"એ કાળમુખીએ જ જરૂર કાંઈક જાદુ કર્યો હશે. નહિતર આવો છોકરો કાંઈ ભાન ભૂલે."

આવા શબ્દો તો હવે જ્વાલા માટે કૉમન બની ગયા હતા. તે તો આમ પણ રિઢી બની ગઈ હતી. તેને તો ક્યા કોઈનીય દરકાર હતી. તેના માટે તો આવા શબ્દો હવે સાહસ વધારનારા બની જતા. જેમ અગ્નિ તપાવીને પણ લોખંડને વધુ મજબુત બનાવે છે તેમ જ્વાલા પણ વધુ મજબુત બનતી ગઈ.

તેના માટે ટીકાપાત્ર બનવું એ કોઈ મોટી વાત ન હતી. નાનપણથી જ એ આમ જ મજબુત બનતી આવી હતી.

જવાલા એટલે બંગાળી માતાપિતાની દીકરી, તેની જન્મજાત બસ આટલી જ ઓળખાણ, બીજું તે પોતે કશું જ પોતાના વિશે જાણતી ન હતી. દૈવયોગે ગુજરાત મા આવી પડી.

"કેમો ના છે."
એ તો એટલું લયથી બોલતી કે ગમે તે કહી દે કે આ છોકરી બંગાળી છે. બાકી નખશીખ ગુજરાતી. આનંદી કાગડાને પણ પાછળ રાખી દે એવી તો આંનદી.

આવી છોકરી કોઈની નજરમા ન વસે તો જ નવાઈ, ને મલયની આંખો મા વસી ગઈ. અકસ્માતે મળેલા બંને,ને જવાલાથી મલય ઈમ્પ્રેસ થઈ ગયો. જોકે જવાલા જરાય રસ બતાવતી ન હતી. એક નાનકડી નોકરી કરી તે બધે આનંદ જ વેરતી. એક માત્ર મલય પ્રત્યે જ અભાવ બતાવતી હતી.

એક દિવસ મલયે સીધો જ લગ્નનો પ્રસ્તાવ મુક્યો ને એક તમાચો ખાઈ બેઠો. મલય પણ છક્ક થઈ ગયો કે શા માટે?

જવાલા બોલી કે,
"તુમી કિમ કોરછો?"
તમે કાંઈ જાણ્યા વિનાના આવું કઈ રીતે કરી શકો છો?
મારે ચાર વર્ષનો છોકરો છે, હું એક બાળકની માતા છું.

ને મલય તો અવાચક ધરતી જગ્યા આપે તો સમાઈ જાય. જવાલાએ માફી માગવાનો પણ મોકો ના આપ્યો ને ત્યાંથી જતી રહી.

જ્વાલાએ જવાનો રસ્તો જ બદલી નાખ્યો, કે જેથી મલય સાથે ભટકાઈ ન જાય છતાં એકદિવસ બંને ભટકાઈ ગયા. મલય તરત માફી માંગવા લાગ્યો, તેનો દયનીય ચહેરો જોઈ જ્વાલાને પણ દયા આવી ગઈ.
"કાંઈ વાંધો નહિ." એટલું બોલી તે તરત જ જતી રહી.

લાંબા સમય બાદ પાછો મલય તેને મળ્યો. મનોમન એ ઘણી વખત વિચારતો કે કાશ હું જવાલાને વહેલો મળ્યો હોત તો! તે વાત કરવા માંગતો હતો પણ જવાલા અંતર રાખવા માંગતી હતી.

મલયની નિર્દોષતા જવાલાને બહુ સ્પર્શતી પણ તે કોઈ ઓળખાણ રાખવા માગતી ન હતી. એકદિવસ બને મળ્યાં ને મલય પાસે પૂરતો સમય હતો. તેણે પૂછ્યું કે

શું કરે તારા પતિદેવ?

જવાલા કાઈ ન બોલી, મલય ફરી પૂછતો હતો પણ કશો જવાબ નહિ. હવે મલય ની ધીરજ ખૂટી ગઈ હતી. તે બોલ્યો જવાલા કાંઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ કહે,Can i help u?

તેની તાલાવેલી જોઈ જવાલા થોડી પીગળી ને વર્ષોથી છુપાવેલ શબ્દોના બાંધ છુટા મુક્યા.

