મંગલાચરણ

દોડાદોડ પગથિયાં ચડતાં ફરી પાછી પેલી છોકરી પર નજર પડી. માંડ સોળ સત્તરનું કંતાઈ ગયેલું શરીર. એવું ઠીંગરાયેલું કે ઉંમર પરખાય નહીં. કાળો દોરો ગળામાં, ને કાંડે પણ. ચહેરો ઠીકઠાક. પેટ પરથી લાગ્યું કે દાહડા રહ્યા હશે. છોકરી એકલી જ દેખાતી, આસપાસમાં ન કોઈ નાનું મોટું કે ન કોઈ સરખેસરખું. એની આ દશા માટે જવાબદાર પુરુષ ક્યાંક હશે તો ખરો જ ને ! જોકે ભાગીયે ગયો હોય, એની અંદર થોડો કોઈ જીવ રોપાયો છે કે એને ચિંતા હોય ! શી ખબર, છોકરી બહેરીમૂંગી હોય, અને મંદબુદ્ધિ પણ.

જ્યારથી દેખાઈ ગઈ ત્યારથી આભાને એ છોકરી સતત ખેંચ્યા કરતી. એક દિવસ પૂછવું જોઈએ, ક્યા નાલાયકે એને આવી દશામાં ભીખ માગવા છોડી દીધી ? બોલતી ન હોય તો ઈશારાથી કામ ચલાવી લેવાય. એ માટે એને ભરોસો પડવો જોઈએ, અને ભરોસા માટે નિરાંત જોઈએ. પાસે જઈ બેસવું પડે, એનાં ગંદા કપડાં અને ગંધાતા શરીરની સૂગ રાખ્યા વિના. આજ સુધી તો આભા એ કરી શકી નહોતી, ક્યારેક કરવું છે એમ નક્કી કરવા છતાં.

આમ અદ્ધરશ્વાસે જીવવાનું ખરેખર તો આભાને નથી ગમતું. પણ દર મહિને ચાળીસ હજારનું ચસચસતું આલિંગન મુક્ત થવા દે ત્યારેને ? સાક્ષાત લક્ષ્મીએ આવીને એની ફરફરતી લટોને ગાલ પરથી હટાવી, ચહેરો હાથમાં લઈ, કપાળે પ્રેમથી ચુંબન કર્યું હોય એવી આ નોકરી. તે ક્ષણે પરમ સંતોષથી આંખ બંધ કરેલી તે આસપાસની ખદબદતી દુનિયા તરફ બંધ જેવી જ. લક્ષ્યવેધની એકાગ્રતામાં સવારે સરસ તૈયાર થઈને સુગંધની છોળો ઉછાળતાં બહાર પડવાનું. અક્ષય અને એ મળીને લાખેક ઉપર લાવે દર મહિને. કાજુ-બદામ, મોંઘાદાટ ફળો, હોટેલનાં જમણ કે નાનામોટા પ્રવાસ માટે હાથ મોકળો રહે એટલે જીવવું સાર્થક લાગે. કોઈ ચીજ માટે મનને વારવું ન પડે, ઘરમાં સગવડો સરતી સરતી આવે, અને પોતાને જોગ જગ્યા કરી લે, અધિકારપૂર્વક. પેલી રાંકડી, વધતા જતા પેટવાળી છોકરી આ ચિત્રનો હિસ્સો બિલકુલ નહીં. ખબર નહીં શી રીતે અંદર દાખલ થઈ ગઈ, તે વખત-કવખત એ આભાને દેખાયા કરતી.

આજે તો રોકાવાય એમ નહોતું. નીકળવામાં જ મોડું થઈ ગયું. કારણ અક્ષયનો ફોન. નવા ફલેટના ઈન્ટીરિયર માટે એણે કોઈ પરેરિયાને બોલાવ્યા છે. ફલેટના વિશાળ ખંડમાં અક્ષયને દરિયાનું અને હિલ સ્ટેશનનું વાતાવરણ એકસાથે જોઈએ. લાંબી ચર્ચા અને ભવ્ય આયોજનનો વિષય. ચર્ચા કરવા નિષ્ણાતો આવશે. આભાનું ધ્યાન અક્ષયની વાતમાં બિલકુલ નહોતું. મોડું થયું એટલે કે પછી પેલી છોકરીનું મોં સામે આવ્યા કરતું હતું એથી ?

