પ્રેમથી થાય પરિવર્તન

શિયાળાની બપોર છે. બધાં શાંતિથી પોતપોતાના રૂમમાં આરામ કરે છે. ત્યારે નવપરિણીતા નિતલે જોયું કે એનાં સાસુ અરૂપાબહેન રસોડામાં કંઈક ઉદ્યમ કરી રહ્યાં છે.

‘અત્યારે શું કરો છો ?’ નિતલે સંવેદનાહીન અવાજે કહ્યું.

‘નાસ્તો બનાવું છું.’ ઉત્સાહથી અરૂપાબહેને કહ્યું.

‘પણ આ તો તમે રોટલી લઈને બેઠાં છો.’

‘હા, બૂરુ ખાંડ, સહેજ ચોખાનો લોટ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે, તેને આ વધેલી રોટલી પર લગાડી વીંટો વાળીને તળી લઈશ, બિસ્કિટ જેવું લાગશે, હમણાં ચા બનાવીશું ત્યારે ખાઈશું.’

નિતલ કંઈ બોલી નહિ. એને સાસુની આવી પ્રવૃત્તિમાં જરાય રસ ન પડ્યો. અરૂપાબહેન સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી કંઈ ને કંઈ કર્યા જ કરે. ઘરનું ફર્નિચર જુદી રીતે ગોઠવે. આંગણામાં ગોઠવેલાં કુંડાં અને ક્યારામાં ગોડ કરે ને કંઈક વાવે ને કાપે અને રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ. એનાં એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. ભાણામાં નવા રૂપરંગ સ્વાદવાળી વાનગીઓ પીરસાય. અમીય એની મમ્મીના આ ગુણનો પૂજારી હતો. પરંતુ નિતલને સાસુની આ રીત ના ગમે. એ રસ ના લે, મદદ ના કરે પણ બેધડક બોલે, ‘મમ્મીને તો જીવતાં જ નથી આવડતું. આખો દિવસ કામ કામ ને કામ. મને એમને જોઈને થાક ચડી જાય છે.’ અમીય ક્યારેય અરૂપાબહેનને કહેતો : ‘મમ્મી, નિતલને તારી પાસે બેસાડીને બધું શીખવને.’

અરૂપાબહેન કંઈ બોલતાં નહિ, પણ મનમાં વિચારતાં કે એને રસ હોય તો મારી પાસે બેસેને. એને તો જોવા જાણવાનીય જિજ્ઞાસા નથી. મારા વરને ગમે છે માટે હું કરું એવો ઉત્સાહયે નથી. અમીય તો નાનપણથી માને મદદ કરતો. એને મમ્મીની જેમ કંઈક નવું કલાત્મક રીતે કરવું બહુ ગમતું. એને હોંશ છે કે નિતલ પણ મમ્મીની જેમ કરે. પણ નિતલમાં તો ભારોભાર આળસ ભરી છે. ક્યારેક અમીય નિતલને કહેતો : ‘ચાલને આપણે મમ્મીને મદદ કરીએ.’

‘ના. એ જે કરે છે એ વેચાતું લાવી શકાય કે નોકર પાસે કરાવી શકાય. અને એમનામાં જોર છે તો કરે. વળી એમને બહાર જવાનો કોઈને હળવા મળવાનો શોખ નથી તે કર્યા કરે.’

‘નિતલ તને એવું નથી થતું કે દિવસ આખો ગયો, મેં શું કર્યું ?’

‘તારી મમ્મીની જેમ વૈતરું કરું ?’ નિતલ અકળાઈને બરાડતી.

‘મમ્મી કરે છે એ વૈતરું નથી. એ જે કરે છે તેથી તો આપણી જિંદગી રસભરી અને તાજગીભરી લાગે છે.’

‘મને તારી આ ફિલોસોફી નથી ગમતી. મને તો આરામ અને ચેનભરી જિંદગી ગમે.’

