મૂળ લેખક : ઓ.હેનરી

મૂળ ભાષા : અંગ્રેજી

અનુવાદ : રવિકુમાર સીતાપરા


એક ડોલર અને સત્યાસી સેન્ટ્સ. આટલા જ બચ્યા હતા. આર્થિક પરિસ્થિતિ તંગ હોવાને કારણે ખૂબ જ કરકસરથી શાકભાજી અને થોડા માંસની ખરીદી પછી માત્ર એક ડોલર અને સત્યાસી સેન્ટ્સ જ બચ્યા હતા. તેણે બચેલા નાણાને ટેબલ પર મૂક્યા અને ફરીથી ગણ્યા. પૂરા ત્રણ વખત ગણ્યા – એક ડોલર અને સત્યાસી સેન્ટ્સ. બીજા દિવસે 25 ડિસેમ્બર એટલે નાતાલ હતી. ખૂબ આશા અને અરમાનો હતા આ દિવસ માટે પણ બધું જ વ્યર્થ હતું. પૈસા વગર બધું જ વ્યર્થ હતું.

ડેલા નાણાના અભાવે રડવાથી વિશેષ કંઈ કરી શકવા સક્ષમ ન હતી. અને તેમણે કર્યું. થોડી વાર તે પલંગ પર સૂઈ અને જોર જોરથી રડવા લાગી.

ધીમે ધીમે રડવાનું ઓછું થયું. ઘરમાં થોડી શાંતિ પ્રસરી. બે સુખી જોડલાનું આ નાનું એવું ઘર હતું. રાચરચીલાથી યુક્ત ઘરનું ભાડું એક અઠવાડિયાનું 8 $ હતું. ઘરના મુખ્ય ખંડમાં એક નાનું પત્રો રાખવાનું બોક્ષ હતું પરંતુ તેમાં ભાગ્યે જ કોઈ પત્રો સમાઈ શકતા હશે. એક ઇલેક્ટ્રિક ઘંટડી ( બેલ ) હતી પણ તે પણ વાગતી ન હતી. બેશક આ ‘ભવ્ય’ ઘરની બહાર એક નામની તકતી પણ હતી. તકતીમાં ઘરનાં માલિકનું નામ લખેલ હતું.

‘ શ્રીમાન જેમ્સ ડીલીંગહામ યંગ ’.

જયારે આ નામની તકતી લગાડવામાં આવેલી હતી ત્યારે શ્રીમાન જેમ્સ ડીલીંગહામ યંગને એક અઠવાડિયાના ૩૦ $ ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે જયારે તેમની કમાણીમાં ઘટાડો થઈ એક અઠવાડિયાનાં માત્ર 20 $ થઈ ગયા ત્યારે આ નામ ખૂબ જ લાંબુ લાગવા લાગ્યું હતું. કદાચ આ નામ ‘ શ્રીમાન જેમ્સ ડી. યંગ ’ હોવું જોઈતું હતું. પરંતુ જયારે શ્રીમાન જેમ્સ ડીલીંગહામ યંગ પોતાનાં ઘરમાં, પોતાનાં પ્યારા અશીયાનામાં કદમ રાખતા ત્યારે તે નામ ખૂબ જ ટૂંકુ બની જતું. શ્રીમતિ જેમ્સ ડીલીંગહામ યંગ તેમનો હાથ ખૂબ જ પ્રેમ અને ઉષ્માથી પોતાનાં હાથમાં રાખતી અને અત્યંત સ્નેહભર્યા અવાજથી તેમને ‘ જિમ ’ કહી બોલાવતી. આ અવાજમાં, આ નામમાં કોઈ ભારેપણું ન હતું, કોઈ ઔપચારિકતા ન હતી. બસ સ્નેહભર્યું દામ્પત્યજીવન હતું. આ શ્રીમતિ જેમ્સ ડીલીંગહામ યંગને તો આપણે અગાઉ જ મળી ગયા, ખરું ને ? બેશક, તે ડેલા છે.

ડેલાએ રડવાનું બંધ કર્યું અને પોતાના ચહેરાને સાફ કર્યો. તે બારી પાસે ઊભી રહી અને કોઈ પણ જાતનાં કારણ કે હેતુ વગર બહાર જોઈ રહી. બીજા દિવસે નાતાલ હતી અને પોતાનાં પ્રિય જિમને કોઈ અમૂલ્ય ભેટ આપવા માટે તેમની પાસે હતા માત્ર એક ડોલર અને સત્યાસી સેન્ટ્સ. પોતાનાં ઘરખર્ચમાંથી ખૂબ બચત કરી માંડ તે આટલા પૈસા બચાવી શકી હતી. એક અઠવાડિયાનાં માત્ર 20 $ ઘરખર્ચ માટે ખૂબ જ ઓછા કહેવાય. જો કે દર મહિને તેને આવી નાણાકીય કટોકટીનો સામનો કરવો જ પડતો.

