અનામત

હે યુવાનો, આવો, જુના આરક્ષિત મૂલ્યો બદલીએ.

મને બરાબર યાદ છે કે ઇ.સ. ૧૯૮૫માં અનામત આંદોલન ચાલતું હતું. હું ધો. ૧૨ પાસ કરી કૉલેજના પ્રથમ વર્ષમાં આવેલો અને અમે બધા વિદ્યાર્થીઓ એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરેલા. આ આંદોલને વી.પી.સિંહની સરકારનો ભોગ લીધેલો.

આજે ફરીથી આવું જ કંઇક આંદોલન શરું થયેલું છે. ૬૭ વર્ષ પહેલા દેશ જ્યારે આઝાદ થયો ત્યારે શરૂઆતના વર્ષોમાં આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોને સરકાર સહાય કરે એ સાહજિક છે. પરન્તુ આજે આ સહાય કાયદો બનીને આખા દેશની સામાજિક વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી રહી છે. પરિણામે જ્ઞાતિવાદનો જ્વાળામૂખી ગુજરાતમાં ભભૂકી ઊઠ્યો છે. વળી “અનામત પ્રથા”ને કાયદો બનાવવાથી એક જ પછાતઘરની બધી જ વ્યક્તિઓ સરકારમાં ઊંચી પોસ્ટ ઉપર બેસે છે. જે આર્થિક રીતે ખુબ જ સંપન્ન છે તેઓના સંતાનોને પણ આરક્ષણને કારણે ખાતાકીય પરીક્ષાઓમાં, મેડિકલ પ્રવેશમાં, કે સરકારી નોકરીમાં હજી એ જ લાભ મળે છે. અને ૫૦/૬૦ ટકામાં તેઓ ડૉકટર બની જાય છે. ક્લાસ વન ઓફિસર બની જાય છે અને સામાન્ય વર્ગની વ્યક્તિ ૮૦/૯૦ ટકા હોવા છતાંય............ આજે પાટીદાર પટેલોએ જે આંદોલન ઉપાડ્યું છે તેની પાછળના કારણો વિશે કોઇ વિચારતું નથી. હવે બ્રાહ્મણો પણ ‘જય પરશુરામ’ કરી સામે આવી રહ્યા છે. આ આરક્ષણ ખરેખર શું છે ? દેશ આઝાદ થયો ત્યારે ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકરે પછાત જાતિઓના વિકાસ મારે માત્ર શરુઆતના દસ વર્ષ સુધી તેઓને આરક્ષણ આપવાનું કહ્યું હતું પરંતુ એનો જાતિગત રાજકીય લાભ લેવા એને કાયમી – કાયદાનું સ્વરૂપ આપી દીધુ અને જેને આધારે ૫૦/૬૦ વર્ષ સુધી રાજ પણ કર્યું.

આજે યુગ બદલાયો છે. ખેતીવાડીનો એ યુગ નથી જે આજથી ૫૦ વર્ષ પહેલા હતો. આજે આ ‘અનામત’ને કારણે ઘણી એવી ઉચ્ચ જ્ઞાતિઓ છે જે આર્થિક રીતે પછાત રહી ગઇ છે. પરંતુ સ્વમાનને કારણે અત્યાર સુધી મૌન રહી છે. આ ૨૧મી સદી છે. સ્પર્ધાત્મક યુગ છે. જો દેશમાં સો સ્માર્ટ સીટી બનાવવા છે તો એવા સીટીમાં જ્ઞાતિજાતિના ભેદ નહી ચાલે. જે મહેનત કરે એ જીતે. મેરિટ સૌને માટે સરખું. હા, જેઓ ખરેખર ગરીબ છે. પછાત છે. જે કોઇપણ જ્ઞાતિના છે એવા લોકોને સરકારે ચોક્કસ મદદ કરવી જ જોઇએ. પરંતુ આ ‘અનામત પ્રથા’ તો રદ કરવી જ જોઇએ. હા વિશ્વમાં નારી આગળ આવી રહી છે. તો ૫૦ ટકા સ્ત્રી અને ૫૦ ટકા પુરુષ...એવું આરક્ષણ હશે તો કોઇને વાંધો પણ નહી હોય.

