મનસુખ શહેરમાં નવો નવો. અત્યારસુધીની ગરબીઓ તેણે જોઈ તેમાં કોઈ દા‘ડો છોકરા અને છોકરીને સાથે રમતા ન જોયા. ગામડાંની નાની મોટી ગરબીઓમાં તે આયોજનકર્તાની ભૂમિકામાં જોવા મળે. કોલેજમાં આવ્યો અને શહેરમાં ભણવા જવાનું થયું. ગુજરાતની ગરબીઓ તો એવી કે એક અઢવાડિયા પહેલા જ ધબધબાટીઓ ચાલુ થઈ જાય. ઘણી જગ્યાએ તો મહિનાઓ પહેલા જ ભૂક્કા બોલવા લાગે. અમદાવાદમાં આ તેની પહેલી ગરબી હતી. રોજનીશી લખવાની તેની પહેલેથી આદત. ગાંધીજીની આત્મકથા જ્યારથી વાંચી ત્યારથી મનસુખ રોજનીશી લખે. આ લખવામાંને લખવામાં મનસુખને છાપામાં નોકરી મળી ગઈ. રાતના થોડુ કામ હોય તે કરી લેતો અને બદલામાં પૈસા લઈ લેતો. લખવાનું આપણા નસીબમાં છે, આ જાણીને પત્રકારત્વનો કોર્ષ કર્યો. જેમની સાથે રહેતો તે પણ બધા અખબારના માણસો. રાતના દસેક વાગ્યે છૂટે એટલે પોતાની મિત્ર મંડળીની સાથે ગરબીની મંડળી જોવા જાય. દરેક જગ્યાએ પાસ હોય, પરંતુ શ્રીમાન મનસુખ છાપામાં હોવાના કારણે તેને મફતમાં પાસ મળી ગયો. તેના મિત્રો તેના કહેતા પણ ખરા, ‘અલ્યા, આ આપણું છાપામાં હોવું તે આટલું લાભદાયક નિવડશે તે તો ખ્યાલ જ નહતો.’

અને પહેલા દિવસે મનસુખલાલ પહોંચ્યા મફતની ગરબી જોવા. જ્યાં જુએ ત્યાં કપલના ટોળેટોળા. કોઈવાર તો સિક્યુરીટી ગાર્ડ કહી દેતો, ‘આ તમે કપલ સાથે ધુણવા આવતા હો તો, એમનેમ દોળ્યા આવો છો...’ તેની આ રોજની રામાયણ રહી અને મનસુખને તેના મિત્રો કોઈ દિવસ ધ્યાન ન આપતા. બાળપણમાં મનસુખનું નામ લાલજી રાખવામાં આવેલું હતું, પરંન્તુ માંદો ખૂબ પડતો એટલે જ્યોતિષ પાસે જોવડાવી દસમાં ગરબાના દાડેજ મનસુખ કરી નાખ્યું. મનસુખને ખૂદને પોતાનું જૂનું નામ ગમતું નહતું.

આખરે માતાજીની આરતી સાથે પહેલું નોરતું શરૂ થયું. મનસુખને લાગ્યું કે જે ધૂળ પગની થપાટ લાગવાથી ઉડવી જોઈએ, તે અત્યારે ચોમાસામાં તૂટી ગયેલા રોડના કારણે ઉડતી હતી ! પહેલું નોરતું પૂરૂ થયું ત્યાં મનસુખનો ઉમંગ અને ઉમળકો ક્યાંય મ્હાતો નહતો. તેણે નિત્યક્રમ પ્રમાણે પોતાની રોજનીશી નિકાળી અને પાટીયાના ટેકાને અઢેલી બેસી ગયો.

પહેલું નોરતું
કોઈ દિવસ આવી રૂપાળી છોકરી જોઈ નહતી. પરાયા શહેરમાં આવીને કોઈ પોતાનું લાગી જશે તેની ખબર નહતી. પણ ક્યાંક તે કાલે ન આવી તો ? કેટલી સુંદર હતી. આ કંઈ મેકઅપ માત્રનો કમાલ નહતો. આભલા ભરેલી તેની ચોલી અને ખુલ્લા રેશમી વાળ. પહેલીવાર મને થયું કે હું કોઈને દિલ દઈ બેઠો છું. આટલી સુંદર છોકરી !! ક્યાંક આર્ટિકલમાં વાંચેલું કે નવરાત્રીના ગરબામાં વેલેન્ટાઈન કરતાં પણ પ્રેમની મૌસમ વધારે ખીલે છે. કારણ કે આપણા હોર્મોન્સ એ પ્રમાણે જાગૃત થતા હોય છે, આ તો કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે ! કારણ કે દિલ મારૂ છે, તો ધડકે છે કેમ એના માટે ? બસ.....