રાતે સરખી ઊંઘ ન આવી. એક બિલાડાના કર્કશ અને હઠીલા અવાજે ખાસ્સી કનડગત કરી. બિલકુલ આવો જ અવાજ અક્ષયના મિત્રોને જમવા બોલાવેલા ત્યારે સાંભળેલો. આમતેમ ફરતો જાય, અને કોઈને આગ્રહપૂર્વક બોલાવતો હોય એમ આજીજીભર્યું મિયાઉં મિયાઉં, લગાતાર. પ્રભાકર કહે કે આ તો મેટિંગ કોલ છે. અહીં નજીકમાં એકાદ માદા હોવી જોઈએ.

‘માદા ? યુ મીન બિલાડી ?’

‘અફ કોર્સ બિલાડી, બીજું કોણ ?’

‘અહીં એકપણ બિલાડી નથી. આવશે પણ નહીં. આઈ હેઈટ કેટ્સ.’

‘એ તારો પ્રોબ્લેમ, પણ અમસ્તા આંટા ન મારે બિલાડા. એમનું ગંધવાળું કામ ચોક્કસ. જોજે, ક્યાંક હશે જ બિલાડી.’ વચ્ચે થોડા દિવસ એ અવાજ સદંતર બંધ રહ્યો. હમણાં વળી પાછો ફૂટી નીકળ્યો. કોઈ આશિક મિજાજ પ્રેમગીતો સંભળાવી સંભળાવી પ્રેમિકાને પોતાની હાલતનો ચિતાર આપે એવો. આભાને મઝા પડી, આ વળી સાવ અલગ પ્રકરણ !

એક સવારની ફ્લાઈટમાં અક્ષય કામ અંગે દિલ્હી રવાના થયો, અને ચા લઈને આભા બાલ્કનીમાં બેઠી. એકાએક બાલ્કનીના ખૂણામાંથી કાળાં, બદામી, કેસરી ધાબાંવાળી એક સફેદ આકૃતિ પલકારામાં નીચેની બારીના છજા પર કૂદી પડી. ઝડપ એવી કે પહેલાં તો આ માત્ર ભ્રમ લાગ્યો. ના, કશુંક કૂદયું એટલું નક્કી. નાની, ચપળ, નાજુક આકૃતિ. આવી મુલાયમ નજાકતમાંથી પેલો ઘોઘાર ઘાંટો નીકળે નહીં. એટલે આ બિલાડી, માદા જેની પાછળ પેલો પાગલ બનેલો તે આ જ હશે. રસપ્રદ મામલો. માનવેતર પ્રેમકથાનું પોતે વણાઈ રહ્યું હતું. આભા એના નાનપણમાં બિલાડીઓ જોઈને જે રોમાંચ અનુભવતી એવો જ ફરી વાર. બાલ્કનીમાંથી ઝૂકીને જોયું. છજા પર છટાથી પેલી છબીલી બેઠી હતી. જરા પુચકારતાંની સાથે એણે મોં ઊંચું કર્યું. એની બેહદ રૂપાળી આસમાની આંખોમાં કાચું સોનું તરતું હતું. વારી જવાય એવું રૂપ. અત્યારે અક્ષય નજીક નહોતો એ ઉત્તમ, હોત તો આ રૂપકડીને ભગાડી મૂકત, ખબર નહીં શી દુશ્મનાવટ હશે !

***

આજે તો સો ટકા વહેલાં નીકળી શકાશે. અક્ષય નથી એટલે થોડાં કામ આપોઆપ ખંખેરાઈ જાય. પેલી છોકરી પાસે પહોંચીને થોડી માહિતી મેળવી શકાય. નજીકના ફેરિયાઓનેય પૂછી શકાય. રસ્તો સાફ કરનારા પણ થોડુંઘણું જાણે. સવાલ માત્ર ઈચ્છાના અમલનો છે.

