હાશકારો

માનસીનુ મન સતત વિચારો કર્યા કરતું રહે છે, કલાકો સુધી વિચારો કર્યા કરતી હોવાથી તેને માથાનો દુખાવો ચાલુ થયો. સોફા પર લાંબી થઈ સુતી છે અને તેનો દીયેર મયંક કોલેજથી આવ્યો માનસીને સુતેલી જોઈને બોલ્યો, મોટીબેન શું થયું ? માથુ દુખે છે ? દવાની ગોળી અને પાણી લઈને આવ્યો અને બોલ્યો મોટીબેન દવા લઈ લો સારુ લાગશે . માનસીએ આનાકાની કરી છતાં મયંક માન્યો નહી અને દવા ખવડાવી.બોલ્યો મોટીબેન લાવો તમારું માથુ દબાવી આપું તમને સારુ લાગશે.. માનસી ઝટ કરતી તેનો હાથ હઠાવ્યો અને પોતાની રૂમમાં ચાલી ગઈ રુમમાં જઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને પોતાના નસીબને કોસવા લાગી. માનસી ફરીથી ડીપ્રેશનની અસર હેઠળ જીવી રહી છે, તેને ક્યાય ચેંન નથી પડતું. હે ભગવાન તેં મને કેવી પરિસ્થિતીમાં લાવીને મુકી દીધી છે ? જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મને નથી દેખાતો.માનસીનો દીયેર મયંક્ને પોતાની બેન નથી માટે તે તેની ભાભી માનસીને મોટીબેન કહીને બોલાવે છે. બંને ભાઈ બહેનની જેમ જ રહે છે.

તકિયા ઉપર માથુ મુકી હિબકાં ભરી રહી છે, વિચારે છે, આજે મને સૌથી વધારે જરૂર છે, એ વાત્સલ્ય ભર્યો પ્રેમાળ પિતાનો હાથ જે હમેશાં માનસીનુ હૈયુ હેતથી તરબોળ કરી દેતા હતા.ક્યાં છે મારા પિતા ? ક્યાં છે તેમનો પ્રેમાળ હાથ ?આજે ઘણા સમય બાદ મૈયેરનુ આંગણ યાદ આવ્યું. અતિતના વિચારોમાં ખોવાઈ ગઈ નાના ભાઈ-બહેન, આઠ વર્ષની ઉંમર અને મા બધાને છોડીને સ્વર્ગે સીધાવી.માનસી દુનિયાદારી સમજે તે પહેલાં તો તેના માથા પર જવાબદારી આવી. નાના ભાઈ-બહેનની સંભાળ રાખવી. પિતાને નાનો વેપાર ધંધો હતો પૈસે ટકે સુખી હતા. પૈસાની કોઈ તકલીફ હતી નહી. માટે બે ટાઈમની રસોઈ એક બેન આવીને બનાવી જતાં હતાં માનસી તેમની સાથે રસોડામાં શાક કાપવું, રોટલીનો લોટ બાંધવો એમ ધીમે ધીમે સરસોઈ શીખી રહી હતી. માસુમ બાળકી ઢીંગલી સાથે રમવાની ઉંમર અને જવાબદારી ? નાની બેનને નવડાવીને કપડાં પહેરાવીને વાળ ઓળી આપતી, ભાઈને પણ તૈયાર કરી દેતી ત્રણેવ સાથે સ્કુલે જવા નીકળતાં.સમય તો તેની ગતીએ ચાલી રહ્યો છે. માનસી એક કલીમાંથી ફુલ ખીલે એમ તેનુ યૌવન ખીલી ઉઠ્યુ છે.ગોરુ મુખડુ, કાળા લાંબા કેશ, મૃગ નયની, હીરણી સમાન ચંચલ ચાલ. રૂપાળી નાજુક નમણી,મન મોહક માનસીની ઉપર કોઈ પણ વ્યક્તિની નજર પડે તો તે નજરમાં કેદ થયા વીના ન રહે. જેવું રૂપ તેવાજ ભગવાને ગુણ આપ્યા છે. બધી જ વસ્તુમાં હોંશિયાર, કોઈ પણ વસ્તુ એક વખત જોઈને શીખી લે.

