ખૂન અને ગણિત

સૂરતી મનુષ્યના મુખે જેમ ગાળ સહજ છે એમ માણસમાત્રના મુખે ‘મારું ચાલે તો પેલાને ભડાકે દઉં’ એવા મતલબનો જોશીલો સંવાદ સહજ છે. આવું બોલે સૌ, પણ બોલનાર જાણતો હોય છે કે ‘મારું ચાલવાનું નથી’ એટલે કે મારા હાથે ખૂન થવાનું નથી. અને છતાં, મિડિયામાં કોઈ ખૂન કેસ બહુ ચગે ત્યારે કોઈના પણ મગજના અત્યંત છાને ખૂણે એવો વિચાર ઝબકી શકે ખરો કે ‘આવું ક્યાંક મારી સાથે બન્યું તો?’

આરુષિ તલવાર ડબલ મર્ડર કેસ ઘણો જાણીતો છે. આ કિસ્સામાં ખૂન કોણે કર્યું એ સવાલ પોતે જ અત્યંત ચટાકેદાર હતો. એમાં વળી જાતીયતાને લગતી અત્યંત ગંદી વાતો, કોઈ સાબિતી-પુરાવા વિના, ખૂબ ઉછાળવામાં આવી. છેવટે વિખ્યાત લેખક-પત્રકાર પેટ્રિક ફ્રેન્ચે ‘આઉટલૂક’માં એક પ્રલંબ લેખ દ્વારા અને પત્રકાર અવિરુક સેને એક પુસ્તક લખીને આખી વાત શાંતિથી, ઠંડકપૂર્વક સમજાવવાની કોશિશો કરી. વિશાલ ભારદ્વાજે લખેલી અને મેઘના ગુલઝારે નિર્દેશિત કરેલી ફિલ્મ ‘તલવાર’માં એવું દેખાડવામાં આવ્યું કે કોઈ ઇરાદા કે આયોજન વિના નાની અમસ્તી વાતે ડરી ગયેલા બે પીધેલાઓએ આરુષિને મારી નાખી.

ખરેખર જો આટલી સાદી વાત હોય તો આખો કેસ જે રીતે ખૂબ ચગાવાયો એ બધું શરમજનક હતું. આખું ભારત જાણે આ મામલે ખૂન-ખૂન રમ્યું. આવી રમતનો એક ગુનો મેં પણ કર્યો છે. અભિયાનમાં ‘તિતિક્ષા’ નવલકથા લખતી વખતે સ્ટોરી સહેજ પણ ઢીલી પડતી લાગે ત્યારે એમાં હું ખૂન ભભરાવી દેતો. એવું કરવું આસાન હતું, કારણ કે નવલકથાનો હીરો અંડરવર્લ્ડનો માણસ હતો. અંડરવર્લ્ડમાં તો ખૂનખરાબા ચાલ્યા કરે. એટલે વાર્તા સહેજ ધીમી પડે કે તરત મગજમાં જાણે અવાજ આવે, ચલો આજ કુછ તુફાની કરતે હૈ. અને વાર્તામાં એક ખૂન થઈ જાય. મને પોતાને અત્યારે યાદ નથી કે એ નવલકથામાં નકામાં ખૂન કેટલાં હતાં. લેખક તરીકે એ મારી ચાલાકી જ હતી. લોકોનો રસ જાળવવા હું નવલકથામાં ખૂન કરાવતો રહ્યો. શું કામ? કારણ કે હું જાણતો હતો કે લોકોને ખૂનના ખેલમાં ખૂબ રસ પડે.

લેખનો મુદ્દો આ છે, ખૂન આપણને ખૂબ સ્પર્શે છે કારણ કે આપણા જીવનમાં આવું કશુંક થઈ શકે કે નહીં એ વિશેની બેચેની આપણને ઊંચા શ્વાસે ખૂન કેસમાં ઊંડા ઉતરવા માટે ધકેલે છે. મર્ડરના મામલે માણસનો મૂળ રસ આ હોય છેઃ આવું મારી સાથે બની શકે? મારા હાથે બીજાનું કે બીજાના હાથે મારું કે મારા કોઈ પ્રિયજનનું ખૂન થવાની શક્યતા કેટલી?

