મૂળ લેખક : શીતલ દેસાઈ

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : શીતલ દેસાઈ


મેં જેવી બી.કોમ.ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી કે હું સહુને માટે ચર્ચાનું કારણ બની ગઈ. લાગતાં વળગતાં સહુ માટે ચિંતાનો વિષય બની ગઈ.મારાં કુટુંબીજનો મારાં માટે યોગ્ય મૂરતિયો શોધવા માટે સજ્જ બન્યાં. એમ તો અમે કાકા, મામા,ફોઈ કે વેવાઈ બધાં એક છાપરા નીચે રહેતાં નથી પણ ભારતીય સંયુક્ત કુટુંબની સંસ્કૃતિનું લોહી અમારા સહુની નસોમાં વહે છે.તેથી અમારા ખાનદાનની પ્રત્યેક વ્યક્તિ-ચાહે તે યુ. એસ.માં રહેતી હોય કે નાના ગામમાં-સહુ મોસાળમાં તથા પિતરાઈ સાગમટે એક જ કામમાં લાગી ગયાં-મારાં માટે ‘સુ-વર’નો શિકાર કરવાનું .તેમના આ પ્રોજેકટ માં તેમના મિત્રો,શુભેચ્છકો જ નહીં પરંતુ વેવાઈ-વેવાણ બધા જ મદદ કરવા તત્પર હતાં. એક દિવસ ડેડીના કઝીનનો ફોન લંડનથી આવે તો બીજા દિવસે દીદીની નણંદની જેઠાણીનો ફોન આવે.કે માં ના ૮૦ વર્ષ ના સુલુ માસી નો. શાનાં માટે જાણો છો? અલબત્ત તેમનાં મિત્ર કે સાળો કે પાડોશી નો દીકરો ઉંમરલાયક હોય અને તેમની દ્રષ્ટિએ મારા માટે સારો મૂરતિયો હોય.તેથી જ સ્તો!

સવાર સવારમાં ચા સાથે છાપું વાગોળતાં ડેડી હવે સૌથી પહેલાં મેટ્રીમોનીયલનું પાનું જુએ છે. રાજકારણ ની ઘટનાઓ માં તેમને પહેલાં જેટલો રસ નથી રહ્યો. તેમનો ક્રિકેટ-ફીવર તો સાવ ઘટી ગયો છે અને સટોડિયાઓને ભાંડવાનું તો ભૂલી જ ગયાં છે.અર્જુનનાં લક્ષ્ય-વેધની જેમ તેમનું ધ્યાન માત્ર માછલીની આંખ જેવી લગ્નની જાહેર ખબર પર જ છે.મા પણ સૌથી પહેલાં પૂર્તિ ની વાર્તા કે અથવા સ્ત્રી સૌંદર્ય કે પતિ ને ખુશ કેઇ રીતે રાખવો? કે પછી વધેલી રોટલી નાં ગુલાબ જાંબુ બનાવવાની ટીપ્સ નાં બદલે ‘લગ્ન વિષયક’ જાહેરાત જુએ છે. પહેલાં તો મા સૌથી પહેલાં અવસાન નોંધ વાંચતી અને પછી લાંબો નિસાસો નાંખે-‘કોઈ જાણીતું નથી’ આજે પણ તે નિસાસો નાંખે છે-‘લગ્ન વિષયક જાહેરાત’ જોઈ ને-‘અરે, કોઈ ઢંગ નો નથી.’ અને આ પ્રકારની ‘વોન્ટેડ’ વાંચીને મને હસવું આવે છે.દરેક વ્યક્તિ-પોતાનાં રંગ,રૂપ,ગુણ,વ્યવસાય, કેરિયર કે કલ્ચર ગમે તે હોય-એવી કન્યાની શોધમાં છે જે ‘સ્માર્ટ, સુશીલ,.સુંદર,સંસ્કારી, શિક્ષિત,ઘરરખ્ખું.....’ હોય. હું અલબત્ત રૂપાળી ન કહેવાઉં પરંતુ નમણો ચહેરો,કોન્વેન્ટ એજ્યુકેશન,બોલવા ચાલવાની સ્માર્ટનેસ, પ્રસંગોપાતના મેક-અપથી આ જંગ જીતી જાઉં એવો ડેડી-મોમને વિશ્વાસ છે.