આજે પટેલ આંદોલને બધા જ સામાજિક અને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. ઓબીસીનો વિરોધ આજે વેગ પકડી રહ્યો છે. પ્રજાના વિચારને અંકુશ કરવો એના કરતા પ્રજાના યોગ્ય વિચારને સ્વીકારવો એ રાજકીય રીતે પણ વધુ હિતાવહ હોય છે. પરંતુ ઓબીસી રક્ષા સમિતિ ૫૦ ટકા કરતા વધુ આરક્ષણ આપી શકતી નથી અને મંડલ કમિશને ઓબીસીમાં જે ૧૨૦૦ જાતિ હતી તે વધારીને આજે છેક ૨૪૦૦ સુધી પહોંચાદી દીધી છે. અને રાજનેતાઓ કહે છે કે અમે દેશનો વિકાસ કર્યો છે. વિકાસ ચોક્કસ થયો છે પણ કોઇ ચોક્કસ જાતિના એક સમુહનો. બધાનો નહી. આને કારણે ઓબીસીના એક જ પરિવારના બધા જ સભ્યોને લાભ મળે છે. ખરેખર તો એવું હોવું જોઇએ કે જે પરિવાર આરક્ષણનો એક વાર લાભ લે તે જ પરિવારની બીજી વ્યક્તિ એ લાભ લઇ શકે નહી.

આજે લોકતંત્રની સામે ભીડતંત્રનો આ સંઘર્ષ શક્તિશાળી સાબિત થઇ રહ્યો છે. એક ૨૨ વર્ષનો યુવાન ૨૦/૨૨ લાખની ભીડ એકઠી કરી શકે છે. ભલે એની પાછળ બીજું એક મોટું તંત્ર કામ કરતું હોય. પણ દેશ માટે આ એક મોટો સંકેત છે. આ એક સામાજિક ટકરાવ છે. જુના કાયદાઓ, નિયમો અને મૂલ્યો બદલવાનો સમય હવે આવી ગયો છે. આરક્ષણ કોઇ જ્ઞાતિને નહી પરિસ્થિતિને હોવું જોઇએ. નહિતર આવતા આઠ-દસ વર્ષમાં હવે સરકારની તમામ ઉચ્ચકક્ષાની જગ્યાઓ પર આ ઓબીસી હશે. સ્કૂલો, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં આ ઓબીસી હશે. અને એના સામાજિક, શૈક્ષણિક પરિણામો કેવા આવશે તે આપણે સૌ જાણીએ છીએ. જે ખરેખર હોશિયાર છે અને મહેનત કરીને આગળ આવે છે એવા તમામ ઓબીસી હોય કે કોઇપણ પછાત જ્ઞાતિનો ઉમેદવાર હોય એને સહર્ષ સ્વીકારવો જોઇએ પરંતુ માત્ર આરક્ષણથી જે અણઘડ અને અશિક્ષિત ઉમેદવારો ઉચ્ચ હોદા પર આવી જાય છે ત્યારે ઘણા પ્રશ્નો થતા હોય છે. આ એક મોટા ફલક પર જ્ઞાતિની રાજનીતિ છે. પરંતુ અનામતની નીતિને કારણે બીજી કેટલીયે નાની નાની ઉચ્ચ જ્ઞાતિઓનો દ્રોહ કરવામાં આવે છે. બધા જાણે છે કે પટેલો દુનિયાભરમાં આર્થિક રીતે સક્ષમ જ્ઞાતિ તરીકે જાણીતા છે. આમ છતાંય એને આરક્ષણની શી જરૂર પડી ? પણ જ્યારે અન્યાય એની મર્યાદા ઓળંગે છે ત્યારે કોઇકે તો હાથમાં ક્રાંતિની મશાલ લેવી જ પડે છે. અત્યારથી ટીવી ચેનલો પર પત્રકારો, સામાજિક કાર્યકરો, જ્ઞાતિના નેતાઓ, વિદ્યાર્થીઓ .. બધાની આરક્ષણ સંદર્ભે ચર્ચાઓ શરું થઇ ગઇ છે. અને હજી આનાથી વિષમ પરિસ્થિતિનું સર્જન થવાનું જ છે.

