સુખની ખેવના

સીતા નદીના કિનારે વસેલું સીતાપુર આખું વનરાજી થી ધેરાએલું નાનકડું ગામ હતું . ઉગતો સુરજ નદીના પાણી સહીત આખાય ગામને પીંછી લઇ સોનેરી રંગે રંગી નાખતો. અને સાંજે આ નટખટ સંધ્યાના પાલવમાં છુપાતી વેળાએ વળી પાછો આ બધાયને કેસરી લાલાશમાં ફેરવી જાતો . પ્રકૃતિ સાથે રાસ રમતા આ ગામની ઉત્તરભાગે આવેલી આંબાવાડીમાં એક બેઠાં ઘાટનું મકાન આવેલું હતું મોહન અને માયાનું આ નાનકડું સ્વર્ગ હતું અને એ સ્વર્ગના સુગંધીદાર બે પુષ્પો હતા કુશુમ અને કર્મ. કુશુમ કરતા કર્મ પાંચ વર્ષ નાનો હતો..ખાધે પીધે સુખી દંપતીનાં પહેલા ખોળાની પુત્રી કુશુમ જે માં બાપના આંખનું રતન હતી ,તે પાણી માંગે તો મોહન તેની માટે દૂધ હાજર કરી દેતો અને માયા તેના પગલે હથેળી રાખતી હતી .

આખો દિવસ એ બાળકી જ્યારે ઝીણી ઝીણી ઘૂઘરીઓ વાળા પાયલ પહેરીને આંબાવાડી માં ઘુમતી રહેતી ત્યારે આંબાની મંજરી આપોઆપ મ્હોરી ઉઠતી, તેની મીઠી કાલી બોલીમાં કેટલીય કોયલ ટહુકી ઉઠતી અને ત્યારે મોહન અને માયા નો સંસાર મહેકી જતો.

ત્યાર પછી કર્મ જન્મ્યો છતાય કુશુમના મન પાણી એવાને એવાજ રહ્યા. એમ કહો કે વધી ગયા "લે જો બેટા બેની આવી ", બેની પણ ભાઈને ખોળામાં લઇ ખુશ થઇ જતી. સુખના સમયને પાંખો બહુ લાંબી હોય છે પલભરમાં દસકો ઓળંગી જાય છે. બસ આમજ બન્યું કુશુમ જોત જોતામાં સત્તર વર્ષની થઈ ગઈ,

" પપ્પા મને શહેર ભણવા માટે જવું છે મને કોમ્યુટર ડીઝાઈનર થવું છે "

" બેટા અહીજ આપણા ગામમાં સાયન્સ ,કોમર્સ કોલેજ છે અહીજ ભણી લે ને બેટા " પપ્પા એ તેને સમજાવતા કહ્યું

" દીકરા તું અહીજ રહીને આગળ ભણજે અમારાથી દુર જશે તો અમે તારા વગર કેવી રીતે રહીશું , તારો ભાઈલો પણ એકલો પડી જશે " મમ્મી એ પટાવતા કહ્યું

મમ્મી પપ્પા મને શહેર જવા દેશો દો તો મારી વધુ પ્રગતિ થશે સાથે મને મારી લાઈફ એન્જોય પણ કરવી છે .પ્લીઝ મને જવા દો! "

"બેની તું અહી નહિ હોય તો હું કોની સાથે કેરમ રમીશ, કોની સાથે સાપસીડી રમીશ " કર્મ તેને રોકતો રહ્યો.

" ભાઈ હું દર વિકેન્ડ અહી આવીશ અને તારી સાથે રમીશ "

આમ બધાના પ્રશ્નોના જવાબ તેની પાસે હાજર હતા , છેવટે તેની જીદ મનાવતા તે પાસેના શહેર વિજયપુર ની ગર્લ્સ હોસ્ટેલમાં રહેવા ચાલી ગઈ ત્યાજ કોલેજમાં તેને કોમ્પુટર ડીઝાઈનર માટે પ્રવેશ મેળવી લીધો હતો .

