વ્હાલા વિદ્યાર્થીજીવન

વ્હાલા વિદ્યાર્થીજીવન,

સૌપ્રથમ તો તને માફી માંગું છું કે તું મને અતિ અતિવ્હાલું છે તેમ છતાં મેં તને માત્ર ‘વ્હાલો’ કહીને જ સંબોધ્યો પરંતુ હું પણ શું કરું સ્કુલ સમયથી તો મને પત્રમાં ખાલી ‘વ્હાલો’ અને ‘પ્રિય’ જ લખતાં શીખવાડ્યું છે.શું ત્યાં ‘અતિ વ્હાલું’ કોઈ હશે જ નહિ??? હવે થોડા સમય પછી તું મારી પાસે નહિ હોય કારણ કે ૧ મહિનો જ બાકી રહ્યો છે આ જીવનને... પછી મારા આ ‘વિદ્યાર્થી-કાલાંશ’માં પૂર્ણ વિરામ મુકાશે ત્યારે તારી આ ઢળતી સંધ્યા એ તારી અંદર,ખુબ જ અંદર મેં ગુજારેલી કેટલીકમને ગમેલી,ના ગમેલી,જજુમેલી,ખીલી ઉઠેલી,કરમાયેલી,ફરી ખીલી ઉઠેલી અને સુગંધિત એવી પળોને વાગોળવી છે.

તું જાણે જ છે ને કે મારો જન્મ થયેલો ઇડરના એક અંતરિયાળ ગામ મુડેટીમાં... પેલા ઊંચા ઊંચા પહાડો અને નાની નાની નદીઓ અને ઝરણાઓનાં ગામ મુડેટીમાં... લેકિન કિન્તુ પરંતુ એવા સુંદર તથા કુદરતી વાતાવરણમાં વધુ શ્વાસ લેવાનું લખાયેલું નહિ હોય અને હું આવ્યો ગુર્જરનગરી ગાંધીનગરમાં... છે ને ૧૨૦૦ રૂપિયા જેટલી રિશ્વત આપીને મને સેંટ ઝેવિયર્સ સ્કુલમાં મુકેલો... ત્યારે પણ શિક્ષણમાં વ્યાપાર તો હતો જ... અને એ પછી શરૂઆત થયેલી આપણી ‘અટરંગી યારી’ની... તું મારું શરીર હતું અને તારા થકી હું મારા મન વડે મારા આખા વિશ્વને નિહાળતો,માણતો...

તને યાદ છે ૩જા ધોરણમાં એક દિવસ સ્કુલમાં એક મિત્ર જોડે મસ્તી કરતાં મને માથામાં વાઘેલું અને લોહી પણ નીકળેલું અને પછી ત્યાં આજીવન નાનકડી ‘ગજની’ સ્ટાઈલવાળી ટાલ પડી ગયેલી પરંતુ કહેવાય છે ને કે “जो होता हे अच्छे के लिए ही होता हे” આ ખુબ જ ચવાઈ ગયેલો ડાઈલોગ ૧૦૦% સાચો છે. મોટી થતી ઉંમર સાથે પોતાની પાસે એવી તો બાળપણની યાદો હોવી જોઈએ જે આજીવન તમારી સાથે રહે. મરીઝ સાહેબએ કહ્યું છે ને કે ...

“જગતમાં લાખ ઘટના બને છે ભલે બને,

એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ”

એ પણ બાળપણનાં શું દિવસો હતાં જયારે સાંજ પણ પડતી... હવે તો દિવસ પછી સીધી રાતમાં જ જીન્દગી વહી જાય છે...

તને ખબર છે જયારે મને કોઈ મોટા વડીલે પાંચ-છ લોકોની વચ્ચે પૂછેલું કે “તારે મોટા થઈને શું બનવું છે???” ત્યારે મેં આત્મવિશ્વાસ સાથે જવાબ આપેલો “ક્રિકેટર...” અને પછી પેલા માણસે મારા પર હસી કાઢેલું અને કીધેલું “ભાઈ, આપણાથી ત્યાં સુધી ના પહોચી શકાય” એનું અટ્ટહાસ્ય તો મારા મનમાં એવું ભરાયેલું કે પછીની સ્કુલ ટાઇમની દિવસો અને રાતો ‘ક્રિકેટવિશ્વ’માં પસાર થવા લાગેલી.રાતોમાં ક્રિકેટર બનવાના સપના અને દિવસોમાં તે સાકાર કરવા માટેની મહેનત શરુ થયેલી.હું ત્યારે ક્રિકેટના ‘સ્ટેટ સિલેકશન’ સુધી પહોચેલો અને કઈક હાંસિલ કરેલું લાગેલું ત્યારે પેલા માંહ્યલામાંથી જવાબ આવેલો “આ દુનિયામાં કશું જ અશક્ય નથી... બધું જ શક્ય છે જો ઈચ્છો તો... આ અબજોની વસ્તી ધરાવતા ગજબ વિશ્વમાં કોઈની એટલી વિસાત નથી જે આપણા સપના ચુર કરી શકે...અરે આપણે તો આપણા સપનાને ચુર કરનારાઓને ચકનાચૂર કરી શકીએ તેવા બંદાઓ છીએ અને મારી પાસે એ છે જે દુનિયાનાં કોઈ વ્યક્તિ પાસે નથી-મારું સત્ય,મારા સપના,મારું વજૂદ,મારો પ્રેમ...” કંઈક વધારે પડતો જ ઇમોશનલ થઇ ગયો હે ને??? ચલ હવે સમયના આ કાલખંડને થોડો ફાસ્ટ ફોરવર્ડ કરું.

