સાતમા આસમાનની ભોંય

‘સુપડી ! ફાવી ગઈ તું તો જાડી, ફાવી ગઈ ! વાઉ ! લકી ગર્લ !’ નંદા ભાન ભૂલીને કૂદતી હતી. કાપેલા ફરફરતા વાળથી ઢંકાયેલો એનો ચહેરો ખરે જ ડરામણો દેખાતો હતો પણ એની પરવા કર્યા વિના એ ઊછળતી રહી. મોટીબહેન આ ધમાલથી અકળાયાં.

‘આ શું માંડ્યું છે, હેં ? અને નામ શા વાસ્તે બગાડે છે સુપ્રિયાનું ? તારું જોઈને અડોશપડોશનાયે સુપડી સુપડી કરતા થઈ ગયા છે.’

‘અરે, નામબામની છોડો મોટીબહેન, આપણી સપુડી ટીવી પર આવવાની, એના ફેવરિટ હીરો જોડે, માત્ર એના નહીં, આખ્ખી દુનિયાના હોટ ફેવરિટ સાથે, બોલો, હવે શું કહેશો ?

ઘર આખું બાઘું બનીને નંદાને તાકી રહ્યું. કોઈને કંઈ સમજાયું નહીં. સુપ્રિયાને શું મળી ગયું, અને ક્યો હીરો એને માટે નવરો પડ્યો, એ શોધવાનું કામ ઘર માટે સહેલું નહોતું. નંદા તો હરખમાં એવી અધ્ધર થઈ ગઈ હતી કે માંડીને વાત કરવાને બદલે મિત્રમંડળીમાં આ અજબગજબના ખબર વહેંચવા હાથમાં જકડેલા મોબાઈલ પર ફટફટ આંગળીઓ દાબતી હતી.

‘ઊભી રહે, ઊભી રહે ! આ બધું શું નાટક છે તે કહી દે એક વખત.’ મોટીબહેને આડે આવી હાથ લંબાવ્યો, અને નંદાને અટકાવી.

‘જુઓ, પહેલેથી કહું તો આ સપુડી, સોરી, સુપ્રિયા, એક કોન્ટેસ્ટ જીતી ગઈ છે. ઈનામમાં એના ફેવરિટ એકટર સાથે ટીવી પર આવવાની એ, સમજ પડી હવે ?’

‘યુ મીન સુપ્રિયા ટીવી પર લાઈવ ? એના ને આપણા ડ્રીમ-બોય સાથે ? ફેન્ટેસ્ટિક !’ સંદીપે ચોપડી બંધ કરી નંદાને તાળી આપી. નંદાએ માહિતી ઉમેરી, ‘અને સંદીપભાઈ, સુપ્રિયા માટે એનો હીરો પરફોર્મ કરશે. ગીતો ગાશે, નાચશે, બોલો, હવે કંઈ વધારે ? પણ છે ક્યાં આપણી ગોલ્ડન ગર્લ ?’

‘નહાય છે. અબઘડી આવશે. કમાલ છોકરી ! એણે તો આપણને કશુંયે કહ્યું નહીં !’

‘તે શાની કહે તમને ? ગભરાય. અંકલ-આન્ટી ભલે લંડન ગયાં, ઘરના બીજા તો ખરાને. સપુને એમ કે કોઈને ગમે ના ગમે એ કરતાં કહેવું જ નહીં. અને જીતવાનું તો સપનું, સાચું પડશે એમ થોડી જાણતી’તી ?’

ત્યાં તો પડદા પાછળથી સુપ્રિયા ડોકાઈ. નર્યા આનંદમાં ઝબોળાઈને બહાર આવેલા એના ચહેરા પર ઝગમગાટ હતો. નંદા ધસમસ્તી આવી અને એને ભેટી પડી. ફૂદરડી ફરવા મંડી.

‘સપુ….ડી ! લક્કી લક્કી ગર્લ !’