ઓરડાની બારી પાસે એક નાનકડો અરીસો હતો. આ અરીસો પણ ખૂબ નાનો અને સાંકડો હતો. કોઈ માણસ પોતે પોતાનાં માંડ અડધા પ્રતિબિંબને તેમાં જોઈ શકતો. જો કે કોઈ પાતળા માણસ ધારે તો તેમાં પોતાનું પ્રતિબિંબ આ અરીસામાં જોઈ શકતો. ડેલા ખૂબ જ પાતળી હોઈ આ અરીસો તેમનાં માટે પૂરતો હતો.

અચાનક ડેલા બારી પાસેથી ખસી અરીસા સામે ઊભી રહી અને પોતાને જોઈ રહી. થોડી વારમાં તેનાં મગજમાં એક વિચાર સ્ફૂર્યો. તેમની આંખો ચમકી ઊઠી પરંતુ ચહેરો ફિક્કો પડી ગયો. તેમણે તરત જ પોતાનાં વાળ ખુલ્લા કરી નાખ્યા અને નીચે સૂધી લહેરાવા દીધા.

જેમ્સ ડીલીંગહામ યંગને બે વસ્તુ પ્રત્યે ખાસ ગુમાન હતું. એક પોતાનાં પિતા તરફથી મળેલી સોનાની ઘડિયાળ. આ ઘડિયાળ તેમનાં પિતાને પણ તેમનાં પિતા તરફથી મળી હતી. આ ઘડિયાળ માટે તે ખૂબ જ ગર્વ અનુભવતો. બીજી વસ્તુ જે જિમને અત્યંત પ્રિય હતી તે ડેલાનાં લાંબા, સુંદર, ઘટાદાર વાળ.

જો કોઈ રાણી પોતાની પડોશમાં રહેતી હોત તો ડેલા પોતાનાં સુંદર વાળને રાણી જોઈ શકે અને ઈર્ષા પામે તે રીતે તેની નજર સામે ધોઈ અને તેને સુકવત. ડેલા માટે તેનાં વાળનું મૂલ્ય રાણીના આભૂષણો અને કિમતી ભેટથી પણ ક્યાંય ગણું વધુ હતું.

જો કોઈ રાજા પોતાની તમામ સવલતો અને એશોઆરામથી ત્યાં પડોશમાં જ રહેતો હોત તો જયારે પણ જિમ તેને મળત ત્યારે તે પોતાની સોનાની ઘડિયાળ કાઢી તેમની સામે એકદમ ગર્વિષ્ઠ નજરે જોત. જિમ જાણતો હતો કે કોઈ રાજા પાસે પણ આવી અમૂલ્ય વસ્તુ નહિ હોય.

આથી ડેલા માટે તે સુંદર, લાંબા, ચમકતા વાળ કોઈ પાણીના ધોધ જેવાં લાગતા હતા. ડેલા માટે તે એક કોઈ વસ્ત્રોથી કમ ન હતા કારણ કે તેનાં લાંબા કેશ છેક નીચે ઘૂંટણ સૂધી પહોંચતા હતા.

તેણે પોતાનાં લાંબા વાળ ખૂબ જ ઝડપ અને ખચકાતા મને બાંધી લીધા. એક ક્ષણ માટે તે ઊભી રહી ગઈ અને તેની આંખમાંથી આંસુના બે ત્રણ ટીપા ચહેરા પર નીકળી ગયા.

બીજી જ ક્ષણે મોટો ઓવરકોટ લીધો અને માથે મોટી હેટ લઈ ઘરની બહાર નીકળી રસ્તામાં ચાલી નીકળી. એક દુકાન પાસે તે આવી પહોંચી. દુકાન ઉપર એક બોર્ડ મારેલું હતું – ‘ મિસીસ. સોફ્રોની હેર આર્ટીકલ્સ ઓફ ઓલ કાઈન્ડસ. ’

બીજા માળે તે ઝડપથી દોડી ગઈ અને એક ક્ષણ શ્વાસ લેવા ઊભી રહી. શ્રીમતિ સોફ્રોનીએ ડેલા સામે જોયું.