પેલી છોકરી યાદ છે??? અરે પેલી જ જે મારી યાદ છે... લાંબા અને કાળા કેશવાળી,મધુર સ્વરધારીણી,લાંબી-પતલી છોકરી જેની સાથે મને પ્રેમ થયેલો.પ્રેમ??? હા પ્રેમ... અને એ પણ છઠ્ઠા ધોરણમાં... કદાચ એ જ સાચો પ્રેમ હશે જે શરીર સાથે નહિ પરંતુ મન સાથે થયો હશે.લગભગ મારી ઉંમર ૧૧-૧૨ વર્ષ હશે હે ને??? પેલા ટેસ્ટોસ્ટેરોનની તો હજુ વાર હતી એટલે એ માત્ર અને માત્ર આકર્ષણ તો નહિ જ હોય. એ જ છોકરી જેની આગળ બીજું બધું ઝાંખું પડી જતું અને માત્ર એ જ તેજસ્વી રહેતી હરહંમેશ.એ જ છોકરી જેને સ્કુલમાં જતા પહેલા રસ્તામાં આવતા મંદિરને જોઇને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું કે “આજે એ સ્કુલમાં આવી હોય અને એણે સારી રીતે જોઈ શકું”. એ જ છોકરી જેની આંખોની કીકીઓની રમત જોતો,એના લાંબા વાળ પર ફરતા એના હાથની આંગળીઓ જોતો,એના પેન પકડવાની અને લખવાની અદા જોતો,એ જ છોકરી જેણી આગળ હું સારા બનવાનો સફળ પ્રયત્ન કરતો તેમ જ દરેક જગ્યાએ સારા દેખાવાનો લોભ રાખતો ત્યારે પણ મરીઝ સાહેબની જ ગઝલનાં શબ્દો મગજ અને દિલોદિમાગ પર પકડ જમાવતાં કે,

“મેં એથી સારા થવાની કોશીષ કિધી જરા, મને એ જોઈ રહ્યા, મને એ વહેમરહ્યો.”

હા,મને યાદ છે કે મારો આ જન્મ તો સહુને જ પ્રેમ કરવા થયેલો છે તેમ છતાં પેલી છોકરી

વચમા વધારે ગમી ગઈ એમાં મારો શું વાંક??? તને તો એમ જ લાગ્યા કરતુ હશે હે ને “મને ક્યારેય મારો વાંક દેખાતો જ નથી.” કિન્તુ પેલી છોકરી હતી પણ એવી જેના માટે આવાં હજારો વાંક સહર્ષ સ્વીકારી લેવાની ઈચ્છા થાય.એ છોકરીને આકર્ષિત કરવા તો કેટકેટલી મહેનત કરેલી,જહેમત કરેલી તેમ છતાં ક્યારેય થાક નો’તો લાગતો.અમારા ક્લાસમાં હું નાટક કરતો,એકપાત્ર અભિનવ ભજવતો,સ્ટેન્ડ-અપ કોમેડી કરતો એણે રીઝવવા માટે. અરે એણે રીઝવવા તો મારા અક્ષર પણ સુધારેલા... શિક્ષક સાથે આખો ક્લાસ મારા અક્ષરોના વખાણ કરતો સિવાય પેલી છોકરી ત્યારે કઈક આવી ફીલિંગ આવતી... જોઈતી હોય ‘ડેરીમિલ્ક સિલ્ક’ અને મળે ‘ઈકલર્સ’.

