" શ્યામલી ." ભાગ (૨).

( સત્ય ઘટના.)

ચાર્ટડ પ્લેનમાં ભાવનગરથી પરત આવેલી દિકરાની જાનમાંથી મંજુ તરીને આગળની કારને ઝડપભેર વાલકેશ્વર તરફ ભગાવી કારણ આજે તેની બાજીના સોગઠા સવળા પડ્યાં હતાં . સાસુ અને પતિદેવ પોતાના સગા દિકરાને અવગણી ' માથે પડેલા મફતલાલ ' સમા નણંદના દિકરા શ્યામને પરણાવવા માંગતા હતા એ પહેલા જ દેશની હોવા છતાં હુશિયાર ,સંસ્કારી, ગરીબ ઘરની , પોતાના મહેતાજીની દિકરી રાધાની સાથે ઘડીયા લગ્ન કરાવી નાખ્યાં તેનો આજે મોટો સંતોષ હતો . જો દિવાળી પછી લગ્ન કરતે તો ? માટેજ આ મરાઠી રિવાજ ને અનુસરી સાસુજીના મરણના ત્રીજા મહિનેજ આ વિધિ પાર પાડી.

વાલકેશ્વરના ઢાળે જેવી ગાડીએ વળાંક લીધો તેવોજ મનોમન મંજુ દોડવા લાગી .ઘરે પહોંચતાવેંત વરકન્યાના ગૃહ પ્રવેશ માટે પોંખણાની તૈયારી રૂપ ઘરની ઘાટણબાઈઓને ફટાફટ હુકમો છોડવા લાગી અને કલાકબાદ ભોં ભોં કરતી ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો અને દોડતી નાની દિકરી આરતી ઉપર આવી .

" ચાલો ચાલો મમ્મી ભાઇ ભાભી અાવી પહોંચ્યાં , મમ્મી દરવાજે રોકુ ને ? ઘાટા તાણી તે માને પુછી રહી હતી.

" હા…હા…આવુ છું. બસ કળશ ભરી આવુ જ છું. બેઉને બહાર જ રાખજે, અને પછી તું અને ભક્તિ દરવાજે દાપુ માંગજો ,સારા પૈસા આજે ભાઇ પાસેથી પડાવજો."

"હા…હા આજે તો મોટુ કવર જ લેશું . હું અને બેન." કહી કુદકા મારવા લાગી.

દરવાજે વર કન્યાને પાછળ લુણવંતિ અને બે મિત્રો સહીત જાનૈયા દરવાજે આવ્યાં …………અને એકાએક દ્રુપદ પગમાથી જરી ભરતવાળી મોજડી કાઢી દોડયો તેવી તેની પાછળ વરમાળા, ખેસ-ચુંદડીની સાથે વાળેલ ગાંઠ સહ રાધા ખેંચાણી અને મિત્રો હં….હં…હં કરતાં રહ્યાં અને કોઇનુ સાંભળ્યા વગર યોદ્ધાના જનુન સાથે અને ટપાક્ ટપાક્ કરતાં એક જીવને અધમુવો કર્યો .કોઇને કાંઇ સમજાય તે પહેલાં તેને ઉચકી પાછો ફરી તેને દૂર કરવા ગયો , ત્યાં પાછળ લુણ ઉતારતી ભકતિની નજર ગઇ ,અને તે તીણી ચીસ પાડી ભાગી તેવીજ ભયભીત મંજુના " ઓ મા…રે….કહી કાને હાથ દાબવા જતાં અને હાથમાંની પોંખવાની થાળી છટકી અબીલ,ગુલાલ,સાથે પાણીનો કળશ ધડ કરતાં રાધાવહુના જમણાં પગના અંગુઠાને લોહી લોહાણ કરતો ગયો . દ્રુપદ નાની બહેનને સમજાવતો રહયો. " પાગલ રોતલ રડે છે શુ ? ,જો મે તેને મારી તો નાખ્યો " કહી હાથમાં મારેલા વાંદાને મૂછેથી ઉપાડી બધાને દેખાડી રહ્યો હતો. " વાહ…ભાઇ ..વાહ. , જોયુ રાધા ભાભી ! તમારી હવે ખેર નથી ." કહી મિત્રોએ મિત્રપત્નીની મશ્કરી શરૂ કરી.. રાધાના પગ નીચેના રેલાની કોઇને ખબર ન હતી. જેમ તેમ વિધિ પતાવી તેણે ' ગૃહ પ્રવેશ ' કર્યો ત્યારે તે કુમકુમ પગલા પાડતી આવી તેમ લોકોને લાગ્યું ,આ કુમકુમના પગલાં નહતાં પણ અંગૂઠે વાગેલ લોહી નીતરતા પગલાં હતાં. ઘરના સર્વ આનંદના અતિરેકમાં ઝૂમતા હતાં ત્યારે ઘરની શખુબાઇ રાધાના હાથ પકડી સ્ટોર રૂમમાં લઇ જઇ મલમ પટ્ટી કરી રહી હતી. અને બહાર વાંદામાર ભડવીર દ્રુપદ પોતાની કાબેલીયતના વખાણ કરતો લોકોને હસાવતો રહ્યો.. અને સાંજે મળવાના વાયદા સહ મિત્રોએ વિદાય લીધી. સાંજ પડતાંજ હોશીલી નંણદોએ ખ્યાતનામ બ્યુટીશ્યનને બોલાવી રાધાને બખુબી સજાવી અને તેના રૂમમાં બેસાડીને ગઇ . નણંદલના વીરાની રાહમાં બેઠી, રાધા વિચારે ચડી

