પાપા

દસેક નાના ઘરો, પછી કોર્નફિલ્ડ. ફરી પાછા થોડા નાના ઘરો અને ત્યાર પછી નાનું શહેર. બસ આવા જ એક ઘરના આગળના પોર્ચમાં એટલે કે લાકડાના ઓટલા પર વ્હિલચેરમાં બૅન્જામિન બેઠો હતો. એક નવા દેખાતા શર્ટ પર એની માનીતી ક્રોસ વાળી ટાઈ પહેરી હતી. એને આ શર્ટ ગયે વર્ષે પેટ્રિકે આપ્યું હતું. માથા પરની ફેલ્ટ હેટ પર લાલ રિબન ફરફર થતી હતી. આ ફેલ્ટ હેટ પણ ગયે વર્ષે ફાધર્સ ડે ને દિવસે પેટ્રિકે આપી હતી. ઓક્સિજન ટ્યુબ દ્વારા શ્વાસ લેવાતો હતો. પાસે જ ખુરશીમાં એક નર્સ બેસીને કંઈક વાંચતી હતી. પણ તેની નજર રોડ પર હતી. બન્ને પેટ્રિકની રાહ જોતાં હતાં.

બૅન્જામીન પહેલા આર્મીમાં હતો અને ડિસ્ચાર્જ થયા પછી પોસ્ટલ સર્વિસમાં જોડાયો હતો. પાર્ટ ટાઈમ હેન્ડીમેન તરીકે પણ કામ કરી લેતો હતો. ઘણાં ઓળખીતાઓનું કામ તો મફત પણ કરી આપતો.

બૅન્જામિને જ્યારે વૉન્ડા સાથે લગ્ન કર્યા ત્યારે વૉન્ડા બે વર્ષની માર્ગારેટને લઈને આવી હતી. બૅન્જામિનને પણ ખબર ન હતી કે મેગીનો બાપ કોણ હતો. જાણવાની જરૂર પણ ન હતી. મેગી બૅન્જામિનને ‘બૅન’ જ કહેતી હતી. એની એવી ઈચ્છા હતી કે મેગી એને ડેડી કહે પણ નાની મેગી એ સમજતી ન હતી. વૉન્ડાની જેમ જ એ પણ ‘બૅન’ જ કહેતી. બૅન્જામિન બાપની ફરજ મેગી માટે પ્રેમથી નિભાવતો. એક દિવસ ટિનેજ મેગીએ કોઈ આર્ગ્યુમેન્ટમાં બેન્જામિનને કહી દીધું હતું કે “યુ આર નોટ માય ફાધર.” એને ખૂબજ દુઃખ થયું હતું. જો કે પાછળથી મેગીએ સોરી પણ કહ્યું હતું. પણ એ કહેવા પુરતું જ હતું.

મેગીને તેણે ભણાવી હતી. પ્રેમથી તેને માટે ખર્ચાઓ કર્યા હતા. મેગી ભણીને કેલિફોર્નિયાની કોઈ કોલેજમાં પ્રોફેસર બની હતી. પહેલા તો મેગી દર વર્ષે મધર્સ ડેને દિવસે આવતી અને મધર્સ ડે અને ફાધર્સ ડેની ગિફટ લઈ આવતી. મા મરી ગઈ પછી એણે આવવાનું બંધ કર્યું હતું. ફાધર્સ ડે ને દિવસે માત્ર ઔપચારિક કાર્ડ આવતા. તે પણ છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઈ ગયા હતા. બેન્જામિનને મેગી માટે ખૂબ વહાલ હતું પણ મેગીને મન એ મરી ગયેલી માનો હસ્બન્ડ જ હતો.

હવે બેન્જામિનની તબિયત કથળતી હતી. ઈચ્છા હતી કે એક વાર મેગીને મળી લઉં. પણ એનો પત્તો ન હતો.

પેટ્રિક એ ટાઉનમાં મ્યુનિસિપલ જજ થઈને ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો. પેટ્રિક પંદર વર્ષની ઉમ્મર સૂધી એ વસ્તીમાં જ ઉછર્યો હતો.

બૅન્જામિનનો મિત્ર જોસેફ પણ એની સાથે આર્મિમાં હતો અને ગલ્ફ વૉરમાં માર્યો ગયો હતો. બૅન વોર પછી ડિસ્ચાર્જ થઈ પોસ્ટમેન બન્યો હતો. અને મિત્રની પત્ની મારિયાની કાળજી રાખતો હતો. મારિયા ટાઉન હાઈસ્કુલ કાફેટરિયામાં કામ કરતી હતી. મારિયા વ્હાઈટ હતી.

