સાર્થક આઝાદી

આઝાદ ભારતમાં આપણે આઝાદ છીએ ખરાં? વાહ! કેટલો વિચાર માંગી લે એવો વ્યાપક વિષય! દેશનાં સ્વાતંત્ર દિવસ નિમિત્તે એક વિચાર ખંત અનુરુપ પ્રશ્ન. કેટલીય બાબતો મનપ્રદેશનાં પ્રાંગણમાં રમવા લાગે જ્યારે આવા સશક્ત વિષય પર વિવરણ કરવાની તક મળે. અનેક મુદ્દાઓની છણાંવટ ભરી ચર્ચાઓ કરવાની ઈચ્છા થઈ આવે.

આઝાદીની સાર્થકતા વર્ણવાની છે ત્યાં દેશનાં નાગરિક તરીકે સ્ત્રી કે પુરુષ હોવું, બાળક કે વૃદ્ધ હોવું એવી ઉંમર કે જાતિની ‘મર્યાદા’ની ચર્ચા કેમ? હા, આપણે આઝાદ ભારતમાં આઝાદ છીએ ખરાં? આ પ્રશ્નની જ ચર્ચા કરીએ. આઝાદ તો છીએ પરંતુ અનેક ઘણી મર્યાદાઓ સાથે યથાર્થ ઉદાહરણ જોઈએ.

ઑગષ્ટ ૧૫, ૧૯૪૭નાં તારીખ બદલતાં જ આપણાં દેશને બ્રિટિશ સાશનમાંથી આઝાદી મળી. જે ઘટનાને ઑગષ્ટ ૧૫, ૨૦૧૬નાં સીત્તેરમું વર્ષ બેઠું. એક-બે નહીં બલ્કે ત્રણ કે ચાર પેઢીઓ આ સમયગાળા દરમિયાન દેશમાં જન્મી અને ઉછરી.

‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા’ એવા ‘ગોલ્ડન સ્પેરો’ કહેવાતો દેશ અચાનક જ પરદેશી પ્રજાઓનો ગુલામ થઈ ગયો. ખરા અર્થમાં ‘આઝાદી’ છીવાઈ એવું એ વખતની પેઢીને ભાન થયું હશે એ પીડા કેવી કારમી હશે! આઝાદી મેળવની જૂંબેશ તો કદાચ સમગ્ર દેશાવરમાં ગુલામી સર્જાઈ ત્યારથી જ કોઈને કોઈએ તો શરુઆત કરી જ હશે ને? એ પછીની યાતનાઓ અને આઝાદીની ચળવળ વિશે કે પછી ક્રાંતિકારીઓની ખુમારી ભરેલ વાતોનો તબક્કો દોઢેક સદી સુધી ચાલ્યો. આ બધું આપણે ફક્ત ઈતિહસમાં વાંચ્યું કે કોઈ વોર મુવીઝમાં જોયું છે. અનુભવ્યું નથી પ્રત્યક્ષ રીતે એટલાં તો નસીબદાર છીએ જ.

‘આઝાદી’ શબ્દને ગુજરાતી શબ્દકોષમાં શોધશો તો સ્વતંત્રતા, સ્વાધીનતા, બંધનમુક્તિ, નિરંકુશતા કે સ્વાયત્તતા જેવા સમાનાર્થી શબ્દો મળી જશે. એનો જ વિરુધ્ધાર્થી શબ્દ એટલે ગુલામી. એનાં જ બીજા અર્થ પરાધીનતા, પરવશતા, પરતંત્રતા કે પછી દાસત્વ કરી શકાય. આ બંન્ને શબ્દોનાં આટાઅટાલા સમાનાર્થી શબ્દો શું સુચવે છે? આ બંન્ને શબ્દો માણસના અસ્તિત્વની આઝાદી અને ગુલામીને અનુલક્ષીને વપરાયા છે. વ્યક્તિગત રીતે એ શબ્દોનો પ્રયોગ થયો છે. દેશ આઝાદ કે ગુલામ નથી થયો. એ દેશનાં નાગરિકોએ ગુલામી કે આઝાદી ભોગવી.

મહામહેનતે દેશનાં હરેક અંત્યોદયનાં માણસે જહેમત કરી હશે, એણે ખુમારી ભરી શહિદી વહોરી હશે. લોહીની સ્યાહી વડે ખરડાયેલ ગંથ છે આપણા દેશનાં ઈતિહાસનો. એ સ્વાતંત્ર સંગ્રામ આજે આઝાદીની ૭૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે એ સમયે કરેલ તજવીજ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.