"મલય હું અપરિણીત માતા છું,"

ને એક પ્રહાર થયો. મલય તો બસ જોઈ જ રહ્યો , તેણે પૂછ્યું કે પ્રેમમાં દગો મળ્યો?

તો કહે, ના,નસીબમાં જ દગો મળ્યો છે. તું વિશ્વાસ કરે તો જ કહું બાકી મારી કહાની પર કોઈનેય વિશ્વાસ આવતો નથી, જો કે મેં કોઈને કહી પણ નથી. લોકો જે ધારણા બાંધે છે તેને મેં ક્યારેય રદિયો આપ્યો નથી.

હું એક બંગાળી માતાપિતાની છોકરી છું. ગરીબી મારી વેરી નીકળી ને નાનપણમાં જ હું વેચાઈ ગઈ. મારા નસીબજોગે મને ખરીદનાર ફક્ત ઘરકામ માટે જ મને ખરીદી હતી અમારા સમાજ મા ઘરકામમાં કોઈને રાખવું એ સાન ગણાતી ને એ લોકો પણ સારા હતા, મને કામવાળી તરીકે જ રાખી મારી પાસે અન્ય કોઈ અપેક્ષા ન રાખી, હું છ વર્ષ ની હતી ત્યાં શેઠની બદલી ગુજરાતમાં થઈ ને હું એમની સાથે અહીં આવી.

બહુ સરસ ચાલતી હતી મારી જિંદગી, પણ જેના નસીબમાં જ ખોટ હોય તેમાં બીજા ને પણ શું દોષ દેવો.

કહેવાય છે ને કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન, પુરુષ તો ખાલી હાથો હોય છે, બાકી એક સ્ત્રીને દુઃખી કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ત્રી જ જવાબદાર હોય છે. મારે પણ આવું જ થયું, શેઠાણીને કોઈએ કહ્યું કે આ છોકરી કામણગારી છે મોટી થઈ ને ક્યાંક તેના રૂપનો જાદુ ઘરના પુરુષો પર ન ચલાવે, ને શંકાના વાદળોએ મારી સુંદર ચાલતી જિંદગી પર ગ્રહણ લગાવ્યું, શેઠાણીએ શેઠને કહ્યું કે આ છોકરીની હવે જરૂરિયાત નથી એને અહીંથી કાઢો, ને અંતે સ્ત્રીહઠ જીતી ગઈ. શેઠના એક ડૉક્ટર મિત્ર ને કામવાળીની જરૂર હતી ને એક નિર્જીવની જેમ હું ત્યાં ખસેડાઇ ગઈ.

મલય તો જોતો જ રહ્યો, કે આ છોકરીએ કેટલું સહન કર્યું હશે. જ્વાલાની આંખોમાં આસું થીજી ગયા હતા. પોતાની વાત અધૂરી મૂકી હવે તે જવા માટે ઉભી થઇ
બીજી વાત પછી કરીશ એમ કહી તે જતી રહી, મલય પણ ઉભો થયો, પણ મલય માટે હવે દિવસ કાઢવો બહુ અઘરો હતો. મનમાં કેટલાય વિચારો સંતાકુકડી રમી ગયા. બધા વ્યર્થ.

તમે કોઈને ત્યારે જ સમજી શકો જ્યારે તેની વેદના તમને દુઃખી કરી જાય. મલયને પણ એવું જ થયું. તે જ્વાલા માટે સમ-વેદના અનુભવતો હતો. એટલે જ પોતાને તેની જગ્યાએ રાખી વિચારતો કે જ્વાલા એ કેટલું સહન કર્યું હશે. તે સવારની રાહ જોતો હતો. તેને જ્વાલાની અધૂરી રહી ગયેલી વાત સાંભળવી હતી.

સવાર પડીને જ્વાલા આવી.
"કેમોના છે?"
બોલી ને તે બેઠી મલય રાહ જોતો હતો કે વાત ચાલુ કરે, જ્વાલા તેની કસોટી લેતી હોય તેમ વાત જ ચાલુ ન હતી કરતી, મલયથી રહેવાયું નહિ ને બોલ્યો, હવે તારે કાલની અધૂરી વાત કરવી છે કે મારી ધીરજ ને માપવી જ છે. જ્વાલા હસી પડી. બિલકુલ નિર્દોષ,બાળક જેવું,
તેણે વાત ચાલુ કરી.