એક દિવસ બૅન્જામિન મારિયાને ત્યાં નવું બેડરૂમ ફર્નિચર ગોઠવવા ગયો હતો. રાત રોકાવું પડ્યું હતું. ત્યાર પછી નવ મહિના બાદ પેટ્રિકનો જન્મ થયો હતો. બૅન્જામિન નાનકડા પેટ્રિકનો ફ્રેન્ડ બનીને એની સાથે રમતો. પેટ્રિક એને બૅન્જી-બડી કહેતો. બૅન્જી-બડીએ એને બાઈક પણ અપાવી હતી. જ્યારે પેટ્રિક પંદર વર્ષનો હતો ત્યારે એની મા મારિયાએ એની હાઈસ્કુલના એક ટિચર સાથે લગ્ન કરી લીધા હતા; અને પેટ્રિકને લઈને નવા હસબન્ડ સાથે શિકાગો ચાલી ગઈ હતી.

પેટ્રિક ભણીગણીને લોયર થયો હતો.. પછી મ્યુનિસિપલ જડ્જ બનીને એ જ ટાઉનમાં પાછો આવ્યો હતો. એને બાળપણ યાદ આવ્યું. એ બેન્જી-બડીને મળવા આવ્યો. બૅન્જામિન તો આટલા વર્ષોમાં પેટ્રિકને ભૂલી ગયો હતો. પેટ્રિકે જૂના દિવસો યાદ કરાવ્યા. બૅનને જૂની વાત અને રાત યાદ આવી પણ તે મૂગો રહ્યો. બૅન્જામિનની પત્ની વોન્ડા મરી ગઈ હતી. અને દીકરી મેગી દૂર ચાલી ગઈ. બૅન એકલો પડી ગયો હતો. સિગરેટ અને આલ્કોહોલે એને ખોખરો બનાવી દીધો હતો. પેટ્રિકને ખબર પડી કે બૅન્જી-બડીને ફેફસાનું કેન્સર છે. આ જાણ્યા પછી તે અવારનવાર એની ખબર કાઢવા આવતો. પેટ્રિકે જ બડીને માટે નર્સિંગ એઇડની વ્યવસ્થા કરી આપી હતી.

બૅન્જી-બડીની ઇચ્છા પ્રમાણે પેટ્રિકે જ એનુ વિલ બનાવી આપ્યું હતું. એનું ઘર અને બેન્કમાંની બધી બચત એણે મેગીને મળે એવું લખાવ્યું હતું. પેટ્રિકે મેગીને શોધી કાઢી. વિલની વાત પણ કરી. પણ મેગીને બૅનના નાના વારસાની પડી ન હતી. એણે તો જવાબ આપી દીધો. આઈ ડોન્ટ વોન્ટ ઈટ, આઈ ડોન્ટ નીડ ઈટ.

બૅન્જામીનને પેટ્રિક માટે એક અનોખી લાગણી હતી. મારિયા સાથે ગાળેલી રાતની વાતે એને શંકા હતી કે કદાચ પેટિક મારો દીકરો પણ હોય. પણ દાઢીવાળો જડ્જ બનેલો પેટ્રિક મારો દીકરો ન પણ હોય. એણે એને કહ્યું હતું ‘તું પણ મારા દીકરા જેવો જ છે. મારો નાનો વારસો તું રાખ.’

પેટિકે એને ઘાઢ આલિંગન આપ્યું. ‘બૅન્જી-બડી આ મિલક્ત તમારા નામે ચેરીટીમાં મુકીશું. સંતાન વગરના દંપતીઓને મધર્સ ડે અને ફાધર્સ ડે ને દીવસે ડિનર માટે લઈ જઈને દરેકને સારી સારી ગિફ્ટ આપીશું.’

બૅન્જામિન આંખો બંધ કરી વિચારતો હતો. જો પેટ્રિક મારો દીકરો હોય તો મેં કેટલા ઉમદા વિચારનો જેન્ટલમૅન પેદા કર્યો છે.

પેટ્રિકે મેગીનો ફરી સંપર્ક સાધ્યો.

કદાચ આ એનો છેલ્લો ફાધર્સ ડે હશે એવું પણ જણાવ્યું હતું. ફાધર્સ ડેને દિવસે બૅનને મળવા સૂચવ્યું હતું. પણ મેગી આવી શકી ન હતી.