સ્કુલ પતાવી કોલેજમાં આવી રાહુલ સાથે સીંગીંગ કોમ્પીટીશનમાં ઓળખાણ થઈ, ઓળખાણ દોસ્તીમાં બદલાઈ બંનેની મુલાકાતો વધતી ગઈ,અને આ દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી તેનો ખ્યાલ તેને ન આવ્યો.તેને રાહુલ સીવાય કોઈ દેખાતુ નથી. ઘર-પરિવારથી છુપાઈને રાહુલ સાથે પ્રેમ બંધનમાં બંધાઈ છે. રાત્રે બધા ટેબલ પર જમવા બેઠાં ત્યારે

પિતાએ માનસીને કહ્યું “ બેટા મારા વેપારી દોસ્તે તારા માટે વેપારી કુટુંમ્બનો એક સરસ છોકરો બતાવ્યો છે. પુષ્કર પૈસા વાળા ખાનદાની માણસો છે, છોકરો ભણીને તેના પિતા સાથે કારોબાર સંભાળે છે, બે ભાઈઓ છે નાનો સુખી પરિવાર છે. બેટા તારો શું વિચાર છે ? તું હા પાડે તો વાત આગળ ચલાવું.બેટા ગામમાં દીવો લઈને શોધવા નીકળીએ તો પણ આવો રિસ્તો ન મળે, આપણે આ જતો નથી કરવો “

માનસી – ‘ પપ્પા, મારે છોકરો નથી જોવો , તમે મારા માટે જે કંઈ કરશો તે સારું જ કરશો મને ખાત્રી છે.

સામે અજય અને તેના પરિવારે માનસીને એક પાર્ટીમાં જોઈ હતી ત્યાંથીજ તેનુ મન માનસીએ મોહી લીધું હતુ. અજયે માતા-પિતાને આ છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, માતા-પિતાએ એક વેપારી દ્વારા માનસી માટે અજયનો પ્રસ્તાવ મુકાવ્યો હતો. તેઓએ છોકરી જોવાની જરૂર નથી. આ બાજુ માનસી એ પણ છોકરો જોવાની ના પાડી. બંનેના માતા-પિતા મળીને વાત પાકી કરીને ઘડિયાં લગ્ન લેવાનુ નક્કી કર્યુ ,આ અઠવાડિયે વાત થઈ બીજા અઠવાડિયે લગ્ન લેવાનુ નક્કી કર્યુ . બધી તૈયારી થઈ ગઈ.અજય અને માનસીએ ફોન પર વાત કરી અને અજયે પુછી લીધુ, માનસી તને કોઈ વાંધો તો નથીને ? માનસી તરત જ બોલી ના મને પણ મંજુર છે. અજયનુ રોમ રોમ ખુશીથી પુલકિત થઈ ઉઠ્યું.

બીજે દિવસે માનસી રાહુલને મળવા ગઈ.

માનસી – ‘ રાહુલ મારા પિતાએ મારા લગ્ન નક્કી કરી દીધા છે, આવતા અઠવાડિયે મારા લગ્ન છે “.