ખૂન કિયા નહીં જાતા, હો જાતા હૈ?

એક કાંડા પર ચાલી રહેલા મકોડાને બીજા હાથના પ્રહાર વડે મારી નાખનાર ગબ્બરસિંઘ જેવા હિંસક માનવીના જીવનમાં ખૂની ઘટનાની શક્યતા વધુ હોય, જ્યારે કાંડા પર બેઠેલા મચ્છરને મારવાને બદલે ફૂંક મારીને ઉડાડી દેનાર અહિંસક વ્યક્તિના જીવનમાં ખૂની ઘટનાની શક્યતા ઓછી હોય એવું સ્વીકારી શકાય. પણ મુદ્દો એ છે કે પ્રમાણમાં અત્યંત અહિંસક હોય એવી વ્યક્તિના જીવનમાં પણ ખૂની ઘટનાની શક્યતા શૂન્ય તો નથી જ હોતી. ઝીરો પોઈન્ટ મેની મેની ઝીરોઝ પછીના વન (૦.૦૦૦૦૦૦...૧) જેટલી ઓછી જ ભલે, પણ ખૂનની એક આછી સંભાવના પ્રત્યેક માનવીના જીવનમાં ઝળૂંબતી હોય છે. પેલા એક ફિલ્મી ગીતમાં હીરો એવી ‘રોમેન્ટિક દહેશત’ વ્યક્ત કરે છે કે ‘મૈં કહીં કવિ ના બન જાઉં.’ આવી એક ગુપ્ત દહેશત આપણા મનમાં પણ ક્યાંક છૂપાયેલી હોઈ શકે કે ‘મૈં કહીં ખૂની ન બન જાઉં’.

બીજું એક ફિલ્મી ગીત પણ યાદ આવે છે. ફિલ્મ ‘વો સાત દિન’માં એક ગીત હતું: ‘પ્યાર કિયા નહીં જાતા, હો જાતા હૈ’. તો શું ખૂનનું ખાતું પણ એવું ખરું? ખૂન કિયા નહીં જાતા, હો જાતા હૈ? તમે કહેશો, ખૂન હંમેશાં ક્ષણિક આવેગમાં નથી થઈ જતું. ખૂન શાંતિ ચિત્તે વિચારીને આયોજનબદ્ધ ઢબે પણ કરવામાં આવી શકે. દલીલ સાચી છે, પણ જરા વધુ વિચારતાં સમજાશે કે આયોજનપૂર્વક થતી હત્યા પણ છેવટે તો અણધારી જ હોય છે. દા.ત. ૨૦ની ઉંમરે જીવનમાં ક્યારેય ખૂનની કલ્પના ન કરનાર વ્યક્તિ પછી ૪૦ની ઉંમરે ઠંડી ગણતરી સાથે ખૂન કરે એ શક્ય છે. એના જીવનમાં સંજોગો એવા રચાય કે ખૂનની ઇચ્છા મગજ પર સવાર થાય. આ ઇચ્છા પળવારમાં સવાર થઈ જાય કે લાંબા સમય સુધી આ ઇચ્છા મગજમાં ઘૂમે ત્યાર બાદ હત્યાનો શાંત ચિત્તે અમલ કરવામાં આવે, આ બન્ને કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ પર રોષ ચઢવાની શરૂઆત થાય તે અગાઉ માણસે જિંદગીમાં ખૂન કરી નાખવા વિશે ન વિચાર્યું હોય એ શક્ય છે.

હા, અમુક સમુદાયો કે વિસ્તારોમાં હિંસા અને ખૂનની શક્યતા વિશેષ હોય છે એ ચોક્કસ સ્વીકારી શકાય. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી વિસ્તારમાં વસતા પખ્તુન કબીલાઓમાં ખૂનનો બદલો ખૂનથી લેવાની પરંપરા ખાસ્સી હદે સ્વીકાર્ય છે. આ વિસ્તારના કબીલામાં ખૂનની શક્યતા અન્ય વિસ્તારની અન્ય પ્રજા કરતાં વધુ રહેવાની. એમ તો આખા વિશ્વની વાત કરીએ તો સૌથી વધુ ‘ખૂની ખંડ’ છે અમેરિકા, જ્યાં દર લાખ જણની વસતિદીઠ વરસે ૧૬.૩ હત્યા થાય છે. આ પ્રમાણ આફ્રિકામાં ૧૨.૫, યુરોપમાં ૩.૦ અને એશિયામાં ૨.૯ હત્યાનું છે. ક્યાં ૨.૯ અને ક્યાં ૧૬.૩? મતલબ કે એશિયા કરતાં અમેરિકા ખંડમાં રહેતા માણસના જીવનમાં ખૂની ઘટનાની શક્યતા ૫.૬ ગણી વધારે છે.