આજના તેના 'ગૃહ પ્રવેશે' હવે પછીના આકરાં ચઢાણનો અંદાજ આવી જ ગયો. તેણે યુવાનીના ચાર વર્ષ અહીંતો કાઢેલાને? .આજ લોકોએ તેના પર ઘણું ઘણું વિતાડેલ તેમા સાસુમા બનેલ મંજુનો ફાળો મોટો હતો. કારણ તે નાનીમાની લાડકી જો હતી .સસરાજી કાંતીલાલ શેઠની રહેમ નજર હતી તેના પર ,પરંતુ કાંતિશેઠ વહુ રાધા સામે નજર મેળવી હવે ક્યાં મેળવી શકવાના ?.,માની ગેરહાજરી તેને વધુ સાલતી આ ઉંમરે પણ, તે ઘરમાં કોઇને કાંઇ કહેવાને સમર્થ ન હતાં. સમજુમા ગયા બાદ મંજુ પૂરાં ફોમમાં આવી ગયેલ. હવે "ઘર કી રાની " નો રૂવાબ આવી ગયેલો. અને પતિદેવ ? પતિ સ્વરૂપે દ્રુપદ કાચી નહીં પણ અણસમજણનું પોટલું હતો , સીટ વગરના લોટાની જેમ બેઉબાજુ ડોલતો. જેને આજીવન નિભાવવાનો હતો.. તે કાચા કાનનો ,ક્રોધી, પૂર્ણ વરણાગી, જીદ્દી ,,બગડેલો નબીરો હતો. બધા મિત્રો તેને અને તેના પૈસાને ઉડાડતાં. તેમા પણ એક મિત્ર નામે પ્રવેશ.મહેતા.લંગોટીયો દોસ્ત તેને જળોની જેમ ચીટકી ઉધઇની જેમ ખોતરતો રહેતો .રાધા દરેકને પૂરાં ઓળખતી છતાં કંઇ કરી શકે એમ નહતી . તેને ચિંતા બે નાની નંણદોની વધુ હતી .આરતી અને ભકતિ બેઉ બહેનો નાનપણથી જ તેની હેવાઇ હતી અને તેણે તે બેઉ સાથે ચાર પાંચ વર્ષ રુમ શેર કરેલો . સાસુજીનો તેના પ્રત્યે હવે અલગ ભાવ ઉભરાતો કારણ હવે તે કુળવધુ બની હતી, તેના દિકરાની આળ પંપાળ કરી તેના મોજશોખ પુરાં કરવા સિવાય તેણે બીજો ક્યો શેર મારવાનો હતો ? તેને આવું ઘર -વર બીજે કયાં મળવાનું હતું ? સ્વાર્થી સાસુ જ આમ વિચારી શકે ને?