દુનિયાનો એવો કોઈ જ દસ્તુર નથી કે તમે જેને ચાહતા હોય એ પણ તમને ચાહે જ અને આવું જ મારી સાથે થયેલું.મને એ લડકી ગમતી એ મારું સત્ય હતું અને એને કોઈ બીજું એ એનું સત્ય હતું તથા સાથે સાથે હવે ‘हम जुदा हो गए,रास्ते खो गए’નું દર્દ પણ શરુ થયું કારણ કે હવે સ્કુલ બદલાઈ ચુકી હતી બંનેની.જેને જોવા હું દરરોજ સ્કુલે જતો એના વગર જ હવે જિંદગી પસાર થવાની હતી અનેમારા ‘પ્રેમની વસંત’ હવે પૂરી થયેલી તથા એ વસંત પછીની ગરમીનો અવસર શરુ થયેલો.પ્રેમની તડપ,અધીરાઈ,ગમગીની,એકલતા ગરમ હવાની જેમ ફૂંકાવા લાગેલા અને ત્યારે એણે ભૂલાવવા માટે ઘણા નિષ્ફળ પ્રયત્નો કરેલાં પણ કઈક આ શાયરી જેમ થતું “શું કરું ફરિયાદ,ફરિયાદમાં ફરી યાદ છે... ફરી ફરી આવે તમારી યાદ,એ જ મારી ફરિયાદ છે” સાથે સાથે જાવેદ અખ્તરની લખેલીલાઈન યાદ આવે કે “फिर वो शक्ल पिगली तो हर शय में ढल गई जैसे , अजीब बात हुई उसे भुलाने में...” ક્યારેક આપણી પ્રિય વ્યક્તિ આસપાસ નથી હોતી ત્યારે દુનિયા કેવી ખાલીખમ લાગે છે!!! આજે કદાચ ક્યાંક એ મળી જાય તો કહેવું છે એણે કે “મારા રાતના સપનાઓના રણમાં તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે,તે મજાની ખાતર,હું ધોળા ફૂલ,રૂપેરી ચાંદ અને કોયલનો સુર ત્રણેય જતાં કરું.” અત્યારે જયારે ઉનાળાની રાતોમાં ખુલ્લા આકાશને ઓઢીને ઊંઘ્યો હોઉં છું ત્યારે ઘણી વખત રાત્રિ ગંભીર બની જાય છે, અને ચળકતા તારા એણે વધારે ગંભીર બનાવે છે,ત્યારે એક જ અણઉકેલ્યો સવાલ હૈયામાં આવે છે: “આ બધું કોને કર્યું અને શા માટે?” એ છોકરી માટે મરીઝને યાદ કરી સમયને ફરી ફાસ્ટ ફોરવર્ડ કરવો છે...

“લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો”

સ્કુલ સમય વીતી ગયો અને શરુ થઇ કોલેજ લાઈફ,જવાનીની રેલગાડી સમયના પાટા પર એક્સપ્રેસની સ્પીડમાં દોડી રહી હતી ત્યારે ઝવેરચંદ મેઘાણીની આ બે લાઈન તને કીધા વગર રહી શકતો નથી.

“ઘટમાં ઘોડા થનગને,આતમ વીંઝે પાંખ,

અણદીથેલી ભોમપર યૌવન માંડે આંખ.”

સ્કુલનાં સમયની શરમની બેડીઓ તોડી કોલેજ લાઇફમાં બધા જ અનુભવો કર્યા.ફેસ્ટીવલોનું સંચાલન કર્યું,અમદાવાદની સડકો ઉપર ‘ઈ-વેસ્ટ’ની જાગૃતિ માટે બેધડક નાટકો કર્યા,દોસ્તની ગર્લફ્રેન્ડને લાઈન પણ મારેલી,ઘણી બધી બુક્સો વાંચી અને પચાવી,એકલતામાં ક્યારેક ભૂતકાળને યાદો કરી રોયેલો પણ ખરો અને દોસ્તોની વચ્ચે જઈને રોયેલી વાતોને હસી પણ કાઢેલી.થરથરતા પગે સ્ટેજ પર જઈને ભાષણ પણ આપેલું.આ ‘યાદોની બારાત’ને જેટલી યાદ કરો એટલી ઓછી પડે એમ છે.

હે મદમસ્ત વિદ્યાર્થીજીવન,તારી સાથે વિતાવેલી હર એક પળ,હર એક ક્ષણ આજીવન જજુમતા સુધી યાદ રહેશે.તારી સાથે રહીને જીવાયેલી જિંદગી માટે તારો ખુબ ખુબ ધન્યવાદ.તારા માટે એક પંક્તિ સાથે વગોડેલી વાતોને પૂર્ણવિરામ આપું છું.

“બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,

આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.”

તારો જ,

મનન

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.