દિવાળીમાં

પુત્ર શાંતિલાલ પિતાશ્રી વાઘજીભાઈ સાથે જમવા બેઠો તો રોજની જેમ પિતાશ્રીની થાળીમાં દહીંની વાટકી ન જોઈ તેનો પિત્તો ગયો.રસોડામાં ગરમ ગરમ વેઢમી ઉતારતી પત્ની શાંતિ પર તે ગિન્નાયો અને ઊંચા સ્વરે પત્નીને સંબોધી બોલ્યો:"કેમ,શું વાત છે શાંતિ ? આ ન ચાલે. આજે બાપુજીની થાળીમાં દહીંની વાટકી નથી? દહીં વિના તેમને એક ટંક પણ ચાલતું નથી, એ મેં કેટલી વાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે તો ય......

"રસોડામાંથી ઘી નીતરતી ગરમ ગરમ પૂરણપોળી પીરસવા આવેલી શાંતિએ ટાઢા સ્વરે સાડીના પલ્લવથી પોતાનું ખુલ્લું માથું ઢાંકતા કહ્યું:........"

"દિવાળી-પૂજન માટેનું પંચામૃત બનાવવામાં બધું જ દહીં ઉતાવળ-માં અને ભૂલથી દૂધ,મધ, સાકરની તપેલીમાં પડી ગયું એટલે આજે દહીંની વાટકી નથી મૂકાઈ.આજે પહેલી જ વાર ....".

"ઉતાવળ? ..ભૂલ ? પહેલી વાર ?...... આવા બધા બહાના ના ચાલે.મારા બાપુજીનું ભાણું દિવાળીના સપરમે દહાડે ન સચવાય એ મારા ઘરમાં કોઈ કાળે ન ચાલે એટલે ન જ ચાલે. બિચારા....... બા ગયા પછી..... સાવ એકલા થઇ જતા, આપણી સાથે રહેવા અને દિવાળી કરવા, છેક દેશમાંથી અહી આપણે ઘેર, ત્યાનું દેશનું આપણા મોટાભાઈનું, ભર્યું-ભાદર્યું ઘર છોડી આપણે ઘેર આવ્યા છે ...... ત્યારે આ દિવાળી ટાણે જ તેમની સાથે આવી બેદરકારી? નહિ ચાલે ....મારા ઘરમાં આવી ગફલત નહિ ચાલે ...સમજી ? પાડોશીના ઘરેથી કે પછી હા, પાસેની દૂધ-દહીં-ફરસાણ-મીઠાઈની દુકાનથી લઇ આવો.તરત તાબડતોબ જાઓ." 'જા" ના બદલે "જાઓ"શબ્દપ્રયોગમાં તિરસ્કાર,અપમાન અને અવહેલનાની અપવિત્ર ત્રિવેણી વહાવીને જ શાંતિલાલ ચુપ થયા.

"પિતા વાઘજીભાઈએ શાંતિથી, પુત્ર શાંતિલાલને શાંત કરતા કહ્યું:"શાંતિ રાખ,બેટા,શાંતિલાલ ,શાંતિ રાખ જરા.આમ વાળીના સપરમે દહાડે ઘરની લક્ષ્મીને જેમ તેમ ના ઘઘલાવાય.ન કોઈના ઘરે માંગવા જવાય કે ન બહાર દુકાને ખરીદવા જવાય.ક્યારેક ઉતાવળમાં, ભૂલમાં આવું થઇ જાય.માણસ માત્ર ભૂલને પાત્ર. "

'મેં કહી દીધું એટલે કહી દીધું.તમે તેનું ખોટું ઉપરાણું ના લો. શાંતિ,જાવ દહીં લાવો,થાળીમાં દહીં નહિ આવે ત્યાં સુધી ન હું જમીશ કે ન બાપુજી જમશે."બિચારી પત્ની શાંતિ પહેલા તો ગભરાઈ ગઈ-મૂંઝાઈ ગઈ,પછી તરત ચિડાઈ પણ ગઈ,મગજ પણ તપી ગયું અને તેનો પણ પિત્તો ઉછળ્યો: દિવાળીમાં હોળી શાના પ્રગટાવો છો? આજે એક દિવસ તમારા બાપુજીની થાળી માં દહીં ન પીરસ્યું તો કયું ખાટું - મોળું થઇ ગયું? "

અને તરત જ શાંતિલાલ પોતાના નામના વિરોધાભાસ જેવું, ન શોભે- ન છાજે એવું વર્તન કરતા પૂરા જોર શોરથી એવા તો બરાડ્યા:'દિવાળીમાં આજે કોઈના માથે મોત મંડરાય છે.બાપુજીની થાળીમાં દહીંની વાટકી તાત્કાલિક પીરસો અને નહિ તો......."

ધૂંધવાયેલી પત્ની શાંતિની શાંતિ અને સહન શક્તિ બેઉ એક સાથે અદૃશ્ય થઇ ગયા. ક્રોધાગ્નિમાં સળગી ઊઠી તે"તો લો જોઈ લો દિવાળીમાં હોળી ..." બોલી તે બેઉ તરફ ચાલી રહેલા ગેસમાં માથું-મોઢું નાખી વાળથી પગ સુધી ક્ષણભરમાં ભડ ભડ સળગી ઊઠી.ન બનવાનું બની ગયું.એમ્બ્લ્યુંઅન્સ આવી.હોસ્પિટલમાં બર્ન વિભાગમાં ઈલાજ અને સાથે જ પોલિસ તપાસ પણ શરૂ.

શાંતિ ન બચી શકી કારણ કે એ થર્ડ ડીગ્રી બર્નના કેસમાં બચવાના કોઈ ચાન્સ જ ન હતા.શાંતિલાલ શાંતિથી ખોટું બોલીને કે "રસોડામાં ચક્કર આવતા પત્ની શાંતિ સંતુલન ગુમાવી ગેસ પર પટકાઈ ગઈ અને બેઉ તરફના ગેસની ઝાળોમા સળગી ગઈ.લાંચ- રૂશ્વતથી, પોલીસ કેસ તો

કાયમ ભીના જ સંકેલાઈ જતા હોય છે એટલે દિવાળીની બોણીની જેમ પૈસા ખર્ચતા, શાંતિલાલ એકદમ શાંતિથી છૂટી ગયા.

પિતાશ્રી વાઘજીભાઈ એકદમ બકરીની જેમ શાંત અને શાંત રહી આ બધું સાક્ષી ભાવે જોતા રહ્યા.તેમને અપાર દુખ તો થયું કે પુત્ર પણ તેમની જેમ,અકારણ અને ખોટી રીતે વાંધો થઇ ગયો-વિધુર થઇ ગયો.હવે તેને ફરી પાછો પરણાવવાની ચિંતા ! એ સાથે જ, જાગતા-સૂતા અને વારંવાર પુત્રવધૂ શાંતિના આ અંતિમ શબ્દો, ઘોષ-પ્રતિઘોષ સ્વરૂપે તેમના કાનોમાં ગૂંજતા રહ્યા, ગૂંજતા જ રહ્યા .. . :

"તો જોઈ લો દિવાળીમાં હોળી.... " .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.