સત્યના પ્રયોગો, મુગલ-એ-આઝમ અને દારૃ... આ બધું મિક્સ ક્યાંથી કરો છો? ('બુધવારની બપોરે'ના તમારા લેખના સંદર્ભમાં)

- ટીવી પર ન્યૂસ જોઈજોઈને કોઈની પણ બુધ્ધિ બહેર મારી જાય! (ડૉ. પ્રકાશ મકવાણા, શંપારા-સિડસર)


જો તમે બેરોજગાર એન્જિનિયર હો, તો શું કરો?

- મેં અમદાવાદના રેલ્વે-સ્ટેશન સામેની દુકાનો પર દોઢ-દોઢ રૃપિયામાં અગરબત્તીના પેકેટો વેચ્યા છે... હિમાભાઈ મિલમાં રોજના સાડા-ત્રણ રૃપિયાના પગારમાં કામદારની નોકરી કરી છે. એક સેક્સ-મેગેઝીનની ઑફિસમાં મહિને સો રૃપિયાના પગારમાં પટાવાળાની નોકરી કરી છે. સીધેસીધું 'એનકાઉન્ટર' લખવા નહોતું મળ્યું! (સમર પરમાર, કલાણા-ધોરાજી)


શું વેદને ભૂલ્યા એ 'દવે' કહેવાયા?

- 'દવે' એ મૂળ 'દ્વિવેદી'નું અપભ્રંશ છે. અંગ્રેજોને આટલો અઘરો ઉચ્ચાર નહોતો આવડતો, એટલે એમણે 'દવે' કે 'દૂબે' કરી નાંખ્યું. (ઊર્મી હંસરાજ જોશી, વિથોન-નખત્રાણા)


વિરોધ વ્યક્ત કરવા રસ્તા પર ઉપર દૂધ ઢોળી નાંખવું, એ સમાજદ્રોહ ન કહેવાય?

- દૂધની કિંમત ધાવણા બાળકની મા ન સમજે. (જયેશ અંતાણી, ભાવનગર)


ખોટા માણસો જુઠ્ઠું જોરથી અને જાહેરમાં બોલતા હોય છે, એનું શું કારણ?

- ખાનગીમાં શું કામ બોલે? (ધવલ જે. સોની, ગોધરા)


ખાસ તમારી કૉલમ વાંચવા માટે 'ગુજરાત સમાચાર' બંધાવ્યું છે...

- તમારો ટેસ્ટ ઊંચો કહેવાય... સાબ મારા જેવો નહિ! (સોનલ જોશી, ભાવનગર)


તમે કોમર્સ કર્યું છે કે સાયન્સ?

- આ હિસાબે તમે ય માનો છો કે, હું કૉલેજ સુધી તો ભણ્યો હોઈશ! (મોનિલ પટેલ, સુરત)


શું રૃ. ૧૦૦૦/-ની નવી નૉટ ઉપર તમારો ફોટો આવી શકે?

- એ માટે આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સિવાય કોઈની લાયકાત નથી! (રહીમ મલકાણી, ભાવનગર)


અહીં અમેરિકામાં અમે ગુજરાતી દોસ્તો નોટબંધીથી ખુશ છીએ... શું કારણ હશે?

- ડૉલરબંધી થાય ત્યારે ખબર પડે! (દુષ્યંત પટેલ, કોલમ્બિયા-અમેરિકા)


એક પણ ગોળી છોડયા વિના સીધું એનકાઉન્ટર...?

- હું તો આડું એનકાઉન્ટરે ય કરું છું. (ગૌતમ ડોબરીયા, અમદાવાદ)


ગુજરાતી ફિલ્મોમાં આપના ફેવરીટ હીરો-હીરોઈન કયા?

- એકેય નહિ. (આશિષ અજમેરા, મુંબઈ)


ચારે બાજુ સ્ત્રીઓને જ કેમ વખોડવામાં આવે છે?

- કોઈ સામનો કરનાર હોતું નથી, માટે! (જ્યોતિ રાજગોર, બદલાપુર-મહારાષ્ટ્ર)


અક્ષયકુમાર રીયલ લાઈફમાં ય હીરો છે. સુઉં કિયો છો?

- આમાં મારો કોઈ વાંક હોય તો બતાવો. (મનોજ ડબગર, ઘોઘંબા)


મોદીજી વિશે એક જ શબ્દમાં અભિપ્રાય..?

- નરેન્દ્ર. (જીતેન્દ્ર કેલા, મોરબી)


માઉન્ટ એવરેસ્ટ તો ઘણાએ સર કર્યો... કૈલાસ પર્વત કોઈએ નહિ... આમ કેમ?

- તમે ખોટા માણસને ઝનૂન ચઢાવો છો. (માધવ જે. ધૂ્રવ, જામનગર)


અમુક વખતે તમારા જવાબો વાંચવાની મઝા નથી આવતી, તો શું કરવું?

- પ્રાર્થના. (કોમલ ભટ્ટ, ધાણપ-ગાંધીનગર)


લગ્ન વખતે લીધેલાં સાત વચનો કોઈ પાળે છે ખરું?

- મતલબ... તમારા ય પૈસા નથી આવ્યા, એમ ને? (ભરત ડી. સાંખલા, ડીસા)


ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી વિરાટ કોહલીના દાદા થાય?

- 'બલમા' તમારી બહેન થાય? (રસિકભાઈ સ્વદાસ, સુરેન્દ્રનગર)


ચલણનાબૂદી વિશે કાંઈ પ્રકાશ પાડશો?

- મારું કાંઈ ગયું નથી... હતું નહિ એટલે! (તૃપ્તિ ઠાકર, અમદાવાદ)


લોકોને શાંતિની જિંદગીમાં રસ રહ્યો નથી, એવું તમને લાગે છે?

- હા. મારેય ઘણાની પાસેથી લેવાના બાકી નીકળે છે. (હિનલ કુવાડીયા, જંગવાડ-જસદણ)


પાકિસ્તાનના એક આતંકવાદીને મારવાની ઈચ્છા છે...

- એમ કહોને, આખું પાકિસ્તાન સાફ કરવું છે! (જીજ્ઞાસા માંકડ, મુંબઈ)


સંસદમાં બુઢ્ઢાઓને ઝગડતા જોઈને બાળકો-યુવાનો શું ધડો લેશે?

- એ જ કે, ઝગડવા માટે બુઢ્ઢા થવાની રાહ જોવી. (અફરોઝબેન મીરાણી, મહુવા)


એક્સપ્રેસ-એર કન્ડિશન્ડ ટ્રેનને 'ગરીબ રથ' કેમ કહેવાય છે?

- કોઈ મજાકે ય ના કરે? (જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)


ફિલ્મમાં રાષ્ટ્રગીત ગવાય તે સમાચાર ગૌરવભર્યા છે...

- બસ. સાધુ-મહાત્માઓની કથાઓમાં રામધૂનની સાથે સાથે રાષ્ટ્રગીત ફરજિયાત ગવાય, એ પણ સંતોએ જોવું જોઈએ. (મુગ્ધા ઉલ્લાસ વોરા, જુનાગઢ)

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.