અને આ રણમેદાનમાં પહેલો સૈનિક પ્રવેશ્યો તે એક બેન્કનો ક્લાર્ક હતો જેના ઓફિસર થવાની ઘડીઓ ગણાતી હતી. એક આશાસ્પદ અને ઉજ્જવળ કારકિર્દી તેની રાહ જોતી ઉભી હતી. અને એક એક શબ્દ છૂટો પડી ભાર દઈ ને ચીપીને બોલતો હતો અને સફાઈબંધ ,ઈસ્ત્રીદાર કપડાં- મને થયું તેનામાં ટીપીકલ ઓફિસરના બધાં જ લક્ષણો મોજુદ છે.

‘હું દહેજમાં માનતો નથી.’તેણે કહ્યું.

‘વાહ!’ કહું તે પહેલાં તો તેણે કહ્યું: ‘જો કે મારી પત્ની કમાતી હોય તે સારું.’

મને ખબર ન પડી કે આ માણસ દહેજ નો ઇન્કાર કરી ને સ્ત્રી-સમાનતામાં માનતો હતો કે લાઈફ લોંગ દહેજમાં?

એટલે તેનાં નામ પર મેં ચોકડી મારી. જે બાબત થી ઘરનાં લોકો નારાજ થઇ ગયાં.

ત્યાં બીજા એક સોફ્ટવેર એન્ગીનીયારની ડીગ્રી અને ધમધમતો બિઝનેસ ધરાવતા છોકરાથી સહુ અંજાઈ ગયાં.

‘નાની ઉમર,જમાવેલો બિઝનેસ અને વળી ઉચ્ચ શિક્ષણ-જો કોઈ એને ના પાડે તો તે મૂરખ જ ગણાય...’ એબધા એ મારા પર આડકતરી રીતે દબાણ કરી જ દીધું.

સાચે જ છોકરો સુંદર અને સ્માર્ટ હતો. પણ મુલાકાત દરમ્યાન એ સ્માર્ટીએ મને તેનાં શોખ કે રસ-રુચિ વિશે પૂછવાનું તો દૂર મને કાંઈ બોલવાની તક જ ન આપી.

‘મને તો સ્માર્ટ,ઇંગ્લીશ સ્પીકિંગ છોકરી જોઈએ જે મારાં સામાજિક સર્કલમાં મિક્સ થઇ જાય.અને સાથે ઘર પણ સંભાળી શકતી હોવી જોઈએ.સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે તે મને બિલકુલ પસંદ નથી-યુ સી..એમ પણ આપણને તેની જરૂર પણ નથી. આપણો સારો ચાલતો ધંધો છે, ગાડી છે, બંગલો છે...’એક ક્ષણ મારી સામે જોઈ તેણે સ્વગતોક્તિ આગળ ચલાવી.

‘એ કેવું લાગે કે પત્ની મો..ટી પર્સ લઈને નોકરી કરવાં નીકળી પડે અને બિચારો પતિ ઘરમાં ઓફીસ જવા માટે પોતાનાં રૂમાલ અને મોજાં શોધતો હોય...’

‘હહં ..તો પત્ની તરીકેનું સૌથી અગત્યનું કામ પતિદેવના મોજાં શોધવાનું છે જેથી તે બિચારો ઘર ની બહાર કમાવા જઇ શકે. ’ મને બ્રહ્મજ્ઞાન થયું.આ વ્યક્તિને મોના અને મણિબેન બંને એક સાથે જોઈએ છીએ.તેથી આ ભણેલા અભણને મેં ના પાડી ત્યારે સહુ ગિન્નાયા.દાદીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.

