પુનર્જન્મ

જીવતો પણ મરેલા જેવો નિમિશ સુખી- સ્વસ્થ જીવનની આશા હવે તો બિલકુલ છોડી જ બેઠો.માબાપે ઘર બહાર કાઢી મૂકેલો ત્યારથી જ તે પોતાની અપલખણી ટેવોના કાદવ- કળણમાં વધુ ને વધુ ડૂબવા લાગેલો.તેમાંય માબાપે તેના કરતૂતો જોઈ-જાણી, તેને સંપૂર્ણપણે ત્યાગી-તરછો ડી દેવાની, એક થી વધુ સમાચારપત્રોમાં, મોટા અક્ષરે જાહેરખબરો આપી દઈ કે :"નિમિશ.નવનીતલાલ.વોરા નામે અમારા ત્યાગેલા પુત્ર સાથે અમારે કોઈ કરતા કોઈ પ્રકારનો સંબંધ નથી અને જે કોઈ તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરે તો તેની કોઈ જવાબદારી અમારી નથી." એવું વાંચ્યા બાદ તો તે સગા- વહાલાઓ પાસેથી લીધેલી ઉછીની રકમો ચૂકવ્યા વગર, પોતાનું બગડેલું નસીબ અજમાવવા -સુધારવા,પહેરે કપડે, વગર ટિકિટે મુંબઈ રવાના થયો.કોઈ તેના જેવા જ સાગરીતની ટેક્સીમાં સ્ટેશને પહોંચી તે કોઈ ખુદાબક્ષ મુસાફરની જેમ જ, ટેક્સી સ્ટેશન પર જ છોડી, આઝાદ કેદીની જેમ દોડાદોડ સ્ટાર્ટ થઇ રહેલી મુંબઈ જતી ટ્રેઈનમાં ચડેલો-ભાગેલો.

ટ્રેઈનમાંથી ઉતરતી વખતે, લગભગ પોતાની જ ઉમરના એક સાથી - સહયાત્રી નવયુવકની હેન્ડબેગ લઇ એ બોરીવલીથી સેન્ટ્રલ તરફ જતી ચાલતી ટ્રેઈને, ચોરની જેમ ઉતરી ગયો.ટિકિટ ન હોવાથી નિમિશ વહેલી સવારના આછા અંધારા-અજવાળામાં રેલના પાટાઓ ઓળંગતો બહાર નીકળી ગયો.સામેથી આવી રહેલા, ઝડપી ચાલે, લોકલ ટ્રેઈન પકડવા, લગભગ દોડી રહેલા એક પ્રૌઢ સજ્જનનું પેન્ટની બહાર દેખાતું વોલેટ, તેને પોતાને ય નવી લાગે તેમ, તેણે ઝડપથી ચાલાકીપૂર્વક સેરવી લીધું.બહાર નીકળી ભૂખ્યા પેટમાં, ઊભેલી એક લારીમાંથી તેણે ચા-વડા- પાંવનું પેટ્રોલ નાખ્યું અને બિન્ધાસ અંદાજમાં, જે તરફ પગ ચાલ્યા એ દિશામાં ગતિમાન થઇ ગયો.એક પાનનો ગલ્લો દેખાયો એટલે પાન-માવો-સિગરેટ પેકેટ ખરીદી, તે પાન-માવો મમળાવતો,સિગરેટના ધુમાડા કાઢતો,આગળનો રસ્તો કાઢવાનો પ્લાન ઘડવા લાગ્યો.વોલેટમાં તેને સારી રકમ હોવાનો અંદાજો તો ત્યારે જ થઇ ગયો જયારે તેણે બે વાર વોલેટ ખોલી ચા-નાસ્તાનું અને પછી પાન-સિગરેટની ખરીદીનું પેમેન્ટ કરેલું.લાલ,બ્લ્યુ,લીલી મોટી નોટો સાથે વીસ-દસની નોટો જોઈ તે રાજી થઇ ગયેલો.પહેલો હાથ તો સારો માર્યો અને તે પણ વહેલી સવારના પહોરમાં.દહાડાની શરૂઆત તો સારી થઇ તેની ખુશીમાં, ખુશખુશાલ તે પાસેની જ એક હોટલમાં ચેક- ઇન થવા પહોંચ્યો.ત્યાં પોતાનું ટેક્સી ડ્રાઈવિંગ લાયસન્સનું ઓળખપત્ર બતાવી તે પોતાને એલોટ થયેલ રૂમ નંબર 111માં દાખલ થયો.તેને આ પોતાનો ત્રણ નંબરનો લક્કી રૂમ મળતા તે રાજી થયો.રૂમમાં પહોંચી તેણે સહુથી પહેલું તો ચોરેલું વોલેટ તપાસી જોયું.તેમાંની રોકડ રકમ લગભગ ત્રણેક હજારની આસપાસ જોઈ તે રાજીનો રેડ થઇ ગયો.