શરૂવાતમાં દર વિકેન્ડ ઘરે આવતી કુશુમ હવે મહિનામાં એક વાર આવતી હતી કારણ તેને હોસ્ટેલની હવા માફક આવી ગઈ હતી , તેમાય પપ્પા મમ્મી થોડા થોડા સમયે અહી આવી વાપરવા માટે જોઈતા રૂપિયા આપી જતા હતા ,જેથી ભણવા સાથે ફરવાની સારી સહુલીયત રહેતી હતી.

અહી સીતાપુરમાં મોહન અને માયા સતત કુશુમને યાદ કરીને જીવતા હતા.

" મોહન આપણી દીકરીને શહેર ગયાને ત્રણ વર્ષ થઈ ગયા હવે આ બે વર્ષમાં તે તેનું માસ્ટર કરી લેશે પછી સીધી તેને પરણાવવાની વાત શરુ થશે " માયા એ ઉદાસી ભર્યા અવાજે કહ્યું.

" હા માયા વાત તો સાચી છે ,પણ બાળકો તો પંખીના બચ્ચા જેવા હોય છે ,ઉડતા શીખે પછી માળો નાનો પડે છે તેમને ખુલ્લા આભમાં ઉડવું હોય છે અને તેમને આપણેજ એ આભ પૂરું પાડવાનું હોય છે " મોહન માયાને સમજાવતા બોલ્યો.

"જો હવે કર્મ પણ તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન લઇ આગળ વધવા માગે છે તો આપણે તેને પણ ખુશીથી જવા દેવો જોઈએ, તું મારી વાતને સમજે છે ને માયા !" મોહન તેની વાત વધારતા બોલ્યો.

"હા હું બધુય સમજુ છું પણ ક્યારેક એક માં હઠે ચડે ત્યારે તેને સમજાવવી બહુ અધરી થઈ પડે છે " આંખોમાં ભરાઈ આવેલા ઝળઝળિયાં રોકતા તે બોલી

છેવટે તે દિવસ પણ આવી પહોચ્યો કર્મ ભણવામાં સ્કોલર વિદ્યાર્થી હતો ,તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન આંખોમાં ભરી તે પુના મેડીકલ ઇન્સ્ટીટ્યુટ માં દાખલો મેળવી " મમ્મી પપ્પા તમારું ધ્યાન રાખજો, હું તમને દિવસ એકાંતરે ફોન કરતો રહીશ કહીને આકાશમાં ઉડવા પાંખો ફેલાવી ગયો .

હવે આ ગામનું બે રૂમ રસોડાનું નાનું ઘર જે એક સમયે નાનું પડતું હતું તે હવે મોહન અને માયાને મોટું લાગવા માંડ્યું , બસ આ છેલ્લું વર્ષ છે પછી કુશુમનું ભણવાનું પૂરું થઈ જશે ,હવે તેનાં લગ્ન માટે મુરતિયા શોધવા માંડો કહી મોહન અને માયા સગાવ્હાલા મારફતે આવેલા માંગાઓને સ્વીકારવા તૈયાર થયા .પરતું જ્યારે કુશુમને આ વાતની જાણ થઇ ત્યારે તે એક વીકેન્ડમાં ઘરે આવી, આ વખતે એકલી નહોતી આવી તેની સાથે નિહાર હતો જે શહરેમાં તેની સાથે ભણતો હતો.

" મમ્મી પપ્પા આ નિહાર છે તેના પિતાને શહેરમાં પોતાની પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી ફેક્ટરી છે, તે આપણી જ્ઞાતિનો નથી છતાય હું તેને પ્રેમ કરું છું અને હું લગ્ન પણ તેનીજ સાથે કરવા માગું છું "

એક પર જ્ઞાતિ સિવાય છોકરામાં બીજી કશીજ ખોડ નથી , દીકરી રાજી તો આપણે રાજી વિચારી ગજા ઉપરાંત ખર્ચ કરી દીકરીને , "દીકરી તો પારકુ ધન "ગણી સદાને માટે શ્વસુર ગૃહ માટે વિદાઈ આપી ,