“ શું તમે મારા વાળ ખરીદશો ? ” ડેલાએ પ્રશ્ન પૂછ્યો.

“ હા, ચોક્કસ. હું તમારા વાળ ખરીદીશ. ” શ્રીમતિ સોફ્રોનીએ જવાબ આપ્યો અને કહ્યું, “ વાળને ખુલ્લા કરી દો અને મને જોવા દો. ”

અને ડેલાએ પોતાનાં વાળ ખુલ્લા કરી દીધા. વાળ કોઈ પાણીના ધોધની જેમ નીચે છેક ઘૂંટી સૂધી લહેરાવા લાગ્યા.

“ “ 20 $ ”. શ્રીમતિ સોફ્રોનીએ વાળને હાથમાં લઈ, તપાસી, તેનાં વજન પ્રમાણે ભાવ કહ્યો.

“ એ 20 $ મને મહેરબાની કરીને જલ્દી આપો. ”” ડેલાએ કહ્યું. રકમનો મેળ થતાં ડેલાને થોડી રાહત થઈ.

હાથમાં પૈસા આવતા જ ભેટની શોધમાં તે નીકળી પડી. બે કલાક તો એમ ને એમ નીકળી ગઈ. ભેટની શોધમાં તે એક દુકાનથી બીજી દુકાન ભટકતી રહી. અંતે તેને એ વસ્તુ મળી જ ગઈ. તે વસ્તુ જિમ માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગતું હતું. તે લગભગ શહેરની બધી દુકાનોમાં હતી. તે હતી સોનાની ચેઈન. ખૂબ જ સાદી રીતે તે બનાવાઈ હતી. તે શુદ્ધ સોનામાંથી બનાવાયેલી અને ખૂબ જ કિમતી હતી. જિમની સોનાની ઘડિયાળ માટે આ ચેઈન યોગ્ય ભેટ હતી.

ડેલા જાણતી હતી કે આ ચેઈન જિમ માટે કેટલી મહત્વપૂર્ણ રહેશે. ડેલાએ તરત જ આ ચેઈન માટે તેની રકમ 21 $ આપી ચેઈન ખરીદી લીધી અને ઝડપથી તે ચેઈન અને બાકી બચેલા સત્યાસી સેન્ટ્સ સાથે ઘરે પહોંચી.

જિમ પોતાની ઘડિયાળ સાથે બાંધેલી ચેઈનને કારણે ગમે ત્યારે સમય જાણી શકતો હતો. જો કે ઘડિયાળ જેટલી ચેઈન આકર્ષિત લાગતી ન હતી. ક્યારેક ક્યારેક કોઈ તેમની સામે જોઈ રહ્યું ન હોય ત્યારે તે પોતાની ઘડિયાળને ચેઈનથી અલગ કરી નાખતો.

જયારે ડેલા પોતાનાં ઘરે પહોચી ત્યારે સૌ પ્રથમ તેણે પોતાનાં ચહેરા પરની ઉદાસી દૂર કરવાનાં પ્રયત્નો કર્યા. જો કે આ કાર્ય સરળ નથી હોતું. પ્રેમ અને તેનાં માટે પ્રિય વસ્તુઓનો ત્યાગ જયારે એક સાથે ભેગા થાય ત્યારે એક અમીટ છાપ છોડી જાય છે. આ ઉદાસીનાં ચિહ્નો દૂર કરવાં એટલા સહેલા ક્યારેય હોતા નથી જેટલા આપણે માનીએ છીએ.

ચાળીસેક મિનીટ પછી તેમને બધું ઠીક ઠીક લાગવા માંડ્યું. ટૂંકા વાળમાં તે એક શાળામાં ભણતાં કોઈ છોકરા જેવી લાગતી હતી. લાંબા સમય સૂધી તે અરીસાની સમીપ ઊભી રહી અને ખુદને તેમાં નિહાળતી રહી.

“ જિમ ક્યાંક મને મારી ના નાખે ! એ પહેલા કે તે મને બીજી વાર જુએ, તે કહેશે કે હું આ ટૂંકા વાળમાં પૈસા માટે ગાવાવાળી કે નાચવાવાળી લાગુ છું. પણ હું પણ શું કરી શકું ? એક ડોલર અને સત્યાસી સેન્ટ્સમાં હું પણ શું કરી શકત ? ” ડેલા મનમાં બબડી.