‘એમ કેટલાનું થાય ? આખો દેશ છલકાય છે આવા અસંખ્યથી. વધારે તો દૂર, બે, પાંચનું સરખું થાય એટલી તાકાત છે તારી ? ને છે કેટલો વખત ? મારી પાસે તો નથી, એટલે આઈ પ્રીફર ટુ કીપ અવે. તારી પેઠે અટવાવવાનું મને ન ફાવે.’ આ દલીલનો વિષય નહીં એટલે આભા ચૂપ. દસેક મિનિટ વહેલાં નીકળાયું એનો હરખ કરતી એ લગભગ ઊડતી હોય એમ પગથિયાં સુધી પહોંચી ગઈ. એ પોતે ત્યાં પહોંચે એ પહેલાં તો એની આંખે પેલા ખૂણા સુધી દોટ મૂકી. એ કેમ ક્યાં દેખાતી નહોતી ? કદાચ જગ્યા બદલી હોય અથવા તો કંઈક લેવા-કરવા ગઈ હોય. આમતેમ જોયું, છાપાં લઈને બેસતા ફેરિયાને પૂછી જોયું, પાનના ગલ્લે પણ પૂછ્યું. નથી દેખાઈ આજે. સીધો ને સટ જવાબ. કોઈ જબરદસ્તીથી તાણી ગયું હશે ? ગર્ભ પડાવવા મારપીટ કરી હશે એનાં સગાંઓએ ? જે માણસ જવાબદાર હશે એણે મારી નાખી હશે એને ? – બધા વિચારો અવળા અને ભયંકર. સવારે અનુભવેલી ઉત્તેજના હતાશાના અંધારા બોગદામાં દાખલ થઈ ગઈ. આ બાબતમાં હવે કંઈ કરી નહીં શકાય. પૂરી તપાસ માટે અડધો દિવસ કાઢવો પડે, તે ક્યાંથી લાવવો ? અને એ પણ એકલાં ન થાય, મદદ જોઈએ.

કામમાં મન લાગ્યું નહીં. જેમ તેમ ખેંચીને કલાકો પૂરા કર્યા. કદાચ આજે નથી, કાલે એ આવીયે જાય મૂળ જગ્યાએ. તબિયત ઢીલી હોય તો બેસવાનું ન ફાવે આવી દશામાં. જગ્યા પાછી ગંદી છે, આવતાંજતાં બધા થૂંકે અને નાક સુદ્ધાં સાફ કરે. માખીઓ બણબણતી રહે. કાલનો દિવસ રાહ જોઈએ. અચ્છા, કાલે ન આવી તો શું કરવાનું ? અંદરથી સોંસરા બહાર આવેલા આ સવાલનો જવાબ આભા પાસે નહોતો. થિન્ક પોઝિટિવ. ઢીલી પડી ગયેલી જાત પર આભાએ છંટકાવ કર્યો. છોકરી દેખાય તો એને મદદની જરૂર છે કે કેમ, એ જાણી લેવું. તે પછી બધા રસ્તા નીકળશે. આરાધનાને ફોન કરી શકાય. એને આવી સમસ્યાઓના ઉકેલ હાથવગા હોય. ડાયરીમાં નંબર હોવો જ જોઈએ.

***

‘તને તો આભા, નવા ફલેટમાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી. બાકી શું ઈન્ટીરિયર થવાનું છે ! ધીસ પરેરિયા, આઈ સે, ઈઝ અ જિનિયસ….. આભા, સાંભળે છે ?’ ગાલ પર આફટર શેવ લોશન થપથપાવતો અક્ષય, અને આરાધનાને ત્રીજી વખત ફોન જોડવામાં પડેલી આભા. આરાધનાને જાણવું હતું કે એ છોકરીને છેલ્લા દિવસો જતા હતા કે ઘણી વાર હોય એવું લાગતું હતું…..આભા થોથવાઈ ગઈ. બેઠેલી છોકરી, પ્રેગ્નન્ટ હતી એટલું તો ચોક્કસ, પણ વધારે શું કહેવાય ?

‘જો, પેઈનબેઈન ચાલુ થયું હોય તો કોઈ પરગજુએ ત્યાંથી હોસ્પિટલભેગી કરી હોય એવી શક્યતા ખરી કે નહીં ?’ આરાધનાનું કહેવું બરાબર હતું. એમ થયું હોય તો સારું. એ છોકરીનું ઠેકાણું અને જરૂરી સંભાળ મળે એટલે બસ. પોતે કરવું પડતું હતું તે કોઈકે કર્યું એ તો ખૂબ સરસ. કરવા જેવાં કામ તરત કરવાનાં, પછી ઉત્પાત અને બળાપાનો અર્થ નહીં.

‘તું ફલેટ પર આવી શકે સાંજે સીધી ? સ્ટડીરૂમની એક યુનિક ડિઝાઈન મળી છે અને દીવાલ પર…..’

‘ના, આજે નહીં ફાવે.’ લેશ પણ અવઢવ વગરનો પોતાનો દઢ અવાજ આભાએ સાંભળ્યો.