ખૂનની એવરેજ કઈ રીતે જળવાય છે?

એશિયા અને અમેરિકા વચ્ચે ખૂનના પ્રમાણમાં આટલો ફરક ચોંકાવનારો લાગી શકે, પરંતુ અસલમાં તફાવત કરતાં ખૂનની એવરેજની નિકટતા વધુ ભેદી છે. જેમ કે, ઇંગ્લેન્ડ અને વેલ્શમાં ૨૦૧૧-૧૪ના ચાર વર્ષ દરમિયાન, અનુક્રમે ૫૫૭, ૫૫૩, ૫૫૨, ૫૫૮ ખૂન થયાં. મતલબ કે દર લાખની વસતિદીઠ ચારેય વર્ષ દરમિયાન ૦.૯૮, ૦.૯૮, ૦.૯૮, ૦.૯૮ ખૂન થયાં. ચારેય વર્ષ દરમિયાન એવરેજ ડિટ્ટો જળવાઈ રહી. આ જ પ્રદેશના જૂના આંકડા જુઓઃ બ્રિટન અને વેલ્શમાં દર વર્ષે દર લાખની વસતીદીઠ ખૂનની ઘટનાઓનું પ્રમાણ ૧૯૨૦-૨૯ દરમિયાન સરેરાશ ૦.૩૮, ત્રીસના દાયકામાં ૦.૩૭, ચાલીસના દાયકામાં ૦.૩૯, પચાસના દાયકામાં ૦.૩૩ અને સાઠના દાયકામાં ૦.૩૫ જળવાયું. અહીં સાઠના દાયકાથી અત્યાર સુધીમાં અહીં ખુનનું પ્રમાણ લગભગ ત્રણ ગણું વધ્યું એ વાત તરફ ચોક્કસ ધ્યાન ખેંચાય, પણ વધુ ધ્યાન ખેંચે એવી બાબત છે આંકડાની નિકટતા.

સ્વાભાવિક છે કે જે હત્યાઓના આધારે આ આંકડા રચાયા છે (ચારે ચાર વર્ષ દરમિયાન લાખે ૦.૯૮ ખૂન એટલે કે દસ લાખે ૯.૮ ખૂન) એ તમામ હત્યા અલગઅલગ કારણસર, અલગઅલગ સંજોગોમાં અને મોટે ભાગે અલગઅલગ ખૂનીઓએ કરી હતી. છતાં, ખૂનીઓએ જાણે ધ્યાન રાખ્યું કે આપણા પ્રદેશની ‘સરેરાશ’ જળવાઈ રહેવી જોઈએ. એક માણસ બીજા માણસનું ખૂન કરે છે ત્યારે તેને પોતાના પ્રદેશની હત્યા-સરેરાશ વિશે કશી જાણકારી નથી હોતી. છતાં, એનું કૃત્ય એવરેજ જાળવનારું હોય છે.

સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આવી સરેરાશ માટે અનેક વાજબી કારણો તારવી શકાય. અમેરિકામાં હત્યાનું પ્રમાણ ઊંચું હોવાનું એક મહત્ત્વનું અને સાદું કારણ એ છે કે ત્યાં (ખાસ તો ઉત્તર અમેરિકામાં) ગન અત્યંત આસાનીથી ખરીદી શકાય છે. હાથમાં ગન હોય અને ફક્ત ટ્રિગર દબાવવાથી ખૂન થઈ શકતું હોવાને લીધે ત્યાં વધુ ખૂન થાય છે. ત્યાં અમીરી-ગરીબી વચ્ચે ખાઈ વધુ છે, ડ્રગ્ઝનું ચલણ વધુ છે, અશ્વેત પ્રજા ઓછું ભણેલી અને ગરીબ છે... આવાં અનેક સામાજિક કારણો ઊંચી ખૂન-એવરેજ માટે તારવી શકાય, પણ વાત જ્યારે વ્યક્તિગત ખૂનની વાત આવે છે ત્યારે એમાં ફક્ત સામાજિક પરિબળો ઉપરાંત સંભાવનાનું પેચીદું ગણિત જે ભેદી રીતે કામ કરે છે એ સમજવા જેવું છે.

