પથારીમાં છેલ્લી ઘડીઓ ગણતા બાપાએ છેલ્લે સુધી હાથમાં દાબી રાખેલો સિક્કો ચુમીને નીલની નાની દીકરી નિયતીને આપ્યો,નિયતીએ પણ સિકકાને જાણે કોઈ પારસમણી હોય એ રીતે હાથમાં દાબી લીધો! નીલની પત્ની નયના વિફરી કે મોટાના દીકરાને સોનાની ઘડિયાળ અને મારી દીકરીને એક તાંબાનો વગર છાપનો સિક્કો?

આખું જીવન બાપાની સેવા કર્યા બાદ વળતર રૂપે નીલને મોટાભાઈ જોડે બાપાની સંપત્તિનો કેસ ભેટ સ્વરૂપે મળ્યો.બાપા સાથે રહીને દુકાન સંભાળી અને મોટાભાઈની એમ.બી.એની ફી ભરી એટલે ખુદ ન ભણી શક્યો,કરીયાણાના હિસાબો તો બરાબર કરતો પણ સબંધોના હિસાબ કરવામાં થાપ ખાઈ ગયો,પરિસ્થિતિ બદલાતા માણસો પણ બદલાઈ જાય એ એક નબળા વિદ્યાર્થીની જેમ સમજી શક્યો નોહતો અને……કેસ હાર્યો!

બાપાની વિદાય અને તેમની સંપત્તિનો કેસ હાર્યાનો સઘળો ભાર લઈને નીલ બાલ્કનીમાં ઉભો રહી ક્ષિતિજને નિહાળી રહ્યો હતો,પોતાની ધુંધળી તર્કરેખાઓ વડે ભવિષ્યનું ચિત્ર ચિતરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ જેમ કબુતર ફરી ફરીને એની જગ્યા પર જ આવે તેમ એકનો એક પ્રશ્ન તેના મગજમાં ફરતો હતો કે આટલી બધી સેવા કર્યા બાદ પણ બાપાએ મને માત્ર તાંબાનો સિક્કો જ આપ્યો ? એ પણ વગર છાપનો! આવું કેમ?

નીલે તેની દીકરી નિયતીને બોલાવી તે સિક્કો માંગ્યો,તેને આગળ પાછળ પલટયો,સોની પાસે તપાસ કરાવી પણ મારુ બેટું કંઈ હતું જ નહીં સિક્કામાં!

રવિવારની સવારે દુકાને જતા પેહલા નિયતી કકડી

“પપ્પા મને પેલો સિક્કો મળતો જ નથી!”

“કયો બેટા?”

“પપ્પા પેલો દાદાએ આપ્યો નોહતો!”

કબુતર ફરી આવી બેઠું...નીલ થંભી ગયો, બીજે દાણા નાખી ઉડાડયું…

“મળી જશે બેટા…છેલ્લે ક્યાં મુક્યો હતો તે?”

“પપ્પા હું એને કશેય મૂકતી જ નથી! હાથમાં જ રાખું છુ!”

“તો પછી કેવી રીતના ખોવાઈ બેટા?”

“અરે હા પપ્પા…ગાર્ડનમાં કાલે રમતી વખતે પ્રેમને વાગ્યું હતું ત્યારે એના આંસુઓ લૂછતી વખતે એ સિક્કો મેં હાથમાંથી કશે મુક્યો હતો…”

“તો બેટા ગાર્ડનમાં જ જોને”

“નથી મળતો પપ્પા !..જાણે ગાયબ જ થઇ ગયો !”

