૧. તમને સૅન્સર બોર્ડના ચૅરમેન બનાવવામાં આવે, તો 'ખુલ્લી' છુટ વધારો કે ઘટાડો?

-હિંદી જવા દો, ઈવન ગુજરાતી ફિલ્મોમાં ય જે રીતે ઉઘાડી છુટો અપાય-લેવાય છે, તે કોઇ પણ સંસ્કારી પરિવારને છાજે નહિ.
(જયેશ અંતાણી, ભાવનગર)


૨. ભોળા રહીને 'ભોટ'ગણાવવું સારૃં કે બદમાશ થઇને 'સારા માણસ' ગણાવવું સારૃં?

-તમે મને શું ગણો છો ?
(અફરોઝબેન મીરાણી, મહુવા)


૩.'ઈવીએમ'જેવા આક્ષેપને હસી કાઢવાને બદલે મતગણતરીનું પુનઃમુલ્યાંક ન થવું જોઇએ ?

-હવે તમને પણ હસી કાઢવા પડશે. કાલ ઉઠીને અંગૂઠાની છાપથી વોટિંગ થાય ને સ્ટુપિડ નેતા એનું ય પુનઃ મૂલ્યાંકન કરાવવા માંગે તો બીજો અંગૂઠો લાવવો ક્યાંથી ?
(વાહિદ સૈયદ, ધંધૂકા)


૪.દેશમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ બંધ થશે, ત્યારે સાચું રામરાજ્ય આવશે. તમે શું માનો છો ?

-આટલા ઉચ્ચ વિચારો ધરાવો છો... કાલ ઉઠીને આ બન્ને આશ્રમો બંધ પણ થાય, તો સ્વયં તમે એમાંના એકે ય અનાથ કે વૃદ્ધને તમારા ઘેર રાખવા તૈયાર છો ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


૫. દલિલબાજીમાં તો સ્ત્રીઓને કોઇ ન પહોંચે, છતાં અદાલતોમાં વકીલો તરીકે પુરૃષોની સંખ્યા વધારે કેમ હોય છે ?

-તમને તો અદાલતોમાં ય શાંતિ ગમતી નથી !
(ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)


૬. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. પણ સુંદર બનવા શું કરવું પડે ?

-બુદ્ધિમાન સાબિત થવું પડે.
(ધવલ જે. સોની, ગોધરા)


૭. અમુક ઉંમર પછી લાઇફમાં કોઇ મઝા રહેતી નથી. તમારો શું અભિપ્રાય ?

-અત્યાર સુધી તો મને ઉંમર ક્યાંય નડી નથી. બધું બરોબર છે !
(રહિમ મલાકાણી, ભાવનગર)


૮. તમે દ્વિવેદી (દવે)છો અને આટલા ઍનકાઉન્ટરો કરો છો. ત્રિવેદી કે ચતુર્વેદી હોત તો કેટલા કરત ?

-તો એ કામ હું 'પંચાલોને'સોંપત !
(વિપુલ ચપલા, વડોદરા)


૯. મારા વિસ્તારમાં માણસો કરતા મંદિરો વધારે છે. ટ્રાફિક-સમસ્યા જાન જોખમમાં મૂકી શકે છે. કોઇ ઉપાય ?

-સ્કૂટર-રીક્ષા કે સાયકલોને રાહદારીઓ સાથે ફૂટપાથ પર ચલાવો !
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)


૧૦. તમારો 'પગના નખ'વિશેનો લેખ બહુ ગમ્યો. તમે કેટલા નખ કાપો છો ?

-એ તો ગ્રાહકો કેટલા આવે છે, એના ઉપર આધાર છે.
(નયન ખંડોર, મુંબઇ)


૧૧. સ્ત્રીઓના સન્માન બાબતે તમારૃં શું માનવું છે ?

-એ લોકો તમને જેટલું આપે, એટલું જ સામે આપવું !
(દીપક પંડયા, બિલિમોરા)


૧૨. એક યોગી યોગ કરીને અબજોપતિ બિઝનૅસમૅન બની ગયા. બીજા મુખ્યમંત્રી બન્યા. તમે શું માનો છો ?

-આમે ય હું માથે ટકો કરાવવાનો જ છું... પછી લાંબા જટીયાં રાખીશ.
(મધુકર મેહતા, વિસનગર)


૧૩. ફલાણી કપનીના ગંજી પહેરવાથી શરીરમાં મર્દોની તાકાત આવી જાય છે, એવી જાહેરાતો ટીવીમાં આવે છે. તો શું હવે અન્નદાનને બદલે 'ગંજીદાનો'શરૃ થશે ?

-હા. લોકો પોતે પહેરી લીધેલા ગંજીઓના છુટથી દાન કરશે.
(વિદુર પંડયા, ગાંધીનગર)


૧૪. ઇ.સ. ૨૦૧૯ની ચૂંટણીઓમાં કૉંગ્રેસનું શું થશે ?

-ખબર નહિ, પણ ત્યાં સુધીમાં તો બાબાભ'ઇના લગ્ન તો થઇ જશે ને ?
(કિશન મોરાણીયા, સાપુતારા)


૧૫. યોગી આદિત્યનાથ વિશે શું કહેવું છે ?

-મોદી ભાગ બીજો.
(મૌલિક ગજેરા, વડોદરા)


૧૬. આપની દ્રષ્ટિએ લવ-મેરેજ સારા કે ઍરેન્જ્ડ મેરેજ ?

-કન્યા જોયા પછી કહું.

(સોહમ બી. દવે, અમદાવાદ)


૧૭. ભારતમાં બિનસાંપ્રદાયિક સરકાર નહિ હોય તો આગળ જતા તકલીફ પડશે. તમે શું કહો છો ?

-કોને તકલીફ પડશે, એ તમે જણાવ્યું નથી.
(ડો. શ્રેણિક દલાલ, અમદાવાદ)


૧૮. રાષ્ટ્રપતિ તરીકે અડવાણી કે અન્ના હજારે યોગ્ય ગણાય. તમે શું માનો છો ?

-હું તમને ક્યાં નડયો ?
(હેમંત નાઇક, પથરી-મહારાષ્ટ્ર)


૧૯. 'એનકાઉન્ટર'માં તમને આજ સુધીનો સર્વોત્તમ સવાલ કયો લાગ્યો ?

-જેમા લોકો પોતાનું નામ જ લખે છે. સવાલ અને સરનામું ભૂલી જાય છે તે.
(પ્રિન્સ ભાલોડીયા, સુરત)


૨૦. તમારા જવાબ સવાલને સંબંધિત કેમ નથી હોતા ?

-એવા જવાબો તમને 'આરોગ્ય વિષયક પ્રશ્નોત્તરી'માંથી મળી રહેશે. ખોટી જગ્યાએ ભરાઇ પડયા !
(રીતિકા શાહ, મુંબઇ)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.