નાહી ધોઈ, ફ્રેશ થઇ,સહયાત્રીની તફડાવેલી હેન્ડબેગના જીન પેન્ટ અને ટીશર્ટ પહેરી લઇ, હોટલની ડીલનું ફ્રી બ્રેકફાસ્ટ, સરસ મઝાનું દબાવીને ખાઈ-પી, તે બેધડક બહાર નીકળી પડ્યો.તેણે ચા- બ્રેકફાસ્ટને ન્યાય આપતા- આપતા સ્પોર્ટ્સના સમાચાર અને ક્રિકેટનો સ્કોર જોતા જોતા રેસકોર્સની આજની ઘોડદોડના સમાચાર પર નજર દોડાવી લીધેલી.આજે સવારના સાડાદસ વાગ્યાની સ્પેશ્યલ રેસના ખબર તેના જુગારી મનને લલચાવી ગયા,પલાળી ગયા.ટેક્સી પકડી તે સીધો મહાલક્ષ્મી રેસકોર્સ પર સમયસર પહોંચી ગયો અને જીવનમાં પહેલી વાર રેસના ઘોડાઓ જોયા,બુકીઓના સ્ટોલ જોયા,પહેલી રેસમાં દોડનારા પાંચ ઘોડાઓમાંના એક એવા 'મ્વેન્ઝા'ઘોડાનો નામ અને ભાવ જોયા.તે ખુશ થઇ ગયો કે તેને ગમેલા સફેદ ફ્લુક ઘોડા મ્વેન્ઝાનો ભાવ એકના વીસનો ખુલેલો.ફેવરિટ ઘોડાઓ દોઢ,બે અને ત્રણના ભાવે ખુલેલા.હજી એક ઘોડો પંચના ભાવે ખુલેલો. મ્વેન્ઝાનો નંબર ત્રણ હોવાથી તેને પોતાના લક્કી નંબરસાથે મેચ થતો જોઈ-જાણી તેણે આંખ મીંચીને તેના પર અઢી હજારનો દાવ લગાવી દીધો.હારે તોય ક્યાં પોતાના જવાના હતા અને જીતે તો માલમમાલ થઇ જવાનો તેમાં તો કોઈ સવાલ જ નહોતો.ઘોડા રેલિંગમાંથી છૂટ્યા એવો જ મ્વેન્ઝા ઘોડો પવનવેગે પુરઝડપે દોડવા લાગ્યો અને બીજા ચાર ઘોડાઓના જોકીઓ ગમે તેટલું જોર લગાવતા રહ્યા તો ય મ્વેન્ઝાના જોકીએ પોતાનો ઘોડાને કે પછી તેજસ્વી મ્વેન્ઝાએ તેના જોકીને કે પછી નિમિશના લક્કી નંબર ત્રણના ચમત્કારે,જે પણ કારણ -પરિણામ હોય મ્વેન્ઝા વિનિંગ પોસ્ટ પર સર્વપ્રથમ ડોકું કાઢી નેક- લેન્ગ્થથી જીતી ગયો.

ગ્રીન સિગ્નલ પડતા જ તે પોતે લગાવેલા બુકીના સ્ટોલ પર પેમેન્ટ લેવા પહોંચી ગયો અને પાંચસોની નવી નવી નોટોનું પચાસ હજારનું બંડલ હાથમાં આવતા તેનું મન પ્રસન્ન પ્રસન્ન થઇ, પાગલ પાગલ થવા લાગ્યું.તેને જીતનો નશો ચડવા માંડ્યો અને બીજી રેસમાં ફરી પાછો તે ત્રણ નંબરના ઘોડાને જ પાગલની જેમ ફોલો કરતો, બેના ભાવના 'બેફિકર' ઘોડા પર પૂરા પચાસ હજાર લગાવી "નાગાને નહાવું શું અને નીચોવવું શું'' ના બેફિકર મૂડમાં ઘોડાઓના રેલિંગમાંથી છૂટવાની રાહ જોવા લાગ્યો.આંખના પલકારામાં તો બેફિકર ઘોડો આગળ દોડી રહેલા ઘોડાને આંબીને તેની આગળ ડોકું કાઢી, જોતજોતામાં તો વિનિંગ પોસ્ટ ક્રોસ કરી જીતી ગયો.તેની ખુશીનો પાર ન રહ્યો કે આજે પોતે મોટો લખપતિ બની ગયો.પણ ત્યાં તો બીજા નંબરે આવેલ ઘોડાના જોકીએ ઓબ્જેકશન લીધું અને રિઝલ્ટના બોર્ડ પર લાલ સિગ્નલ લાગી ગયું.નિમિશ નિરાશ થઇ ગયો કે હારજીતની વચ્ચે "સ્લિપ બિટવિન કપ એન્ડ લિપ"ની કહેવત જેટલી જ સૂક્ષ્મ સમાંતર ભેદ- રેખા, નસીબ આડે પાંદડાની જે,મ કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળી? જુગારની આકાશકુસુમવત કમાણી આટલી બધી ભ્રામક? તે હતાશ થઇ, વિચારમાં પડી ગયો.ત્યાં તો જોકીઓ અને સ્ટયુર્ટોની ઝડપી કોર્ટે બેફિકરને વિનર ઘોષિત કર્યો અને ગ્રીન સિગ્નલ આવતા જ નિમિશ પોતાના ફેવરિટ બુકી પાસે પેમેન્ટ લેવા પહોંચી ગયો.હજાર હજારની લાલમલાલ નોટોની પૂરા એક લાખની થોકડી હાથમાં લેતા તેને ખુશાલીના થડકારાનો અનુભવ થવા લાગ્યો.બસ,હવે વધારે જોખમ લેવામાં માલ નથી એમ તેનું અંતર્મન પોકારવા લાગ્યું અને તરત જ તે બેફિકર રેસકોર્સની બહાર નીકળી ગયો.ફરી પાછો પોતાની હોટલ પર પહોંચ્યો અને પોતાના રૂમમાં જ ઓર્ડર આપી લંચ મંગાવ્યું.જમીને જ્યાં પાન મોમાં મૂકી, સિગરેટ સળગાવી હોઠ પર મૂકી કે ત્યાં તો તેને વિચિત્ર ઉધરસ ચડી અને ઉલટી જેવું થવા લાગ્યું. તરત તે બાથરૂમ તરફ દોડ્યો અને બેસિનમાં ઉલટીનો ઢગલો થતા, તેમાં લોહીનો, ગભરાવી મૂકતો,ડરાવી મૂકતો લાલમલાલ રંગ જોઈ તેની આંખ ફાટી ગઈ.માવો,પાન,સિગરેટ,શરાબ એ બધા પોતાનો રંગ અંતે દેખાડીને જ રહ્યા?