રાત્રે બે વાગ્યા પછી ડ્રાઈવર રઘુ નાના શેઠને હોલમાં ઘસડીને સોફા પર મૂકી ગયો ,ત્યારબાદ મહારાજ અને બીજા નોકરોએ થઇ દ્રુપદ શેઠને તેના રૂમમાં પલંગ સુધી લાવી ઢાળ્યો ,કુર્તાપાયજામાં સાથે મોજડી ઠઠાડેલ વરરાજીયો આજે પહેલી રાતે ,એર ફ્રેશનરથી અને મઘમઘતાં મોઘા ફૂલોથી શણગારેલ રૂમના પલંગપર આડો પડ્યો તેવોજ નસ્કોરા બોલાવવા લાગ્યો અને રાધાની અંદરની રાધા જાગી ઉઠી ,રાધા હળવેકથી ઉઠી બાથરૂમમાં જઇ દાગીના ,કપડાં વગેરે... સાપની કાચળીની જેમ ઉતારી કોટનનો સાદો ગાઉન પહેરી એક નવી રાધા બની પલંગ પર લંબાવ્યુ મખમલી બ્લેન્કેટ સરકાવી પડખુ ફેરવી સુઇ ગઇ પૂરાં નિર્લેપભાવે .

સવારમાં ઉઠી જોયુ તો તેજ પોઝીશનમાં ' દેદા 'ની જેમ મોજડી સહ વરરાજા સુઇ રહ્યો હતો. રાધા બાથરૂમમાં જઇ આદર્શ વહુની જેમ સજી ધજી પ્રથમ મંદિરનો દરવાજો ખોલી નમી. ત્યાંજ પુજારૂમ તરફ આવતાં મંજુબહેન મલકાતા બોલ્યાં " ઉઠી ગઇ ? ,લે આજની આરતી તું જ કર , અરે શખુબાઇ ! નાના શેઠ શેઠાણીની ચ્હા મૂકજે નાસ્તા સાથે ટેબલ પર."

" મમ્મી, તે હજુ નથી ઉઠયાં સુતાં છે ." કહી રાધાએ આરતીની થાળી સાસુજીની સામે ધરતાં કહ્યું .

સાસુજી નીચેનો હોઠ દાંત વચ્ચે દાબી, હસતાં હસ્તાં આશ્કા લેતા બોલ્યા , " શખુ બાઇ રહેવા દે મારી એકની જ મુકજે, ભાઇ ઉઠે પછી તે બેઉની મુકજે." પોતાની ચ્હા પીવાઇ ગયા બાદ રાધાને કહે " જાને ઉઠાડને દ્રુપદને " " હા " કહી રાધા પોતાના રૂમમાં જતી રહી ,હજુ તેજ પોઝીશનમાં દ્રુપદ હતો. મનોમન બબડી આવા પુરૂષને કોણ ઊઠાડી શકે.? અને પલંગ સામેના સીંગલ સીટર ઝુલામાં ફસડાતાં બેસી પડી. સૂતેલા દ્રુપદને તાકતી બેસી રહી, પગની ઠેશે ઝુલાને ગતિ આપી, એવોજ ભૂતકાળ નજર સામે ગતિમય થયો. એવી કઇ લાચારી પપ્પાની હતી કે તે આમ વર્ત્યા ? ભાઇ બહેન ના ચહેરાં નજર સમક્ષ આવતાં ઢીલી થઇ ગઇ. મા-બાપે જો સાસુજીની વાતને આમ ઠેશ મારી હોત …તો? આજની ગતી કંઇક ઓંર હોત. પણ તેને ખબર નહતી કે તેના પપ્પાને સાસુજીએ એક નાની અમસ્સતી હિસાબી ભુલને કારણે નોકરીમાંથી છૂટા કરવાને બદલે સસરાથી પણ ખાનગીમાં મોટી રકમ અને એક ફ્લેટની ચાવી આપેલ છે.

આખરે ૧૧ વાગે નાના શેઠને આળસ મરડી ઉંઘરેટ આંખે ઝુલે ઝુલતી રાધા દેખાણી ." લે…….સવાર…સવારમાં ઝુલે રાધી ! ." કહેતો દ્રુપદ આળોટતો બોલ્યો.તેવુ જ " મારૂ નામ રાધા છે , તેજ નામે બોલાવો. , ચાલો ચ્હા તૈયાર છે ,મારે હજુ પીવાની બાકી છે " કહેતાં સટક્ કરતાં રૂમ બહાર નીકળી ગઇ. પણ તેને દ્રુપદના મોઢેથી નીકળેલ " રાધી " ઉચ્ચાર દઝાડી ગઇ.