મનસુખે તેની ડાયરીનું પાનું બંધ કરી દીઘું. આજે કોઈ બીજી વિગત તેમાં તે લખવા માંગતો નહતો. લખવી હતી જ નહીં....

`બીજુ નોરતું
આજે મિત્રોને મેં કહી જ નાખ્યું કે પેલી છોકરી કેટલી સુંદર છે. થોડીવાર હોહો અને હાઈ-હાઈ થઈ ગઈ, પણ હવે ? એકવાર મિત્રો સામે તમે કોઈ વાત મુકી દો તો પેલા તમારી મજાક મશ્કરી કરશે અને કાંતો તમને તમારી પસંદિદા વસ્તુ અપાવશે. પરાણે તેમણે મને રમવા જવાનું કહ્યું. હવે હું રહ્યો સાવ ગવાર, ગામડાંમાં ગરબીનું આયોજન કરતો અને કોઈવાર છેલ્લો ગરબો હોય તો દિનુકાકા ઉશ્કેરીને પરાણે રમવા મોકલતા. આ સિવાય મેં કોઈ દિવસ રમ્યું નથી. પાછા અમદાવાદીઓના વેસ્ટર્ન સ્ટેપ મને તો ફાવે નહીં. તો પણ હું તેની નજીક જઈ રમવા ગયો. તેને થોડું ખરાબ લાગ્યું હશે, આવડા મોટા ગ્રાઉન્ડને છોડીને શું કામે મારી પાસે જ રમવા આવ્યો. પોતાની બહેનપણીઓ અને કેટલાક પુરૂષ મિત્રો સાથે ચાલી ગઈ. અને હું ડીજેના વાગતા ભણકારા, શોરબકોર અને ચીચયારીઓ વચ્ચે એકલો રહી ગયો.

ત્રીજુ નોરતું

હવે તો હિંમત કરવાની જ રહી. આજે ફરી તેની પાસે ગયેલો. દોસ્તી થઈ જાય તો બસ, પણ ના તેને તો જ્યારે કંઈ પડી જ નહોય તે માફક પોતાના ગરબાને રમવા માટે મશગૂલ હતી. હું તેના ગ્રૃપની આસપાસ આંટો મારી પાછો આવી ગયો અને બેસી ગયો. મિત્રોએ કહ્યું, ‘મનસુખલાલ તમે ગામડાના ગવાર જ રહ્યા તમારાથી નહીં થાય. મારૂં એ આખુ નોરતું ડોબાની જેમ આંખો ફાળીને જોવામાં જ ગયું...’

ચોથુ નોરતું

આજના દિવસે ગરબાની શરૂઆતમાં કોઈ શહીદીનું ગીત વાગતું હતું. કરચલે હમ ફીદા.... પાછળથી બટકબોલો ધવલ લાંબુ લાંબુ બોલતો હતો, ‘એ તું રેવા દે.... આ તારા પ્રેમમાં ક્યાંક આખી ગરબી મંડળી આપણને મારશે તો... ???’ અને આવું ઘણું બધુ તે બોલ્યો. પણ મને તો એ જાડીયાનો અવાજ જ નહતો સંભળાતો. અમારા ગ્રૃપમાં સંજય કરીને એક કિમિયાગર, હું જોતો રહ્યો અને તે તેના ગ્રૃપમાં ઘુસીને નાચવા માંડ્યો. એટલી શરમ આવીને વાત ન પૂછો કારણ કે આ નવા મહેમાનને તેમણે પોતાની દુનિયામાંથી જાકારો આપી દીધો. થોડીવાર પછી સંજય ત્યાં એકલો જ રાસ રમતો હતો. થયું પેલી છોકરીના કારણે મારા મિત્રને કોઈ પાગલ ન ગણે આ માટે ગરબા ન આવડતા છતા ત્યાં જઈ દોઠ ફુટિયા સ્ટેપ લઈ લીધા, પણ છોકરી સાલ્લી રમેશ પારેખની કવિતા જેવી જ હતી.....

પાંચમુ નોરતું

અમારા ગ્રૃપમાં એક સુજય પણ. હું રોજ પેલી છોકરી સાથે વાતો કરવાની ઈચ્છા ધરબીને જતો અને આપણો પાણકો ભાંગતો નહીં. એકવાર તો સુજયે કહી દીઘું, ‘હું આરટીઆઈ કરીને તેનું નામ જાણી લઉં.’ મને ગુસ્સો આવ્યો પ્રેમમાં ક્યાં રાજકારણ નાખવું ! પણ એ નોરતું પણ હાથમાંથી ગયું. બહાર નીકળ્યા ત્યારે પ્રતિક બોલતો હતો, ‘આમા વેલુ સેંટિંગ કરી લેવાય. કોઈ બીજો શૂરવીર ખાબકે એ પહેલા.’ પણ મારી મન:સ્થિતિ એટલી ખરાબ હતી વાત ન પૂછો.

