનો જ છે ને તેનો જ રહેવાનો છે પણ ...! તેણે જે આ નીચ કામ કર્યું છે તે બદલ તેને કેવી રીતે માફ કરી શકાય...! તેણે પોતાની આબરુ તો લીલામ કરી નાખી પણ સાથે સાથે સુમતિની આબરુ પણ ધૂળધાણી કરી નાખી . જે જાણે તે બધા જ હડે ... હડે ... કરતાં હતાં , તેના તરફ થુ..થુ.. કરતાં હતાં ..!

સ્વરૂપની ખરેખર તો આ લપંટલીલા જ ખોટી હતી . તેનો જ વાંક હતોને ? તેણે જ તેની આ કુટેવ અત્યાર સુધી ચલાવી હતી એનું જ આ પરીણામ છે ? તેણે જો શરૂઆતથી જ સ્વરૂપને ડાર્યો હોત ,આ પતનના માર્ગે જતો અટકાવ્યો હોત તો તે નીચતાની આટલી હદ સુધી ના ઉતરી જાત ..! હવે તો તેણે હદ કરી નાખી હતી ...! તેની પુત્રીની ઉંમરની છોકરીને ઘરમાં ઘાલીને બેઠો છે ...! તેને પોતાને તો શરમ નથી આવતી પણ તેની પત્ની હોવાના નાતે તેના આ કાળા કામ માટે તેણે ઓળખીતા-પાળખીતામાં નીચા જોણું થાય છે ...! લોકો કદાચ તેના તરફ જોઇને જ “ થુ..થુ...” કરે છે . વાત તો સાચી જ છેને ? ઓરતમાં ધણીને સાચવવાની ત્રેવડ ના હોય તો જ ધણી અવળા માર્ગે ચઢી જાય ...! બાકી કોની મજાલ છે કે ધણી આડો અવળો જાય ...! જ્યાં ત્યાં મોંઢા મારતો ફરે ...! ભૂલ તો સુમતિની જ ગણાયને ? તેણે એને પહેલેથી વાર્યો હોત , ડાર્યો હોત ,અટકાવ્યો હોત તો આજે આમ રોવાનો વારો ના આવત ...! સુમતિને ખરેખર ખૂબ અફસોસ થતો હતો ..! તેને આમાં તેની પોતાની જ ભૂલ દેખાતી હતી .

આ વખતે તો સુમતિએ નક્કી જ કરી રાખ્યું હતું કે કૂતરાની માફક પૂંછડી પટપટાવતો સ્વરૂપ તેની પાસે આવે તો તેને ઝાટકી જ નાખવો , બરાબર ઉધડો લેવો તેનો ...! તેને બોધપાઠ તો ભણાવવો જ પડે ,નહીં તો તે તેને ક્યાંયની નહીં રહેવા દે ....! લોકો ભલે ગમેતેમ વાતો કરતા પણ તેનો સ્વરૂપ તો તેનો જ રહેવાનો ...! ગમે ત્યાં મોંઢું મારી દેતા કૂતરા પણ સમય થાય ત્યારે પોતાની શેરીમાં પાછા ફરે જ છે ..! તો પછી સ્વરૂપ તેને છોડીને બીજી કોઇનો થાય – એ વાત માનવા સુમતિનું મન તૈયાર નહોતું ...!તેને ગળા સુધીની ખાત્રી હતી જ કે તેનો સ્વરૂપ પાછો આવશે જ ...! તેની પાસે જ આવશે.... ક્યાં જવાનો છે ? સુમતિ પાસે પાછા આવ્યા સિવાય તેનો ઉધ્ધાર જ નથી .અને એક વાર હવે તો તેને પાછો આવવા દો ,તેની ખેર નથી ...! સુમતિએ મનોમન નક્કી કરી રાખ્યું હતું . અને પોતાની સાળીના લગ્નમાં તો તે આવશે જ ને ? સુમતિ તેના આવવાની રાહ જોતી હતી .

  • * *

હા... તે દિવસે તેની બહેનનું લગ્ન હતું . સુમતિ તે દિવસની જ રાહ જોતી હતી . સવાર સવારમાં જ તેનો ફોન આવ્યો ,

---- સુમુ ... તેણે ભલે સોળ સત્તર વરસની છોકરીને ઘરમાં ઘાલી હતી પણ હજુયે તેના શબ્દોમાંથી સુમતિ માટે તો મધલાળ ટપકતી હતી ..! તેને ખાત્રી હતી કે તેનો સ્વરૂપ તેના વિના રહી શકે તેમ નહોતો ...!

------ હા... બોલ ... તે બોલી તો ખરી પણ મનમાં ઊંડે ઊંડે તો તેને ઝાટકી નાખવાની જ ઇચ્છા હતી , પણ આ તે માટેનો સમય નહોતો .

---- આજે આવું છું . આવવું પડશેને તારી બહેનના લગનમાં તો ...?!

----- તારી મરજી .. સુમતિ બેફિકરાઇથી બોલી . તે જોવા માગતી હતી કે એ તલમાં હજુ કેટલું તેલ છે ? તેના માટે તેને કેટલી લાગણી છે ?

--- ના..ના.. આવવું જપડેને ...! વહેવારમાં તો રહેવું જ પડેને ?

તેને કહેવાની ઇચ્છા તો થઇ ગઇ હતી કે –પેલી તારી સગલીને ઘરમાં કેમ ઘાલી છે ? તેને પણ જોડે લાવીને મારી આબરૂના ધજાગરા કરવાનો છે ? પણ તે ચૂપ રહી . મોટાભાગે તો તે તેને લઇને આવવાની હિંમત નહીં જ કરે , અને કદાચ લાવશે તો પછી જોયું જશે ...! આવું વિચારી તે કશૂં ના બોલી .

બપોરે એકાદ વાગ્યાની આસપાસ તે બાઇક લઇને આવ્યો – એકલો જ હતો . પૂછવાનું તો મન થયું કે તારી સગલીને ઘેર એકલી મૂકીને આવ્યો છે ? પણ તેણે એ ઇચ્છાને દબાવી રાખી .બધાં ભેગાં થઇ ગયાં હતાં . લગ્નમાં આવેલી ઓરતો તો તેની પાછળ પાછળ બહાર સુધી આવી ગઇ હતી ..! આખરે તેણે પૂછી જ લીધું – ‘ સાંભળ્યું છે કે તમે કોઇક છોકરીને ઘરમાં ઘાલી છે ? આવા ભવાડા કરતાં તમને શરમ નથી આવતી ?મારે તો અહીં મોં બતાવવું ભારે પડી ગયું છે ..! ‘ જવાબમાં તે ‘હો..હો..’ કરીને હસ્યો અને બોલ્યો,’ હં ... સોળ સત્તર વર્ષ પહેલાં તેં જે ભવાડા કર્યા હતા અને અનાથાશ્રમમાં મૂકી આવી ‘તી તે મેં સુધાર્યા છે ...” કહીને તે ફરીથી ખંધું હસ્યો . તેને લાગ્યું કે તેના રૂઝાવા આવેલા ઘાની પોપડી તેણે ઉખેડી નાખી છે અને ઘા ખુલ્લો કરી દીધો છે ...!

---- અર્જુનસિંહ.કે.રાઉલજી.

42 ,ક્રુષ્ણશાંતિ સોસાયટી-2 , મુજમહુડા , અકોટા રોડ ,

વડોદરા-390020 (મો) 9974064991 .

E.Mail.: a.k.raulji@gmail.com.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.