રાહુલ – “ માનસી તૂ શું વાત કરે છે, તૂ તો શાન્તિથી બોલે છે જાણે કંઈ બન્યુ નથી, માનસી હું તારા વીના નહી જીવી શકું “

માનસી –“ રાહુલ હું પણ તારા વીના નહી જીવી શકું, આપણે કોઈ રસ્તો શોધી કાઢીએ ‘

રાહુલ - “ માનસી અત્યારે એકદમ અનજાન બની બધું હા હા કરતી જા, લગ્નના દિવસે તારા દુલ્હનના એજ શણગારમા ઘર છોડીને આવજે આપણે બંને મંદિરમા જઈને લગ્ન કરી લઈશુ “

માનસી – ‘ ગુડ આયડીયા, રાહુલ, ઓ મારા રાહુલ તું કેટલો બધો સમજદાર છે. માનસીએ ઉત્સાહમાં આવીને રાહુલના ગાલ પર બે ત્રણ ચુંબન ચોડી દીધા “

રાહુલ – “ માનસી ઘરમાં કોઈને અણસાર શુધ્ધાં ન આવવા દઈશ “

માનસી – “ ભલે “

અને આમ જે દિવસે અજયની જાન માનસીના ઘર આંગણે આવી તે દિવસે નક્કી થયા પ્રમાણે રાહુલ અને માનસીએ ભાગીને ઘરથી છુપાઈને મંદિરમા લગ્ન કરી લીધા. બીજા શહેરમાં જઈને વસ્યાં, રાહુલ અને માનસીનુ જીવન સુંદર સુખમય ચાલી રહ્યું છે. બે એકલા જ રહે છે.જોત જોતામાં લગ્નને બે વર્ષ વીતી ગયાં આજે તેમનો લગ્ન દિવસ છે અને રાહુલ બાઈક પર ઘરે આવવા નીકળીને જ્લ્દી ભાગતો ભાગતો ઉતાવળમાં આવી રહ્યો છે,રસ્તામાં એક ટ્રકે બાઈકને ટક્કર મારી અકસ્માતમાં રાહુલનુ પ્રાણપંખેરુ ત્યાંજ ઉડી ગયું.એમ્બ્યુલન્સમાં રાહુલનો મૃતદેહ આવ્યો, ફ્લોર પર મૃત દેહ મુક્યો. માનસી સજીને બેઠી હતી માનવા તૈયાર નથી રાહુલ આ દુનિયામાં હવે નથી, તેને છોડીને દુર ચાલ્યો ગયો છે. હૈયાફાટ રૂદન કરી રહી છે જેને માટે વ્હાલા પિતા-ભાઈ-બહેનને છોડ્યાં તે મને જ આમ અડધે રસ્તે એકલી મુકીને ચાલ્યો ગયો, હે ભગવાન તેં આશું કર્યું ? હું કેવી રીતે જીવીશ ? માનસીના પિતાને ખબર મળ્યા એટલે આખરે વિચાર્યુ છોરુ ક છોરું થાય માવતર ક માવતર ક્યારેય ન થાય . તે માનસીને પોતાને ઘરે લઈ આવ્યા. માનસીને મોટો આઘાત લાગ્યો છે, તે ગુમસુમ બની ગઈ છે, નથી કોઈની સાથે વાત કરતી કે બહાર જતી. પિતાએ ફરીથી તેના લગ્ન કરાવી આપવાનો વિચાર કર્યો. અજયને ખબર પડી એટલે માતા-પિતાને વિનંતી કરી જાઓ અને વાત કરી જોવો જો માનસી માની જાય તો. માનસી તો તેનો પ્રિયતમ જવાથી હાલતી ચાલતી લાશ બની ગઈ હતી તેને તેની જાતનુ પણ ભાન ન હતું. અજય અને તેના માતા-પિતા જાતે માનસીને ઘરે આવ્યા અને માનસીના હાથની માગણી કરી કેમકે અજય પણ મનોમન માનસીને પ્રેમ કરતો હતો એટલે માતા-પિતાએ છોકરીઓ બતાવતા હતા બધીને તે ના પાડતો હતો. તેના દિલમા માનસી વસી હતા. માનસીના પિતાએ માનસીના મગજની હાલતની વાત કરી.

અજય – “ અંકલ તમે જરાય ચિંતા ન કરશો અમે સારામાં સારા ડૉક્ટરને બતાવીને તેનો ઈલાજ કરાવીશું મને ખાત્રી છે માનસી ચોક્ક્સ સારી થઈ જશે.”