છઠ્ઠુ નોરતું

આમ તો ઓવરના છેલ્લા બોલે સિક્સર લાગી જવી જોઈએ. પણ પ્રેમના આ ગરબામાં ત્રણ બોલ એક્સ્ટ્રા મળતા હોય છે. આ વખ્તે હિંમત કરીને હું તેના ગ્રૃપમાં રમવા માટે ગયો. બન્યું એવું કે હું તેની બાજુમાં ગયો ત્યાં તેના ખભા સાથે અથડાયો, તેનાથી થોડો અવાજ નીકળી ગયો. વાગ્યું હશે ? મારાથી ભૂલ થઈ ગઈ.... મને પાછી સોરી કહેવાની આદત નથી ! પોતાની બહેનપણીઓ સાથે ચાલી ગઈ અને તેના મજબૂત પુરૂષ મિત્રો સાથે રકઝક થઈ. આ છઠ્ઠા દાડે અમારી સાથે જયપાલ પણ હતો. ખૂંટીયા જેવો ! તેને જોઈને જ સામેના લોકો ભાગી ગયા. બાકી મારો કોળિયો થઈ જાત....

સાતમું નોરતું
જયપાલ રાડો નાખી નાખીને બોલતો હતો, ‘હવે કરી લેજો બાપુ બાકી ગયું.’ અને હું સાંભળતો હતો. ક્યાંક મને એવું ફિલ થયું કે મારો રંગ આડો આવે છે, હું થોડો કાળો છું, વધારે તો નહીં, કારણ કે કોણ પોતાની નબળાઈ કરે ! અને તે બ્યુટીફુલ. આ આખા નોરતામાં હું ઘુમ્યા કર્યો, તેની પાછળ પાછળ. કોઈવાર લાઈટીંગનો પ્રકાશ અને તેના આભલાનો પ્રકાશ મારી આંખોને આંજી દેતો, પણ મારે આ કૃત્રિમ પ્રકાશને શું કહેવું ? તેની આંખો મને થોડી ઓછી આંજતી હતી. આખી રાત રખડવામાં ગઈ.

આઢમું નોરતું

બસ, હવે છેલ્લો એક દિવસ તેમાં આજનો દિવસ તો ચાલ્યો ગયો, રાહ જોવામાં. આ મોડું ન કરાય ને કહી દેવાયને આવું બધું કવિતાઓ અને ગઝલમાં સારૂ લાગે. અહીં થોડું !!! આઢમાં નોરતામાં મેં મારા મિત્રો સાથે ખાલી પાણીપૂરી ખાઈ, તેને રાસ રમતા જોતા રહ્યો. અને બસ ચાલી નિકળ્યો.

નવમું નોરતું

હું તેને જોતો હતો ત્યાં ફોન રણક્યો. અમારા તંત્રી સાહેબનો હતો. મેં ઉપાડ્યો તો જવાબ મળ્યો વેલી તકે આવી જા. આજ રાતે બે માણસો નથી. અને બે પાના કાઢવાના છે. હું મિત્રોની રજા લઈ તેને એકિટશે જોતો બહાર નીકળ્યો. રાતના એક વાગ્યા સુધીના કામનો અંત આવવાનો હતો. આખરે સાહેબને જઈ કહ્યું કે, ‘છેલ્લી ત્રણ કોલમ બાકી છે, જાહેરખબર છે કે, કશું લખવું પડશે ?’

સામેથી તંત્રી સાહેબે કહ્યું, ‘પેલો ફોટોગ્રાફર આવતો હશે, રસ્તામાં છે, એ કંઈ ફોટોસ્ટોરી લઈ આવે પછી છાપીએ.’ હું મારી જગ્યાએ ફસડાઈને પડી ગયો. હવે પેલી છોકરીને આવતા નોરતામાં મળશું બીજુ શું, આવા વિચારો મારા મગજને ઘેરી રહ્યા હતા. ત્યાં અમારો લાંબી ચોટલીવાળો ફોટોગ્રાફર આવ્યો. તંત્રી સાહેબ પાસે ગયો અને કંઈક બબડ્યો. તંત્રીએ મારી પાસે આવીને હુકમ કર્યો, ‘આ ત્રણ કોલમની જગ્યામાં આપણે આ સ્ટોરી છાપશું.’ મને હાથમાં ફોટોગ્રાફ આપ્યો. તંત્રી બોલ્યા, ‘નામ સંગીતા દેસાઈ છે, અડધી કલાક પહેલા એક્સિડન્ટ થયું છે.’ અને મારાથી ઉંડો શ્વાસ નખાય ગયો. હવે આવતા નોરતે નહીં.... આવતા જન્મે મળશું... પાછળના ભાગમાં ચાલતી ગરબીનો અવાજ મારા કાને પટકાયો ગોરી રાધાને કાળો કાન... અને હું ત્રણ કોલમ લખવા મચી પડ્યો....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.