આ ભેદનું ભેદીપણું સમજવા માટે હત્યાને બદલે કૂતરું કરડવાની સાદી ઘટના તરફ નજર નાખીએ. કૂતરાં કરડવાના મામલે પણ એવરેજ જળવાતી હોવા વિશેના અડધી સદી જૂના આંકડા હાલમાં અકસ્માતે હાથમાં આવ્યા. એ મુજબ, ન્યૂ યોર્કમાં કૂતરું માણસને કરડે એવા દૈનિક બનાવો ૧૯૫૫માં સરેરાશ ૭૫.૩ નોંધાયા. આ સરેરાશ ૧૯૫૬માં ૭૩.૬, ૧૯૫૭માં ૭૩.૫, ૧૯૫૮માં ૭૪.૫ અને ૧૯૫૯માં ૭૨.૪ નોંધાઈ. આ આંકડા વાંચીને પહેલો સવાલ તો એ જાગ્યો કે ન્યૂ યોર્કમાં રોજ આટલાં બધાં લોકોને કૂતરાં કરડે? ન્યૂ યોર્કના કૂતરાં તો ભાઈ ભારે કરડકણાં. કે પછી કૂતરાંની વસતિ ત્યાં વધારે હશે? પણ આનાથી વધુ મૂંઝવનારો સવાલ આ છેઃ આમાં કૂતરાંને કેવી રીતે ખબર પડે કે એણે ક્યારે કરડવું અને ક્યારે નહીં? સ્ટેટિસ્ટિક્સનો સ્ટે ન જાણતાં કૂતરાં પોતાની જાણબહાર બરાબર એવી રીતે કરડ્યા જેથી રોજની સરેરાશ સાંકડી રેન્જમાં (૭૨.૪થી ૭૫.૫ વચ્ચે) જળવાઈ રહે. આવું કઈ રીતે શક્ય બને?

આ જ વાત ખૂનીને પણ લાગુ પડે છે. વ્યક્તિગત સ્તરે ખૂનીને સામાજિક પરિબળોથી માંડીને ખૂનની એવરેજની કશી જ ખબર નથી હોતી, છતાં એનું અંગત કૃત્ય સરવાળે સમુદાયની ખૂન-અવરેજ જાળવનારું બની રહે છે.

ખૂન, દીકરી-દીકરો, હેડ-ટેઈલ

ગણિત એક એબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત-ઠંડું) શાસ્ત્ર છે, જ્યારે ખૂન કે કૂતરું કરડવાના બનાવો ધગધગતી લાગણીની અભિવ્યક્તિ છે. છતાં આ બંનેને કશુંક જોડે છે. એ જોડનાર કડી કઈ રીતે કામ કરે? ‘સંભાવનાની તર્કપૂર્ણ થિયરી’ કેવી હોઈ શકે? આ સવાલમાં બહુ ઊંડે સુધી સંશોધન કરનારી એક વ્યક્તિ છે, જોન વોન ન્યૂમાન. ન્યૂમાનસાહેબનો પરિચય આપવો હોય તો ફકરો ઓછો પડે. વીસમી સદીના એ અત્યંત મોટા ગજાના ગણિતશાસ્ત્રી વત્તા ભૌતિકશાસ્ત્રી વત્તા પ્રથમ કમ્પ્યુટરના પાયાના પથ્થર (પ્રથમ વાઈરસની ડિઝાઈનના જનક) વત્તા હિરોશીમા-નાગાસાકીવાળા અણુબોમ્બ રચવા માટેના ‘પ્રોજેક્ટ મેનહટ્ટન’ના મુખ્ય સભ્ય વત્તા ક્વોન્ટમ મિકેનિક્સની ઓપરેટર થિયરીના પાયોનિયર વત્તા જગવિખ્યાત ગેમ થિયરી વિકસાવવામાં મહત્ત્વનું પ્રદાન આપનારું ભેજું.

પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ન્યૂમાન અને આઈન્સ્ટાઈનની કેબિનો બાજુબાજુમાં હતી. ન્યૂમાનને મોટેથી સંગીત સાંભળવું બહુ ગમે. એ વાતે આઈન્સ્ટાઈને ફરિયાદ કરેલી કે બોસ, આને કહો કે વોલ્યુમ ઘટાડે. ન્યૂમાનને સામે ટીવી ચાલી રહ્યું હોય ત્યારે કામ કરવું ગમે અને શાંત સ્ટડીરૂમને બદલે ધમાલિયા ડ્રોઈંગ રૂમમાં કે ઇવન બાથરૂમમાં નહાતાં નહાતાં અચાનક વિચાર આવી જાય ત્યારે બાથરૂમની અંદર જ ભીનાં શરીરે લખવાનું એમને ફાવે.

ટૂંકમાં, વીસમી સદીનું એક મહત્ત્વનું વૈજ્ઞાનિક ભેજું હતા આ જોન વોન ન્યૂમાન. એમણે ‘સંભાવનાની તર્કપૂર્ણ થિયરી’ વિકસાવવા બહુ ભેજાફોડી કરીને છેવટે કબૂલેલું કે આવી સો ટકા તર્કપૂર્ણ થિયરી હું વિકસાવી નથી શક્યો અને આ દિશામાં વધુ કામ કરવું રહ્યું. આ વિશે એક ટિપ્પણી એવી પણ થઈ કે ન્યૂમાને છેવટે સંભાવનાના ગણિતમાં જાણે કોઈ ‘બ્લેક મેજિક’ કામ કરતું હોય એવું સ્વીકાર્યું. ન્યૂમાને આટલા સ્પષ્ટ શબ્દોમાં તો સ્વીકાર નહોતો કર્યો, પણ એવું કંઈક સ્વીકારેલું કે સાલું... કુછ તો હૈ જિસ કી પર્દાદારી હૈ (ગાલિબ).

ન્યૂમાન જે ન ઉકેલી શક્યા એ ‘ભેદી લોજિક’ એટલે ઘટનાની સંભાવના પાછળ કામ કરતું એક એવું લોજિક જે આપણને સમજાય નહીં છતાં એ ‘જાદુ’ રોજેરોજ, પળેપળ થતો જોવા મળે.

