મૂળ લેખક : પ્રિયા ગિલ્ડા

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : સુલાતાનસિંહ

આજે બપોરે મન બહુ દુઃખી હતું. મન કોઈ અલગ જ ચિંતામાં ડૂબેલું હતું અને કોઈ કામમાં પણ મન લાગતું ન હતું, છતાંય કામ તો ઘરના પુરા કરવા જ હતા. બપોરથી રાત થવા આવી હતી પણ મનમાં હજુ ચિતાઓ યથાવત હતી. છેક રાત્રે ૧૧ વાગે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે મને કહ્યું કે ભાઈનો ફોન આવ્યો હતો. મારા પપ્પાની તબિયત આસ્ક્ત છે. આટલું સાંભળીને જ મનમાં કેટલીયે ચિંતાઓ ઘેરાવા લાગી હતી. શુ મારી ચિંતાઓનું કારણ પણ આ જ હતું...? કહેવાય છે કે અમુક સમયે ભવિષ્યની હોનારતનો અહેસાસ પહેલા થઈ જતો હોય છે. શુ થયું પપ્પાને? કેટલાય વિચારો ઘેરાવા લાગ્યા. પપ્પા તો’ હંમેશા સ્વસ્થ રહેતા માણસ હતા. પપ્પાનું રોજીંદુ જીવન પણ વ્યવસ્થિત છે. કદાચ એટલે જ તો ૬૦ના હોવા છતાં તેઓ માત્ર ૫૦ના લાગતા હતા. બે દિવસ પહેલા જ જ્યારે પપ્પા સાથે વાત થઈ હતી, ત્યારે એવું કહ્યું હતું પપ્પાએ કે 'બધું બરાબર છે દીકરા.'. મેં પણ કામના કારણે માત્ર હાલચાલ પૂછીને, પછી વાત કરવાનું કહીને ફોન મૂકી દીધો હતો. મનમાં એક મૂંઝવણ ઘેરાતી જઈ રહી હતી કે એ દિવસે શા માટે હું પપ્પા સાથે વધુ વાત ન કરી. આ બધા વિચારોમાં ખોવાઈને ક્યારે આંખ લાગી એની ખબર જ ન પડી.


સવારે આંખ ખુલતાની સાથે જ પહેલો વિચાર પપ્પાનો આવ્યો. ભાઈ સાથે વાત કરી એણે તો કહ્યું કે તમે આવી જાઓ. પપ્પા હોસ્પિટલાઈઝ છે. મન હવે તો એટલી હદે આઘાતમાં હતું કે સૂટકેશ પેકીંગ પણ થતું ન હતું. આંસુઓ તો ટ્રેનમાં બેસી ગયા પછી પણ રોકાવાનું નામ લેતા ન હતા. હંમેશા મારા બાળકો મારી સાથે જ હોય છે. એટલે ચૌદ કલાકની મુસાફરી પણ લાંબી નથી લાગતી. પણ આજે તો મુસાફરી કાપવા છતાં કપાતી ન હતી. મારી ત્રણ વર્ષની દીકરી પણ સાથે જ હતી અને એના સુઈ ગયા પછી હું મારા ભૂતકાળના પ્રકરણોમાં ખોવાતી જ જઇ રહી હતી.


ચાર ભાઈઓ અને બે બહેનોમાં મારા પપ્પા સૌથી મોટા. એમનું બાળપણ તો મેં નથી જ જોયું પણ, જોયું છે કે પપ્પાનું વ્યક્તિત્વ જ્યારથી મેં હોશ સંભાળ્યો ત્યારથી બહુ પ્રભાવશાળી હતું. શાંત સ્વભાવ, ખુશ મિજાજી, સ્વનિર્ભરતા, મળતાવડો અને દરેકની મદદ કરવાની ઈચ્છાઓ. ઘણા જ ધીર-ગંભીર સ્વભાવના હતા પપ્પા. એટલે જ તો ઈંદોર જેવા મહાનગરને છોડીને પણ તેઓ નાનકડા ગામમાં આવી ગયા હતા. મોટા હોવાની જવાબદારીઓ જ તો નિભાવી હતી પપ્પાએ, ત્રણેય નાના ભાઈઓને ભર્યો-તર્યો જામેલો સાડીઓનો વેપાર આપીને આવ્યા હતા. પપ્પાનું અહીંયા આવી જવાનું એક બીજું કારણ એમના મમ્મી એટલે કે મારા દાદીમા પણ હતા. દાદીનો સ્વભાવ ખૂબ જ કઠિન હતો. મારી દાદીમાનું મઝબૂત શાસન મમ્મીએ સહન કર્યું હતું. પણ એની અસરો એમની તબિયત પર થવા લાગી હતી. એક દિવસ ચક્કર ખાઈને મમ્મી અચાનક જ પડી ગઈ હતી. રિપોર્ટમાં ટ્યુમર હોવાનું જણાવાયું હતું. ડોકટરે તો ઓપરેશન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં પણ દાદીમાના ક્રૂર સ્વભાવમાં ઓછપ ન આવી. આ જ કારણે પપ્પા પણ ઘરથી અલગ થઈ ગયા હતા. પછીથી જ તો શરૂ થઈ હતી પપ્પાના જીવનની જેલ-જહેમત. ફરીથી ઘર વસાવાથી લઈને, વેપારની શરૂઆત અને બધું નવા પ્રકારે શરૂ કરવાનું હતું. મમ્મીનું ઓપરેશન પણ કુશળતાથી થઈ ગયું હતું. પણ મમ્મી અસ્વસ્થ રહેવા લાગી હતી. પપ્પાએ હંમેશા વેપાર તેમજ ઘરની જવાબદારી સરસ રીતે નિભાવી હતી. અમને ભાઈ બહેનોને ખૂબ જ લાડ પ્રેમથી પાળીને ઊંચું શિક્ષણ અને સંસ્કાર આપ્યા હતા. પપ્પાની ખાસિયત માત્ર એમનો પ્રેમ નહિ પણ, એમની દ્રઢ નિર્ણયાત્મકતા પણ છે. પપ્પા વચ્ચે દાદીમાં પાસે પણ જતા હતા. એમની દરેક જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા.


