એક ની ઉપર એક બાકસ નાં ખોખા ગોઠવી ને નાનપણ માં ઘર બનાવતા હતા.એક માળિયું ઘર બનાવનાર ને જાણે જાહોજલાલી હતી. પણ હવે આ ખોખાં નાં માળ તો એક પછી એક વધતાં જાય છે. ચાર. આઠ, અઠયાવીસ... સ્કાયસ્ક્રેપર ઊંચા થતાં ગયા ને મકાન નાના થતાં ગયા. એક પછી એક પછી એક ઉપર ને ઉપર ચડતા ગયા ને નીચે સાથે નો સંપર્ક ખોતાં ગયાં. બારી બંધ થતી ગઈ કે પછી અધખૂલી રહેતી થઈ. કોઈએ આખેઆખી બારી ખોલી નાંખી તો શું જોયું? ચારે તરફ નાં દ્રશ્યનું મિનિએચર.નીચે રમકડાં જેવી દુકાનો,વાહનો અને વેંતિયા માણસો. વેંતિયા માત્ર તન થી જ નહીં,મન થી પણ.

ફરિયાદ કરવા જાવ તો કદાચ આખી દુનિયા સામે થઈ શકે. બોસ સામે, પત્ની સામે,પાડોશી સામે,મિત્ર સામે કે સગા-સંબંધી સામે. પણ તેમ કરતાં પહેલાં ક્ષણભર થોભી જઈએ. ધીમે રહીને બારી નો વાસેલો આંકડો ખોલી જોઈએ.. જરા આસપાસ નજર કરી નઝારો તો જુઓ. વેંતિયા માણસો તો છે જ,પણ ઘડિયાળ ના કાંટે દોડતાં માણસનો સંઘર્ષ અને કમાવા માટે, કુટુંબ ને પોષવા માટે તેણે કરેલ ત્યાગ પણ દેખાશે.

વહેલી સવારે મન માં ઊઠતો ‘જાગ ને જાદવા’ નો સૂર સ્કૂલ-વાન નાં હોર્ન માં શમી જતો ભાસે. બારી ની બહાર નાના ભૂલકાઓ અડધા જાગતા ને અડધા ઊંઘતા વાન માં ખડકાય ને પાછા ગમે ત્યાં થી ડોકા કે હાથ બહાર કાઢી પોતાને મૂકવા આવેલ દાદા,ડેડ કે મમ્મા ને બાય કરતાં ઉપડી જતાં હોય-ભારત નાં ભવિષ્ય નાં ઘડવૈયા બનવાની તાલીમ લેવા માટે. દાદા હાથ માં દૂધ ની થેલી લઈને જ પોતરા ને મૂકવા આવ્યા હોય એટલે એ પ્રયાણ કરે દૂધ-કેન્દ્ર ભણી.. ત્યાં જ ક્યાંક દિકરો બ્રાંડેડ કપડાં અને શૂઝ ચડાવી ‘મોર્નિંગ-વોક’ માટે નીકળતો દેખાય. હજી તો સૂરજ નું શિશુ -કિરણ પહેલ વહેલી આંખ ખોલી જગત ને વિસ્મય થી નીરખે નહિ, ત્યાં તો શિશુઓ ને ભણાવવા માટે ખભે મોટી ઝોલા બેગ ટિંગાડી લફડ-ફફડ દોડતી જતી શિક્ષિકા નાં દર્શન થાય.

થોડીવાર માંડ સડક ને હાશ થઈ ન થઈ હોય ત્યાં તો ‘એય.... ભંગાર’ નો મોટો રાગડો સંભળાય, ક્યાં તો શાકવાળા નો પોકાર. અલબત્ત મુખ્ય રસ્તા પર આવા મનોરંજન નિહાળવાનો લ્હાવો ન મળે. ત્યાં તો બસ એકધારા વહી જતાં ટ્રાફિક ને જોયા કરવાનો..વિવિધ બ્રાન્ડ ની કાર કે ટુ-વ્હીલર તેનાં આગવા રંગ-રૂપ માં જોવા મળે. લગભગ દરેક માણસ દોડી રહ્યો છે. ખબર નથી ક્યાં અને શાનાં માટે..