આ ભેદી લોજિકનું એક ઉદાહરણ છે બાળકની જાતિ. જરા વિચારો કે દુનિયામાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ જળવાઈ રહે એ માટે આગામી બાળક છોકરો હોવું જોઈએ કે છોકરી એનો નિર્ણય કોણ લે છે? આમ તો ખેલ સાદો હોય છે. પુરુષના વાય ક્રોમોઝોમથી છોકરો થાય અને એક્સ ક્રોમોઝોમથી થાય છોકરી. પુરુષના વીર્યમાં વાય ધરાવતા અને એક્સ ધરાવતા શુક્રાણુઓનું પ્રમાણ પચાસ-પચાસ ટકા હોય છે. એક સ્ખલન દ્વારા સ્ત્રીના શરીરમાં મોકલાયેલા દસથી વીસ કરોડ શુક્રાણુ સર્વિક્સ (યોનિનો અંદરનો સાંકડો ભાગ) વટાવીને મિનિટના ૨ મિલિમીટરની ગતિથી અંડકોષ તરફ દોડે. અંડકોષ મોટે ભાગે ફેલોપીયન ટ્યૂબના એમ્પ્યૂલા તરીકે ઓળખાતા ભાગમાં શુક્રાણુની રાહ જોઈને બેઠેલો હોય છે (માદા કોષ બેસી રહે, નર કોષ દોડતાં આવે. માદા કોષ સામે ચાલીને એમને વધાવવા ન જાય). તો, સર્વિક્સથી ગર્ભાશય વટાવીને એમ્પ્યૂલા સુધી પહોંચવામાં શુક્રાણુ (શુક્રકોષ કે નર કોષ)ને લગભગ ૪૫ મિનિટ લાગે. પછી બને એવું કે પેલા દસથી વીસ કરોડમાંના સૌથી ઝડપી દોડનારા અનેક શુક્રાણુ અંડકોષ પર પહોંચીને તેની બાહ્ય દિવાલ પર માથાં પટકે અને પૂંછડી પટપટાવે (શુક્રાણુના મુખ્ય બે ભાગ હોય છેઃ માથું અને પૂંછડી). એ બધામાંથી કયા એક શુક્રાણુને પોતાની અંદર પ્રવેશ આપવો એ વિશે અંડકોષ રીતસર જાણે વિચારે ચઢે. એકસાથે મથી રહેલા તમામ શુક્રકોષોને ચકાસીને છેવટે અંડકોષનું બહારનું આવરણ (કોરોના) નક્કી કરે કે હં, આ સૌથી મજબૂત, સુંદર અને સારું સંતાન જન્માવી શકે એવો છે. આ નિર્ણય લીધા બાદ કોરોના (અંડકોષનું બાહ્ય આવરણ) પીગળે અને એક ચોક્કસ શુક્રાણુને અંદર પ્રવેશવા દે. કોરોના ભેદ્યા પછી પાછું અંદરનું બીજું આવરણ (ઝોના પેલ્યુસિડા) પણ શુક્રકોષે ભેદવું પડે. એ માટે પણ ‘માથાકૂટ’ કરવી પડે. આ બે આવરણ ભેદીને છેવટે અંડકોષની અંદર ફક્ત શુક્રાણુના માથાને જ પ્રવેશ મળે, પૂંછડીએ તો અંડકોષની બહાર જ કપાઈને ખરી પડવાનું. જેવો એક શુક્રાણુ અંડકોષની બે દિવાલ ભેદીને અંદર પહોંચે કે તરત અંડકોષની સપાટી પર એવું કવચ રચાઈ જાય જેને મથી રહેલા બાકીના શુક્રાણુ કોઈ રીતે ભેદી ન શકે.

આ આખી ઘટના અત્યંત વિગતે વર્ણવી એનું પણ એક લોજિક છે. એ લોજિક એ છે કે અંડકોષનું બાહ્ય આવરણ એટલે કે કોરોના જ્યારે એક ચોક્કસ શુક્રકોષને અંદર આવવા દેવાનો નિર્ણય લે છે ત્યારે એ અજાણતાં જ એકસાથે ઘણાં નિર્ણયો લે છેઃ ૧) ચારે કોર જે ચોંટ્યા છે એમાંથી શ્રેષ્ઠ સંતાન જન્માવી શકે એવો શુક્રાણુ કયો છે? ૨) દીકરીવાળા શુક્રાણુને સ્વીકારવો કે દીકરાવાળાને? ૩) જગતમાં ભક્ત-દાતા-શૂર-બુદ્ધિશાળી-અતિ સામાન્ય માનવીની એવરેજ જળવાઈ રહે એ માટે આ તબક્કે મારે કયો શુક્રાણુ પસંદ કરવો? જગત વિશેની કશી જ જાણકારી ન હોવા છતાં પેટના અંધકારમાં કોરોના દ્વારા આ નિર્ણયો એટલી પરફેક્ટલી લેવામાં આવે છે કે જેને લીધે સૃષ્ટિના સંતુલન માટે આવશ્યક એવું સંતાન જન્મે છે.

કોરોનાના આ જજમેન્ટને આદર આપવાને બદલે આપણે મનુષ્યો અને ખાસ તો ખાતાપીતા ઘરના ગુજરાતીઓ એટલા દોઢડાહ્યા બનીએ છીએ કે કોરોનાએ છોકરીવાળા શુક્રાણુને પ્રવેશ આપ્યો હોય તો આપણે ગર્ભપરીક્ષણ દ્વારા છોકરીને પકડી પાડીને સંતાનજન્મ ફોક કરાવીએ છીએ. પણ અહીં યાદ રાખવા જેવું એ છે કે પ્રત્યેક માનવીના જીવનમાં ‘આફતનો ક્વોટા’ નક્કી કરવામાં સંભાવનાનું તર્કશાસ્ત્ર કામ કરતું હોય છે. સૌનાં જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ આવે જ. કોઈ પણ માણસ એકસરખું સુખી જીવન ન જીવે એનું જાણે ધ્યાન રાખતો હોય એમ સંભાવનાનો નિયમ સૌના જીવનમાં સમયાંતરે મુશ્કેલીઓનાં પડીકાં મોકલ્યા કરે. તો શું આ નિયમ પેલા બધા ખેપાનીઓને પાઠ ભણાવતો હશે જેમણે દીકરીનો ગર્ભપાત કરાવ્યો હોય? ખબર નથી.

