આજે સવાર ના સવા દસ વાગ્યાની ની આસપાસ મારી નીંદર ઉડી, જો કે રવિવાર હતો એટલે શાંતિ જ હતી. જેવી ઉઠી એવું મને તરત જ યાદ આવ્યું કે આજે તો મધર્સ ડે છે અને તરત મમ્મી ને ફોન કરવાની ઈચ્છા થઇ પણ પછી વિચાર આવ્યો કે પપ્પા અવાજ પરથી પકડી લેશે કે હું આટલી મોડી ઉઠી છું અને લેકચર આપશે એટલે મેં ફોન કરવાનું માંડી વાળ્યું અને વ્હોટ્સેપ માં મધર્સ ડે પર આવેલા મેસેજીસ વાંચવા લાગી અને મારી ભીતર અનેક વિચારો ની હારમાળા શરુ થયું. અને એ બધા વિચારની એક જ નાયિકા હતી અને તે હતા મારા નાનીમાઁ. નાનીમાઁ ના વિચારમાં ને વિચારમાં એટલી ખોવાઈ ગઈ હતી કે જયારે મારા નાક પર ગરમ આંશુ સરી પડ્યા અને શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે છેક ખબર પડીકે હું રડી રહી હતી. કદાચ આ આંશુ તે દિવસ થી સચવાયેલા હતા કે જયારે નાનીમાઁ ના અંતિમ ક્ષણો વખતે સર્યા નોહતા અને આંશુ નોહતા સરયાં તેનું એક માત્ર કારણ એજ હતું કે હું એક કડવું સત્ય સ્વીકારી સકતી નોહતી કે દુનિયામાંથી એક એવી સ્ત્રીની વિદાય થઇ છે કે જે મને આદર્શ સ્ત્રી નું ઉદાહરણ પૂરી પાડતી હતી પછી તે ભલે આપણે મમતા ની વાત કરતા હોઈ કે પછી ભલે સ્વાભિમાન ની કે પુરુષાર્થ ની વાત કરતા હોઈ, આ બધા વિષયમાં મારા નાનીમાઁ જ મારા આદર્શ હતા અને શું કામ ને ના હોય તે જીવન જ એવું જીવી ગયા હતા..!

આ સમયમાં કોઈ ના ઘરે એક દીકરી હોઈ અને બીજી દીકરી નો જન્મ થાય એટેલે ઘરના લોકો ચિંતામાં પડી જાય કે દીકરી ના ભણવાના ખર્ચાથી લઈને લગ્ન, મામેરું અને લાડવાના ખર્ચા કેમ પુરા કરીશું? જયારે મારા મમ્મીને એ તો સાત બહેનો હતી પણ નાનીમાઁ ને તો સાત દીકરીઓ હતી તો પણ હંમેશા ત્યાં મમતા, પ્રેમ અને વ્હાલ ની ભરતી આવતી, ક્યારેય ગરીબાઈ ની ઓટ જોવા નથી મળી અને આ વાત પર થી યથાર્થ રીતે સમજી શકશો કે જયારે મારા સૌથી મોટા માસી નું દેહાંત થયું તો તેની નાની બે દીકરીઓ ને નાનીમાઁ તેમની ઘરે લઇ આવ્યા અને તેમને ઉછેરવા કશી કચાસ ના કરી અને નાનીમાઁ તો હંમેશા કેહતા મારે સાત દીકરીઓ નથી મારે તો નવ નવ દીકરીઓ છે.હવે તમે જ કહો કે મારા નાનીમાઁ થોડાને કંઈ મધર ટેરેસાથી ઓછા હતા..! નાનીમાઁ એટલે સાક્ષાત મમતા ની મૂર્તિ…!

આ ઉનાળાના દિવસમાં આપણે જો પાંચ મિનીટ પણ ચાલવાનું થાય તો બહાર નીકળ્યા વગર જ પરસેવો જ છૂટી પડે ! એક સમય એવો આવ્યો હતો કે મમ્મીને આગળ ભણવાનું થયું અને દુષ્કાળ કહે મારું કામ ..! તો નાનીમાઁ હિમ્મત હાર્યા નહિ! સરકારી રાહતમાં ગયા, મજુરી કરી પણ મમ્મીને ભણાવીને રહ્યા…!બસ, આટલે થી નાનીમાઁ અટક્યા નહિ હો…! જયારે મમ્મીને સરકારી નોકરી માટે વધારે પૈસાની જરૂર પડી તો નાનીમાઁએ મમ્મીના કરિયાવર માટે સોનાના પાટલા બનાવ્યા હતા તે ભંગાવી નાખ્યા…જે એકદમ કોરા-કાટ હતા.. મમ્મીએ એક પણ વખત પહેર્યા નોહતા હો..!અને મમ્મી આજે પણ કહે છે કે મારી આ સરકારી નોકરી એ મારી માઁએ મને આખી જિંદગી નો આપેલો કરિયાવર છે પરંતુ મને મમ્મી ને સુધારવાનું મન થાય છે કે ખાલી તેમની જિંદગી નો જ કરિયાવર નથી પણ મારી આખી જિંદગીનું મામેરું પણ છે … કેમ કે આજે જે બધું હું છું તે મારા મમ્મી ને કારણે અને મમ્મી મારા નાનીમાઁને કારણે…!સાચું કહું છું ને હું ??અને અહી મને હજુ એક વાત લખવાનું મન થાય છે કે મારા મમ્મી પણ કઈ ઓછા નથી , જ્યાં સુધી મમ્મીએ નાનીમાઁએ મમ્મીને ભણાવવા જે વ્યાજે પૈસા લીધા હતા તે મમ્મીએ ભરપાઈ ના કર્યા ત્યાં સુધી મમ્મીએ લગ્ન પણ ના કર્યા.! હવે હું કહું જ ને કે… મારા મમ્મી અને નાનીમાઁ એટલે એકદમ સ્વાભિમાની અને પુરુષાર્થી ..!