લગ્નના બીજે દાડે ૧૨ વાગે ડાઇનીંગ ટેબલ પર સજોડે ચ્હાનાસ્તો કરી રાધા પાછી રૂમમાં જઇ પલંગ પર ઝપલાવ્યું .ઉંઘ હરામ હતી પણ આગજનીમાં શેકાતી રહી ,સહજીવનની શરૂઆતજ કંઇક કઢંગી શરૂ થઇ. હકીકતમાં રોજ દ્રુપદની સાંજની બેઠકો મિત્રો સાથે લંબાતી ચાલી, કારણ વિકૃત માનસી મિત્રોની મહેફીલમાં તેને અવનવા પાઠ ભણાંવાતા હતાં.અને દ્રુપદ આજ્ઞાંકિત બની રહેતો .બધા વિદેશી બોટલોના મોહતાંજ હતાં,અને દ્રુપદના એકાઉન્ટથી હલ્લા બોલ કરાતું હતું .ક્યાંરેક રાધાના નામે ભદી મશ્કરીઓ કરતાં ,અને દ્રુપદ ઘેર આવી રાધા સામે ઓકી મારતો .રાધાને ખ્યાલ આવી ગયેલો કે આ માણસ પાસે શી અપેક્ષા રખાય ?

પરણ્યાના વીસમાં દાડે એક બપોરે રાધા પલંગમાં આડી પડી નોવેલ વાંચી રહી હતી, ઓચિંતા દ્રુપદ તેના તરફ આવી એકાએક પુસ્તક તેના હાથમાંથી આંચકી દૂર ફેંકી એટેક કરતાં બોલ્યો, " સાલી ! તુ પૂરેપૂરી ઘરવાળી હોવા છતાં મને ભાવ નથી દેતી એમ ? " કહી તેણે તેના પુરૂષાતનનું રૂદ્ર સ્વરૂપ બતાવ્યું ,.રાધા હેબતાઇ ગઇ, અવાચક બની ગઇ ."આ ગમારનું આવુ રૂપ ? " અને આવા પોટલાનો ભાર આજીવન વેંઢારવાનો હતો. ના વિચારે તેને કમકમાવી દીધી.

એક દિવસ ઉઠતાવેંત દ્રુપદ રાધાને કહે

" ઓ …….રાધલી……આપણે હનીમૂન કરવાં કયા જવું છે ? "

" તમને જ્યાં ગમે ત્યાં " ટૂકો અને રૂક્ષ જવાબ રાધાએ વાળ્યો. " અમેરીકા ? " અતિ ઉત્સાહમાં ઉછળી બોલ્યો.

" ના "

" કેમ મોટાને પણ મળાશે "

" ના આટલુ દુર જાવું નથી, અહીં ઇન્ડીયામાં જ."

" તો તુ જ કહે ,અહીં કયાં ? લાવ પ્રવેશને પુછી જોવું કે કયાં જવુ છે ? "

" હનીમુનમાં લોકોને સાથે લઇ જવાના ન હોય ." નફરતથી રાધા બોલી

"એમાં શું ? કંપની હોય તો જ મજા આવે ,તને અમારી જાનદાર કંપનીની ખબર નથી " કહી હસી પડ્યો

" મને ખબર છે તમારી કંપની કેવી છે " રાધા રૂમ છોડતાં બોલીને હોલમાં આવી. સામે જ બેઉ નણંદો ટી.વી જોઇ રહેલ, રાધાના મનમાં એક વિચાર ઝબક્યો ,પેલો જો તેના લફંગા મિત્ર પ્રવેશને સાથે ઉપાડે તે કરતાં આ બે કલબલતી કાબરો શુ ખોટી ? અને આમ પણ તે ૨૪ કલાક ધ્રુપદને ક્યાં સહી શકે તેમ હતી ? રૂમ તરફ પાછી ફરી. દ્રુપદ ફોન પર ચકકર મારે તે પહેલા તેના કાનમાં આરતી-ભકતિ નામનો મંત્ર ફૂકયો અને તે " લે…….ચાલો ત્યાંરે ઘરની જ કંપની……હી…હી…હી "કરતો હસી પડ્યો. અને રાધાને 'હાશ' થયું. અને ૨૫મા દાડે હનીમૂન કપલ બે લૂણવંતીઓ સાથે દાર્જીલીગને રસ્તે ચડયું. સાસુજીએ હળવી ટકોર પણ કરી " કે બેટા ..રાધા ! ત્રણેનું ધ્યાન રાખજે "

"હમ " ટૂંકો હોકારો આપી મનોમન બબડી ' હું મારૂ સર્વસ્વ છોડી અહીં આવી, મારૂ ધ્યાન રાખવાવાળુ કોણ ? તુરંત મનને ઠપકાર્યુ , કદાચ તેમણે તો કિંમત ચૂકવીને લીધી છે ના ? તેનોય તોર હોય ને ? '