ખેર, સજીવ કોરોના પછી હવે નિર્જીવ સિક્કા પર આવીએ. એક સિક્કો ઉછાળવામાં આવે ત્યારે હેડ આવશે કે ટેઇલ એ વિશે સિક્કો પોતે કશું નક્કી નથી કરતો, પરંતુ સંભાવનાના તાર્કિક નિયમ દ્વારા એ નિર્ણય લેવામાં આવે છે.

બારમા સાયન્સમાં ગણિતનો કોઈ સ્માર્ટ શિક્ષક વિદ્યાર્થીઓને પ્રોબેબિલિટી (સંભાવના)નો એવો એક કોયડો પૂછી શકે કે એક સિક્કો ઉછાળતાં સતત ૫૦ વાર હેડ આવ્યા પછી ૫૧મી વાર હેડ આવવાની શક્યતા કેટલી? મોટા ભાગના વિદ્યાર્થીઓ આ દાખલો ગણવા માટે સંભાવનાના પેચીદા સમીકરણો ગણવા બેસે. સ્વાભાવિક છે કે જેમ જેમ સિક્કામાં હેડ આવતો જાય તેમ તેમ પછીના ઉછાળમાં ટેઈલની શક્યતા વધતી જ જવાની. કોઈ સટોડિયો તો ૫૦ વાર હેડ આવ્યા પછી ૫૧મી વાર તો ટેઈલ જ આવશે એ શક્યતા પર મોટી રકમ દાવ પર લગાડે.

પણ સિક્કાને સટ્ટામાં રસ નથી. હકીકત એ જ છે કે ૫૧મી વાર પણ હેડ-ટેઇલની સંભાવના તો ૫૦-૫૦ જ રહે છે, કારણ કે સિક્કાને યાદ નથી કે અગાઉ ૫૦ વાર હેડ પડી ચૂક્યો છે.

તો, નથી સિક્કાને યાદ, નથી ખૂનીને ખબર, નથી કૂતરાંને આંકડાની જાણ, નથી કોરોનાને સ્ત્રી-પુરુષની વસતિનું ભાન, છતાં બધું ચોક્કસ નિયમ પ્રમાણે ચાલતું રહે છે. આ નિયમ લાગુ તો પડે જ છે, પરંતુ આ નિયમનો ભેદ વિજ્ઞાન દ્વારા પૂરેપૂરો ઉકેલી શકાયો નથી, ‘સંભાવનાની તર્કપૂર્ણ થિયરી’ પૂરેપૂરી વિકસાવી શકાઈ નથી. આ લોજિક વિશે આઈન્સ્ટાઈનના ‘ઇ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર’ જેવું કોઈ સચોટ સમીકરણ વિકસાવી શકાયું નથી. એને લીધે આજની તારીખે આપણને સંભાવનાનું લોજિક ‘બ્લેક મેજિક’ જેવું લાગી શકે, પરંતુ પછી ક્યારેક વિજ્ઞાન એ ભેદ ઉકેલશે ત્યાર પછી એ આપણને ભેદી નહીં લાગે.

