ઈન્કમટેક્સની રેડ નેતાઓને ત્યાં કેમ નથી પડતી?

- ખુદ ઈન્કમટેક્સવાળાઓને ત્યાં પડે છે? (હિતેશ ગામીત, ઝાંખરી-વ્યારા)


નેતાઓ પણ લાઈનોમાં ઊભા રહે, એનો કોઈ ઉપાય?

- વિધાનસભા કે લોકસભામાં લંચની મોટી લાઈનો લાગે છે. (કોમલ ના. બલીયા, રાજકોટ)


'એન્કાઉન્ટર'માં તમારો ફોટો કેમ છાપતા નથી?

- લોકોને એમ ને એમ જ હસવું આવે છે. (દીપક ચોણકર, નાની દમણ)


ગાજરને શાક કહેવાય કે ફ્રૂટ?

- ગાજરને ગાજર જ કહેવાય. (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)


સલમાન ખાને મોબાઈલ ટૉયલેટ 'મનપા'ને અર્પણ કર્યું. શું માનો છો?

- હા, પણ ટૉયલેટ મોબઈલ છે, એમાં એવું ન થવું જોઈએ, કે બેઠો હોય બોરીવલીમાં ને બહાર નીકળે ચર્ની રોડ! (રશ્મિન એન. ભટ્ટ, જૂનાગઢ)


યુવાનો વિદેશોની ફેશન અપનાવે છે... ત્યાં જેવી ચોખ્ખાઈ કે સમયપાલન કેમ નહિ?

- ચોખ્ખાઈને ફેશન બનાવો. (જયેશ અંતાણી, ભાવનગર)


તમને કેવા સવાલો વધુ ગમે?

- જવાબોનું સ્તર ઊંચુ લાવી શકે એવા. (જગજીવન મેતલીયા, ભાવનગર)


મારી વાઈફને હું સમજી શકતો નથી... શું કરવું?

- જે અમે બધા કરીએ છીએ તે...! 'રાધે રાધે રાધે...' (સિધ્ધાર્થ સોરઠીયા, અંજાર-કચ્છ)


ઋષિમુનિઓએ લખ્યા મુજબ, પૃથ્વી શેષ નાગના મસ્તક પર ઊભી છે. સાચું?

- નાગને ડોલાવવાનું બિનઆતંકવાદીઓ લઈને બેઠા છે... ક્યાં સફળ થાય છે? (કનુપ્રસાદ મિસ્ત્રી, અમદાવાદ)


તમારી વાત સાચી છે. હજારોની ભીડ ભેગી કરી શકતા સંતો એમની કથાઓમાં રાષ્ટ્રગીત કેમ ગવડાવતા નથી?

- એમના મનમાં ભગવાનની સાથે ભારત માતા ય પ્રગટ થશે ત્યારે. (રૃપાલી જે. વૈદ્ય, અમદાવાદ)


તમે જ્યોતિષમાં માનો છો? અને માનતા હો તો કોઈ પ્રસિધ્ધ જ્યોતિષી તમને ચોક્કસ ઉપાયો સૂચવે, તો કરો ખરા?

- મારાથી જ્યોતિષમાં પડાય એવું નથી. મારી પત્ની જ્યોતિષી છે. (જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


પ્રશ્ન પૂછવા માટે તમે નામ, સરનામા અને મોબાઈલ નંબર મંગાવો છો. કોઈ ચોક્કસ હેતુ?

- ને તો ય, દર સપ્તાહે સરેરાશ ૨૦-૨૫ વાચકોને ફક્ત નામ છપાવવામાં રસ હોય છે. બાજુના બૉક્સની વિગતો વાંચતા નથી ને વિગતો ભરતા નથી. એમનો પ્રશ્ન ન લેવાય. (હર્ષિલ ઠક્કર, અમદાવાદ)


શું કરન્સી-નૉટ પણ એક્સપાયરી-ડેટ સાથે છપાવવી જોઈએ?