‘મૂળે છોડી, તારે નખરાં જ કરવા છે- બીજું શું?’તને ખબર નથી તારે શું જોઈએ છીએ.નોકરી કરવા દે તો ના, ન કરવા દે તોયે ના.’

દાદીને કેમ સમજાવું કે સવાલ નોકરી કરવાનો કે ઘરમાં રહેવાનો નથી.મારી જિંદગીનો નકશો પોતાની મરજી પ્રમાણે દોરવા માંગતા મુરતિયાઓ મારી ઈચ્છા જાણવાની પણ દરકાર ન કરે તેનો છે.’

બીજા એક મુરતિયાની કલાજગતમાં નામના થતી જતી હતી. સહુની સમજાવટથી આ કલાકાર વિશે મેં ‘પોઝીટીવલી’ વિચારવાનું નક્કી કર્યું.તેઓશ્રી તેમની કલાદ્રષ્ટિ ને પારખી ને પ્રશંસા કરી શકે તેવાં ‘ગુણી’ જન એટલે કે સાથી ની શોધમાં હતાં. અમારા દિવાન ખંડ ની ભીંતે લટકતાં કેનવાસ પાર દોરેલાં ‘મોર્ડન આર્ટ’નાં ચિત્રોને તેમણે કેટકેટલાં અર્થઘટનો આપ્યા.જેમાનું એકે ય મને ન સમજાયું. તે સમજવાની મેં ખરા દિલથી કોશિશ કરવાં છંતા તેમાં કોઈ ગંભીર ,ગહન અર્થછાયા દેખાવા નાં બદલે મારા માટે તે આડેધડ લીસોટા જ રહ્યાં.તેનાં લાંબા વિખરાયેલાં વાળ જોઈ મને તે બાંધીને ચોટલી વાળી દેવાનું બહુ મન થયું. પણ કોઈ ‘ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે; વિખરાયેલાં વાળ તમારાં કેવાં અસ્તવ્યસ્ત છે’ જેવું કાવ્ય ન જ સ્ફૂર્યું.તેમાં વળી લાંબુ, ઢીલું કુરતું અને અભોટાઈ ગયેલું, જેનો મૂળ રંગ કયો છે તે ખબર ન પડે તેવું જિન્સ, હવામાં તાકીને વાત કરવાની શૈલી (જે ગમે તે વિષય પર શરૂ થઈને ગમે તે વિષય પરપૂરી થાય)-આ બધાની હું પરાણે પ્રયત્ન કરીને પણ કદર ન કરી શકી.મને લાગ્યું કે ‘આર્ટ ઇઝ નોટ માય કપ ઓફ ટી’.કલા મારા બસની વાત નથી. જોકે સારી વાત એ હતી કે આ મહાશયના દીદાર જોઈને ઘરમાંથી કોઈએ મારા નિર્ણય માટે ટીકા કરવાનું માંડી વાળ્યું હતું.

કલા ફરી બીજી વાર–જરા જુદા રૂપે મને નડી.આ મહાશય સ્વયં કલાકાર ન હતાં પણ તેઓ કલાકાર સહચારિણી ની શોધમાં હતાં.કદાચ પોતાનાં કલાગત કૌશલ્યનાં અભાવની પૂર્તિ કરવા માટે હોય.કે પછી દુનિયા ને ‘દેખાડી’ દેવા માટે!

‘તમે ગાઈ શકો?’એમના તરફ થી થયો પ્રશ્ન નં.૧.

‘હા, બધાની જેમ બાથરૂમ-સિંગર ખરી.’તેને આઘાત લાગ્યો, પણ પ્રશ્ન ચાલુ રાખ્યા.

‘ડાન્સિંગ જાણો છો?’

‘હાસ્તો.. આજકાલ બધી જ છોકરીઓને ડાન્સ આવડે.નવી ફિલ્મ આવી નથી કે તેનો ડાન્સ સહુ કરવા માંડે...પાંચ વર્ષની છોકરી પણ બુગીવુગી ના સપના જોતી હોય છે.’હું ખડખડાટ હસી પડી.