અથાક કરેલો સંઘર્ષ, એક અમિટ છાપ છોડી ગયો છે આવનાર પેઢી માટે. એ પેઢીએ આપેલ યોગદાન અને બલિદાન અજોડ છે. જેનું સુખાકારી પરિણામ અત્યારની ૨૧મી સદીનો વંશ ભોગવી રહ્યો છે.

સમગ્ર રાષ્ટ્ર સદૈવ કૃતજ્ઞ છે એ તમામ ક્ષણો, ઘટનાઓ અને એ વખતે લેવાયેલ નિર્ણયો પ્રત્યે. જેણે આજનાં ટેકનિકલ યુગમાં ભારત દેશને સધ્ધર રાષ્ટ્રનાં રુપમાં અડીખમ બનાવ્યો. એ સમયનાં અનેક પાત્રો, યોધ્ધાઓ, ક્રાંતિકારીઓ અને સમર્પિત સૈનિકો અને સંઘર્ષશીલ રાષ્ટ્રનાં તમામ નેતાગણને આજની યુવા પેઢી ઋણી રહેશે.

ઝડપથી યાદ કરીએ તો મંગલ પાંડેથી લઈને ગાંધીજી સુધી, ભગતસિંહથી કરીને ગોંડસે સુધી લાખો નામાવલી આ ભારતવર્ષની આઝાદીનાં ઈતિહાસનાં પાનામાં નોંધાયાં છે! એકએક તબક્કો અને આંકડકીય ઈતિહાસને વાગોળીને પાછું વળીને જોવાનું નથી પરંતુ એ ઈતિહાસનાં પાનાઓનો અભ્યાસ કરીને એમાંથી લેવાતી અનેક શીખને અનુસરવાનો અને એ ઈતિહાસમાં થયેલ ભૂલોને ભવિષ્યનાં ઈતિહાસનાં પાના ન લખાય એની તકેદારી રાખવાની છે!

એ ગુલામીનાં યુગમાં નારી દાક્ષિણ્યની વાત એક તરફ રહી; પરંતુ અનાજનાં દાણાં માટે પણ દેશની પ્રજાએ વિદેશી સાશકોની જોહૂકમી સહન કરવી પડતી. સત્તાનું જોર એટલું તો પ્રચંડ હશે કે એ હાથેકરીને ધણી થઈ બેઠેલ પદાધીકારીઓ નજીવી જીવાતની જેમ નબળા જનસમુદાયને પગની પાની નીચે કચડીને પોતાનું અખત્યાર જમાવતા. માત્ર વિચારીને રુંવાડા ખડાં થઈ જાય.

આ દેશની ધરા તો સંમૃધ્ધ છે પરંતુ પ્રજા નાકૌવતી છે એવું માનીને એક પછી એક દેશના લડાયક મિજાજી આગેવાનો એ લૂંટી જ લેવાની વૃત્તિ સાથે ચડાઈ કરી. ભૌગોલિક દ્રષ્ટિએ સુલભ એવો આપણો દેશ શ્રેષ્ટતમ વેપારની તક ધરાવે છે. સમશિતોષ્ણ આબોહવા રહેઠાણ માટે ઉત્તમ છે. એવા ‘વસુધૈવ કુટૂંબકમ’ જે રાષ્ટ્રનું સૂત્ર હોય એની સ્વાયત્તતા પર તરાપ મારીને દરેક રાજકીય, સામાજીક અને આર્થિક રીતે કબજો જમાવ્યો. અમાનુષી વલણ અપનાવીને ગોઝારા ત્રાસ આપ્યા. આઝાદ હિંદની પરતંત્રતા જ્યારે એની ચરમસીમા પર ત્રાહિમામ પોકારી ઉઠી ત્યારે ગુલામીની બેડીઓને અહિંસા, અસહકાર અને સત્યાગ્રહનાં આંદોલનો જેવાં પ્રબળ હથિયારો વડે પ્રચંડ પ્રહારો કર્યા બાદ આ બહુમૂલી આઝાદી મળી છે!

આ આઝાદીનું આપણે સાત-સાત દાયકાઓથી ઉત્સાહ ભેર ઉજવણી કરીને અભિવાદન કરીએ છીએ. આઝાદ દેશે એનું પોતાનું પ્રજાસત્તાક સંવિધાન ઘડ્યું. નાગરિકોને તેમનાં હક ભોગવાની અને ફરજો અદા કરવાની જોગવાઈઓ કરી. બંધારણનાં નિયમો લોકશાહી ઢબે રચાયા. અને શરુ થયો સ્વતંત્ર રાષ્ટ્રનો એક નવો અધ્યાય….