બંને તાળીઓ લઈદઈને નાચવા લાગ્યાં અને થાક્યાં એટલે સોફા પર ઢગલો થઈને પડ્યાં. ત્યાં સુધી કોઈને એકાદ શબ્દ બોલવા જેટલીયે જગ્યા ન મળી.

‘આ શું ગાંડપણ છે સુપ્રિયા ? ઘરમાં કોઈને કહ્યા વિના ઠેઠ કોન્ટેસ્ટ સુધી પહોંચી ગઈ ? ભારે કરી તેં તો ! અમિતને ખબર છે ?’ સુપ્રિયા આંખોથી મીઠું મધ હસી પડી.

‘મોટી, આવું બધું કંઈ કોઈને પૂછી પૂછીને કરવાનું હોય ? અને ધારો કે તમારામાંથી કોઈને પૂછવા આવી હોત તો તમે સંમતિ આપી હોત ?’

‘અરે મોટીબહેન, છોડો કલ કી બાતેં. જાહેરાત થઈ ચૂકી છે. ધ લકી વિનર ઈઝ સુપ્રિયા. હવે એને ટીવી પર જોવા તૈયાર થઈ જાઓ. કમર કસીને મંડી પડો તૈયારીમાં.’

‘તૈયારી શેની ? કંઈ માંડવો સજાવવાનો છે ?’ મોટીબહેન બરાબરનાં તપ્યાં, ‘આજકાલનાં ગાંડાં છોકરાં, નાદાન !’

‘માંડવો તો કંઈ વિસાતમાં નથી. એનાથીયે દિલધડક અને જબરદસ્ત આ તો ! લાખોં દિલોં કી ધડકન, ચાર્મિંગ, અમેઝિંગ લવર બોય અપની સુપ્રિયા કે સાથ…..’

નંદાએ વાક્ય પૂરું કર્યું ત્યાં જ શૈલ, સુકુમાર અને નેહાનું વાવાઝોડું ઝીંકાયું. ઘર હેલે ચડ્યું. કાને પડ્યો શબ્દ સંભળાય નહીં એટલું તોફાન. મોટીબહેન, ભાઈ-ભાભી અને બીજાં આઘાંપાછાં થઈ ગયાં. હવા રંગબેરંગી અને સુગંધી બની ગઈ. ડ્રેસ ક્યો ? નવો જ વળી. હેર સ્ટાઈલ ક્યાં ? માય ફેર લેડીમાં જ વળી. સ્કિનકેર, ફૂટવેર, પરફ્યુમ, ડાયમંડ કે પર્લ, ગોલ્ડ કે સિલ્વર…., વાતોનાં પતંગિયાં આમતેમ ઊડાઊડ અને સુપ્રિયા વાયરે ચડી ચારેકોર ભમતી રહી. જીવન આટલું અદ્દભુત હોઈ શકે, એમ ?

******

એ અસાધારણ અને અવિસ્મરણીય ઘટના ઉદ્દભવી અને વિલીન થઈ ગઈ, હવામાં ઝીણા, આસમાની પરપોટા છોડીને. આ દશ્ય જોતી વખતે ઉત્તેજનાની ચિચિયારીઓથી સુપ્રિયાના મિત્રોએ ઘરની છતને એટલા સમય પૂરતી અધ્ધર કરી નાખી. આ પાગલ ઉત્સાહ પાછળથી મોટીબહેનનેયે જરાક અડી ગયો. એમણે આઈસ્ક્રીમ-પાર્ટી ગોઠવી દીધી. સુપ્રિયાનો ઠાઠ જોઈને એવો વિચાર આવી ગયો કે અમિત નસીબદાર. એની ગેરહાજરી સહેજ કઠી. ચેન્નાઈમાં એણે આ પ્રોગ્રામ જોયો કે નહીં, શી ખબર ! એને કદાચ આ કોન્ટેસ્ટવાળી બાબતની ખબર સુદ્ધાં નહીં હોય. સુપ્રિયાએ કહ્યું હશે કે નહીં ?

