મને વ્યાકુળ શા માટે કરી મૂકો છો?

ભારતીય ગુજરાતી ઘરોની ચાર થાંભલીઓની વચ્ચે વૃંદાછોડ ખૂબ પ્રખ્યાત છે. એ તુલસીની માંજરને દેખતી માંજરી આંખોનાં આંસુ એટલાં પ્રખ્યાત નથી.

દરેકના ઘરમાં એક કમરો ૧૯૭૦નાં ઘરોની હૂંફને યાદ અપાવતો હોય છે, જ્યાં ઠંડક અને તડકો બેઉ ભેગાં થતાં હોય છે. કોઈ સદસ્ય એ હૂંફને પસંદ કરતું નથી, કેમ કે લોકોને તે અવાવરુ જગ્યા લાગે. ઘરની કોઈ પણ સ્ત્રી માટે એ સ્વાતખીણ સમાન હોય છે. કુદરતના અંગને પસારવાનો મોકો દરેક સ્ત્રીને નથી મળતો. એ અલગારી રહેવું પસંદ કરતી હોય છે, એની ટોળાની ક્ષણોને યાદ કરવા માટે …

જ્યાં વૃક્ષો શ્વાસ લે, ત્યાં એને શ્વાસ લેવો હોય છે; કપડાં ધોવાના સાબુના ફીણની સુગંધ કોઈક વાર કદાચ તેનો શ્વાસ પણ રૂંધાવી શકે !

પ્રેમથી આપેલા ગુલાબની સુગંધ પ્રેમની અનુભૂતિ વખતે તો બહુ જ ન્યારી લાગે, પણ એક દિવસ એ ગભરામણ પણ બની શકે !

પોતાના નામનો મતલબ જડી શકે છે, હકીકત નહિ; એ હકીકતને શોધવાનું સહેલું સાબિત નથી થતું, સ્ત્રી માટે.

તમે અગર ઔપચારિક સમાજમાં ચપોચપ વસ્ત્રો પહેરીને નીકળો છો, તમારું જ્ઞાન લોકો પર ઝાડો છો, લોકોની નજરમાં આવતાં શીખી ગયાં છો; તો પુરુષપ્રધાન દેશમાં રહેતો પુરુષ પણ ‘હેન્ગ-આઉટ’ કરવા, એની સફળતામાં તમને અગ્રેસર રાખવા રાજી થશે.

પણ…. જયારે એ પુરુષને લગ્ન વિષેના પ્રશ્નમાં પુછાય કે કેવી છોકરી પસંદ કરશો તો એનો ‘EGO’ તરત જ બોલશે, ‘ભારતીય !’.

પ્રશ્ન થાય કે શું સાડી પહેરતી સ્ત્રીની કિંમત ઓછી છે કે ફક્ત રાજકારણી સ્ત્રીઓ જ એ પહેરે તો જ સારી લાગે ? શું હાલ કપડાં સૂકવતી મારી માની કોઈ કિંમત નથી ? શું બીજાના ઘરમાંથી મીઠો લીમડો ચૂંટી જતી બહેનની મીઠાશ કડવી છે ? શું રંગમચ પર ઊભેલી બધી જ સ્ત્રીઓ ‘ચાલુ’ જ હશે ? શું અચાનક જ કોઈ મને બૂમ પાડી ગયું કે જ્યોતિ, ઓહ હાઇ… તો એ મારા સારા ચહેરાના લીધે કે મારી માણસાઈના લીધે ? શું હું સ્કૂલના મેદાનમા ઊભી રહીને મારા મિત્ર પૂર્વીશ જોડે વાત કરું, એ ચક્કર જ છે અમારું ? શું હું બેત્રણ પુરુષો જોડે ઊભી છું અને વિચારગોષ્ઠિ કરું છું, તો એ ખોટું છે ? છે તો કેમ છે ?

આવા સવાલો જયારે પૂછવામા આવે, તો સાચવવાનું કેમ સ્ત્રીને જ હોય છે ?