એ સમયનો આઝાદ નાગરિક હાલમાં વયોવૃધ્ધ થઈ ગયો હશે ક્યાં તો ‘હરિ શરણમ’ થઈ, સહેદે નવો જન્મ પણ લઈ લીધો હશે એવું બને! યુવાપેઢીએ હરણફાળ પ્રગતિ કરી છે. અત્ર – તત્ર - સર્વત્ર છવાયો છે આપણો દેશ. દેશનાં નાગરિકોએ પોતાની કુશળતા અને કાર્યદક્ષતાનો દશેય દિશાએ ડંકો વગાડ્યો છે. આજનો ભારત દેશ ઓશિયાળો છે? બીજા વિક્સીત દેશો પર નિર્ભર છે? પાયાની મૂળભૂત જરુરિયાતો માટે અન્ય દેશો કે મહાસત્તાઓ ઉપર પરાધિન છે? ના, બિલકૂલ નહીં? તો પછી દેશને ચોક્કસથી સ્વતંત્ર કે આઝાદ કહી જ શકાય..!

તો, શાથી એવું રહી રહીને લાગ્યા કરે છે કે ‘મોંઘેરી આઝાદી’ આજની તારીખે મળી નથી. આઝાદીની ચળવળો પૂર્ણ સ્વરાજની હિમાયતી હતી. એ સમયનાં સમર્થ નેતાઓને તાગ આવી ગયો હશે કે અધકચરી આઝાદીનો કોઈ લાભ નથી જ.. તો? આટાઅટલા વર્ષે આ પ્રશ્ન કેમ? તંત્ર ક્યાં ખોટપાયું?

આપણો દેશ લોકશાહી સત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે વિશ્વવ્યાપી પ્રખ્યાત છે. દેશની કાનૂન વ્યવસ્થા અને બંધારણનાં નિયમો જહેમત લઈને લખાયા છે. આજ વ્યવસ્થાનું નૈતિકતા અને શિસ્તતા પૂર્વક પાલન ન થતું હોય એવું વાતવરણ ઉભું થયું છે. ભ્રષ્ટાચાર અને વ્યભિચાર ભર્યા આચરણથી સગળે અરાજકતા ઘર કરી ગઈ છે. જ્યાં શિક્ષણને એક સશક્ત શસ્ત્ર તરીકે અપનાવવું જોઈએ એજ વિદ્યાનાં સંકૂલોમાં અનીતિએ પગપેસારો કર્યો છે. સ્વપ્નદ્રષ્ટા નવી પેઢી ગેરમાર્ગે દોરાઈને પાશ્ચાત્ય સંસ્કૃતિ પસંદ કરીને અપનાવતી થઈ ગઈ છે. હાલનો ટચસ્ક્રીન ફોન લઈને ફરતો યુવાન, સંવેદનશીલતાની ગરિમા જાળવી શકવા ખાતર લાગણી અને સંબંધોનાં તાણાંવાણાં સાધવા ઝઝૂમે છે. પરિવાર સાથે ગાળવાનો હૂંફાળો સમય તે વર્ચ્યુઅલ વર્લ્ડની માયાજાળમાં વિતાવે છે. ભવિષ્ય તરફ દ્રષ્ટિ કરીને વિકાસ કરનાર વર્ગ ‘સ્વ’ની જ ઉન્નતિ વિચારતો થઈ ગયો છે. જ્યારે વિકાસ તો સહુનાં સાથ સહકારથી જ સાધી શકાય એ વિસરાતું જાય છે.

આજના આઝાદ ભારતમાં સ્વતંત્રતા સાથે સુરક્ષા પણ એક અગત્યનો મુદ્દો અને ચિંતાનો વિષય બન્યો છે. દેશની દીકરીઓની આબરુ એ અરસામાં પણ જોખમમાં જ હતી અને આજે પણ અસુરક્ષિત છે. નિરક્ષરતા અને અયોગ્ય પોષણ ત્યારે પણ એક જ્વલંત પ્રશ્ન હતો જ અને આજે પણ એ નાબૂદ નથી થયો. આરોગ્ય સુવિધાઓએ તમામ પ્રકારની પ્રગતિ સાધી છે પરંતુ અંત્યોદયનો ગરીબ નાગરિક નિઃશૂલ્ક અને યોગ્ય સમયે સારવાર પામવા અસમર્થ છે.