સાત વાગ્યે જિમનું ભોજન તૈયાર થઈ ગયું.

જિમ ક્યારેય મોડો પડતો ન હતો. ડેલાએ પોતાનાં હાથમાં ચેઈન પકડી રાખી અને દરવાજા પાસે બેસી ગઈ જ્યાં જિમ આવવાનો હતો. તેનાં પગલાનો અવાજ આવ્યો અને ડેલાનાં ચહેરાનો રંગ એક ક્ષણ માટે ઊડી ગયો. તે મનોમન પ્રાર્થના કરવા લાગી, “ હે ઈશ્વર, તેને હું પહેલા જેવી જ સુંદર લાગુ એવી દ્રષ્ટિ આપજો. ”

દરવાજો ખૂલ્યો અને જિમ અંદર દાખલ થયો. જિમ – એક બાવીસ વર્ષનો પાતળો અને પરિવારની જવાબદારી ખભે લઈને ફરતો એક ફૂટડો યુવાન. તેનાં ઠરેલા હાથને ઓવરકોટની જરૂર હતી જે તેમની પાસે ન હતો.

જિમ દરવાજા પાસે જ ઊભો રહી ગયો. કોઈ શિકારી કૂતરો કોઈ પક્ષીનાં શિકાર પૂર્વે તેની પાસે એકદમ શાંતિથી ઊભો રહે તે રીતે તેની પાસે ઊભો હતો. ડેલા તેનાં ચહેરા પરનાં હાવભાવ સમજી શકતી ન હતી. આથી તેને થોડો ડર લાગ્યો. તેમનાં ચહેરા પર ક્રોધ, આશ્ચર્ય જેવો કોઈ ભાવ જ ન હતો જેનાં માટે ડેલા મનોમન તૈયાર હતી. બસ, જિમ તેને અવાચક નજરે વિચિત્ર ભાવથી જોઈ જ રહ્યો.

ડેલા તેની પાસે ગઈ.

“ વ્હાલા જિમ. ” એટલું કહેતા તે રડી પડી. “ તું મારી સામે આ રીતે ના જોઇશ. મેં મારા વાળ કપાવી અને વેચી નાખ્યા છે. હું નાતાલમાં તને ખાસ ભેટ આપવા માંગતી હતી જેનાં વગર હું રહી શકતી ન હતી. મારા વાળની ચિંતા ના કરીશ. એ તો ઝડપથી ઊગી જશે. નાતાલનો દિવસ છે. આનંદનો પર્વ છે. તને ખબર નથી કે હું કેટલી સુંદર ભેટ તારા માટે લાવી છું. ”

“ તે તારા વાળ કપાવી નાખ્યા ? ” જીમે ધીમેથી આશ્ચર્યમિશ્રિત ભાવથી પૂછ્યું. તે હજી સૂધી માની શકતો ન હતો.

“ કપાવી નાખ્યા અને વેચી નાખ્યા. ” ડેલાએ ઉતર આપ્યો. “ કેમ ? શું હું હવે તને ગમતી નથી ? હું તો એ જ છું જે વાળ કપાવ્યા પહેલા હતી. ”

જિમ ચારે બાજુએ જોવા લાગ્યો અને એ જ સવાલ ફરીથી પૂછ્યો, “ તું એમ કહે કે તારા વાળ વેચી નાખ્યા ? ”

“ હા, વેચી નાખ્યા. જો જિમ, આ નાતાલ પહેલાંની રાત છે. મેં તારા માટે જ મેં મારા વાળ કપાવ્યા છે, જિમ.” ” ડેલાએ કહ્યું. “ મારા વાળ એટલા નાના થઈ ગયા છે કે તેને હવે કોઈ પણ ગણી શકે છે પણ તારા પ્રત્યે મારા પ્રેમને કોઈ ગણી શકે નહિ. તે અગાધ છે. તેની કોઈ સીમા નથી. શું હવે સાથે બેસી જમીએ, જિમ ? ”

જિમે પોતાનાં હાથમાં ડેલાનો હાથ લીધો અને બીજી જ ક્ષણે કોટની અંદરથી કાગળમાં વીંટળાયેલ કંઈક વસ્તુ કાઢી ટેબલ પર મૂકી.