અજયના માતા-પિતાએ પણ એ જ વાત કરી.માનસી અને અજયના સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા .માનસી રાહુલના રૂપમાં અજયને જોતી હતી, અજયની અંદર તેને રાહુલનો ચહેરો દેખાતો હતો.માનસી એટલી બધી રાહુલમય બની ગયેલી હતી હતી કે અજયને રાહુલ માની બેઠી હતી, તેનુ ચિત્તભ્રમ થઈ ગયું હતું.માનસીનો ઈલાજ ચાલુ કરી દીધો ધીમે ધીમે માનસી હવે સ્વસ્થ થવા લાગી. તેને ભાન થયું રાહુલ આ દુનિયામાં નથી અને જેની સાથે લગ્ન થયા છે તે અજય છે, છતાં પણ તે રાહુલને ભુલી નથી શકતી. તેને ખબર પડી જેની સાથે તેના લગ્ન પિતાજીએ નક્કી કર્યા હતા તે આ અજય છે. તેને અજય ને દગો આપવા બદલ ક્ષોભ થયો અને અજય અને તેના પરિવારની પોતે ગુનેગાર છે એમ માનવા લાગી. બધું જાણ્યા પછી પણ અજયે તેને અપનાવી કારણ અજય તેને ખુબજ પ્રેમ કરે છે. અજય માટે તેને માન વધ્યું. તેનુ મન ન માનવા છતા પણ તે ધીમે ધીમે અજયને એડજેસ્ટ થવા લાગી. માનસીને ખબર છે, રાહુલ હવે આ દુનિયામાં નથી અને અજય જ તેનો સંસાર, તેની દુનિયા છે માટે અજયને બને તેટલુ વફાદાર રહેવું , તેને સુખી રાખવો એ તેનુ કર્તવ્ય અને તેનો ધરમ પણ છે. જો સુખી થવુ હશે તો રાહુલને દિલમાંથી વિદાઈ આપવી જ પડશે. અને તો જ અજય મારા દિલમાં બેસી શકશે. કહે છે ને કે દુખનુ ઓસડ દાડા તેમ ધીમે ધીમે તેના ઝખમ ભરાતા ગયા,રાહુલનુ દુખ તે ભુલતી ગઈ. અજય માનસીને અતિશય પ્રેમ કરતો હતો તેણે પ્રેમથી માનસીનુ દિલ જીતી લીધું. બંને ઘણાજ સુખી છે.અજયના માતા-પિતા પણ માનસીને દિકરીની જેમ રાખે છે.મયંકે તેને બહેન બનાવી છે. અજયના પરિવારે માનસીનુ હ્રદય પ્રેમથી છલોછલ ભરી દીધું , આ પ્યાર છલકાવા લાગ્યો અને આ પ્રવાહમાં રાહુલ વહીને માનસીના દિલમાંથી બહાર નિકળી ગયો. હવે તેના દિલમાં ફક્ત અજય ધબકી રહ્યો છે.

અજય એક વાતની ખાસ તકેદારી રાખે છે, મનસીને આ ઘરમાં જરાય એકલતા યા તો દુખ ન લાગવું જોઈએ. અજય સમજે છે, માનસી કેવી વિપરીત માનસિક પરિસ્થિતીમાંથી પસાર થઈ હતી. પાછી ડીપ્રેશનમાં ન જતી રહે તેનુ ખાસ ધ્યાન રાખે છે. તે માનસીને ખુશ જોવા માગે છે. તેનો પરિવાર જાણે છે તેનુ ડીપ્રેશન દુર કરવાની એકજ દવા છે , માનસીને દરેક વાતમાં સહયોગ આપવો અને તેનુ દિલ પ્રેમથી ભરી દેવું. અજય વિનમ્ર, સમજદાર અને વિવેકી છે

માનસીનો સંસાર સુખી છે, તેને સ્વર્ગ સમાન સુખ મળ્યુ છે, ઘરમાં નોકર-ચાકર, રસોઈ કરવા માટે મહારાજ, પ્રેમ કરવાવાળો પરિવાર, જીવનમાં આનાથી અધિક શું જોઈએ ? જોત જોતામાં અજય અને માનસીના લગ્નને ત્રણ વર્ષ વીતી ગયાં.