સતત સહવાસમાં રાધાએ દ્રુપદને સંસ્કારીતાના ઓસડીયા ઘૂટી ઘૂટી પાયા . કપલ બહારગામ ફરવા ગયા બાદ એક રવિવરીય સાંજે અમેરીકાથી શ્યામનો ફોન આવ્યો ,સામાન્યતઃ મામા સાથે જ વાત થતી આજ મામીની હડફેટે તે ફોન આવી ગયો અને મામીની ઉર્મીઓ ઉછળતી રહી.

" હેલ્લો ! શ્યામ ,બેટા કેમ છે ? , તને કેટલા ફોન તારા મામા એ કર્યા . તુ કયાં હતો.? "

"મામી મારે ત્રણ મહિના બીજે ગામની ઓફીસ સંભાળવાની હતી."

" મેં પણ તને ભકતિને કહી ફોન લગાડેલ ,પણ આંસરીગ મેસેજ આવતો હતો "

" કંઇ અર્જન્ટ હતુ મામી ?"

" હા,,,હા,તારો નાનો ભાઇ ઘોડે ચડી ,લાડી લઇ આવ્યો ."

" ઓં …….ઓ ..દ્રુપદ…..લગ્ન ….વાહ…સરસ…મામી ક્યાં કર્યા ,કોની સાથે ? "

" આપણા નટુભાઇની રાધા સાથે , જલ્દી જલ્દીમાં બધુ પતાવ્યુ કારણ હવે પછી એક વરસ સારૂ લગ્નનું મુહર્ત આવે એમ નહતું ."

" હમ્"

" અને બેટા સો માણસ લઇ ચાર્ટડ પ્લેનમાં જાન ગયેલી "

"હમ્ "

" બેટા તુ હવે આવીશને તો તને અહીં વધારે મજા આવશે ,કયાંરે આવવાનો ?"

"નક્કી નથી . નકકી થયે જણાવીશ "કહી ભગ્ન હ્ર્દયે સામે છેડેથી કનેક્શન કપાયું અને આ ઘટના બાદ બેથી ત્રણ વખત શ્યામ અમેરીકાથી આવી પોતાના પિતાને મળવા કાનપુરથી પરત અમેરીકા જતો રહેતો.. મુબંઇનુ હવે કોઇ કનેકશન કામનુ નહતું સિવાય કે ભૂતકાળની મીઠી યાદો. ..છતાં કાંતિમામા સાથે ઓફીસ ટાઇમે ત્રણ ચાર મહિને ખબર અંતર પુછી લેતો ,ઘરે ફોન કરવાનું ટાળતો . ,બેઉની વાતો ઉપર છલ્લી જ રહેતી મામાની મનોદશા શું હશે ? તે શ્યામ ક્યાં અજાણ હતો ? પરંતુ તેમ છતાં બેઉની વાતોમાં રાધાનું નામ ક્યારેય ઉચ્ચારાતુ નહીં બીજી રીતે જોતા દ્રુપદ-રાધાના લગ્નબાદ મામા અંતર્મુખી બની ગયા હતાં, રોબોની જેમ કામ કરતાં.

પહેલી લગ્નતિથી ક્યાં આવી ગઇ ખબર ન રહી , હવે બેઉ દિકરીઓ માટે પણ સારા જમાઇરાજ મંજુબહેન શોધવા લાગ્યાં અને સારૂ ઘર-વર મળતાં બેઉ કન્યાને વિદાય પણ કરી. દરેક ખુશીના પ્રસંગે મામી શ્યામને આમંત્રણ આપતાં ,અને દરેક ટાઇમ તે અવનવા બહાના બતાવી દેતો. . શ્યામની કયારેક ઘરના સાથે થતી વાતો રાધા પૂરી ધ્યાનથી સાંભળતી અને પરોક્ષ રીતે તેની ગતિવિધિઓથી વાકેફ રહેતી ,દુ:ખી પણ રહેતી ,તેની મનોભાવનાને વાંચનાર આ ઘરમાં મામા સિવાય કોઇ સક્ષમ ન હતું. માટે જ તેણે મામા કહેવુ બંધ કરેલ, જુનુ બધુજ ભૂલી જવા મથતી રહી.

