ધર્મ

ધર્મ કે ભક્તિ એટલા કોમ્પ્લિકેટેડ બનાવી દીધા છે આપણે કે તેના વિશે મુક્ત મને બોલતા પણ સો વખત વિચારવું પડે, કે રખે ને કોઈકને ખોટું લાગી જશે તો તોફાન ફાટી નીકળશે. ક્યાંક વાંચેલું કે ધર્મ એટલે જીવન જીવવાની કળા. તમારે કઈ રીતે જીવવું તે ધર્મ શીખવે છે, પણ હવે તો તમારે આમ ન કરવું તેમ ન કરવું એવું બધું ધર્મ શીખવવા લાગ્યો છે.

ધર્મ ના નામે હવે તો ઈમોશનલ બ્લેકમેલિંગ થવા લાગ્યું છે. આજની પેઢી ગમે તેટલી આધુનિક હોય તો પણ તેને ધર્મ ના નામે બાંધવામાં આવે જ છે. તમે શા માટે એવું તો પૂછી જ ન શકો, બસ કરવાનું એટલે કરવાનું જ. આ વિષય મા ચોઈસ તો મળતી જ નથી. એક મોબાઈલ લેવામાં પણ સો વખત વિચારતા માણસો ધર્મ ને મને કે કમને સ્વીકારી જ લે છે, અથવા તો એમ કહો સ્વીકારવો પડે છે.

મને યાદ છે, કોલેજકાળ દરમિયાન મને કોણ કઈ જ્ઞાતિ કે ધર્મ નું હતું એ ખબર જ નહતી, હવે એ ખબર પડી કારણ કે સોશિયલ મીડિયા મા બધા પોતાના જ્ઞાતિ કે ધર્મ ને ટેગ, કે લાઈક કે શેર કરવા લાગ્યા.

ધર્મ જો સહજ સ્વીકાર્ય હોય તો સૌથી વધુ ગૂગલ પર એ જ સર્ચ થવો જોઈએ પણ, મોસ્ટ સર્ચ મા ક્યાંય પણ કોઈ ધર્મ ટોપ ટેન મા છે જ નહીં. આપણે તેના વિશે વધુ જાણવા માગતા જ નથી. આપણા દેશમાં તો શનિ દેવ ની જગ્યાએ સની લિયોન વધુ સર્ચ થાય છે. આ આપણી કમનસીબી નથી, પણ આપણી દમ્ભપ્રિયતા છે કે આપણે જે છીએ તે બની નથી શકતા.


ભક્તિ માણસ ને નરમ બનાવે છે નહીં કે અકડ. અહીં તો ધાર્મિક વૃતિવાળો માણસ એક વેંત ઉંચો ચાલે કે હું બધા કરતા વધુ મહાન, પોતાની નબળાઈઓ ધર્મ આડી છુપાવી દે છે.

ધર્મ છટકબારી બની ગયો છે, ધર્મને નામે સૌથી વધુ પાખંડ થતા હશે, છતાં પણ આપણે સમજતા નથી, ક્યારેક તો વિચાર આવે કે માણસો આટલી હદે અંધ કેમ બની જતા હશે. તેમનું રીતસરનું શોષણ થતું હોવા છતાં એમને ભાન હોતું નથી.


આજની નવી પેઢી તો સૌથી વધુ પીસાઈ ગઈ છે, તાર્કિક રીતે તે ધર્મ સ્વીકારી શકતી નથી, ને ઇમોશનલી તેના પર દબાણ વધી જાય છે, એટલે બસ હવે તે ધાર્મિક મેળાવડા કે ઉત્સવો ને મોજ ની જેમ માણી ને આંનદ મેળવે છે.

વ્યક્તિનું ધાર્મિક હોવું એ જ એનું સૌથી સારા વ્યક્તિ તરીકેનું પ્રમાણપત્ર છે શું? વ્યક્તિ ને ધર્મથી પર જાણશો તો એ મજાનો માણસ નીકળશે. રસ્તામાંથી પસાર થતા, આવતા દરેક મંદિર ને માથું ન ટેકવતો માણસ ઘણો સરળ ને સારો વ્યક્તિ પણ હોય શકે છે, પણ હરેક ધર્મ સ્થાન પર ઈબાદત કે પ્રાર્થના કરતો દરેક વ્યક્તિ સારો ન પણ હોય.

ધર્મ નો માપદંડ હવે તો ત્યજી દઈએ, ને હવે વ્યક્તિત્વની નવી માપપટ્ટી શોધીએ.....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.