આમ અમીય અને નિતલ વચ્ચે સ્વભાવ અને માન્યતામાં ફેર હતો. રસના વિષયો જુદા હતા. ડગલે ને પગલે આ ભેદ નડતો. નાની વાતોય મોટું સ્વરૂપ ધારણ કરી ઝઘડાનું મૂળ બનતી. બેઉ વચ્ચેનું મુગ્ધ, મધુર આકર્ષણ નાશ પામ્યું. બેઉ એક ક્ષણ માટેય સંવાદ નથી સાધી શકતાં. બેઉને અન્યોન્યમાં દોષ જ દોષ દેખાય છે. બેઉમાં સંયમનો અભાવ છે. ધીરજ નથી. સમતા નથી. વાતવાતમાં ઝઘડા, આક્ષેપો, ધમકીઓ, કજિયો ને કંકાસ. અરૂપાબહેન ફફડી ઊઠ્યાં. આમ ને આમ તો આમનું દામ્પત્ય નંદવાઈ જશે. ભય, શંકા અને ઉદ્વેગમાં એમનો કાયમનો ઉત્સાહી, આનંદી સ્વભાવ ગાયબ થઈ ગયો.

અમીયના પપ્પા કાર્તિકભાઈ ખૂબ સ્વસ્થ અને ગંભીર માણસ છે. તેઓ અરૂપાબહેનને કહે છે : ‘તું દીકરા-વહુની ચિંતા કરવી છોડી દે. શ્રદ્ધા રાખ બધું સારું થશે. તું પહેલાંની જેમ હસતી રહે.’ પતિની વાત સાંભળીને અરૂણાબહેન બોલ્યાં : ‘કાયમ ઝઘડાના સૂર સંભળાતા હોય ત્યાં હું શી રીતે હસતી રહું ?’ આટલું બોલતાં બોલતાં એ રડી પડ્યાં.

કાર્તિકભાઈ કહે : ‘આ આપણી સહનશક્તિ અને ધીરજની કસોટી છે. આપણે જરાય ઢીલા નહિ પડવાનું, નહિ તો દીકરાને દુ:ખ થાય. અમીય ખૂબ લાગણીવાળો છે. એની અપેક્ષા મુજબ એનું દામ્પત્યજીવન આકાર નથી લેતું તેથી એ મૂંઝાયેલો છે, અકળાયેલો છે, પણ આપણે તો દુનિયા જોઈ છે, જાણીએ છીએ કે એક હાથની પાંચ આંગળીઓય સરખી નથી તો બીજા ઘરની, બીજા વાતાવરણમાં ઉછરેલી છોકરી આપણા જેવું ના માનતી હોય અને ના વિચારતી હોય એ તદ્દન સ્વાભાવિક છે. એની ફરિયાદ કરવાની ના હોય કે ઉદાસેય થવાનું ના હોય.’

‘હું ક્યાં ફરિયાદ કરું છું. પણ આપણો દીકરો કેવો ઉદાસ ઉદાસ રહે છે.’

‘અમીયે સમજવું જોઈએ કે સ્વભાવ ધીરે ધીરે બદલાશે. ટોક ટોક કરવાથી નિતલ બદલાશે નહિ પણ ઉપરથી એમના વચ્ચે જે પ્રેમ અને આકર્ષણ છે એય નાશ પામશે. અમીયે કાયમ યાદ રાખવું જોઈએ કે એ નિતલનો પતિ છે, એને સુધારનાર શિક્ષક નહિ. નિતલનો સ્વભાવ જાણી, સમજીને એણે વર્તવું જોઈએ. એ બોલે છે ત્યારે કેવો રુક્ષ બની જાય છે. પત્નીને આવી રીત સ્પર્શે ?’

‘તો તમે એને સમજાવોને.’ અરૂપાબહેન આરતથી બોલ્યાં.

કાર્તિકભાઈએ દીકરાને એકાંતમાં કહ્યું : ‘બેટા, નાની નાની વાતમાં તું ઉશ્કેરાઈ કેમ જાય છે ?’

‘શું કરું પપ્પા, નિતલ સમજતી જ નથી.’