બાકી હકીકત એટલી જ છે કે જગતની પ્રત્યેક બાબત સંભાવનાના આ ‘ભેદી છતાં લોજિકલ’ લોજિકને અનુસરે છે. પાંદડું ફરકવાથી માંડીને વિશ્વયુદ્ઘ સુધીની બાબતો આ લોજિકને અનુસરે છે. વારસામાં ડ્રાય સ્કિન મળશે કે ઓઇલી? કોઈને ગળ્યું વધુ ભાવશે કે નમકીન? કોઈ પુરુષાર્થને બળવાન ગણશે કે પ્રારબ્ધને? છોકરું આળસુ પાકશે કે મહેનતુ? આ બધું ચુપચાપ નક્કી કરતા ભેદી લોજિકને શ્રદ્ઘાળુ લોકો ઈશ્વર તરીકે ઓળખાવે છે. આ એક સગવડિયો માર્ગ છે. છેવટે મામલો અજ્ઞાનના સ્વીકારનો છે. આ પૃથ્વી પર કોઈ પણ માઇનો લાલ કે લાલી શું છાતી ઠોકીને એવું કહી શકે કે હવે પછીની પળમાં મારા મનમાં આ જ વિચાર ઝબૂકશે? ના, આપણા પોતાના મગજમાં આગલી ક્ષણે શું ઊગવાનું છે એ વિશે પણ આપણે છાતી ઠોકીને કશું નથી કહી શકતા. તો પછી સંતાનોનું ભાવિ, બૂઢાપાની બીમારી, શેરબજારનું પતન કે સૃષ્ટિના અંત કે જીવનમાં ખૂનની શક્યતા વિશે ચિંતા શા માટે? રઘવાટ-અસુરક્ષા-બેચેની શા માટે? જે થવાનું હશે તે થશે. એમ તો બસ-ટ્રેન-પ્લેનમાં બેસવાથી અકસ્માતમાં મરી પણ શકાય, પણ સંભાવનાના ભેદી લોજિક અનુસાર આકસ્મિક મૃત્યુની એવરેજ જાળવવા માટે જે કંઈ થોડાં અકસ્માતો થશે એમાં મારો-તમારો વારો કદાચ ન પણ આવે. કે પછી કદાચ વારો આવવાનો હોય તો આવી પણ જાય. આપણે એ બધું નથી જાણતાં. તો શું આ જાણકારી ન હોવાને લીધે બસ-ટ્રેન-પ્લેન-કારમાં બેસવાનું માંડી વાળવાનું? ના, વટથી બેસવાનું અને ભેદી લોજિકને કહેવાનું, ‘તું તારી એવરેજ જાળવવાનું કે સમીકરણો સાચવવાનું કામ કર, હું તારા નિમિત્ત તરીકે મારું કામ કરતો રહીશ, શાંતિથી.’

ટૂંકમાં કર્મ આપણે કરીએ છીએ, નિમિત્ત આપણે બનીએ છીએ, પરંતુ અસલી નિર્ણયો સંભાવનાની તાર્કિક થિયરીના ન સમજી શકાયેલા સમીકરણો દ્વારા લેવાતા રહે છે. ગીતા કદાચ આ જ વાત બીજા શબ્દોમાં કહે છે કે કર્મ કર, ફળની ચિંતા રહેવા દે, કારણ કે ફળનો નિર્ણય તારા હાથમાં નથી એ તો છોડ, ફળનું લોજિક સમજવાનું તારું ગજું પણ નથી.

માણસને ઉતારી પાડવાની આ વાત નથી. કે ઇવન પ્રારબ્ધવાદનો કે ભાગેડુવાદનો પણ આ મામલો નથી. અસલમાં, આ લેખનું હાર્દ એ છે કે આપણને આપણા કૃત્યના વૈશ્વિક પ્રભાવની ભલે ખબર ન હોય, પરંતુ વાસ્તવમાં આપણું પ્રત્યેક કૃત્ય વૈશ્વિક સંતુલન, વૈશ્વિક લોજિક, વૈશ્વિક સંભાવવાનું ગણિત જાળવવાનું ‘વિશ્વકાર્ય’ કરતું હોય છે. આપણું સાવ નાનકડું ટચકડું જીવન અને સાવ જ નાનકડાં કાર્યો પણ છેવટે વિશ્વનો લય જાળવનારા સૂર છે.

માટે જે કરીએ તે શાંતિથી, પ્રેમથી, મોજથી કરીએ. સંભાવનાના ભેદી લોજિકને આપણી સાથે ભલે જે કરવું હોય તે કરે. એ લોજિક મુજબ આપણા જીવનમાં ખૂનની ઘટના ઘટવાની હોય તો ભલે ઘટે. એ ઘટે ત્યારની વાત ત્યારે. અત્યારે તો, હેપી દિવાલી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.