સુપ્રિયાના રાજકુમારે પોતાની અત્યંત લોકપ્રિય ફિલ્મનું એટલું જ જાણીતું ગીત અભિનય સાથે રજૂ કર્યું. એ સુપ્રિયાનો હાથ પકડીને નાચ્યો, પ્રેમીની જેમ ભીની ભીની નજરથી એણે સુપ્રિયાને જોઈ, ઘૂંટણિયે પડી સુપ્રિયાને લાલ ગુલાબ ધર્યું. વાહ વાહ !

‘કેવું અનુભવો છો અત્યારે ?’

કાર્યક્રમના સૂત્રધારે બધું પતી ગયા પછી પૂછ્યું. થોડી ક્ષણો માટે તો ભાવભરતીમાં ઊછળતી સુપ્રિયા બોલી જ ન શકી. વેઠી ન શકાય એવા આનંદમાં એની આંખો રેલાતી હતી. હર્ષાશ્રુ વિશે એણે વાંચેલું અને સાંભળેલું, પણ એ સાચેસાચ શું છે તેની આજે જ ખબર પડી. સાતમું આસમાન એટલે આ, આઉટ ઓફ ધિસ વર્લ્ડ. લગોલગ અનુભવ આવો હોય. પોતાને આવું ભાગ્ય મળ્યું એ બદલ અદશ્ય શક્તિને એણે હાથ જોડ્યા, અને પછી તાળીઓના ગડગડાટ.

મેઘધનુષ સમેટાઈ ગયું. એ સતરંગી પાથરણું સંકેલીને પટારામાં ગોઠવી દીધું સુપ્રિયાએ. મન થાય ત્યારે પટારો ખોલી જોઈ લેવાનું. સુવાંગ એનું પોતાનું. સુપ્રિયા પૂરેપૂરી ભોંય પર આવી ગઈ એનું મુખ્ય કારણ તો ચેન્નાઈથી પાછો આવેલો અમિત. એણે તરત ફોન કરીને પ્રવાસની અને પોતાના કામની સફળતાની કથા સંભળાવી દીધી.

‘તારા શા સમાચાર ? કંઈ નવાજૂની ?’

‘ખાસ કંઈ નહીં, ચાલ્યા કરે છે બધું.’

‘નથિંગ એક્સાઈટિંગ ?’

‘ના રે, અહીં શું એક્સાઈટિંગ હોય ? એ જ રફતાર.’ કોન્ટેસ્ટ જીતવાની પરીકથા સુપ્રિયાના હોઠ સુધી આવી આવીને પાછળ ધકેલાઈ. કશુંક નડતું હતું.

થોટલેસ ઍન્ડ મીનિંગલેસ ચીપ એન્ટરટેઈનમેન્ટ – અમિત ટીવીના મોટા ભાગના કાર્યક્રમો માટે આ જ અભિપ્રાય આપે. જોકે એ એની માન્યતા, આપણે એ સાથે લેવાદેવા નહીં.

‘કેમ લેવાદેવા નહીં, તું એને પરણવાની છે. પૂછ તો ખરી કે એને તારા શોની ડીવીડી જોવી છે કે નહીં ! આખી દુનિયાએ જોયો છે પ્રોગ્રામ, અમિતથી સંતાડવા જેવું શું છે એમાં ?’ નંદાનું કહેવું ઠીક જ હતું. સુપ્રિયા જાતને પૂછતી રહી, કે કેમ અમિત જોડે આ અંગે વાત નથી થતી ! કોઈકે કહ્યું તો હશે જ અમિતને. મોટી ઘટના હતી, ચોમેર ચર્ચા હતી. અમિત પૂછે ત્યારે કહેવાશે. એમાં ક્યો અપરાધ છે તે ગોપનીય રાખવાનો ?