નયના નીલનું તૈયાર થયેલું ટિફિન ટેબલ પર મૂકે છે અને નીલ દુકાને જવા નીકળે છે.અરે હા! દુકાન પરથી યાદ આવ્યું કે દુકાનનું દેવું ચૂકવવા માટે મોટાભાઈ પાસે જયારે નીલે ઉધાર રૂપિયાની આજીજી કરી ત્યારે ભાઈએ ઘસીને ના પાડી દીધી! એ પણ અંગ્રેજીમાં! “સો સોરી !”.મોટાભાઈની આવી મહેરબાનીના લીધે ઘર પર લૉન લઈ,ગાડું ગબડાવ્યું પણ રહી રહીને કબુતર આવીને બેસી જ જતું…તાંબાનો વગર છાપનો સિક્કો ? આવું કેમ!

બીજે દિવસે વહેલી સવારે ઉઠેલો નીલ રોજની જેમ ઘરની બાલ્કનીમાં કોફીનો કપ લઈને ક્ષિતિજ તરફ જોઈ રહ્યો હતો,કેવી રીતના હપ્તા પુરા કરવા? દુકાનનું દેવું ક્યારે ચુકતું થશે? આ બધા પ્રશ્નોમાં કોફીની ચુસ્કીઓ પુરી થઇ ગઈ.એ જયારે અંદર તરફ વળે છે ત્યારે એને અચાનક ગાર્ડનનાં ડાબા ખૂણામાં કશુંક ચળકતું દેખાઈ છે!...ડાળીઓ લીલી જેવી પણ પર્ણો ગોળ ચમક ચમક! થોડીવાર સુધી એને જોયા કરે છે પણ હશે કંઈક એમ વિચારી રોજની જેમ એ દુકાને જવા નીકળે છે અને સાંજે આવે છે ત્યારે નાનકડી નિયતીના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો જોઈને તેને પૂછે છે,

“બેટા આ સિક્કો ક્યાંથી મળ્યો?”

નખરા કરતી નિયતી બોલે છે,

“નથી કેહવું પપ્પુ”

“બોલ બેટા ક્યાંથી મળ્યો?”

“મમ્મીએ આપ્યો!”

“નયના આ નિયતીને તે પાંચનો સિક્કો આપ્યો?”

નયના વહી “ના ના મેં નથી આપ્યો! અરે મારી પાસે તો છુટ્ટા જ નથી પેલા શાકભાજીવાળા પાસે કોથમીર લેતી વખતે પણ પચાસની નોટ જ આપી! એ પણ મજાક ઉડાવતો હતો કે પાંચ રૂપિયાની કોથમીર માટે….”

કોઈ શ્રોતા ભાષણની વચ્ચેથી સરકી જતું હોય એમ નિયતી પણ ત્યાંથી…પણ અચાનક કાર્ટૂન જોવામાં વ્યસ્ત એવા પ્રેમને શું થયું કે પપ્પાને કશુંક કહેવાનો પ્રયત્ન કરવા લાગ્યો જેમાં નિયતીએ પાછળથી આવીએનું મોઢું દબાવી દીધું ,નિયતીનો હાથ ખેંચી નયનાએ બાજુએ લીધી ને પ્રેમ બોલ્યો,

“પપ્પા પપ્પા મને ખબર છે !ગાર્ડનમાં ચાલો! તમને કહું પાંચનો સિક્કો ક્યાંથી મળ્યો...”

નિયતી ખખડી,

“બોલી દીધું ચાંપલાએ!”

નીલનો હાથ ખેંચીને પ્રેમ ગાર્ડનના ડાબા ખૂણામાં તરફ લઇ ગયો, પગલાં… પગલાં ને….આ શું? એક આખે આખું ઝાડ ઉભું હતું ,નીલ આ જોઈ સ્તબ્ધ થઇ ગયો કારણકે ગાર્ડનમાં એમણે કોઈ ઝાડ વાવ્યું જ નોહ્તું તો આ ઝાડ? અંધારામાં નીલ આગળ વધ્યો, ત્યાં ઝાડ નીચે કશુંક પડેલું દેખાતું હતું ,હાથમાં લીધું તો….પાંચસોની નોટ! એ પણ નવી! પછી ધીરે રહીને ઉપર જોયું તો એવી સેંકડો નોટો ડાળીયો પર લાગેલી હતી અને સાથે ફળનું સ્થાન લેતા વચ્ચે વચ્ચે સિક્કાઓ પણ ખરા! નયના તો ઘેલી ઘેલી થઇ ગઈ! થડને કંકુ ચોખા કરી ત્યાં નારિયેળ વધેર્યું,કોઈ જોઈ ન જાય તેની સતર્કતા માટે નીલ ત્યાં ઝાડની નીચે જ પથારી કરીને સુઈ ગયો…સૂતો સૂતો તે જોતો હતો...તાંબાના રંગની ડાળી પર લાગેલા સિક્કાઓ…પાંચસોની સેંકડો નોટો…અને નોટોની વચ્ચેથી ચમકતો કિસ્મતનો ચાંદો!