‘તે નહિ.શાસ્ત્રીય નૃત્યની વાત કરું છું.’તેનાં અવાજમાં હતાશાનો રણકાર વર્તાતો હતો.

‘હા, જોવું ગમે.ખાસ તો તે નર્તકી ની નાચતી આંખો બહુ ગમે. પણ તે કથકલી છે કે કથક તે ખબર ન પડે. જોકે તે તો શીખી જઈશ. તમને તો ઊંડો અભ્યાસ હશે ને?’

‘હેં! ના ના..’તેઓ થોથવાયા.

‘અચ્છા..કઈ નહિ .તબલાં વગાડતાં તો આવડતા હશે જ ને?

‘ના પણ કેમ?’ તેઓ પ્રશ્નકર્તા ના આ અચાનક ‘રોલ-રિવર્સલ’થી જાણે લોહીલુહાણ થઈ ગયાં.

‘હું ગાઉં કે નૃત્ય કરું તો કોઈ તબલચી તો જોઈએ ને?’ આ અણધાર્યો ‘એટેક’ જીવલેણ નીકળ્યો.તેઓએ ‘આવજો’ કહ્યા વિના જ ચાલતી પકડી. આમ કલા એ બીજો ભોગ લીધો.

ત્યાર પછીનો કિસ્સો ‘મઝાનો’ હતો. ‘બેઉ જણા સુખી થયા’ નો અણસાર આવતો હતો. બંને પક્ષે બરાબર પલડું લાગતું હતું અને ચોકઠું ગોઠવાઈ જવામાં જ હતું.ત્યાં છેલ્લી ઘડીએ જ્યોતિષી મહારાજે જાહેર કર્યું કે મંગળ દોષ છે. જોકે હું તથા ડેડી મંગળને ચેલેન્જ આપવા તૈયાર હતાં.પણ સામેની પાર્ટીએ ‘અનર્થ’ થઈ જવા ની બીક થી પારોઠના પગલાં ભર્યા.આપણું નસીબ ‘જેઠાલાલ’ જેવું,જીતના આરે આવેલી બાજી હારી જવાય.

અને આ બધી ‘જોવા-બતાવવા’ ની પ્રવૃતિઓમાં પાંચેક વર્ષ વીતી ચુક્યા છે.મને એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી તો મળી ચૂકી હતી જ, પણ હવે સારા પગારની સાથે પ્રમોશન પણ મળ્યું છે. મારા સગાવ્હાલાં,ઇષ્ટમિત્રો,આડોશીપાડોશી,ઓળખીતા-પાળખીતા સહુ મા-બાપના માથા અને મગજ પરનો બોજ હળવો બને તેવાં શુભ આશયથી તેઓ ગામમાં,પરગામમાં અને દૂર દેશાવરમાં ‘છોકરા’ની તલાશ પોલીસની જેમ કરી રહ્યાં છે.પોતા નો કોઈ વાંક ન હોવા છંતા મારી નામના સહુને રીજેક્ટ કરનાર છોકરી તરીકે ફેલાઈ ગઈ છે. કેટલાંક તો જાતજાતનાં ને ભાત ભાતના વ્રત અને વિધિ વિધાન સૂચવે છે.તો કોઈ થોડું ‘જતું કરવા’ ની ફૂલસૂફી... કેટલાંક મોં મચકોડી ને કહે છે,કહે છે-‘કોણ જાણે કેવો રાજકુમાર જોઈએ છીએ?’..

જો કે લોકો ની કાનાફૂસી તરફ હું બહુ ધ્યાન નથી આપતી.બહુ મહેનત કરી ને કારકિર્દી ઘડી રહી છું. એક સરસ ગ્રુપ બની ગયું છે, જેમાં અમે બધા સ્કૂલ ના મિત્રો ઉપરાંત સહકર્મચારી મિત્રો ની સાથે રજા ના દિવસો આનંદ થી માણીએ છીએ.એક દિવસ મે કહ્યું,

‘નો પ્રોગ્રામ નેક્સ્ટ સન્ડે...’