આ અતિવ્યસ્ત જીંદગીમાં કોઈ ને કોઈ માટે ટાઇમ નથી રેહતો ..! સારા સમયે તો હજુ ,કોઈક મળી જાય પણ ખરાબ સમયમાં કોઈ નો સાથ મળશે તેવી આશા રાખવી ખોટી છે પરંતુ કર્મ નું ફળ મળ્યા વગર રેહતું નથી એ પણ એટલું જ સત્ય છે. નાનીમાઁ જયારે તેના અંતિમ દિવસો પસાર કરી રહ્યા હતા ત્યારે તેની બધી દીકરીઓ તેની સંભાળ લેવા આવી ગઈ હતી. અને મામા, મામી, માસી.. બધા લોકો રાત દિવસ જોયા વિના સેવા કરતા હતા નાનીમાઁની…. ત્યારે મને થયું કે નાનીમાઁની આ જ જીવનભરની સાચી કમાણી છે કે તેના છેલ્લા દિવસો માં બધા તેની સાથે છે તેમના દીકરાઓ, વહુઓ, પૌત્રો, પૌત્રી, દીકરીઓ, જમાઈઓ અને હા દીકરીની દીકરી પણ ….!અને જયારે નાનીમાઁએ અડધી રાતે અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ બધા તેમની બાજુમાં બેઠા હતા અને તેના એ અંતિમ શ્વાસ સાથે શાંત વાતાવરણ કાળજાને કોતરી નાખે તેવા રુદનમાં પરિવર્તિત થઇ ગયું અને મને તે બધું એક દુહ્સ્વપ્ન ની માફક ભાસતું હતું … હું સ્વીકારવા જ તૈયાર નોહતી કે મારા પ્રિય સ્વજન … મારા નાનીમાઁના હવે મારી સાથે નથી …!મારી આવી હાલત હતી તો મારા મમ્મીની કેવી હાલત હશે એતો તમે કલ્પના કરી જ શકો છો ..!અને આ સત્યને સ્વીકારી તો ના શકી પણ તેમાં ને તેમાં મને તાવ આવી ગયો ..!બીજા દિવસે અંતિમવિધિ પૂર્ણ થઇ એટલે મારી તબિયતની વાત મેં મમ્મી ને કરી અને ઘરે જવાની ની પરવાનગી લઇ લીધી. અને મમ્મીને એક દિલાસો પણ આપ્યો કે મારી કશી ચિંતા ના કરતા હું ઘરે મારી રીતે મારો ઉપચાર કરી લઈશ અને પપ્પા તો છે જ …!પણ સાંજે પપ્પાની ગાડી નો અવાજ આવવાથી મારી નીંદર ઉડી .. ત્યારે મેં જોયું તો મમ્મી પણ નાનીમાઁની ઘરેથી આવી ગયા હતા , મને ખબર હતી કે મારી તબિયત સારી નથી એટલે જ આવી ગયા છે અને મને થોડુક ખરાબ પણ લાગ્યું કે મમ્મી હજુ નાનીમાઁ ના દુઃખમાંથી બહાર નીકળ્યા નથી ને ત્યાં હું એક વધારે ચિંતાનો ઉમેરો કર્યો અને અંદર જ અંદર મારી જાતને કોશવાં લાગી કે કેવી હું દીકરી છું .. અને મારાથી બોલ્યા વિના રેહવાનું કે મમ્મી તમે આજે જ કેમ આવી ગયા? અને મમ્મીએ મને એક જ વાક્યમાં જવાબ આપ્યો કે ,


‘બેટા! હું એક માઁની દીકરી તો છું જ પણ સાથે સાથે એક માઁ પણ છું, તારી કાળજી હું નહિ કરું તો બીજું કોણ કરશે ..!?’


હવે તમે જ કહો કે હું કેટલી ભાગ્યશાળી છું કે મને આવા મમ્મી… માઁ અને નાનીમાઁ મળ્યા.. લાગે છે મેં પૂર્વજન્મ સાચે જ કોઈ સારા કામ કર્યા હશે..!

-‘અપવાદ’

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.