ફરી એકવાર માનસીએ ચેક કરી લીધું. લેટેસ્ટ ડિઝાઈનના થોડાં ડ્રેસ, મેચિંગ સેન્ડલ અને કેમેરો બેગમાં મુકાયા છે કે નહીં? હા...મેચિંગ જ્વેલરી અને વેનિટી બોક્સ તો પહેલેથી જ મૂકી દીધેલાં.


બારી બહાર નજર માંડી તો કાળું ડિબાંગ આકાશ ગોરંભાઈને લસ્ત થઈ આળસુની જેમ પડેલું. એની આ આળસ છેતરામણી લાગી. લાગતું હતું કે થોડી જ વારમાં વીજળીના ચમકારાં અને વાદળોના ગડગડાટનાં બેંડવાજા સાથે મેઘરાજા ધડબડાટી બોલાવી દેશે. આ વરસાદ ખરેખર વરનો સાદ બનીને તેને રોકી ન પાડે તો સારું. વિચારતી તે ઝડપથી તૈયાર થવા લાગી. રામાને કહીને પોતાનો સામાન ગાડીની ડીકીમાં મુકાવી દીધો. અનાયાસે જ તેની નજર ઘડિયાળ પર પડી, હજી તો ઘરેથી નીકળવાને ખાસ્સા બે કલાકનો સમય હતો. તો શા માટે આટલી ઉતાવળ? ઉંબરો ઓળંગી જવા તે બહાવરી બનેલી! શા માટે આટલી બધી ઉતાવળ, ઉંબર બહાર એવું કયું લોહચુંબકીય બળ હતું? જે એને ઘરથી વિરુધ્ધ દિશામાં ખેંચી રહ્યું હતું. બસ એક જ વાત...પતિ મિતુલ આવે તે પહેલાં તેને જતાં રહેવું હતું. પણ ‘ઓહહ મિતુલ...આહ મિતુલ!’


મિતુલની યાદ આવતા જ મિતુલ નામનો બાહુપાશ તેને ઘેરી વળ્યો. જેટલી ઉત્કટતાથી તે મિતુલને ચાહતી હતી તેનાથી બમણી ઉત્કટતાથી મિતુલ તેને ચાહતો હતો. આ ચાહત તો તેની ઇચ્છાઓ, આકાંક્ષાઓની રાહમાં રૂકાવટ બની રહી હતી.


તેને યાદ આવ્યું....

મિતુલ ઘરે આવે પછી જો માનસી ન દેખાય તો બહાવરો બની જતો, માનુ...માનુ...માનુ...કરીને આખું ઘર માથે લઈ લેતો.


“ચીલ...બેબી, આટલી બૂમો કેમ પાડે છે? ફોનમાં વાતો કરતી હતી..”


“તે ઘરમાં બેસીને વાત કર ને...ત્યાં બાલ્કનીમાં જઈને વાત કરવાની શું જરૂર છે?”


“અરે બાબા...ઘરમાં નેટવર્ક નહોતું આવતું એટલે જ તો બાલ્કનીમાં જવું પડ્યું. જવા દે એ વાત...પહેલાં મને એ કહે, કેમ બૂમો પાડતો હતો? શું કામ પડ્યું?’


“કંઈ નહીં યાર...ઘરમાં આવું અને મારી ગૃહલક્ષ્મીનાં દર્શન ન થાય તો બૂમો જ પાડવી પડે ને! તારાં વગર મને જરાય ચાલતું નથી, એ તને ખબર છે ને? હવે પછી હું ઘરમાં આવું તે પહેલાં તારાં ફોન-બોન પતાવી દેવાના..


ફરી એ વિચારવા લાગી, ‘ખરો છે આ મિતુલ! મારેય મારી એક અલગ દુનિયા હોય કે નહીં? મારુંય એક આકાશ હોય જ્યાં હું બેરોકટોક ઊડી શકું!