- વટાવનારની એક્સપાયરી ડેટ તો ક્યાંથી મળે? (રહિમ મલકાણી, ભાવનગર)


જો તમે વડાપ્રધાન હો, તો દેશ માટે પહેલાં શું કરો? નોટબંધી કે સર્જિકલ સ્ટ્રાઈક?

- અફ કૉર્સ, સર્જિકલ સ્ટ્રાઈક. (ધુ્રવી અગ્રાવત, રાજકોટ)


અશોકજી, સિધ્ધપુરની મુલાકાત લેવા ક્યારે પધારો છો?

- બસ. પેરિસના આર્કિટેક્ચરથી બનેલા તમારા અદ્ભુત શહેરના વ્હૉરવાડની કોઈ પણ હવેલી કે વર્લ્ડ-રેકોર્ડ સ્થાપિત થયેલા ૩૬૪-બારીઓવાળા મકાનમાં એક વખત ચા-પાણી પીવા, કોઈ બોલાવે, તો કાલે સવારે આવી જઉં...! (ફાતેમા ખુઝેમા મીયાજીવાલા, સિધ્ધપુર)


ઘરમાં સહેજ પણ બળેલી રોટલી ન ખાનાર હોટેલમાં 'બર્નિંગ ફ્લેવર'ને નામે ધાબડી દેવાતી વાનગીઓ માટે કેમ કશું બોલી શકતી નથી?

- આ જ કારણે, એકે ય હોટલમાં, 'આપના ઘર જેવી રસોઈ'નું બોર્ડ કદી હોય છે? (પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)


સ્વ. મુહમ્મદ રફી માટે શું કહેશો?

- વર્ષો પહેલા હું લખી ગયો છું. 'રફીનો કંઠ એટલે શિવલિંગ ઉપર દૂધની ધારા.' (રોહિત યુ. બુચ, વડોદરા)


૨૫ ડિસેમ્બરે તમારું 'એનકાઉન્ટર' ન આવ્યું. ક્રિસમસ પાર્ટી વહેલી કરી નાંખી હતી?

- ગુજરાતમાં એનકાઉન્ટર ચાલે... 'એવી' ક્રિસમસ-પાર્ટીઓ ન ચાલે. (કેતન શિવપ્રસાદ રેખ, સુરત)


આપ હંમેશા ફ્રેશ અને 'ચાર્જ્ડ' જ દેખાઓ છો. 'યે રાઝ હમકો ભી બતાઓ, ઠાકૂર!'

- ચાલવા જવાની એવી ટેવ પડી ગઈ છે કે, હું તો ઊંઘમાં ય જતો હોઉં છું. (દીપક આશરા, ગાંધીનગર)


એવું નથી લાગતું કે, આજકાલના નેતાઓ સુધરી ગયા છે?

- તમારું વાંચન વધારો. (મયૂરી પંચાલ, અમદાવાદ)


'કેશલેસ'ની વાતો... ચાલતાં ન આવડે ને ઊડવાની વાતો જેવી લાગે છે. સુઉં કિયો છો?

- હું કાંઈ બોલ્યો? (અફરોઝબેન મીરાણી, મહુવા)


રોજ બદામ ખાવાથી શું થાય?

- મેં તો બદામને ફોટામાં જ જોઈ છે. (ધવલ રૃપાપરા, નાના વડાળા-કાલાવડ)


તમારા એક પુસ્તકનું નામ છે, 'સવા ફૂટની સ્ટોરી'. સાવ આવા નામ રાખો છો તો બા ના ખિજાય?

- એમણે તો 'દોઢ ફૂટ'ની કીધું'તું... હું માંડ દરજી પાસે જઈને 'સવા'ની કરાવી આવ્યો! (નાઝનીન કૌકાવાલા અઝીઝાબેન, સુરત)


હું ૨૨-વર્ષનો છું ને મેં તમારી 'જેન્તી જોખમ' બુક વાંચી છે...

- એ ૨૨-વર્ષ પહેલાં લખાઈ હતી... તમે તો 'મેચ્યોર' થઈ ગયા...! (દક્ષ મણિયાર, માંડવી-કચ્છ)

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.