કુશુમની હવે તેમને કોઈ ચિંતા નહોતી કારણ તે તેના ઘરે બહુજ સુખી હતી. રૂપિયા પૈસા ની કોઈ ખોટ નહોતી . આમ પણ કુશુમ હવે વધારે સીતાપુર આવતી નહોતી અને આવે તો મને અહી રાત્રે એરકન્ડીશન વિના ઊંઘ નથી આવતી કહી જે કારમાં આવી હોય પાછી વળી જતી

મોહન આ બધું સમજતો હતો કે દીકરી હવે સાચા અર્થમાં પરાઈ થઇ ગઈ છે , પણ એક માં તરીકે માયાને આનું દુઃખ મનમાં રહ્યા કરતુ કે જે દીકરી માટે રાત દિવસ એક કર્યા જેના સુખની ખેવના કરવા પોતાના જીવનનું સુખ નેવે મુક્યું હતું તે આજે માં બાપની ખબર લેવા પણ નવરી નથી થતી.

એકલતામાં વધારે પડતી સંવેદના અને વધતી ઉંમરને કારણે માયાના બેવ પગને આર્થરાઈટસ નાં ભારે હુમલાએ જકડી લીધા , તે રોજીંદા કામ પણ પરાણે કરી શક્તિ હતી ,ઘરકામ માટે કામવાળી આવે નાં આવે તેવા સંજોગોમાં પરાણે ઢસરડા કરી તે જરૂરી કામ પતાવતી . મોહન પણ કશું કરી શકે તેમ નહોતો કારણ આવક કરતા જાવક વધુ હતી ,દીકરીના લગ્નમાં ગજા ઉપરાંત નો ખર્ચ બેન્કની લોન લઈને કર્યો હતો જે દર મહીને ચૂકવવાનો રહેતો , વધારામા કર્મના ભણતર પાછળ સારો એવો ખર્ચ થતો હતો. અને આવક એજ માર્યાદિત ખેતીની હતી જે વરસાદની અછત કે કમૌસમી વરસાદના માવઠાને કારણે રોળાઈ જતી .

તેમાય જ્યારે કુશુમ અહી આવતી ત્યારે વધારાનો ખર્ચ થઈ જતો. મોહન આ બધું સમજતો હતો કે દીકરી હવે સાચા અર્થમાં પરાઈ થઇ ગઈ છે , પણ એક માં તરીકે માયા માટે આ બધું અઘરું હતું કે જે દીકરી માટે રાત દિવસ એક કર્યા જેના સુખની ખેવના કરવા પોતાના જીવનનું સુખ નેવે મુક્યું હતું તે આજે માં બાપની ખબર લેવા પણ નવરી નથી થતી.અને તેને માં બાપની આજની પરિસ્થિતિ વિશે પણ કોઈ ચિંતા નથી .

" માયા તું નકામો જીવ બાળે છે ,આપણે ક્યા દીકરીનું ખાવા માટે તૈયાર છીએ પછી શું કામ બધું વિચારી શરીર બગાડે છે "

" માં મારે તો દીકરીના ઘરનું પાણી પણ હરામ છે , બસ દુઃખ એક વાતનું છે કે તેને આપણી આ એકલતાની સ્થિતિમાં બે દિવસ અહી રોકાઈને આપણનેલાગણીનો સહારો પણ આપવો નથી, કારણ અહી રમીને મોટી થયેલી તે હવે નાના ઘરમાં ગોઠવાઈ નથી શકતી " માયા હૈયા વરાળ કાઢતી...

"કઈ નહિ હવે કર્મ નું આ છેલ્લું વર્ષ છે પછી શાંતી રહેશે" . મોહન મન મનાવતો.

કર્મના ડોક્ટર બન્યો અને તેની આ ખુશીમાં સામેલ થવા માયા અને મોહન પુના ગયા ત્યારે કર્મે એક દિલ્હીની પંજાબી યુવતી પરમીત કૌર સાથે તેમનો પરિચય કરાવ્યો

" મમ્મી પપ્પા આ પરમીત છે "પમ્મી " હું અને પમ્મી એક બીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ

"તમને હું આ સરપ્રાઈઝ આપવા માગતો હતો હું જાણતો હતો કે તમે મારી ખુશીમાં ખુશ થવાના આવ પમ્મી મમ્મી પપ્પાને પગે લાગ " કહી મોહન અને માયા કઈ પણ વિચારે તે પહેલા બંને તેમને પગે લાગવા આવી પહોચ્યા .