સાસુજીને હવે રાધાને મુંબઇના કલચરમાં ઢાળવાની ભારે ઉતાવળ હતી ,પોતે જે જે કલબો ,મંડળોમાં હોદ્દા પર હતાં તેમાં તેમા તેમણે રાધાને મેમ્બરશીપ અપાવી દીધી. નીતનવા પોગ્રામોમા ભાગ લેવડાવી તેના દ્રુપદની વહુની ટેલેન્ટની વાહ વાહ પોતે અંકે કરતાં હતાં. પોતે જાણતા હતાં કે લગ્નની બજારમાં પોતાના દિકરાના કેટલા ટકા % હતાં. બહાર મળતી વાહ વાહના નાદનો પ્રત્યાઘાત બેડરૂમમાં ભયંકર પડતો , દ્રુપદ હમેશા રાધાને નીચી દેખાડવા એક પણ તક ચુંકતો નહી. તે હાઈટમાં , રંગરૂપમાં ભણતરમાં,ટેલેન્ટમાં વહેત ઉંચીજ ઉઠતી. અને તેજ દ્રુપદને મહાત કરતું ,અને મિત્રોની ચડામણી કાયમની . " જો જે ધ્યાન રાખજે , દબાવશે , તુ ખોવાઇ જઇશ ,દાબમાં બરોબર રાખજે ……….." અને આવી ચડવણીથી ઘેરાયેલો દ્રુપદ બહાર નીકળી શક્યો નહી ,ઘેરૈયાઅોએ નીકળવા દીધો નહીં. સાંજ પડતાં આથમતાં સુરજને રાધા ધિક્કારતી કારણ એજ કટાક્ષોના બાણ, બેહુદા વર્તન ,લથડાતી ચાલ, લથડાતી જીભ-બોલ અને ડરામણી હેવાનીયત .

નોકરો ચાકરો, બાઇઓ, ડ્રાઇવરો, મોટરોના કાફલાઓ વચ્ચે રાધા જીવતી લાશ બની ભમતી હતી. એક…….બે…….અને …….ત્રણ …દિકરાની મા રાધા બની ગઇ ,અને રાધા હવે નહીં ..નહીં કરતી રહી અને " ચાર કાંધે ઉપાડવા વાળા જોઈએ જ " કહેતા કહેતા દ્રુપદ ચોથા દિકરાનો પપ્પા બનીને જ રહ્યો.

# # # # #

હવે રાધાનું જીવન સાસુ સસરાની સેવા અને દ્રુપદને મેવા ખવડાવામાં રહ્યું. સાથો સાથ ચારે પુત્રોને સંસ્કાર, સમજ શિક્ષણ આપવાનો એક માત્ર ધ્યેય રહ્યો હતો. અને દિકરાઓ પણ ચારે હોશિયાર થયા . મોટો વિનિત બારમાંની એકઝામ ૯૫ % સાથે પાસ કરી ત્યારે દ્રુપદ ફોનમાં મિત્રોને પોરસાઇને લોકોને કહેતો

" હવે તો અમારા પ્રીન્સ અમેરીકા ભણવા જશે " તેને રોકતાં રાધા કહેતી.

" ના હમણા નહી ,અહી ગ્રેજયુએટ થઇને જશે. "

" ના એને હમણાં જ મોકલવો છે."

રાધાએ બીજા સોગઠા ચલાવ્યાં ,"હા…હા પણ આટલા વરસના કેટલો ખર્ચ ……."

.તેને કાપતાં દ્રુુપદ બરાડ્યો." તુ શુ કામ તેની ચિંતા કરે છે ? મોટો ત્યાં છે ને ?

"કોઇની ઉપર બોજો…."

"બોજો શેનો ?, ભાઇ સાબ અહીં જ તાગડધીન્ના કરીને ત્યાં મોજ માણે છે , મેકન્સીમાં સી.ઇ.ઓ .છે ,મોટો "વિલા 'લી_શ્યામ ' બનાવ્યો કોના જોરે ?"

" પોતાના " બોલતા બોલી જવાયુ . અંદરથી ધ્રુજી ગઇ.