‘ભલે, જે નહીં ફાવે તે નહીં કરવાનું.’ અક્ષય જરા ટોળામાં બબડીને ઝપાટાભેર નીકળી ગયો. આભાને ઘરમાં પડી રહેવાનું મન થયું. પણ પેલી છોકરી વખત છે ને આજે જ આવી હોય તો….?

એ જ રોજનો રસ્તો. કેટલાં ડગલાં પછી ફૂલવાળો આવે અને કેટલા અંતર પછી સોડાની દુકાન, બધું લગભગ જીભને ટેરવે. હવે ડાબી તરફ વળીએ એટલે પસ્તીવાળો, પછી સાત દુકાનનું ઝૂમખું અને એ આ આવ્યાં પગથિયાં. રઘવાટભરી આંખો તે દિવસની પેઠે જ છોકરીની ભાળ મેળવવા દોડી અને ભોંઠી પડી. છોકરી આજેય નહોતી ત્યાં. નક્કી કશીક ગરબડ. જે થયું એને માટે પોતે જ જવાબદાર. છોડી દીધી છોકરીને એના નસીબ પર. ન કોઈનો આધાર, ન માથે હાથ. શી ખબર ક્યાં આથડતી હશે ! હોમી દીધી ભડભડતામાં…. આભાનો દિવસ આખેઆખો ઊંડી ગ્લાનિમાં ખાબક્યો.

‘પણ તું માને છે એવું નાયે હોય. એનું અહીં કોઈ હોઈ શકે, સાથે લઈ ગયું હોય અને છોકરી એકદમ હેમખેમ હોય તો ? અને એટલું બધું લાગતું’તું તો તારે તરત કરવા જેવું કરવું હતુંને ! કોણ આડે હાથ દેવા આવેલું ? અર્જન્સી જેવા શબ્દની તને ખબર તો હશે જ.’ આરાધના ખીજ કાઢતી હતી. આભા હોઠ ભીડીને સળગતી રહી. ખિન્ન આંખોવાળી એ છોકરી ગઈ, તે ગઈ. ખદબદતું શહેર એવડી અમથી ફોતરા જેવીને ક્યાંયે ગળી ગયું હશે. અને પગથિયાં ચડતાં ખૂણામાંની એની જગ્યા સુદ્ધાં પુરાઈ ગઈ એમ સમજો.

***

ફરી વાદળો ઘેરાયાં અને સાથે પ્રચંડ કડાકાભડાકા. મહાનગર પર ચોમાસું તૂટી પડ્યું ધમધમાટ.

‘નવા ફલેટમાં જઈશું પછી તારી તકલીફ પચાસ ટકા ઘટી જશે, જોજેને !’ અક્ષયનો ઉત્સાહ સાંબેલાધારે વરસતો હતો, સામે આભાનું રસકસ વિનાનું સ્મિત અક્ષયને ઉશ્કેરવા માટે પૂરતું હતું.

‘તારો આ એક મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કોઈ વાતે આનંદ નહીં. નો એક્સાઈટમેન્ટ. દુનિયાનો ભાર એક તારે માથે હોય એમ….’

‘સોરી, તને નારાજ કર્યો હોય તો રિયલી સોરી. હું એવી જ છું, શું થાય !’

‘બહારની દુનિયાને તોફાની વરસાદે આડેધડ છેકી નાખી હતી. ઠેરઠેરથી વાહનો ફસાયા અને અટકી પડ્યાના સમાચાર મળતા હતા.’

‘રજા મૂકી દઉં છું આજે….’

‘તને મૂકી જાઉં ? પછી ઓફિસે જઈશ, એમાં શું !’

અક્ષયનો પ્રસ્તાવ અધ્ધર રહ્યો. આભાએ ફોન કરી દીધો અને રજા પાડી દીધી. વરસાદી હવાનું ઘેન એની આંખોમાં સાવ બિલ્લીપગે દાખલ થયું, અને વરસતા વરસાદને કાચની આડશમાંથી જોતી જોતી એ ઊંઘી ગઈ, ઘસઘસાટ. અચાનક એક ક્ષણ અવાજે એને હલબલાવીને બેઠી કરી દીધી. બારીમાંથી નજર સીધી બહાર પહોંચી. બાલ્કનીની પાળી પર પલળતી બેઠી હતી પેલી છબીલી ! આ ઘડીએ જ આવી હશે, કારણ કે પાણીથી બચવા માટે એ કોરી જગ્યા ખોળતી લાગી. એ જ સફેદ રેશમ પર કાળાં, બદામી, કેસરી બુટ્ટા. તે દિવસે જોયેલી એ નક્કી આ જ. આભાએ એને ધ્યાનથી જોઈ, ઓ ! આ તો ગાભણી લાગે છે. પેલા બિલાડાનું આ કારસ્તાન. જોયું ? આ બાપડીને પલળતી છોડીને એ નપાવટ ભટકતો હશે ક્યાંક ! ભૂખી હશે આ તો. ગાભણીને તો ખાવા જોઈએ. આગળપાછળ ઝાઝો વિચાર કર્યા વિના આભાએ ફટાક દઈને બારી ખોલી. એની ઝડપી ક્રિયાથી ભયભીત બિલ્લી નાસવાની તૈયારી સાથે અદૂકડી બેઠી.