સમય વીતતો રહ્યો. અમે ત્રણેય ભાઈ બહેન હવે ઊંચું શિક્ષણ મેળવીને પોતાના પગભર થઈ ચૂક્યા હતા. અમે બંને બહેનો પણ લગ્ન પછી પોતાના ઘર પરિવારના કાર્યોમાં સંપૂર્ણ રીતે ડૂબી ગઈ હતી.


ભાઈના લગ્ન પણ બે વર્ષ પહેલાં થઈ ગયા હતા. ત્યારે લાગ્યું હતું કે પરિવાર પૂર્ણ થઈ ગયો. પિયર જઈને ત્યાં પણ એટલી ખુશીઓ જોઈ બહુ આત્મસંતોષ મળતો હતો. પપ્પાને જોઈને પણ ખૂબ આનંદ થતો હતો. જીવનના અંતિમ સમય સુધીની તનતોડ મહેનત પછી પપ્પાને આ ઉંચાઈ મળી હતી.


પછી એક દિવસ નાના કાકાનો ફોન આવ્યો. ત્રણેય ભાઈમાં ભાગલાઓ માટે ઝઘડાઓ થઈ રહ્યા હતા. કોઈ દાદીને પોતાની પાસે રાખવા ઇચ્છતા ન હતા. ભાગલા પાડવા માટે પપ્પાને બોલાવવામાં આવ્યા. પપ્પાએ ભાગલા પડ્યા, પણ ભાગમાંથી કંઈ ન લીધું. પપ્પા ભાગમાં દાદીને લઈને આવી ગયા હતા. હવે તો મારી નજરોમાં પપ્પા માટે સમ્માન વધારે વધી ગયું હતું. 'દીકરો, ભાઈ, પતિ, પપ્પા જેવા દરેક સંબંધોની જવાબદારી પપ્પાએ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી હતી.


અચાનક દીકરીના જાગવાથી મારા વિચારોની તંદ્રા તૂટી. હું વર્તમાનમાં આવી ગઈ. ૨ વાગ્યે સ્ટેશન આવી જવાનું હતું. હોસ્પિટલ જઈને જોયું પપ્પા આઇસીયુમાં હતા. પપ્પાને બ્રેન હેમરેજ થયું હતું. ડાભા ભાગમાં લકવો પડ્યો હતો. મને જોતા જ પપ્પાએ હસવાનો પ્રયત્ન કર્યો. વિસ્મયકારક ઈચ્છાશક્તિઓ છે પપ્પા પાસે. ૨૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી પપ્પા ઘરે આવી ગયા છે. સારવાર તો હજુ પણ ચાલે જ છે.


મનમાં વારંવાર એક જ સવાલ ઉદ્દભવે છે. પોતાની દરેક જવાબદારીને સંપૂર્ણ નિભાવનાર વ્યક્તિ આજે પોતાના કામો માટે બીજા પર નિર્ભર છે. ઈશ્વરને એક જ પ્રાથના છે, 'બધાને ખુશ રાખવા વાળા મારા પપ્પા જલ્દીથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય.'( નોધ - પ્રતિલિપિ દ્વારા આયોજિત અનુવાદ સ્પર્ધાના સંદર્ભે. અનુવાદ માટેના હકો પ્રિયા ગીલ્ડાના નામે પ્રતિલિપિ તરફથી ઇમેઇલ દ્વારા મળેલ છે. )

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.