એક દિવસની હોય કે અઠવાડીયા-દસ દિવસની બિઝનેસ ટ્રીપ હોય, મિતુલ, માનસીને મૂકીને ક્યાંય ન જતો. અને ગિફ્ટ? રોજ કોઈને કોઈ બહાનું કાઢીને જાતજાતની અને ભાતભાતની ગિફ્ટ્સ ખડકી દેતો. કબાટો ઉભરાઈ રહ્યા હતા. કોઈ કમી નહોતી. ઘરમાં આખા દિવસનો રામો અને રસોઈ માટે મહારાજ હતા. સામાન્ય છોકરી જે સુખની ખેવના કરે તે સઘળું સુખ માનસીનાં ચરણોમાં આળોટતું...


આને જ શું સાચું સુખ કહેવાતું હશે? શું આમને આમ કોઈ પણ ધ્યેય વગરની જિંદગી જીવી નાખવાની. હજી સંતોષનો કોઈ ઓડકાર આવ્યો નહોતો..તેનાં મનમાં આવા તો કેટલાંય વિચારો આંટાફેરાં મારી જતાં. એક જમાનામાં માનસી કોલેજની બ્યુટીક્વિન રહી ચૂકેલી. ફેશન શૉ હોય કે નાટક હોય. સ્માર્ટ, દેખાવડી અને વાક્ચાતુર્યમાં માહેર માનસી કોલેજની એકોએક એક્ટિવિટીમાં ભાગ લેતી. તેની હાજરી માત્રથી સ્ટેજ જીવંત બની જતું. કોલેજ છોડયા બાદ પણ તે મોડેલિંગ અને ફેશન શૉ સફળતાપૂર્વક કરતી રહેલી. આમ લાઈમલાઈટમાં રહેવાનુ તેને કોઠે પડી ગયેલું.


મિતુલને પરણ્યા પછી થોડાં સમય માટે તેણે બધું વિસારી દીધેલું. લગ્ન બાદ તેની જિંદગી સાવ બદલાઈ ગઈ હતી. તોયે પોતાના રૂપ અને ફિગરની જાણવણી કરવામાં પાછી નહોતી પડી. આ જ રૂપનો તો મિતુલ દિવાનો હતો. તેની દિવાનગી હવે તેને અબખે પડવા લાગી હતી. મિતુલની આજુબાજુ ફરતાં, તેને પ્રેમ કરતાં અને તેના પ્રેમમાં રસતરબોળ થતાં પાંચ પાંચ વરસ પાણીના રેલની જેમ વહી ગયા.


મિતુલનો બિઝનેસ વિસ્તરતો જતો હતો. તેનું કામ વધી ગયું હતું. એક દિવસ સવારે મિતુલ તૈયાર થતો હતો ત્યારે તેને ટાઈ બાંધતા બાંધતા, તેની નજદીક સરીને તેણે કહ્યું પણ ખરું, “મિતુલ, કાલથી હું આપણી ઑફિસ જોઈન કરું છું. તને મદદરૂપ પણ થવાય અને મારો સમય પસાર થાય. એ બહાને આપણે વધારે સમય સાથે વિતાવી શકીશું.”


“ના..માનુ...એ તારું કામ નહીં. બિઝનેસની આંટીઘૂટીમાં તું અટવાઈ જશે તો મારી આ માનુને હું ખોઈ બેસીશ. એ નુકસાન મારાથી સહન નહીં થાય. એય ને ઘરમાં બેસીને તું જલસા કર ને મારી રાણી!”


“આખો દિવસ ઘરમાં બેસીને કંટાળી જવાય છે. એક જિમમાં જવાનું અને બીજું કીટીપાર્ટી...એનાંથી પણ હવે ઉબાઈ ગઈ છું. મને મારી ઓળખ જોઈએ છે...” મિતુલના વાંકડિયા વાળમાં આંગળી રમાડતાં તે લાડથી બોલી, “ચાલ તારી પણ વાત નહીં અને મારી પણ નહીં, બસ. મહિનામાં એકવાર ફેશન શૉ કે મોડેલિંગ કરવાની તો રજા આપ.”