આમ જોઇએ તો ગુજરાતનું આ પટેલ આંદોલન ધીમે ધીમે આખા દેશમાં પ્રસરશે અને આખો દેશ જાગશે. આજે ગુજરાતમાં હળવા તોફાનો, સરકારી મિલકતોને હળવું નુકશાન અને હળવી જાનહાની થવાનું શરું થઇ ગયું છે આવતી કાલે આ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ત્યારે સમાજ, રાજ્ય અને દેશની શું સ્થિતિ થશે ? એ વિચારવા જેવી વાત છે. હજારો કરોડોનું નુકશાન થશે, હજારો લોકોની જાન જશે. બધા સરકારી તંત્રો – કામકાજો ખોરવાઇ જશે અને પછી મોટાપાયે મંત્રણાઓ અને પછી “આરક્ષણની સ્વીકૃતિ કે આરક્ષણ રદ” ની જાહેરાત થશે. હવે આમાં સરકાર કેટલી ઝડપથી આ નિર્ણય કરે છે એના ઉપર આધાર છે. આમ તો જો કે આ નિર્ણય અંતે તો દિલ્હી સરકારે જ લેવાનો આવશે. કેમ કે આ મામલો ભલે શરું ગુજરાતમાં થયો પણ પ્રશ્ન આખા દેશનો છે. અહીંનો નિર્ણય પણ દેશની જનતાને અસર કરશે. અને એનો અંત દિલ્હીમાં જ આવવાનો છે.

સાવ તટસ્થ રીતે વિચારીએ તો સરકારે આ ક્રાંતિકારી પગલું ઉઠાવીને આરક્ષણ રદ કરી દેવું જોઇએ. અને નવેસરથી એના વિશે તજજ્ઞો દ્વારા જાહેર ચર્ચા વિચારણા યોજી એને યોગ્ય રીતે ફરીથી અમલમાં મૂકવો જોઇએ. જે ખરેખર આર્થિક રીતે પછાત છે. તેઓને ઘર દીઠ એક વ્યક્તિને આરક્ષણનો લાભ આપવો જોઇએ પછી એ સાવ નીચલી જાતિ હોય કે ઉચ્ચ જાતિ હોય. બાકી બધા મહેનત કરે, કામ કરે અને સૌની સાથે મેરિટમાં આવી સફળ બને. તો જ ભારત સાચો બિનસામ્પ્રદાયિક દેશ બની શકશે. જો વિશ્વની સાથે વિકાસ કરવો હશે તો કોઇપણ જાતની રાજનીતિ કે વૉટનીતિ વચ્ચે લાવ્યા વિના આવા આંતરિક પ્રશ્નોના ઉકેલ લાવવા પડશે.

ભારત એ રીતે ખુશનસીબ દેશ છે કે એની પાસે આખા દેશનું ૬૦ ટકા યુવા ધન છે. અને હાલ એક યુવાન જ આ આરક્ષણનો પ્રશ્ન લઇને આખા દેશની આંખ ખોલી રહ્યો છે. કે હે યુવાનો. જાગો. ઊઠો, તમને પણ આરક્ષણનો હક્ક છે. ધીમે ધીમે આ ગૂંજ આખા દેશના યુવાનોના કાને જવાની જ છે અને દેશની યુવાશક્તિ જ્યારે જાગશે ત્યારે એક નવો ઇતિહાસ સર્જાશે એમાં કોઇ શંકા નથી. પણ અફસોસ એ વાતનો રહેશે કે એ વખતે આપણે અનેક આશાસ્પદ યુવાનોનું બલિદાન આપી ચૂક્યા હોઇશું, હજારો કરોડોની સંપતિ ગુમાવી ચૂક્યા હોઇશું. અને વિશ્વ સમક્ષ દેશનું ગૌરવ પણ ઓછુ કરી ચૂક્યા હોઇશું. શક્ય છે કે વર્ષ – ૨૦૧૫ -૧૬ ના કેટલાક પૃષ્ઠો લાલ રક્ત રંજિત આપણે લખવા પડશે. અને એ પણ ભીની આંખે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.