"એ……વેવલી , એ મામાના ખોળો ખુંદી, ખોદીને ત્યાં પહોચ્યોછે ,તો હવે સાચવે આ ચારને ત્યાં ભણે ત્યાં સુધી એટલે હિસાબ ચોખ્ખો." આવો હિસાબનીસ રાધાએ પહેલીવાર જોયો . પણ શ્યામના નામનો જે હવન પ્રજવળ્યો તેમાં તેણે વધૂ આહુતી ન આપતા ચુપકીદી સેવી .બાજુમાં બેઠેલા વિનય ,વિવેક, વિસ્મયને ઇશારતથી અંદર રૂમમાં જવા કહ્યુ, દ્રુપદ આ ઇશારો કળી જતાં ત્રણે દિકરાઓને જતાં રોક્યાં

" બેટા બેસો , તમારી મમ્મીની મીડલ ક્લાસ મેન્ટાલીટી છે, ખર્ચાની ચિંતા આપણે નથી. તમે ત્રણે ..વિનિત પછી.. જવાની તૈાયારી કરજો ,તમારો મોટો કાકો ત્યાં તમારી માટે બધુંજ કરશે ."

" પપ્પા ખાલી અમને તો સ્ટેપીંગ સ્ટોન જોઈએ ." નાના વિસ્મયે કહ્યુ.

" હા પપ્પા પછી તો અમે અમારો ખર્ચ નાની મોટી જોબ કરી મેળવી લેશું " વિવેકે વિવેકી જવાબ વાળ્યો

" હા પપ્પા " કહી વિનય પણ જોડાયો. અને દ્રુપદ બોલ્યો.

" હુ જાણૂં છું આ બધુ તમને મમ્મી એ કાન ભંભેરણી કરી છે., જુવો તમારે ત્રણેએ ૧૨ પછી જવાનું છે., એશથી રહી ભણવાનું , કોઇ ફીકર નહી કરવાની ,ત્યાં કાકો બધું જ કરશે ,કરવુ પડશે .અર્ધી જિદગી આ ઘરમાં રહીને ગયો છે તે કાંઇ નવાઇ નહીં કરે. અને કોણ છે તેનું પાછળ વાપરવાવાળુ ? પરણ્યો તો છે નહીં કહીં અટકી રાધા સામુ જોઇ કહે, કેમ શું કહો છો રાધા મેડમ ? " એક સાથે આટઆટલી સનસની ખોજ વાળી માહીતી ધ્રુપદના મોઢેથી સાંભળી રાધા અવાક થઇ ગઈ શ્યામ સી.ઇ.ઓ, મેકન્સી,મોટો વિલા'લી_શ્યામ' ,કુંવારો. બધું જ જાણતો દ્રુપદનો મીઠાવાળો વિજાયેલ કોરડો " શું કહો છો રાધા મેડમ ? " રાધા સમસમી ગઇ, તે જાણતી હતી કે આ માણસ કંઇ પણ કરી શકે તેમ હતો .એટલે ટુંકમાં જ ઉત્તર આપ્યો " તમારી મરજી ." કહી છોકરાઓની હાજરીમાં વાતનું વતેસર ન થાય માટે હળવેકથી ત્યાંથી સરકી ગઇ . ચારે દિકરાઓ ભણવાંમાં ખુબ હોશીયાર નીવડ્યા . બાપનું રૂવાંડુય નહતું અને મમ્મીની મનોવેદના વાંચીશકતા.

થોડા થોડા સમયને અંતરે વિનિત ,વિનય,વિવેક,વિસ્મય અમેરીકા ભણવાં ગયા, સસરાજી સાસુજી પણ ટૂંક બિમારીમાં સ્વર્ગે સિધાવ્યાં , હવે ધ્રુપદ ઘર ઓફીસમાં રૂવાબ ભેર શેઠ બની રહેતો. પરંતુ બીજા કોઇ વળગણો છૂ્ટ્યાં નહી , ઉલ્ટુ હવે લાલ,પીળી,કાળી,ભુરા લેબલવાળી સાંજ ઢળતાં ખુલતી અને મહેફીલો જામતી. મફતીયા બાટલી માસ્ટરો પણ વધ્યાં હતાં . આ બધું રાધાએ મુંગા મોંએ સહન કરી લીધું પણ દ્રુપદની કીડની કેટ કેટલું સહન કરે ? એક દિવસ તે અવળચંડી આડી ફાટી . અને દ્રુપદશેઠનો ફટાકડો ફોડતી ગઇ. રાધાનું જીવન ધોળતી ગઇ.