“નો વે...માનુ, શ્રીમતી.માનસી મિતુલ શાહ, બહાર કામ કરવા જશે? તારી ઓળખ તો બિઝનેસ ટાયકુનની પત્ની તરીકે બની જ ગઈ છે...આટલી સુખ સાહયબી છે તો તને ઓછું ક્યાં પડ્યું કે તારે કામ માટે ઘર બહાર જવું પડે? એવો વિચાર જ કેમ આવ્યો તને?”

કેમ? એમાં ખોટું શું છે? મારી આવડતને ઘરમાં બેઠાં કાટ લાગી જશે. હવે જમાનો બદલાઈ રહ્યો છે. પતિ પૈસાવાળો હોય તોય પત્ની પણ કમાવા માટે ઘર બહાર પડે જ છે...એ વાત તો મારાં કરતાં વધારે તું જાણે જ છે ને!


આજે તો માનસીનાં મગજ પર એક ધૂન સવાર થઈ હતી. મિતુલને ઑફિસે રવાના કર્યા પછી તેણે તેનાં જૂના મિડિયા કન્સલ્ટન્ટને ફોન કરી બધું નક્કી કરી લીધું. બસ હવે આ ઘર અને વરને મૂકીને પોતાની ઇચ્છા પ્રાપ્તિનું લક્ષ્ય સિધ્ધ કરવા નીકળી જ જવું છે. ‘હે પ્રભુ..બધું હેમખેમ પાર પાડજે’ એમ મનોમન બોલતાં તેણે ઘરનાં મંદિર તરફ હાથ જોડયાં. મિતુલને સંબોધીને લખેલી ચિઠ્ઠી ટેબલ પર મૂકી તે કયાંય સુધી આંખો મીંચી પડી રહી.


આચનક ડોરબેલ વાગી ઉઠી...ચમકીને ઉભા થઈ તેણે દોડતાં દરવાજો ખોલ્યો. દરવાજામાં હસતાં ચહેરે ઉભેલાં મિતુલને જોઈ તે ઝંખવાઈ ગઈ ને બે ડગલાં પાછળ હઠી ગઈ. “અરે...મારી ગૃહલક્ષ્મી, પૂછશો નહીં કે, રાયવર..આજે વહેલેરાં..કેવી રીતે?”

તેને સૂજયું નહીં કે શું બોલવું..‘બેસ તો ખરો..હું તારા માટે પાણી લઈ આવું...’


“અરે, મારી જાન...પાણીબાણી ગયું તેલ લેવા..પહેલાં આંખો બંધ કર. જો હું તારાં માટે શું લાવ્યો છું.”


‘ઓહહ નો, આજે ફરી એક ગિફ્ટ.’વિચારતાં તેણે આંખો બંધ કરી.


“એક..બે...ત્રણ...ચાર...પાંચ, હવે આંખો ખોલો મારી મહાલક્ષ્મી.”


માનસીની આંખો તો ખૂલી પણ પલકારો મારવાનું જ ભૂલી ગઈ. મિતુલના હાથમાં માનસીનો એપોઈંટમેંટ લેટર હતો. તે હવે બાકાયદા મિતુલની કંપનીના પ્રોડક્ટનાં પ્રમોશન માટેની મુખ્ય મોડેલ બની ચૂકેલી. અને તેના હાથમાં રહેલા ખુલ્લા બોક્સમાં મોડેલિંગ સમયે પહેરવાનો સોનેરી જરીકામથી શોભતો લીલા રંગનો ગાઉન હતો સાથે સોનેરી કલરનાં હીલવાળા સેન્ડલ અને અતિ મૂલ્યવાન ડી.એસ.એલ.આર. કેમેરો પણ હતો...


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.