“ ડેલા, મને સમજવાનો પ્રયત્ન કર. વાળ જેવી કોઈ વસ્તુનાં કપાવાથી મારા તારા તરફના પ્રેમમાં ઓટ આવે એવો નબળો મારો પ્રેમ નથી. જયારે તું આ કવર ખોલીશ ત્યારે તને મારા આશ્ચર્યનું સાચું કારણ ખબર જાણવા મળશે. ” જિમ પોતાની ડેલાનો હાથ પોતાનાં હાથમાં લઈ બોલ્યો.

સુંદર આંગળીઓએ ભેટનું કવર ખોલ્યું. ભેટ જોઇને અચાનક આવેલા હર્ષનાં આંસુ ઉદાસીમાં ફેરવાઈ ગયા. એ ભેટ હતી – કાંસકાનો એક સેટ. આ સેટ એ જ હતો જે ડેલાએ એક દુકાને જોયો પણ પૈસાના અભાવે તે મોંઘી વસ્તુ ખરીદી શકી ન હતી. પોતાનાં સુંદર વાળ માટે આ સેટ ખૂબ જ યોગ્ય હતો પણ પોતાનાં મનને તે વખતે તે મારીને બેસી રહી હતી. આજે એ સુંદર સેટ પોતાનાં હાથમાં હતો પણ તેનાં સુંદર વાળ સાથે ન હતા. પોતાની એ ભેટને છાતીએ ચાંપી મનોમન એ ખુદને આશ્વાસન આપવા લાગી, “ કોઈ વાંધો નહિ, આ વાળ જલ્દી લાંબા થઈ જશે. ” અને ફરીથી ડૂસકા ભરવા લાગી.

જિમે હજુ પોતાની ભેટ જોઈ ન હતી. ડેલાએ પોતાનાં હાથમાં એ રાખી જિમ સમક્ષ ધરી અને અત્યંત પ્રેમથી એ સોનાનો ચેઈન પોતાનાં નાજુક હાથોથી જિમને આપ્યો.

“ શું તે સુંદર નથી ? મેં આખા શહેરની ઘણી દુકાનો ફરી જોઈ ત્યારે આ ચેઈન મને પસંદ આવી. તારી ઘડિયાળ આપ. હું તેને આ ચેઈન સાથે જોડી દઉં. ”

જિમ નીચે બેસી હસવા લાગ્યો.

“ “ ડેલા, ” ડેલાનો હાથ પકડી પોતાની પાસે બેસાડી જિમે કહ્યું, “ આ બંને ભેટ એટલી સુંદર છે કે તેમનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ નથી. તે મારી ચેઈન ખાતર પોતાનાં વાળ કુરબાન કર્યા અને મેં તારા કાંસકાના સેટ માટે મારી ઘડિયાળ. ચાલો, આ ભેટને હવે બાજુ પર મૂક અને ચાલ, સાથે મળીને ભોજન લઈએ. ”

બંનેએ એકબીજાની મનગમતી વસ્તુ લેવા માટે પોતાની સૌથી પ્રિય વસ્તુનું જ બલિદાન આપી દીધું. સાચું કહ્યું કોઈ એ છે કે પ્રેમ એ સમર્પણ છે, ત્યાગ છે. પ્રેમ એ મેળવવાનું કે હાંસલ કરવાનું નામ નથી પણ પ્રિય પાત્ર માટે ત્યાગ કરવું એ જ છે પ્રેમ.

***

દોસ્તો, આ વાર્તાનું નામ The Gift Of Magi છે. Magi એ પશ્ચિમના એ શાણા અને સજ્જન માણસો હતા જેણે ઈસુ ખ્રિસ્તનાં જન્મ સમયે તેને ભેટ આપી હતી. એ સજ્જન અને શાણા માણસોની ભેટ પણ તેના જેવી જ અમૂલ્ય હશે. અહી, જિમ અને ડેલા – બંનેએ એકબીજાની ભેટ માટે પોતાની પ્રિય વસ્તુનું બલિદાન આપ્યું હતું. બંને પાસે પોતાની પ્રિય વસ્તુ નથી. તેણે ખરીદેલી વસ્તુની કોઈ કિમત હવે રહેતી નથી. છતાં પણ એક વસ્તુ છે જે તેને એક મહાન ઊંચાઈ બક્ષે છે, જે તેને ઈશ્વરનાં સૌથી પ્રિય બનાવે છે. આ વસ્તુ છે – બંને વચ્ચેનો અગાધ પ્રેમ. સાચા અર્થમાં બંને જ એક બીજા માટે અમૂલ્ય ભેટ છે. તેઓ જ એકબીજાના સાચા અર્થમાં Magi છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.