સૌથી ગંભીર બાબત છે વસ્તીવધારો. ચીનની પ્રજા પછી બીજા ક્રમે આપણા દેશનો નંબર છે. જ્યાં ૧૨૫ કરોડ વસ્તી સામે ૩,૨૮૭,૫૯૦ કિ.મી ક્ષેત્રફળનાં પ્રમાણમાં ફેલાયેલો છે આપણો દેશ. જેનો રેશીયો ગીચતા, અસંપ્રમાણતા અને દરિદ્રતાનાં દરને ઉત્તેજન આપે છે. તવંગર વર્ગ અને કંગાળ જમાત વચ્ચેની અસમાન દરજ્જાની ખીણ વધતી જતી હોય ત્યાં દેશવ્યાપી પ્રગતિ અને વિવિધક્ષેત્રે થયેલ ઉત્થાન ક્યાંથી દેખા દે? શું આ જલદ પ્રશ્નો આઝાદીનાં સંપૂર્ણ સ્વરુપને અવરોધક નથી?

આઝાદીની અનુભૂતિ વ્યક્તિગત રીતે પણ કારગર છે. સૌને પોતાનાં અલાયદા અસ્તિત્વની સ્વીકૃતિની લગન છે. નિરંકુશતા સૌને પ્રિય હોય છે એ દાવે સૌને પોતાને માટે સ્વાયત્ત અભિગમ ભર્યા વાતાવરણની જરુર છે. મુક્ત રીતે પોતાનાં વિચારો પ્રગટ કરી શકનાર આઝાદ દેશનો પુખ્ત નાગરિક સર્વાંગી વિકાસ યાચે છે. બે રોકટોક જીવનશૈલીની પ્રણાલીની હવા આઝાદીની ૭૦મી ઉજવણી કરતી વખતે ચોક્કસથી ચોમેર ફેલાતી હશે. જરુર છે આઝાદીની આ હવાને પારખીને એને સુદ્રઢપણે નૈતિક અમલીકરણ કરી દરેક વ્યપક દૂષણોથી પર એવા નિર્મળ છતાંય જેનાં પાયાનાં ધોરણોથી મજબૂત રાષ્ટ્રની ગરિમા જાળવાય.

આજે બ્રિટિશ સાશન કે પછી મુઘલ સાશન અને અન્ય વિદેથી પ્રજાઓથી મુક્તિ મેળવ્યા પછી પણ પોતાનાં અસ્તિત્વને સતત સભાનતા પૂર્વક જાળવી રાખવું જરુરી બન્યું છે. બે કોમ વચ્ચે થતા ભાઈચારાની વાત વિનાનાં મતભેદો, અનામત જેવા જટિલ મુદ્દાને સમાજિક રીતે ઈજા પહોંચાડાય છે. ખુલ્લેઆમ લાંચરુશ્વત વિના કોઈ સરકારી કે બિનસરકારી ઔપચારિક કામ પાર પડતું નથી અને સુરક્ષાવ્યવસ્થા અંગે જંગી ખર્ચ થતા હોવા છતાંય સ્વતંત્ર રીતે ગમે ત્યારે, ગમે ત્યાં દેશ વ્યાપી હરવા-ફરવામાં ડર લાગે છે. જે વ્યક્તિગત નાગરિત્વની આઝાદીને અવરોધતું પ્રબળ પાસું કહી જ શકાય.

ગૌરવવંતી દેશની ધરાનો ઈતિહાસ એકલદોકલ સદીઓનો નથી. ઋષિમૂનીઓની સંસ્કૃતિનો સનાતન ધર્મ દર્શાવતો ભારતવર્ષ છે. ધાર્મિક કે ઐતિહાસિક મૂલ્યોને ટકાવી રાખવી નવી પેઢીને પળોજણ લાગે છે. સ્વતંત્રતાનું નવી પેઢીએ કઈંક જુદો જ અર્થઘટન કર્યું હોય એવું ભાસે છે. કોઈ પોતાની વ્યક્તિગત આઝાદીમાં બાંધછોડ કરવા માંગતું નથી. મુક્ત રીતે જીવવાની વાતને જન્મસિદ્ધ હક્ક સમજે છે. અરે! આ મુક્ત વાતાવરણ મળ્યું કઈ રીતે? એનો જવાબ શોધવા ઈતિહાસનાં પાનાં ફેરવવામાં સૌને કંટાળો આવતો હોય છે. મળેલ આઝાદીની જાણવણી પ્રત્યે દરેક્ક નાગરિકને શું ફરજો અદા કરવાની રહેશે એ તપાસ કરવાની ફુરસદ સુધ્ધાં કોને છે!?

આઝાદીનાં ૭૦મી જયંતિ પર્વ પર ટેકનિકલ યુગનો નાગરિક ઈતિહાસમાં સ્વાભિમાનથી મળેલ આઝાદીની મહત્તા સમજીને ‘સર કટા શકતે હૈ લેકિન સર જૂકા શક્તે નહી…’ એમ દેશનાં ગૈરવને જાળવીને વૈશ્વિક પ્રગતિ કરે એવી અભ્યર્થના..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.