******

ભેગા થઈને ઉજવણી કરવાનું નિમિત્ત આવી મળ્યું. મોટીબહેનનું મન સહુએ પલાળ્યું. હવે ધમાલમસ્તીમાં અવરોધ નહીં. શૈલના ફાર્મહાઉસ પર જવાનું. અમિત પણ આવવાનો. સુપ્રિયા પૂરી એકાગ્રતાથી તૈયાર થઈ.

‘ગોર્જિયસ !’

એ દિવસે એના પ્રિય અભિનેતાએ આ જ શબ્દ ઉચ્ચારેલો અને એ ક્ષણે જે સુખ ફોરેલું તે અમિત સુધી હજી પહોંચાડી નહોતું શકાયું. અમિતે પેલો સ્વપ્નલોક દીઠો જ ક્યાં હતો ! આ તો જોવાની વાત, વર્ણવવાની નહીં. પણ ફાર્મહાઉસમાં નંદા ઝાલી ઝલાય તેવી રહી નહીં. બીજા દોસ્તોયે પાછળ રહે નહીં. મચી પડ્યા બધાયે.

‘યાર, અમિત ! યુ રિયલી મિસ્ડ સમથિંગ ! શો ઠસ્સો સપુડીનો ! અને પેલો તો સાચમસાચ પ્રેમમાં હોય અને પ્રપોઝ કરતો હોય એમ ઘૂંટણિયે પડીને…. માન ગયે યાર !’

‘હવે એક્ટરો માટે તો આ રોજના ખેલ, દહાડામાં દસ વાર પ્રપોઝ કરે, અભિનય કરવાનું એમને સહેલું.’

‘અરે ! સુપ્રિયાની આંખમાં આંખ પરોવી એ જે રીતે એને એકીટશે જોઈ રહેલો ! અને બેકગ્રાઉન્ડમાં પેલું ગીત…. કે બન ગયે હો તુમ મેરે ખુદા…. હી વોઝ સો ઈન્ટેન્સ, સો ઈમોશનલ, માય ગોડ ! અમિત, તું જુએ તો જ તને સમજાય. શબ્દોમાં એ ન લવાય.’

‘એટલે અમિતે હજી ડીવીડી નથી જોઈ ? હોય નહીં ! સાલો જેલસ….’ શૈલે અમિતને ધબ્બો લગાવ્યો.

‘નો યંગમેન, નોટ જેલસ. મને એ ટૂંકા ગાળાનાં નાટકોમાં રસ નથી. તેયે સાવ ઉપરછલ્લાં. મારી પાસે એવો ફાજલ વખત નથી.’

નંદાએ નોંધ્યું કે સુપ્રિયા અચાનક લેવાઈ ગઈ, એનો ચહેરો ઝાંખો પડી ગયો.

‘અમિત, તું જેને ટૂંકા ગાળાનું નાટક કહે છે એમાં સુપ્રિયા કેવી આનંદસમાધિમાં આવી ગયેલી તે એને જ પૂછ ! એનો હાથ પકડી પેલાએ જ્યારે હોઠ અડાડ્યો ત્યારે સુપ્રિયા ખરેખર રડતી હતી, ખરું કે નહીં સપુ ?’ સુપ્રિયાએ અવઢવમાં ડોક નમાવી. નંદાએ એને માથે ટપલી મારી.

‘ફિકરમાં શું પડી ગઈ ? અમિત તને ખાઈ નહીં જાય. એ કંઈ અઢારમી સદીનો મેઈલ પિગ નથી.’

અમિતે નંદાને ખભે હાથ મૂકી ‘થેન્ક્યુ’ કહ્યું. સુપ્રિયા ત્યારે મોટીબહેનને યાદ કરતી હતી. છોકરીનું ગોઠવાઈ જાય પછી બહુ ધ્યાન રાખવું પડે. ખુલાસો કરવો પડે. કોન્ટેસ્ટમાં ભાગ લીધો તેમાં શેનો ખુલાસો કરવાનો ? ભૂલ થઈ ગઈ એમ કહેવાનું ? પણ એ તો જૂઠાણું કહેવાય. ભાગ લેવાની કોઈએ ફરજ નહોતી પાડી. મરજીથી ભાગ લીધો અને જીતવાની ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી એ પણ સાચું. જીતનો નશો બરાબર ચડેલો, એમાં ખોટું કંઈ જ નહીં. બચાવ નથી કરવો. જે ગમ્યું એ કર્યું છે, અપરાધ નથી એમાં. સાથે રહેવાનું થાય તે પહેલાં આટલી સ્પષ્ટતા હોવી જોઈએ.