‘પણ તું તો સમજે છે ને ! તું તારી રીત પ્રમાણે એ ચાલે એ વાત જ છોડી દે. તારો દુરાગ્રહ એના માટે અસહ્ય છે.’

‘મારી વાત સાચી હોય, સારી હોય, જરૂરી હોય તોય છોડી દઉં ? નિતલને ગૃહિણી તરીકે જીવતાં જ નથી આવડતું. ઘરને સ્વર્ગ બનાવવાની કલા સ્ત્રીને હસ્તગત હોવી જોઈએ. પણ એને તો ઘરમાં કે ઘરના કોઈ કામમાં રસ જ નથી. એ મારી વાત સાંભળતી જ નથી.’

‘બેટા, તારી વાત ગમે તેટલી સારી હોય પણ એની પર ઠોકી ના બેસાડાય. તું આધુનિક વિચારસરણીને ઓળખ. નિતલ સ્વભાવની જિદ્દી છે. એને તું વારંવાર કહે છે તેથી એ છંછેડાય છે. તારી મમ્મીનું તું દષ્ટાંત આપે છે એની સાથે સરખાવે છે તેથી એ વધારે અક્કડ બને છે. માટે તું, નિતલ તારી મમ્મી જેવી થાય એ વાત છોડી દે.’

‘પપ્પા, મારી માન્યતા, મારા વિચાર, મારા સ્વપ્નાંનું શું ? સહજીવન આને કહેવાય ? સાથીની વાત પર વિચાર નહિ કરવાનો ?’

‘અમીય બેટા, જિંદગી બહુ લાંબી છે. તું ધીરજ રાખ. શાંતિ જાળવ. સમય આવે નિતલ કૂણી પડશે. સમજશે. એ જેવી છે એવી એને પ્રેમથી સ્વીકાર. એની સાથે હળવાશ અને આનંદથી વર્તન કર. તારી મમ્મીની રીતે તું બહુ વરસો જીવ્યો. હવે નિતલની રીતે જીવ. એક વાર નિતલ તારી સાથે તાદાત્મ્ય સાધશે પછી એ તારી રીતે જીવશે. તારા વગર કહ્યે તારા મનની વાત એને ખબર પડશે. તારી ખુશી એ જ એની ખુશી હશે.’

‘પપ્પા, આવી કવિતા મને પસંદ નથી. તમે કહો છો એવું વાર્તામાં બને, જીવનમાં નહિ.’ અમીય ચીડથી બોલી ઊઠ્યો. એને ભાવ, ભાવના, આદર્શ બધું જૂઠું છળ લાગવા માંડ્યું હતું.

પરંતુ કાર્તિકભાઈ ધીરજ ગુમાવે એવા ન હતા. એ બોલ્યા : ‘બેટા, વાસ્તવિક જીવનમાં આવું જ બને છે. પ્રેમનો એ જાદુ છે. દરેક માણસ પર એનો પ્રભાવ પડે જ. પતિ-પત્નીના સંબંધની એ જ ખૂબી છે. તું થોડોક કોમળ બન. કલા અને નાજુકાઈથી આખી વાત હેન્ડલ કર. સંબંધ બંધાયો એટલે પ્રેમ પાંગરે જ એવું નહિ. ચાર ફેરા કર્યા એટલે જીવનભર સાથે રહેશો જ એવું આ જમાનામાં નથી બનતું. જીવનભરનો સાથ નિભાવવા પ્રયત્ન કરવો પડે. એકબીજાનું મન સાચવીને, માન આપીને એક થવાય. ઘાંટાઘાંટ કરીને નહિ.’

અમીય એના પપ્પાની વાત સાંભળીને વિચાર કરતો થઈ ગયો. એને થયું – હું જૂનવાણી ઘરેડમાં જીવતા માણસની જેમ વિચારું છું ને પપ્પા આદર્શ આધુનિકની જેમ. હવે હું પપ્પા કહે છે એમ જ વર્તીશ.

આવો નિર્ણય કર્યો ને અમીયના મનની બધી કડવાશ ઓસરી ગઈ. એનું મન પુલકિત થઈ ઉઠ્યું.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.