આજે સવારે અજય ઉઠ્યો તેને ઠીક નથી લાગતું, ચક્કર આવવા લાગ્યા, માનસીએ કહ્યું અજય આજે તૂં ઓફિસ ના જઈશ, હું ડૉક્ટરને ફોન કરું છું, માનસીએ તેમના ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટરે તેને ચેક કર્યો, તેને શરીરમા તાવ પણ હતો. ડોક્ટરે બ્લડ ટેસ્ટ કરવાનુ કહ્યુ, પેથોલોજીમાંથી છોકરી આવીને બ્લડ પણ લઈ ગઈ, ડોક્ટરે દવાઓ લખી દીધી. અને તેને આરામ કરવાનો કહ્યુ. બીજે દિવસે બ્લડ રિપોર્ટ આવી ગયો અને ડૉક્ટરે રિપોર્ટ વાંચીને કહ્યુ, અજયને હૉસપિટલમાં ભરતી કરવો પડશે, માનસી ઘભરાઈ ગઈ, અજયના માતા-પિતા પણ ઘભરાયા, ડૉક્ટરે બધાને શાંત્વન આપ્યુ. બીજા ટેસ્ટ કરવા દો જોઈએ આગળ શું કરવું. ડૉક્ટરને તો ખબર છે અજયને બ્લડ કેન્સર છે. બધા ટેસ્ટ થઈ ગયા, રિઝલ્ટ આવી ગયું અને નક્કી થયુ અજયને બ્લડ કેન્સર છે અને તે પણ લાસ્ટ સ્ટેજ પર , તે બે ત્રણ મહિનાથી વધારે નહી જીવી શકે. માનસી પર તો જાણે આસમાન તુટી પડ્યું હોય અને માતા-પિતાને જાણે વીજળીનો જોરમાં ઝટકો લાગ્યો.

માનસી માટે તો દુખનો પહાડ તુટી પડ્યો, શોકના સાગરમાંથી હમણાં તો મહા પરાણે જેમ તેમ બહાર આવી છે. માનસી તેનાથી બને તેટલો પ્રયત્ન કરીને રાત-દિવસ તેની સાચા મનથી સેવા કરવા લાગી. મનમાં એક જ આશા હતી કોઈ ચમત્કાર થાય અને મારો અજય સારો થઈ જાય.જેમ ડુબતો માણસ તણખલાનો સહારો લે તેમ ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભું તમે મારા જીવનના બધા સ્વાસ અજયને અર્પણ કરી દો પરંતું મારા અજયને બચાવી લો તેના વીના જીવન ! હું કલ્પના પણ નથી કરી શકતી. તેના વીના હું કેવી રીતે જીવી શકીશ ? હું નહી જીવી શકુ.પ્રભુ એને જીવનદાન દઈ દો,અજય પણ બોલે છે માનસી તને છોડીને મારે જલ્દી નથી જવું, માનસી મારે તારી સાથે જીવન જીવવું છે, મારે હમણાં નથી મરી જવું માનસી મને રોકી લે, મને બચાવી લે.અજયને આમ કાલાવાલા કરતો સાંભળીને બધાં ચોધાર આંસુએ રડી રહ્યાં છે.માનસી તેને શાંન્તવન આપે છે, મારા અજય તને કંઈ નહી થાય.