નોટોનું આ ઝાડ આવવાથી પેલું કબુતર જાણે કાયમ માટે ઉડી જ ગયું!,કરીયાણાનું દેવું ચૂકતે! ઘર પરની લૉન ચૂકતે! નીલ હવે નીલ પ્રજાપતિ નહિ પરંતુ નીલ કરોડપતીના નામથી ઓળખાવવા લાગ્યો! રાતોરાત કરોડપતિ! ‘નિયતી ગ્રોસરી માર્ટ’ શરૂ કર્યું અને પેલા ઝાડને કોઈ જોઈ ન જાય તે માટે બાજુની જમીન ખરીદી ‘ગેસ્ટ હાઉસ’ બનાવડાવ્યું, મહેમાનને મળવાનું તથા ધંધાના બધા જ વ્યવહારો તે ત્યાંથી જ કરતો…

એક દિવસ નીલની રિસેપ્શનિસ્ટે તેને એક ફોનકોલ ડાયવર્ટ કર્યો…નીલ બોલ્યો,

“હેલો નીલ પ્રજાપતિ સ્પીકિંગ”

પ્રત્યુત્તર “ગિરીશ પ્રજાપતિ ફ્રોમ યુ.એસ”

મોટાભાઈનો અવાજ લાંબા સમયબાદ સાંભળી થોડો કડવો-મીઠો થયેલો નીલ બોલ્યો,

“હા બોલો કેમ છો? ”

મોટાભાઈએ અવાજને જરા ધીરો અને કરુણ ઇફેક્ટ આપતા કહ્યું,

“ એકદમ મજામાં! પણ…નીલ”

“હા બોલો બોલો પણ શું?”

“પણ નીલ..હું રાતોરાત પાયમાલ થઇ ગયો છુ… આ ડિમોનેટાઇઝેશનની તો એસી કી તૈસી!”

નીલને કોર્ટનો ચુકાદો અને “સો સોરી” બરાબર યાદ હતું છતાં દિલ મોટુ રાખી પૂછ્યું,

“તો હું તમારી કઈ મદદ…”

“હા નીલ! મને પેલા કેસ માટે માફ કરી દે પ્લીઝ નીલ!”

“અરે છોડો એ બધું…તમારો એકાઉન્ટ નમ્બર બોલો…”

નીલે તેમનો એકાઉન્ટ નંબર માંગી તેમાં પૈસા જમા કરાવી દીધા,સાથે મોટા ભાઈએ આ દિવાળીએ ઘરે આવવાંનું વચન આપ્યું જેમાં નીલે ખચકાટ સાથે હામી ભરી.