તરત જ તેણે રિસેપ્શનમાં ફોન કરી મેડિકલ હેલ્પ માંગી.ડોકટરે આવી તેને જોઈ-તપાસી તથા ઉલટીનો લાલ રંગ જોઈ તેને ટાટા કેન્સર હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી.એમ્બ્યુલન્સ મંગાવી તે ચેક -આઉટ થઇ ટાટા હોસ્પિટલમાં દાખલ થઇ ગયો.મન ગભરાવા,મૂંઝાવા,ડરવા લાગ્યું.તેણે પોતાની ડાયરીમાંથી નબર શોધી અમેરિકા રહેતા સાવકા મોટાભાઈને ફોન કર્યો,જે કેન્સર સ્પેશ્યાલિસ્ટ હોવાથી, તેણે તેની સલાહ માંગી અને કહ્યું કે માબાપે તો તેને ત્યાગી-તરછોડી જ દીધો છે, તો હવે શું કરવું?

મોટાભાઈએ ટાટા હોસ્પિટલનો વિગતવાર રિપોર્ટ ઓનલાઈન મંગાવી, નિમિશ માટે અરજન્ટ મેડિકલ વિસાની વ્યવસ્થા કરાવી તેની ટિકિટ પણ મોકલાવી તેને બિઝનેસ ક્લાસમાં ન્યુયોર્ક તેડાવી લીધો.ત્યાં પહોંચતા જ, મોટાભાઈએ તેને ન્યુયોર્કની મોટી કેન્સર હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો,જેના માટેની બધી જ વ્યવથા અગાઉથી કરી રખાવેલી.બોનમેરોથી જ બચે એવી વિકટ સ્થિતિ-પરિસ્થિતિ હોવાથી મોટાભાઈએ પોતાની મેચ થતી બોનમેરોની વ્યવસ્થા કરી લગભગ મરી જ જાય એવા સાવકા ભાઈને મોતના મોઢામાંથી બચાવ્યો.પૂરતી સારવારના અંતે જયારે તે સંપૂર્ણપણે બેક ટુ નોર્મલ થઇ ગયો ત્યારે મોટાભાઈએ તેને પોતાની સ્લીપિંગ પાર્ટનર તરીકે ભાગીદારીમાં ચાલતી મોટલમાં ભાગીદાર બનાવી, તેને તન -મનથી સ્વસ્થ-શાંત-સુખી કરી દઈ, હાશકારાનો સાચો ઊંડો અનુભવ કરાવ્યો.

ત્યારે તેના મનમાંથી ,તેના રોમ રોમમાંથી ,તેના અણુ-અણુમાંથી એક જ સ્વર નીકળી રહ્યો હતો કે "મને તો આ સાવકા મોટાભાઈએ હકીકતમાં પુનર્જન્મ જ આપ્યો છે"અને એ સ્વરની સાથે નેત્રોમાંથી વહેતી અશ્રુ ધારા પણ મૂક ભાવગીત ગાઈ રહી હતી,મૌન સંગીત પીરસી રહી હતી.તેનું હૈયું ફરી ફરી પોકારી પોકારીને કહી રહ્યું હતું કે "આ પુનર્જન્મના ઉપકારનો

બદલો પોતે ક્યારે અને કયા જન્મે આપી શકશે?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.