******

ભરતી નહોતી એટલે દરિયે જવાનું ન રાખ્યું હોત તો સારું થાત એમ સુપ્રિયાને થયું પણ હવે આવી ગયા પછી એ વિચાર નિરર્થક. શું બોલવું અને કેવી રીતે કહેવું એ માટે ખાસ્સી ગડભાંજ બાદ મનમાં વાક્યો ગોઠવ્યાં, એમાં છેકછાક અને સુધારાવધારા કરીને અંતે એક સુઘડ વાક્ય બહાર ધકેલ્યું.

‘તને ખરાબ તો નથી લાગ્યુંને ?’

‘ખરાબ ? કઈ બાબતમાં ?’

‘આ ટીવી શો અને કોન્ટેસ્ટવાળી બાબતે.’

‘જા, જા, ડોન્ટ ટોક રબિશ. આ પૂછવું પડે એટલે તું મને નથી ઓળખતી એવું થયું.’

‘એમ નહીં. તું મૂડલેસ લાગે છે. તેં મારી સાથે કોન્ટેસ્ટને લગતી વાત સુધ્ધાં નથી કરી. ઘરમાંથી કોઈને ન ગમ્યું હોય, એમણે કદાચ પ્રોગ્રામ જોયો હોય અને…..’

‘આપણે ત્યાં કોઈ જુનવાણી નથી. તને ખબર છે.’

‘જુનવાણી નહીં પણ કંઈક ન ફાવે, ન ગમે એવું.’

‘ના, એવું કશું નથી.’

રેતીમાં હાથ ખોસી મુઠ્ઠીમાં રેત લઈ એને સરવા દેતા અમિતે સૂરજને જોયો.

‘સૂર્યાસ્ત જોઈને જવું છે ને ?’

સુપ્રિયાને ખીજ ચડી, ‘સૂર્યાસ્તને છોડને ! તારી પોતાની વાત કર. ચેન્નાઈથી આવ્યા પછી તું બહુ ગંભીર થઈ ગયો છે. એની પ્રોબ્લેમ ?’

‘નથિંગ પર્ટિક્યુલર. અમથું જ તને એમ લાગે છે. કદાચ તારા એકદમ થ્રિલિંગ અનુભવ પછી બધું ડલ અને લાઈફલેસ લાગવાનો સંભવ છે.’

‘જો, હવે આવ્યો લાઈન પર. સો યુ ડિડ નોટ લાઈક ઈટ. ચોખ્ખું કહી શકે છે.’

‘તને ગમ્યું એ તેં કર્યું. મારા અણગમા-ગમાનો સવાલ જ નથી અહીં ! આપણા સંબંધમાં એ નડતર નથી રહેવાનું.’

‘સવાલ છે. આપણે બે વરસ પછી સાથે જીવવાનું હોય તો એનું મહત્વ છે.’

‘તું અમથી જ પાછળ પડી ગઈ છે. ફરગેટ ઈટ. કોઈ બીજી વાત કરીએ. ભેળ ખાવી છે ?’

‘તું વાત બદલવા મથે, તોયે આજે હું તંત છોડવાની નથી. ચાલ, બીજી રીતે કહું. તેં ડીવીડી કેમ ન જોઈ ? આમ તો તું મારામાં રસ લે છે, ભલે ચીપ એન્ટરટેઈનમેન્ટ ગણે તો તેમ, તને મારો પ્રોગ્રામ જોવાનું મન કેમ નથી થતું ? મારે માટે એટલો ટાઈમ નથી તારી પાસે ?’