આખા દિવસમાં કેટલાય ફેરિયા ત્યાં થી પસાર થતાં રહે છે-રેંકડી માં ખચાખચ માલ ભરીને.. કોઈ પાસે પ્લાસ્ટિક ના ડબ્બા-ડબલા કે ડોલ નો સંસાર છે તો ક્યાંક સાબુ-ફિનાઇલ કે લિક્વિડ સોપ નો વહેવાર છે. સૌથી વધુ ભીડ બંગડી-બોરિયા અને બિંદી વહેંચનારા પાસે છે. પાછા આ બધા ક્યાંય માર્કેટિંગ ભણ્યા નથી અને કદાચ એટલે જ (!) માર્કેટિંગમાં એમની માસ્ટરી છે. ‘દીદી આપકો યે ખૂબ જચેગા.’ કે ‘મોટાં બેન, તમારી પાસે થી ક્યાં વધુ પૈસા લેવાનાં છે?’ વ... ધીરજ તો આ વેચનારા ની જ. પૂરો ખજાનો ઊથલાવ્યા પછી મહિલાઓ મોઢું બગાડી કઈ ન ખરીદે તો પણ તે આશા છોડ્યા વગર માર્કેટિંગ ની બીજી કોઈ ટ્રિક અજમાવે. પાછો ખાસ તમારા માટે લાવ્યો છું એમ પણ કહે અને જાણે વર્ષો જૂની ઓળખાણ હોય તેમ ગ્રાહક અને ખરીદાર વચ્ચે વાતો ચાલે.

સાંજ ઢળી નથી કે પાણી-પૂરી ના ઠેલાં દેખાયા નથી. તેના પર જામે કિશોર-કિશોરી, યુવાઓ અને મહિલાઓ નો મેળો.. ભૈયા ના હાથ માં કોણ જાણે કેવી કરામત છે કે ભલભલા ખાવાની બાબત માં નીરસ કે જિતેન્દ્રિય નાં પગ પણ ત્યાં થંભી જાય..

સાંજ શરૂ થાય અને ઢળે ત્યાં સુધી અરે રાત નાં આગમન સુધી નોકરી-વ્યવસાય થી પરત આવનારાઓ ની ચહલ-પહલ ચાલુ રહે છે. કોઈ નાં મૂરઝાયેલ ચહેરા તો કોઈ ની ચાલ માં જોમ.. કોઈ નાં સ્કૂટર ની તીણી બ્રેક કે કોઈ નાં હાથમાં લદાએલ સામાન.. અને લગભગ દરેક નાં કાન માં ભેરેવેલ ભૂંગળું...

કેટલાંક નસીબદાર માણસો નાં ઘર ની બારી સામે મોટું ગ્રાઉંડ હોય તો વિવિધ રમતો નિહાળવાનો લાભ સતત મળતો રહે છે. ક્યાંક કોઈ તેના થી વધુ નસીબવાન હોય તો મઝાનું વૃક્ષ પણ મળી જાય. બગીચો હોય તો તો ભયો ભયો.. . આપણામાં નાં કેટલાં મકાન ખરીદતી વખતે બારી ખોલતાં કયું દ્રશ્ય દેખાય છે તે જોઈ ને મકાન ની પસંદગી કરતાં હશે?

બસ જરૂર છે માત્ર બારી ખોલવાની.. બારી ખૂલે તો જ વિશ્વ-દર્શન શક્ય બને. બહાર ની દુનિયા નો સંપર્ક જળવાઈ રહે અને તેનું જ્ઞાન પ્રાપ્ત થાય..

બારી દ્વ્રારા થતો આ ફાયદો તો બધા ની નજર માં છે જ. પણ મારે એક બીજી વાત પણ કરવી છે. તે ઘર ની અંદર નું દર્શન પણ કરાવે છે. કોઈના પૉર્ચ માં ઊભો થયેલ સ્ટોર રૂમ.. તો ક્યાંક ફૂલ નાં કુંડા જોવા મળે.. ક્યાંક બારી ઘર ની અંદર ની હાથા-પાઇ છતી કરે તો ક્યાંક રસોડા માં વ્યસ્ત ગૃહલક્ષ્મી નો અવિરત પરિશ્રમ... કોઈ પ્રૌઢા નાં ખુરશી માં જ ટકી રહેતાં ઘૂંટણ ની વેદના કોઈ વૃદ્ધ ની આંખ માં ઝૂરતી એકાકી પળો...એ ઇમારત મકાન છે કે ઘર તેનો ચિતાર બારી ની અંદર નો વ્યવહાર છતો કરે છે.

તેનાં દ્વારા ભીતર નું પણ જ્ઞાન મળે છે...

આ બારી ખરે જ અદભૂત ચીજ છે! આંતર-બાહ્ય દર્શન અને તે દ્વારા યોગ્ય પરિમાણ ની પ્રાપ્તિ બારી થી જ શક્ય બને.

બારી ને ઉઘાડો તો તો ઘણું ઘણું દેખાય... દુનિયા શું છે તે સમજાય.ને દિલ શું છે તે પરખાય. પણ આપણે આપણાં મન ની બારી ને કાયમ આગ્રહ,દુરાગ્રહ અને પૂર્વગ્રહ થી બંધ જ કરી રાખીએ તો બહાર ની હવા નો કે સૂરજ નાં પેલાં શિશુ કિરણ નો સંસ્પર્શ ક્યાં થી પામી શકાય?gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.