અધુરી સી યાદ

વો જો અધુરી સી યાદ બાકી હૈ..

કોલકાતાનો આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ રોડ, વિશાળ કાય ‘સેડાર’ બિલ્ડીંગ. ૨૦૧૨ નો માર્ચ મહિનો. ૩૮ વર્ષનો રોય આઈપેડ પર રોજની જેમ જ એક એવા ઈમેઈલ આઈડી પર જવાબ આપી રહ્યો હતો જેને એ ક્યારેય નહોતો મળ્યો. રોજ્જે એ આઈડી પર વાત થાય, રોજિંદી અપડેટ્સ મળે અને મોકળાશ થી વાત થાય પણ રૂબરૂ મળવાની કોઈ તાલાવેલી પણ નહિ અને કોઈ યોજના પણ નહિ. રોય ૨૦૧૦માં આ વિશાળકાય બિલ્ડીંગ ‘સેડાર’ માં રહેવા આવેલો, અને ‘સેડાર’ નાં નામ જેવી જ એ ઉંચી અને આલિશાન દેખાતી.

મુળ દાર્જીલિંગનો રોય અહીં કોલકાતામાં એક એડ એજન્સીમાં કામ કરતો હતો અને અહીં આ ફ્લેટમાં ભાડે રહેવા આવેલો, આ જ ફ્લેટમાં અગાઉ રહેતી અને હવે ફ્લેટ ખાલી કરી બીજે રહેવા જતી રહેલી સુચિ અહીં મકાનમાલિક કે બીજા કોઈનાં કોન્ટેક્ટમાં નહોતી. સંજોગોવશાત એક દિવસ સાફસૂફી દરમ્યાન એક કાગળમાં ઈમેઈલ આઈડી મળ્યું, અને રોયે તુક્કો લડાવીને જ ઈમેઈલ કર્યો, અને શરુ થઇ ઈમેઈલ સિરીઝ!

રોય અને સુચિ એકબીજાને ક્યારેય નહોતા મળ્યા, એકબીજાની ઉંમર, શહેર, સરનામું કે બીજી કોઈ વિગત વિષે કોઈ જ અંદાજ નહિ. માત્ર નામ થી એકબીજાને ઓળખે. બંને એ નક્કી કરેલું કે સોશિયલ મીડિયા કે બીજે ક્યાંય કોઈ રીતે એકબીજાને શોધવાની કોશિશ નહિ કરે! રોય લખતો, ‘’મુજે માલુમ હૈ, ઉસકા નિશાના ફિર કહાં હોગા. પરિંદા આસમાં છુને મેં જબ નાકામ હો જાયે!’’. સુચિ સામે લખતી, ‘સમુન્દર કે સફર મેં ઇસ તરહ આવાઝ દે હમકો, હવાએં તેઝ હો ઔર કશ્તિયોં મેં શામ હો જાયે!’

બશીર બદ્રની કવિતાઓ થી લઈને રહેમાનનાં સંગીત સુધી, કોઈ સોફ્ટ પોર્ન ફિલ્મ થી લઈને હિચકોકિયન સસ્પેન્સની વાતો ઈમેઈલ પર જામતી. સુચિ ઘણી વાર ઈમોશનલ થઇ જતી અને મળવા માટે જીદ કરતી પણ રોય એની વાતને વળગી રહેતો. હાવરા બ્રિજ પર સ્વાનંદ કિરકિરેની પંક્તિઓ તને યાદ આવે? શાહરૂખ કે રિતિક વધારે સેક્સી લાગે કે પ્રોસેનજિત? રોય અને સુચિનાં ઈમેઈલ લગભગ અઢી વર્ષ ચાલેલા અને પ્રોમિસ મુજબ ક્યાંય એકબીજાને જોવાની કોઈ કોશિશ નહિ, ધૈર્ય અને કિતાબને બંધ જ રાખવાની લાગેલી હોડ!