‘આવી જા અંદર, આવામાં પલળાય નહીં !’

આભા રીતસર બોલી પડી. છબીલીએ દાદ ન આપી. વારંવારના પુચકાર, પ્રોત્સાહન અને છેવટે દૂધ ભરી રકાબીની સુગંધ. સંકોચાતી, ત્રાંસું જોતી, રુવાંટી થરકાવતી, એ અંદર આવી. સાશંક ખરી, તોયે દૂધનું આકર્ષણ મોટું સાબિત થયું. જરા વારમાં તો ચાટી ચાટીને રકાબી ચોખ્ખી કરી. પછી પંજા ચાટીને ભીના કર્યા અને તે વડે એક નહીં, બે નહીં, ત્રણેક વાર મોં સાફ કર્યું. પૂરા ખંતથી પૂંછડીને કોરી કરી, અને આગળનો પગ જરા ખસેડી, મોં નીચું કરી, અત્યંત કુમાશથી પેટ ચાટવા લાગી. ગર્ભવતી સ્ત્રી જે સ્નેહથી પેટ પર હાથ મૂકે એવું જ આ. આભાને રણઝણાટી થઈ આવી. સાવ અનાયાસ એ બિલાડીની નજીક સરી, પછી હળવેથી એને માથે અને ગળે હાથ ફેરવ્યો. આ સ્પર્શનું અભયવચન પહોંચ્યું. બિલ્લી હવે આભાના ગોઠણે ઘસાઈને સમર્પણભાવે આળોટી પડી. એની નેહસભર ઘુરઘુરાટી સાંભળવામાં આભા લગભગ બધું જ ભૂલી ગઈ, આ ઘર અક્ષયનું પણ છે એ હકીકત સુદ્ધાં ! બહારના એકધારા વરસાદની ઠંડકમાં બંને આંખ મીંચીને પડી રહ્યાં.

આભા સુસ્તી ખંખેરી ઊભી થઈ ત્યારે સાડાચાર થઈ ગયેલા. હજી ઝરમર ચાલુ હતી અને રસ્તો રંગબેરંગી છત્રીઓ અને રેઈનકોટધારી ઢીમચાંઓથી ભરચક હતો. પેલી છબીલી ગાદીવાળી બેઠક પર પૂરા સુખમાં ઘોંટી ગઈ હતી. પૃથ્વી પર આવી ત્યારથી અહીં, આ ઘરમાં જ હોય, એવી નિરાંતથી. અત્યારે તો ઠીક. અક્ષય આવશે ત્યારે શું ? એ તો બિલાડીને જોતાવેંત અકળાઈ જશે, ઘાંટાઘાંટ કરી મૂકશે, બેફામ બોલશે. ભલે બોલતો. ભરોસો રાખીને આવી ચડેલી આ નાનકીને બહાર ન હડસેલાય. મા બનવાની છે, તેમાં માથે વરસાદ, અને બારણાં ભીડી દેવા ટેવાયેલું લોક. એક તો છે પોતે જ બચ્ચાં જેવી, અને એમાં વળી નવા જીવને સાચવવાની ઉપાધિ, ક્યાં જાય ? આવડા મોટા ફલેટમાં બેજીવસોતી આ માવડીને એક ખૂણોયે ન મળે તો….. તો માદા થઈને જન્મ્યાનો શો મતલબ……?

અક્ષયને માત કરવા આભા અવનવા આયુધો સજવા માંડી. હારી જવાનું આ વેળાએ ન પોસાય. ફરી એક વાર એણે બિલાડીને વહાલથી પસવારી.

‘બિલકુલ ગભરાતી નહીં, હું છું ને !’

પગથિયાં ચડતાં દેખાતી, અને હવે અલોપ થઈ ગયેલી પેલી છોકરીને, બસ, આટલું જ કહેવાનું હતું……

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.