‘એમાં ટાઈમની વાત નથી. મને આવુંતેવું જોવાનું પસંદ નથી અને તું એ જાણે છે.’

‘આવુંતેવું એટલે ? એટલું ઊંચે જોઈને ચાલવાનીયે જરૂર નથી, અમિત. અને તું જેને ચીપ કહે છે એવા જ પ્રકારના બીજા પ્રોગ્રામો તું જુએ છે. આ ક્રિકેટના ભવાડા કંઈ ઓછા નથી !’

‘જવા દે કહું છું ! આમાં નકામી તડાતડી થશે અને સાંજ બગડશે.’

‘બગડે તો ભલે બગડે, આજે જાણીને જ રહું કે તારા મનમાં શું છે ! સાચું બોલી દે એટલે પત્યું.’

અમિતે ઊંડો શ્વાસ લીધો, દૂર દૂર કાગડાઓનું ટોળું, ઘડી ઘડી આકાર બદલતા વાદળ જેવું, જંગલ તરફ ધસી રહ્યું હતું.

‘તેં કોન્ટેસ્ટમાં ભાગ લીધો, તારી મરજીથી, બરાબર ?’

‘બરાબર.’

‘તારે જીતવું હતું અને એનું મુખ્ય કારણ તારો ફેવરિટ એક્ટર જીતનાર સાથે પરફોર્મ કરવાનો હતો, સાચું ?’

‘એકદમ સાચું.’

‘તું જીતી, તારું સપનું પૂરું થયું. તને એનો ખૂબ જ આનંદ હતો જે સ્વાભાવિક ગણાય, એમ આઈ રાઈટ ?’

‘હા, સોએ સો ટકા. પણ આ શું ગોળ ગોળ ફેરવે છે ? મૂળ મુદ્દા પર પહોંચ ઝટ. સાંજ પડી અને આજે મારે ઘેર ઘણાં કામ છે. મોટીબહેનને શરદી છે, આરામની જરૂર છે એમને.’

‘ચાલ, તો આ મારો મુદ્દો. આ એક્ટર, જે તને ફરી વાર કદાચ ક્યારેય મળવાનો નથી એવો એક્ટર, તને ખોટેખોટું પ્રપોઝ કરે, તને મેળવવા આતુર હોય એવો અભિનય કરે, માત્ર અભિનય, અને તું ખુશીની મારી રડી પડે. સાચેસાચું રડી પડે. તારો આનંદ એ કોઈ એકટિંગ નહોતી. કબૂલ છેને આટલું ?’

‘યસ, હું એકદમ ઓવરવ્હેલ્મ થઈ ગઈ. એ આનંદ….. ઈટ વોઝ જસ્ટ ટૂ મચ, અસહ્ય આનંદ જેવું જ….’

‘તેં જ કહ્યું છે આ. હવે યાદ કર. મેં પણ પ્રપોઝ કર્યું, તને વીંટી પહેરાવી, ગુલાબ આપ્યાં, હાથમાં હાથ લીધો. એકેય વખત તારી આંખ હરખથી છલકાયેલી જોવા ન મળી. સો આઈ વોઝ જસ્ટ થિકિંગ કે આ સાલું છે શું ! સાચેસાચ અને નક્કર ઘટનાનું, અભિનય ન કરતો હોય તેવા માણસનું મૂલ્ય, પેલી આખેઆખી ઊપજાવી કાઢેલી ઘટનાની સરખામણીમાં કેટલું ? બસ, આ ગૂંચમાં પડ્યો છું અહીં આવ્યો ત્યારનો….. ઊઠીશું હવે ?’

અમિતે પૂછ્યું તો ખરું પણ પછી જોયું કે સુપ્રિયા ઊભી થઈ જ ગઈ હતી.

પાછા ફરતાં કશી વાત ન થઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.