ડૉક્ટર સાહેબ ની ત્યાં ઘરકામ કરતી પણ માનસિક ત્રાસ પણ વધતો ચાલ્યો હવે મારે ત્યાંથી છૂટવું હતું પણ જવુ તો ક્યાં જવું. હું થોડી કોઈને ઓળખતી. મેં એ લોકોને વિનંતી કરી જે મને જવાદો તો તેમણે એક શરત મૂકી,

સાહેબના એક દર્દીને બાળક જોઈતું હતું, મારે કાંઈ નહોતું કરવાનું ફક્ત એના બાળકને જન્મ આપવાનો હતો, એક સત્તર વર્ષ ની છોકરી કેટલું વિચારી શકે. મને મુક્તિની સાથે પૈસાની પણ લાલચ આપી. એટલું સહન કર્યું હતું ને નાનપણથી જ કે હવે લાંબુ વિચાર્યા વગર હું પણ સહમત થઈ ગઈ.

મને દવાખાને લઈ જવામાં આવી, ને મારા ગર્ભમાં એક જીવ નું આરોપણ થયું, હું વિચારતી હતી એટલું સહેલું પણ ન હતું. પણ હવે શું થાય મારાથી છટકાઈ તેમ પણ ન હોતું, હવે મારી સંભાળ લેવામાં આવતી. બધા મારી દરકાર કરતા.

આઠમો મહિનો ચાલુ હતો ને અચાનક એ લોકો નો વ્યવહાર બદલાવા લાગ્યો. ફરી એવી જ માનસિક પીડા ચાલુ કરી,મને અચરજ થયું કે અચાનક શુ થયું. ને મને ખબર પડી જે જેના માટે હું આ બાળકને જન્મ આપવાની હતી તેમણે બાળકનો સ્વીકાર કરવાની ના પાડી દીધી. કારણ ગમે તે હોય પણ તેઓ મારી જિંદગી બરબાદ કરી ચુક્યા હતા.

હવે મારી પાસે હામ ન હતી કોઈ કાયદાનો સહારો લેવાની કે આ બાળકને મારવાની, પુરા મહિને મેં, હું જેને જાણતી પણ ન હતી એવા વ્યક્તિના પુત્ર ને જન્મ આપ્યો. મા બન્યા પછી હું પુખ્ત બની મજબૂત તો હું હતી. મને લાગ્યું કે હવે બીજું કાંઈ નહિ પણ આર્થિક સ્થિતિ તો સુધારવી પડશે. એટલે મેં જે તેમણે લાલચ આપી તી એ કિંમત માંગી ને આબરૂની બીકે મને મળી પણ ગઈ.

પણ પૈસા બધી સમસ્યાઓનો હલ તો નથી. મારી ઉપર એક બાળકની જવાબદારી આવી પડી એ પણ કાચી વયમાં. એની નાની હથેળીઓના સ્પર્શે મને મજબૂત બનાવી દીધી. મેં મનોમન નક્કી કર્યું કે હું હવે આનંદથી ને મજબુત રીતે મારુ જીવન ગુજારીશ. મા અને બાપ બંનેની ફરજ બજાવીશ.

સાચું કહું તો બાળકના જન્મે મને નવી દિશા આપી દીધી. હું મારી દુનિયામાં બહુ ખુશ છું. અમારી દુનિયામાં કોઈ ત્રીજા નો અવકાશ જ નથી. મલય મને માફ કરજે હું તારો પ્રસ્તાવ ક્યારેય નહીં સ્વીકારું.

મલય તો વિશ્વાસ ન હતો કરી શકતો કે આવું પણ બની શકે. જવાલા બોલી કે હુ" અક્ષતયૌવના"છું ને એજ રહેવા માંગુ છું.

મલયે કહ્યું,

'ઠીક છે તું મારી સાથે લગ્ન ન કરી શકે પણ મારો સાથ તો આપી જ શકે ને',આ વખતે જ્વાલા ના ન પાડી શકી

લોકોની પરવા કર્યા વગર બને જીવનસાથી તો ન બન્યા પણ જીવનભર એકબીજાનો સહારો ચોક્કસ બની ગયા.
જ્વાલા ને હવે કહેવાની જરૂર ન હતી કે "આમી તુમાકે ભાલોબાસી"
મલય ને એ સાંભળવું પણ ન હતું.....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.