રાધાના દિવસ-રાત હવે દિકરાઅોની પ્રતિક્ષામાં ઉગવા અને આથમવા લાગ્યા કારણ બે દીકરા સવારે અને બે દીકરા સાંજે માને સ્કાઇપ પર મળતાં રહેતા. હવે કોલ વોટસ અપ વોઇસ મેસેજની આપ લે થવા લાગી , દીકરાઓ શ્યામ અન્કલના ખુબ ખુબ વખાણ કરતાં થાકતા ન હતાં , એકવખત પણ તે બેઉએ હાઇ હલ્લો કર્યું નહીં છતાં બેઉ એકબીજાની નસે નસથી વાકેફ હતાં આનંદ હવે હાથ વગો લાગતો હતો. દીકરાઓ માને એક વખત અમેરીકા આવવા વિનવતાં પણ તે ટાળતી જ રહી .

એક સવારે અમેરીકાથી નાનો વિસ્મય ગંભીર સાદે બોલ્યો "મમ્મી અન્કલની ગાડીનો અકસ્માત થયો છે ને અન્કલને વાગ્યું છે." અને...........અભીસારીકા દોડી ગઇ પવન વેગે અમેરીકા. હવે કોઇને ખોવાની તેનામાં તાકાત ન હતી ,કારણ હવે જે હતાં તે પોતાના સગા, અને વ્હાલા જ હતાં. એલ.એ ના એરપોર્ટ પર જાણીતા ચહેરાં ન દેખાતાં ગભરાઇ ગયેલ છતાં જીવનના દરેક રંગો જોઇ ચુકેલી તે સ્વસ્થ રહી મોટા વિનિતના તેડવા આવેલ ફ્રેન્ડ સાથે ગાડીમાં બેસી ગઇ અને થાક અને વિચારોથી ઘેરાયેલી બંધ આંખો ખોલી ત્યાંરે એક આલિશાન વિલાના દરવાજે બ્રાસના મરોડદાર રોમનલીપીના આલ્ફાબેટમાં લખેલ " Le __Shyam " નામની તકતી પર ચમકતી રોશનીમાં વાંચતાજ એક લખલખુ આવી ગયું . બેઉ બાજુ હારબંધ રંગ બેરંગી તેના અાવકારતાં,ઝુમતા ફુલો વચ્ચેથી પસાર થઇ ગાડી પોર્ચમાં અટકી . બે સુન્દર યુવતીઓ આવી નીચે નમી વંદન કરી રાધાને સ્વીમીંગ પૂલ તરફ દોરી ગઇ. રાધા સતત પુછતી રહી વિનિત, વિનય, વિ….વિ…વિ….વિ કરતી રહી ને તે યુવતી હસતી માથુ ઝૂકાવતી ગઇ .હવે રાધા અકળાય ગઇ .ત્યાં સામેજ વયોલીનવાળા ગૃપે સૂર છેડ્યા .

" રાધાને માલા જપી શ્યામ કી, મૈને ઓઢી ચુનરીયા તેરે નામ કી ,તેરે નામ કી હો પીયા તેરે નામકી……."અને એકા એક સ્વીમીંગ પૂલ ફરતે લાઇટો ઝબકી, રાધા હજુ થોડી અસમંજસમાં હતી ત્યાં સામેથી બ્લેક સુટેડ બુટેડ સૂટધારીઓ વચ્ચે એક ઓફવાઇટ સુટધારી , ઉપર વાઇટ એન્ડ બ્લેક કેશકલાપવાળો માણસ સૌ પોતાની તરફ મરક મરક હસતાં પાંચે જેન્ટલમેન આવતાં હતાં , જેમ જેમ અંતર ઘટતું ગયું તેમ તેમ તે બેઉની આંખોની પાંપણ માજા મૂકતી જતી હતી .સામસામે આવ્યાં ને શ્યામે બેઉ હાથ ફેલાવ્યાં. રાધાએ વર્ષોની દૂરી એક ક્ષણમાં પૂરી કરી તેના હાથમાં પોતાના અડવા હાથ મુકયાં તુરતજ એક પંજાબી યુવતી પાસે સરકી પોતાની ચુન્ની ઉતારી બેઉના હાથને હુફં આપી બોલી " ધીસ ઇઝ હસ્તમેલાપ ." ! અને બાકીના મહેમાનોએ તાળીયોના ગગડાટથી પ્રસંગને વધાવ્યો , રાધા-શ્યામને ભેટીને ચારે દિકરાઓ કુંડાળું વાળી દીધું ,બારે આંખોએથી હેલી વરસી ,અને બારે હાથોને એક મેકની હૂંફ મળી.

" so can we say this is Platonic Love ? "


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.