સુચિ મુંબઈ શિફ્ટ થઇ ગઈ હતી અને એક વાર ક્લાઈન્ટનાં એક કામ થી એને કોલકાતા જવાનું થયું, સુચિ કામ પતાવીને સાંજે કોલકાતા જોવા નીકળી, દરેક જૂની યાદો તાજી થઇ ગઈ! ટ્રામમાં ફરી, હાવરા બ્રિજ પર આવી અને એને અચાનક રોય સાથે એક વાર ઈમેઈલમાં થયેલી વાત યાદ આવી. ખબર નહિ કેમ પણ રોય નામ અને કોલકાતા વિષે થયેલી વાતો પર થી એવું સતત લાગતું કે રોય કોલકાતામાં જ ક્યાંક છે.....સુચિ એ પોતાનાં ઈનબોક્સમાં જુના ઈમેઈલ્સ શોધ્યા, અને રોયનાં જુના ઈમેઈલ્સ મળ્યા, એક ઇમેઇલનાં રિપ્લાયમાં જ ફટાફટ ટાઈપ કરી સુચિ એ ઈમેઈલ કર્યો! ‘હાય રોય, મને નથી ખબર હવે તું મને ઓળખતો હશે પણ કે કેમ. આજે હું કોલકાતા આવી છું, તારા વર્ણનો અને વાતો પર થી મને કાયમ લાગતું કે તું કોલકાતામાં જ રહેતો હોવો જોઈએ.

આજે મને ખબર નહિ, પણ તારી બહુ જ યાદ આવે છે, કોઈ અજીબ વાઈબ્રેશન્સ આવી રહ્યા છે! જો ને, અત્યારે મારા કાનોમાં અરિજિત સિંઘનું ‘ફિર લે આયા દિલ, મજબુર ક્યા કિજે....રાસ ન આયા રહેના દુર ક્યા કિજે...’ વાગી રહ્યું છે અને મારા રૂંવાડા ઉભા થઇ જાય છે....હું આજે મારું પ્રોમિસ તોડી રહી છું, હું છું સુચિ જોશી. મુળ હું મુંબઈકર પણ અહીં કોલકાતામાં પબ્લિકેશન હાઉસ સાથે કામ કરતી અને એજે બોઝ રોડ પર સેડાર બિલ્ડીંગમાં રહેતી. આ મારો મોબાઈલ નંબર છે, મને પ્લિઝ ફોન કર ને, મારે તારો અવાજ સાંભળવો છે....

રોય હવે ૨૦૧૨ માં કોલકાતામાં પોતાની જ એડ એજન્સી ધરાવતો હતો, હજુ પણ એ જે આઈડી થી સુચિ સાથે વાત કરતો હતો એ જુનું યાહુ આઈડી ફોનમાં રાખતો હતો, ક્યારેક વન્સ ઇન અ બ્લ્યુ મુન એ સુચિ અને એની સાથે થયેલી વાતો ને યાદ કરતો અને કામમાં પરોવાઈ જતો.

રોયે સાંજે ઈમેઈલ્સ ચેક કર્યા, અને સુચિનો ઈમેઈલ જોઈ એની આંખો ચમકી ઉઠી! ઈમેઈલ વાંચ્યો અને ‘સેડાર’ બિલ્ડીંગ વાળી વાત વાંચીને એનાં રોમે રોમ દિવા થઇ ગયા! બંને અલગ અલગ સમયે એક જ ફ્લેટમાં રહેતા અને છતાં આટલા વર્ષો વાત કરવા છતાં એકબીજાને ક્યારેય સંપર્ક ન કર્યો!

રોયે સુચિને એ નંબર પર ફોન કર્યો, આ ટેક્સેવી વર્લ્ડમાં ટ્રુ-કોલર જેવા એપને લીધે સુચિ એ સ્ક્રિન પર રોયનું નામ પણ જોયું અને ખાસ્સી રિંગ વાગ્યા પછી ફોન ઉપાડ્યો પણ કંઈ બોલી ન શકી! શું બોલે? રોય સામે બોલતો રહ્યો, સુચિ સાંભળતી જ રહી. રોય મેરિડ હતો, અને રોયનો એક દિકરો પણ હતો. સુચિ એ સરસ સ્માઈલ કરી ખુબ હસી, થોડી વાતો પણ કરી. જો કે બે માંથી એક પણ પેલા ઈમેઈલ્સ વિષે કશું જ બોલી ન શક્યું, ન તો મળવાની વાત થઇ શકી. ફોન મુકાઈ ગયો, સુચિ પળવારમાં જમીન પર આવી ગઈ, અને ફરી હેન્ડ્સ ફ્રીમાં જગજિત સિંઘનાં અવાજમાં ‘અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈ....’ સાંભળતી મુંબઈ જવા નીકળી પડી.....

******************************************************************************

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.