" પણ કર્મ મને આ બાબતે તારી સાથે વાત કરવી છે કહી માયા બાજુના રૂમમાં ચાલી ગઈ

" કર્મ પંજાબી છોકરી સાથે લગ્ન ની હા નથી પાડવાની કારણ તેમની રહેણી કારણી આપણા કરતા સાવ અલગ હોય છે ,તે આપણી સાથે કેવી રીતે એક થઇ શકશે ?

જુવો મમ્મી તું જે વાત કરે છે તે આજના જમાના પ્રમાણે જુનવાણી ગણાય , અને આમ પણ મને અને પમ્મીને સાથે અહીની હોસ્પીટલમાં માં જોબ મળી રહી છે। પુના એટલે સુંદર શહેર જે મને પણ ગમે છે માટે તેને ક્યા ત્યાં રહી આપણી રહેણી કરણી સાથે ચાલવાનું છે। મમ્મી પ્લીઝ મારી ખુશી માટે હા કહી દે"! કર્મ સમજાવતો બોલ્યો

"ભાઈ જેવી તારી મરજી ,તું ખુશ અમે ખુશ બસ ચાલો હવે બહાર જઈએ " કહી મોહન તેમને બહાર લઇ આવ્યો.

તે સાંજે આજ ફંકશન માટે આવેલા પરમીત ના માતા પિતા સાથે બધાની એક ટુંકી મુલાકાત ગોઠવાઈ ગઈ અને બસ તેના થોડાજ સમયમાં ના દિલ્હી ના ગુજરાત અહી પુના ખાતે સાદાઈ થી તેમના લગ્ન થઇ ગયા.

હા લગ્ન પછી નોકરી ઉપર હાજર થતા પહેલા એક અઠવાડિયું કર્મ અને પરમીત નાનકડાં ગામ સીતાપુર રહેવા આવ્યા આ દરમિયાન પમ્મી ભાગ્યું તૂટ્યું ગુજરાતી બોલતા શીખી ગઈ તેની હિન્દી પંજાબી મિશ્રિત ગુજરાતી એક મીઠી ભાષામાં બદલાઈ ગઈ હતી , રૂપાળી પમ્મી અહી આજુબાજુ બધાને પ્રિય થઇ પડી હતી.

"પાપાજી મેં આપકી ચાય બનાવી લાવી છું , મમ્મીજી આપ બેસ જાઓ મેં સબ કામ કરૂ છું "

"જો માયા કેટલી ડાહી વહુ છે તારીહાવે તું ખુશ છે ને "? મોહન પૂછતો

" હવે આ તો થોડા દિવસ રહેવાનું એટલે બધુજ સારું લાગે , ગુજરાતી છોકરી હોત તો તેની સાથે કાયમ રહેવાનું સદ્ભાગ્ય મળત. હશે છોકરી સારી છે અને દીકરા માટે ખુશ છું " માયા જવાબ આપતા બોલી

કર્મ અને પમ્મીને મળવા આવેલી કુશુમ રાત્રે પાછી તેના ઘરે જવા વળી ત્યારે પમ્મીએ તેને રોકતા કહ્યું

" બેની આજ રાત યહી રુક જાઓ કાલ ચલે જાના "

" નહિ જાના પડેગા સસુરાલને બહોત કામ હૈ , ઓર વૈસે મુજે યહાં આદત નહિ હૈ જગહ બદલ જાતી હૈ તો નીંદ નહિ આયેગી " કહી મોડી રાત્રે પણ તે વિજયપુર પાછી વળી ગઈ.