કુદરત આગળ કોઈનુ ચાલે છે, બે મહિનામાં અજયે ચિર વિદાઈ લીધી અને સૌને રડતાં મુકીને બીજી દુનિયામાં ચાલ્યો ગયો જ્યાંથી આજ સુધી કોઈ પાછું નથી ફર્યું.માનસી આઘાત ન જીરવી શકી. રડતી જાય છે અને પોતાની જાતને કોસે છે.મને મારા કર્મોની સજા મળી છે.અજયને દગો આપ્યો, રાહુલ છોડીને ચાલ્યો ગયો. આંગણે આવેલ વરરાજાને છોડીને પ્રિયતમ સાથે વગર કહે ભાગી ગઈ બે પરિવારને દુખી કર્યા હતા.અજયનો શુ વાંક ગુનો હતો મે તેને આટલી મોટી સજા આપી હતી, મારા પિતાની શું દશા થશે એ એક વખત વિચાર્યું ન હતું પ્રેમમાં આધળી પ્રેમી સાથે ચાલી નીકળી મારા જ હાથે કરેલા મારા હૈયે વાગ્યા છે. બધાના નિસાસા લીધા તેની મને ભગવાને સજા આપી છે.માનસીનો વલોપાત અને તેના હ્રદયનુ મંથન ચાલી રહ્યુ છે. માનસી હતાશા અને આઘાતને કારણ પાછી ફરીથી ડીપ્રેશનમાં જીવવાલાગી. કર્મોના લેખા કોણ ટાળી શકે ?

આજે અજયને ગયે છ મહિના થયા માનસીની જીંદગી વેરાન બની ગઈ છે. એક પછી એક દુખોની શ્રીંખલા ચાલી રહી છે. પહેલાં મમ્મી , નાની ઉંમરમા છોડીને ચાલી ગઈ, ત્યાર બાદ રાહુલ અને અજય. જેને હું પ્રેમ કરું છુ તે લોકો મને છોડીને ચાલ્યા જાય છે. હું પ્રેમને લાયક જ નથી. હે પ્રભુ આ દુખોની વણજાર થંભી જવાનુ નામ નથી લેતી. મને આ પરિસ્થિતીમાંથી ક્યારે છુટકારો મળશે જેથી મને હાશ થાય ? હું આ બોજ ઉઠાવીને થાકી ગઈ છું.મારે હવે વધારે નથી જીવવું , હું આ બધામાંથી છુટવા માગું છુ .શું કરું તો હાશકારો મળે ?

સવારે ટેબલ પર સાથે ચા-નાસ્તો કરવા બેઠા હતા ત્યારે મમ્મીએ કહ્યું “ માનસી બેટા હું દરરોજ આશ્રમમાં જાઉં છું તૂં મારી સાથે દરોજ આવ સતસંગ થશે તને સારુ લાગશે.”

માનસી - ભલે મમ્મી હું વિચારી જોઈશ, આમેય આ જીંદગીથી હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું, મારે કોઈ તો રસ્તો શોધવો જ પડશે “

માનસી રાત્રે તેની રૂમમાં સુવા ગઈ વિચારવા લાગી , મારે આ જીંદગીથી છૂટકારો જોઈએ છે શુ કરું તો જેથી મને છુટકારો મળે અને દિલમાં હાશ થાય ? મારે તો આ જીંદગીથી હાશકારો જોઈએ છીએ.બીજે દિવસે માનસી ઉઠીને સવારે નીચે ન આવી એટલે મમ્મી વિચારવા લાગ્યા માનસી આજે ઉઠીને નીચે ન આવી દરરોજ વ્હેલી ઉઠી જાય તેની તબીયત નથી સારી કે શું ? તે જાતે તેની રૂમમાં ઉપર ગયાં તો જોયુ, માનસી પંખાથી ફાંસો ખાઈને લટકી રહી હતી, મમ્મી તેને જોઈને ત્યાંજ ચક્કર ખાઈને બે ભાન થઈને જમીન પર ફસડાઈને નીચે પડ્યાં.

શું આ રીતે જીવનમાં હાશકારો મળે ખરો ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.