મિત્રો એ પૂછ્યું, ‘છોકરો જોવા આવવાનો છે કે શું?’

‘અરે, ના, નાનપણ નો પાડોશી અને મિત્ર આવે છે યુ એસ થી ઘણા સમય પછી....’

માનિષે આવતાં વેંત જ ધમાલ મચાવી. આખાં ઘરમાં શોર-ગુલ મચી ગયો. એ પહેલાં થી આવો જ હતો. જાણે અમે પાછાં નાના બની ગયાં.

‘અરે, તું તો એકદમ બદલાઈ ગઈ છે’ તે હસ્યો.

‘સારી કે ખરાબ રીતે?’

‘તું સારા માટે જ બદલાઈ શકે.આના થી વધારે ખરાબ કોઈ માણસ હોઈ શકે ખરું? ’

મે રાડ પાડી, ‘મારીશ તને,ડાહ્યા...’

તે અચાનક મારી સામે જોઈ ને ગાલ થપથપાવવા માંડ્યો:

‘તારા હાથ ની નિશાની હજી સુધી છે.’

નાનપણમાં અમે બ્લોક્સ ની રમત રમતાં હતા તે સમય ની ઘટના ચલચિત્ર ની જેમ નજર સામે તાજી થઈ . હું ઘર બનાવતી હતી અને મનીષ સ્કૂટર... બ્લોક ખૂટયા તો મનીષે મારા ઘર ની સીડી નાં બ્લોક લઈ લીધાં. મેં અચાનક મારા ઘર ની સીડી ને ગાયબ થઈ સ્કૂટર નાં પૈડાં બનતી જોઈ તો એટલો ગુસ્સો આવ્યો કે મનીષ નાં ગાલ પર જોર થી તમાચો ઠોકી દીધો. એટલું જ નહીં અબોલા લઈ લીધાં. મનીષે કેટલીય વાર માફી માંગી, પણ અમારા વચ્ચે વાતચીત બહુ દિવસો સુધી શરૂ થઈ શકી ન હતી.

‘આંટી, આનો સ્વભાવ કઈ સુધર્યો ખરો?’

‘અરે શું વાત કરું? એવી ને એવી જ છે.. કોઈ છોકરો એને ગમતો જ નથી.’

‘અરે એના માટે તો પરીકથા નો રાજકુમાર આવશે.તમે એને લગન માં બીજું કઈ ન આપો તો ચાલશે, પણ એક મોટો કાર્ડ -બોર્ડ નો હાર આપજો. તેના પર લખજો- હેન્ડલ વીથ કેર.’

‘હવે બહુ થયું, વધારે નહીં સાંભળી લઉં.’

હું સાચે જ એને મારવા દોડી. તે ભાગ્યો.

‘આજે તને નહીં છોડું... હ... બહુ જોયો ન હોય મોટો... ‘હેન્ડલ વીથ કેર.’વાળો...’

અમારા બંને નો પકડ-દાવ ચાલતો હતો તેમાં જ જલ્દી માં મારો પગ લપસ્યો.

એ કૂદી ને પાછો ફર્યો અને મને જોર થી પકડી લીધી. હું પડતાં પડતાં બચી. પાસે જ રાઉન્ડ ટેબલ હતું. પડત તો તેની ધાર ખૂંચી જાત.

‘પાગલ છોકરી...’ એણે કદાચ પહેલી વાર જોર થી રાડ પાડી. તે બહુ ગુસ્સામાં હતો. પણ એની આંખો માં મેં ગુસ્સા સિવાય પણ કઈક બીજું જોયું.

‘એક તું જ છે જે મને કેર થી હેન્ડલ કરી શકે.’

પરીકથા નો રાજકુમાર પુસ્તક નાં પૃષ્ઠો માં થી સજીવ થઈ ગયો હતો અને એ જ હતો મારો સ્યૂટેબલ બોય.



gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.