નર્સ અને બૅન્જામિન પેટ્રિકની રાહ જોતા હતા. પેટ્રિક એને કશેક લઈ જવાનો હતો. આજે ફાધર્સ ડે હતો. આજે ફાધર્સ ડે ને દિવસે રાત્રે પેટ્રિકે તેના બૅન્જી-બડી માટે એક ડાયનરમાં નાની સર્પ્રાઈઝ પાર્ટીની યોજી હતી. એના જૂના વૃધ્ધ મિત્રોને ડિનર માટે આમંત્ર્યા હતા.

ખરેખર તો આજે સવારથી જ બૅન્જામિનની તબીયત બગડી હતી પણ એ પેટ્રિકને નિરાશ કરવા ન્હોતો ઈચ્છતો. એણે આત્મબળ ટકાવી રાખ્યું. પેટ્રિક આવ્યો. એક સરસ સ્યૂટ અને ફેધર વાળી નવી હેટ લાવ્યો હતો. નર્સની મદદથી એને સ્યૂટ પહેરાવ્યો. એક લિમોઝિન આવી. એમાં વ્હિલચેર ગોઠવાઈ. નર્સ અને પિટર પણ બેઠા. પણ લિમોઝિન પાર્ટીહોલ પર પહોંચે તે પહેલાં જ શ્વાસની તકલિફ શરૂ થઈ. બેન્જામિનની પલ્સ ધીમી પડી ગઈ. અને લિમોઝિનમાં જ ભાન ગુમાવી દીધું. નર્સની સલાહ મુજબ લિમોઝિને ડાઈનરને બદલે હોસ્પિટલનો રસ્તો પકડ્યો. પેટ્રિક કાન પાસે પૂછ્તો હતો. “બડી કેન યું હિયર મી? બૅન્જી વૅક અપ. આર યુ ઓલ રાઈટ?” કોઈ પ્રતિભાવ ન મળ્યો. બૅન્જી બેભાન હતો. વારંવાર પેટ્રિક એને ચેતના માટે હલાવતો રહ્યો.

પેટ્રિકની આંખમાંથી બે-ત્રણ ગરમ ટીપાં બેન્જીના કપાળ પર પડ્યા. “પાપા કેન યુ હિયર મી?” જાણે એક ચમત્કાર થયો. બૅનની આંખો બંધ હતી પણ વાચા ખૂલી.

“કોણ? માય ડોટર મેગી?”

પેટ્રિકે બે વધુ અશ્રુટીપાં સાથે જવાબ વાળ્યો, “યસ પાપા; આઈ એમ મેગી.” જવાબ ખોટો હતો. સધ્યારો સાચો હતો. થોડું વધુ ભાન આવ્યું. એક ખાંસી. કફનો ગળફો બહાર આવ્યો. આંખ ખૂલી.

“ઓહ! યુ આર નોટ મેગી. તું તો મારો બડી પેટ્રિક છે….. તેં મને પાપા કહ્યું? વન મોર ટાઈમ. પ્લીઝ કોલ મી પાપા”

“યસ પાપા. આઈ એમ યોર પ્રેટ્રિક”

હવે પેટ્રિક સ્વસ્થ હતો. “યસ પાપા. યુ આર માય પાપા. મારી મૉમે મને હું જડ્જ બન્યો ત્યારે કહ્યું હતું. યુ આર માઈ ફાધર. યુ આર માય ડેડ. હેપી ફાધર્સ ડે પાપા. આઈ લવ યુ. પાપા લેટ્સ સેલીબ્રેટ ધ પાર્ટી.”

બે ત્રણ ખાંસી બાદ બૅન વ્હિલચેરમાં ટટાર થઈ ગયો. લિમોઝિન પાછી ડાઈનરને રસ્તે વળી. વ્હીલચેર ડાઈનરમાં પ્રવેશી. સૌ વૃધ્ધ મિત્રોએ “હેપી ફાધર્સ ડે બૅન” ના ચીયર્સથી એને વધાવી લીધા. વ્હિલચેરની ફરતે એક વર્તુળમાં સૌ ગાતાં હતાં “હી ઈઝ અ જોલી ગુડ ફેલો.”

વ્હિલ ચેર પાસે ઉભેલા પેટ્રિકનો હાથ બૅન્જામિને પકડ્યો હતો. ક્ષીણ અવાજમાં બેને કહ્યું “થેન્ક્યુ માય સન પેટ્રિક. આઈ એમ યોર….” વાક્ય પૂરું ન થયું. હાથની પકડ ઢીલી થઈ ગઈ. શ્વાસ બંધ થઈ ગયો. દેહની ઉષ્મા ઘટતી ગઈ. શરીર શીત થઈ ગયું. બૅનનો આ પહેલો અને છેલ્લો પોતાના લોહી સાથેનો સાચો ફાધર્સ ડે હતો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.