રજાઓ પૂરી થતા કર્મ અને પમ્મી પુના જવા પાછા ફર્યા ,જતા જતા પમ્મી કહેતી ગઈ

" મમ્મીજી , પાપાજી આપ દોનો જરૂર આના ,વો ભી આપકા ઘર છે "

વર્ષ નીકળી ગયું, કર્મે પુનામાં નાનકડું પોતાનું ઘર બનાવી લીધું. માયાની તબીયત વધારે તકલીફ ભરી બની ગઈ હતી આથી દીકરા અને વહુના બહુ આગ્રહ થી મોહન અમે માયા થોડા દિવસ પુના રહેવા પહોચી ગયા. તેમના પુના આવવાથી કર્મનું ઘર ખુશીઓ થી ભરાઈ ગયું હતું

હવે માયાને પમ્મી સાથે સારું બનતું હતું , પમ્મી અને કર્મ હોસ્પિટલ ચાલ્યા જતા , શરૂવાતમાં પમ્મી સવારે ગમે તેટલી ઉતાવળમાં હોય છતાં પણ બધા માટે નાસ્તો બનાવીને જતી અને સાંજે પણ આવીને સીધી રસોડું સંભાળી લેતી. માયા જોતી હતી કે આ પંજાબી છોકરીને તેની બહુ ચિંતા હતી તે તેની દવા તેલની માલીશ વગેરેનું કાળજી પૂર્વક ધ્યાન રાખતી હતી. તેની સારવાર ને કારણે માયા ઝડપથી સારી થતી જતી હવે ,દુઃખાવો ઘણો ઓછો થઇ ગયો હતો ,આનો લાભ હવે પમ્મીને થવા લાગ્યો.

" પમ્મી દીકરા હવે તું ખાવા બનાવીને ના જઈશ હું બનાવીશ " બસ થોડા દિવસ પછી મોહનને ખેતીના કામ અર્થે પાછા ગામ જવાનો સમય આવી ગયો ,

" કર્મ મારે બે ચાર દિવસમાં પાછા જવું પડશે ,ખેતરમાં અનાજ વાવવા નો સમય થઇ ગયો છે "

" પપ્પા મમ્મી અહીજ રોકાઈ જાવો તો કેવું? હવે મમ્મી ને પણ અહી બહુ સારું રહે છે " કર્મ બોલ્યો

" બેટા મારે હવે નિવૃત્તિ જેવુજ છે બસ તારી મમ્મી કહે તેમ કરીશ " આ સાંભળી પમ્મી બોલી

" મમ્મીજી આપ યહી રુક જાવ , મુજે ભી આપ યહા હૈ તો અચ્છા રહેતા હૈ ". આ બધું સાંભળતાં કોણ જાણે માયાને કુશુમ યાદ આવી ગઈ , તેણે લાગલું પૂછી લીધું

" પમ્મી બેટા અગર તારી માં પાપાજી અહી આ જાયે તો તું ક્યા કરેગી "?

" મમ્મીજી વૈસે તો વો વહા ખુશ હૈ ભાઈ કે સાથ ,અગર અહી આવવનું કહે તો અમે પ્રેમ થી રાખીશું , જૈસે મેં આપકી બેટી હું કર્મ ઉનકા બેટા હૈ " .

આટલું સાંભળતાં માયાએ કુશુમને ફોન જોડયો " કુશુમ બેટા અમે થોડા દિવસ ગામ આવીએ છીએ આ વખતે બધું સમેટી કાયમ માટે અહી પુના રહેવાના છીએ. સામે થી જવાબ આવ્યો " મમ્મી ભાઈ-ભાભી બીઝી રહે છે તમને ત્યાં કેવી રીતે ગમશે અને અહી રહો તો હું આવતી જતી રહું ત્યાં .....

તેને આગળ બોલતા અટકાવી માયા બોલી " બેટા ચિંતા નાં કરીશ અહી મારી દીકરી છે સુખની ખેવના કરવા , બસ હું ખુશ છું મારી બંને દીકરીઓ તેમના સાસરાને દિલથી અપનાવી સુખી છે ".

આ સાંભળી મોહન સહીત બધાના ચહેરા ખુશી થી છલકાઈ ગયા. બરાબર આજ સમયે પુનાના આ નાનકડાં બંગલાના બગીચામાં આવેલા આંબા ઉપર કોયલ ટહુકી ગઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.