આ વિષય પર લખવાનું થયું, ત્યારે થયું કે સ્ત્રી પર જ કેમ લખું હું..!! ઘણું લખાઈ ગયું છે : સ્ત્રીની મોટીમોટી તકલીફો પર, બળાત્કાર પર કાં તો શારીરિક ત્રાસ વિષે અથવા તો યૌનશોષણ પર… બેશક અસહ્ય છે, પણ જેના વિષે નથી લખાતું એ છે – સફળતાના છેલ્લા પગથિયેથી પડી ગયેલી સ્ત્રી વિષે, સ્કૂલકૉલેજમાં નાસીપાસ થતી સ્ત્રી વિષે, ખાટલામાં બેઠેલી વૃદ્ધા વિષે, રેલવે સ્ટેશનના સસ્તા કોટેજમાં પુરુષ નીચે દબાઈને શૂન્યમાં તાકતી એ વેશ્યા વિષે, એ જ વેશ્યાની લાવારિસ છોકરીઓ વિષે, ભીડમાં કોઈ મારો પણ ફોટો પાડશે એવી આશાએ આમતેમ તાકતી નાની છોકરી વિષે, ફિલ્મની હીરોઇન જેવાં નસીબ નથી એવા અફસોસવાળી કોરી આંખો વિષે, યંત્રવત્ સાડીનો કછોટો મારતા હાથ વિષે, વરંડામાં વરસાદમાં પલળવા માગતી એ રૂહ વિષે, વિન્ડ-ચેઈનના અવાજ સાથે પવનને મહસૂસ કરતી એ છાતી વિષે … એ રોકાઈ ગયેલા મનોબળ વિષે, લડી ના શકનાર એ નાજુક સ્ત્રી વિષે, ફક્ત વ્રતવાર્તાઓમાં રહી ગયેલી એ દેવીની શક્તિ વિષે, પાણી ટપકાવતા ભીના અંબોડા વિષે, પોતાની છોકરીને સંસ્કારમાં મજબૂરી આપતી મા વિષે, એ ગોરા ચહેરાના કાળા પડી ગયેલા હાથ વિષે, એ લખેલાં પાનાંમાં આલેખી દીધેલી બંધ લાગણીઓ વિષે, દરેક પર મુકેલા આંધળા વિશ્વાસ વિષે, એ હાકોટાના જોરે કતલ થયેલા જુસ્સા વિષે, સ્ત્રીના સ્વાભિમાનને અભિમાન કહેનારા અને કદર ના કરનારા લોકો વિષે, ઝગડા વચ્ચે છવાઈ ગયેલા સન્નાટા વિષે, આંસુને રોકવા ઝીણી થઈ ગયેલી આંખો વિષે, એ થઈ ગયેલા કામનો જશ પડતો મૂકતી લાગણી વિષે, એ કાચના ગ્લાસ પર રહી ગયેલા હાથનાં અર્ધપારદર્શક નિશાનો વિષે, ‘ના’ સાંભળવાના મોહતાજ થઈ ગયેલા મન વિષે ….ટ્રોફી બનીને પડેલી સુંદરતા વિષે, અરીસા પર જ રહી ગયેલા ચાંદલા વિષે, ભીડમાં રાખેલા એ મૌન વિષે, એના મનની લાગણીઓનાં પાશ વિષે.. આજીવન વાગતી બેસૂરી શરણાઈ વિષે…કાનમાં વાગતાં રહેતાં ૧૯૯૦નાં ગીતો વિષે…..

વાતચીતમાં એક મિત્રે કીધું કે ત્રણ ટાઇપના માણસ હોય :

૧. જેમને ખબર નથી કે ભવિષ્યમાં શું કરવું.

૨. જેમને ખબર છે એવા લોકો, ડરે છે હારથી.

૩. જેમને ખબર છે અને એમના લક્ષ સુધી પહોંચે છે.

સ્ત્રી નં – ૨.નાં લક્ષણો ધરાવે છે. કદાચ એ ડરતી નથી. અરે…. ૫૮ ડેલના દર્દથી નથી ડરતી, બાળકને જન્મ આપતી વખતે; તો એમ તો શું ડરે…!! પણ… એને રોકવાવાળા હજાર હાથ હોય છે…

રોકનારના હાથથી નહિ, ભર-ભીડમાં લાગતા લાંછનથી એ ડરે છે..

લાગણીઓથી ભીંજાવા કોણ નથી માંગતું ? અડધી રાતના ટકોરા સંભળાવાની જગ્યાએ, જયારે સંભળાય ગળાની નસના ધબકારા, જે ઓશિકા ઉપર કાન છે અને નીચે મોત !

સ્ત્રી સંપૂર્ણપણે નકારાત્મક બની જાય છે, જયારે એ પ્રેમની ભૂખી થાય છે. એને ડર લાગે છે, મરતી વખતે એક પણ સારી ક્ષણ યાદ નહીં આવે તો એ હસતા મુખે નહિ મરી શકે ! આ વાહિયાત સ્થિતિને બદલવા આપણે કંઈ જ નથી કરી શકતાં, એ રોજની તિરસ્કારની ભાવનાથી દૂર નથી રહી શકતાં, જરૂર છે તો ફક્ત પ્રેમ આપવાની…

આનાથી સરળ ભાષામાં કોઈને સમજાવી નથી શકાતું. ખિન્નતા (Depression) અને ચિંતા (Anxiety)નો ભોગ બનતી કેટલીયે સ્ત્રીઓ તેમનાં બરફ જેવાં સ્વજનો જોડેથી ફક્ત હૂંફ ઇચ્છે છે. એ સ્ત્રી કોઈની મોહતાજ નથી. એ ચાહે તો એકલી પણ રહી શકે છે, પણ એના મોત વખતે આંસુ એની નાકની ધાર પાસેથી વહીને ગળાના પરસેવા ભેગાં થઈ જશે !

“આદત પડી છે આંસુને રોકવાની, શરીરનો ચળકાટ દેખાતો જ નથી.

અજાણ્યા લોકોની આંખો અને લાગણીમાં સુખને શોધું છું,

ખબર હોવા છતાં કે સુખ એ મિજાજ છે, ભાગ્ય-મનસૂબો કે અંત નથી …”

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.