દીકરી નાની હતી ત્યારે લાઈટવાળા બુટ પહેરતી. આમ જોઈએ તો લાઈટવાળા બુટ દીકરીને પહેરતા. આપણે એવું માનીએ છીએ કે આપણે પહેરેલી વસ્તુઓ હંમેશા મૂલ્યવાન જ હોય છે. અને માટે લાઈટવાળા બુટ દીકરીને પહેરીને ચાલતા.

લાઈટવાળા બુટ પહેરીને દીકરી જ્યાં જ્યાં પગ માંડે ત્યાં ત્યાં લાઈટ થતી. લાઈટવાળા બુટ પહેરીને દીકરી અંધારાને કચરી નાંખતી. આવા તો કેટકેટલાય અંધારાઓ દીકરીના પગની અડફેટે આવી ગયા હશે.

દીકરી ટોળામાં ઉભી હોય તો પણ લાઈટવાળા બુટને કારણે અંધારામાં પણ ઓળખાય જાય. આમ તો અજવાળું કરવા માટે દીકરીઓને લાઈટવાળા બુટ ઉપર જ નિર્ભર રહેવાની ક્યાં જરૂર હોય છે ? એ તો જ્યાં જ્યાં પગ મુકે, અજવાળું આપમેળે થતું જાય છે.

એ સમય એવો હતો કે જ્યારે લાઈટવાળા બુટ પહેરીને દીકરી પોતાના પગમાં સૂરજ ઉગાડતી. પછી બન્યું એવું કે એ લાઈટવાળા બુટ ધીરે ધીરે બાજુ પર હડસેલાતા ગયા. દીકરીએ બુટને તો તિલાંજલી આપી પરંતુ એ અજવાળું દીકરીના પગમાં ચોંટી ગયું.

આજે દીકરી બુટ વગર પણ જ્યાં જાય છે ત્યાં તેના પગની નીચે રહેલા અજવાળાથી જ ઓળખાય જાય છે. ફક્ત પગલા પાડીને અજવાળું કરવાની કળા કોણ જાણે દીકરીઓને કોણે શીખવી હશે ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.