કેલેન્ડરમાં ઓક્ટોબર મહિનો શીર્ષસ્થાને આવ્યો અને લાલ રંગની તારીખ આવી ચૂકેલી .નિયતી અને પ્રેમ બહાર ફટાકડા ફોડતાં હતા ત્યાં જ મોટા ભાઈની ગાડીનો અવાજ સંભળાયો,નીલ ઝડપથી દોડીને બહાર આવ્યો અને ગેટની બહારથી જ મોટાભાઈને બાજુના ગેસ્ટ હાઉસ તરફ વળ્યાં.ગેસ્ટ હાઉસમાં સામાન મુકતા ગિરિશભાઈને ખબર પડી ગઈ કે આ નાનો મારાથી કઈ છુપાવે છે! આમ આવી રીતના બારોબાર ધકેલી દીધા? , જોકે થાકેલા હોવાના કારણે ભાઈ સાથે પ્રવાસની વાતો કરી સુઈ ગયા પણ રાતનાં બરાબર બારના ટકોરે ઉભા થઇ ઊંઘતા વોચમેનને હાથતાળી આપી ગેટ ખોલી પ્રવેશ્યા,ઘરની લાઈટ ચાલુ હતી તેથી અંદર તરફ વળ્યાં પણ અચાનક જ નજર ગાર્ડનની ડાબી બાજુના ખૂણા પર પડી, તે પડી! દૂરથી તે રાતના અજુગતું લાગતું હતું પણ પાસે જતા મોટાભાઈને સમજાયુ કે નીલ પ્રજાપતિ રાતોરાત નીલ કરોડપતિ કેવી રીતના બન્યો!

ધનતેરસની સવારે ગેસ્ટ હાઉસમાં નીલ લક્ષ્મીપૂજા માટે મોટાભાઈની રાહ જોતો હતો ત્યાં જ એકીસાથે બે-ત્રણ ગાડીઓ ગેટ આગળ આવવાનો અવાજ સંભળાયો,નીલ ગભરાયો... બહાર દોડ્યો અને આ શું?....

ઇન્કમટેક્સ! ઇન્કમટેક્સને કોને જાણ કરી હશે? નિયતી ગ્રોસરી માર્ટ? .ગાડીમાંથી ઇન્કમ ટેક્સનો ઓફિસર ઉતર્યો સાથે મોટાભાઈ પણ ગાડીના પાછલા બારણેથી ઉતર્યા.ઓફિસરે નીલને પૂછ્યું,

“નીલ પ્રજાપતિ?”

“યસ સરરર! તમારી કઈ મદદ કરી શકું?”

“હા ચોક્કસ!”

(મોટાભાઈ સામે જોઈ ઓફિસર બોલ્યો)

“તમારા વિરુદ્ધ એક વિચિત્ર ફરિયાદ છે અને એના માટે તમારા ગાર્ડનની તલાશી લેવી પડશે!”

મેળવેલું સઘળું એક જ પળમાં ગુમાવી દેવાની વાતને વિચારતા તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો.ગેટની વચ્ચે ઉભો રહી તે બોલ્યો,

“જી નહિ આ મારુ ગાર્ડન છે અને તમેં મારી પરવાનગી વગર...”

ઓફિસરે તેને ધક્કો માર્યો અને મોટાભાઈ આગેવાની કરી ઓફિસરને પેલા ઝાડ તરફ દોરી જતા હતા, ગેટ ખોલ્યો, ગાર્ડન પ્રવેશ,ઘાસ શરૂ,ડાબો ખૂણો….પગલાં પગલાં ને….આ શું? ઝાડ ગાયબ ! ગિરીશભાઈ થંભી ગયા! ઓફિસરને ઝાડનું વર્ણન કરતા રહ્યા અને ઓફિસરે એમની વાતને ‘ઝાડમૂળ’થી નકારી,ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખોટી માહિતી આપવા બદલ તથા નીલ પ્રજાપતિના માનહાનીના કેસમાં અરેસ્ટ કર્યા અને તેમને ખેંચીને ગેટની બહાર લઇ ગયા…..

નીલ અને નયના સ્તબ્ધ હતા,ત્યાં જ નિયતીને કશુંક જડી ગયું હોય તેમ તે પેલા ખોવાયેલા ઝાડની જગ્યા તરફ ગઈ, ત્યાં નીચે પડેલી એક વસ્તુને હાથમાં દબાવી દોડીને નીલ પાસે આવીને બોલી,

“પપ્પા સિક્કો મળી ગયો!”

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.