સાવ લીલું સલાલા

સલાલા એ ઓમાનનું દક્ષિણ છોર પરનું, લગભગ ગોવા ની સામેનું કહી શકાય એવી રીતે વસેલું ગ્રીન સીટી ઓફ ઓમાન કહી શકો। ઓમાન ની રાજધાની મસ્કત થી આશરે 1100 કી.મી. દક્ષિણે સમુદ્ર તટ પર છે. મસ્કત થી રાત્રે બસો ઉપડે છે અને આશરે 11 કલાક લે છે પરંતુ રસ્તો ખીણો અને કાંઠા નજીક થી પસાર થતો હોઈ તથા સ્પીડ લિમિટ 120 કી.મી./કલાક સુધી હોવા છતાં લોકો 140 ઉપર જાય છે એને અકસ્માતો જીવ લેણ થાય છે. સરકારી સૂત્રો પણ ફ્લાઇટ ની સલાહ આપે છે.


અમે ફ્લાઇટ થી ઈદ ની રજાઓ દરમ્યાન મસ્કત થી સલાલા ગયાં। બપોરે દોઢ ની ફ્લાઇટ સાડાત્રણે પહોંચે જે 20 મિનિટ મોડી હતી. બહાર નીકળતાં જ શણગારેલું એરપોર્ટ સ્વાગત માટે હાજર હતું।


અમે અગાઉથી હોટેલ એપાર્ટમેન્ટ બુક કરેલો અને એરાઇવલ માં જ ઘણી શોપ્સ રેન્ટ એ કાર ની હતી જેમાં થી 4બાય 4 ની એટલે કે જેના ચારેય વ્હીલ નું ટ્રાન્સમિશન અલગ હોય તેથી ઊંચા ચઢાણ કે ઉબડ ખાબડ રસ્તે સહેલાઇ થી જઈ શકે. હોટેલ એપાર્ટમેન્ટ માં કપડાં ધોવા, રસોઈ માટે, ચા ની ઇલેક્ટ્રિક કીટલી,કપ રકાબી, થાળી વાટકા,ફ્રીજ બધું જ હોય. રહેવાનું ઘર જ.

ફ્રેશ થઇ બહાર નીકળયાં અને નજીકના જોઈન્ટ પર નાસ્તો વગેરે પતાવ્યું ત્યાં સાડાપાંચ થવા આવેલા। સીધા ખરીફ ફેસ્ટિવલ જોવા ઈટટિંન ગ્રાઉન્ડ પહોંચયાં। આરબોની રહેણી કરણી , એમના ગ્રામ્ય ઘરો, પોશાક વગેરે બતાવેલું। મેળામાં આપણાં ચવાણાં ,મુખવાસ , કપડાં ,ઘરેણાં , રમકડાં ,પર્સ - શું ના હતું એ સવાલ હતો.

આરબો પણ હિન્દી સમજતા હતા. કલચરલ શો 6 વાગે પુરો થઇ ગયો હોઈ પરત. શહેર ની મધ્યમાં સેન્ટ્રલ પોઇન્ટ પાસે એક ગુજરાતી રેસ્ટોરાં રાજભોગ માં ગયાં। સુંદર જમવાનું સંપૂર્ણ ગુજરાતી સ્ટાઇલનું હતું । ત્યાંથી નિવાસે ગયાં।


******

દિવસ 2

બીજે દિવસે સવારે આશરે સાડાનવ વાગ્યે સ્ટાર્ટ થયાં। પ્રથમ ગયાં નારિયેળી બઝાર જ્યાં તરેહ તરેહ ના નારિયેળ- આપણા લીલા , શ્રીલંકા ના પીળાં , કેળાં નાનાં , મોટાં ,એલચી કેળાં , લાલ છાલ નાં પણ હતાં। પાઈનેપલ એટલાં તો મીઠાં હતાં, એ લોકો મસાલા વિના જ ખાવાની સલાહ આપતા હતા.શેરડીની ગંડેરી પણ લીધી અને ગળ્યાં મોટાં લીંબુ પણ. નારિયેળ પી ને ગયાં ઐઇન અથુમ।
ઐઇન અટ્ઠમ પર લગૂન એટલે નાનું સરોવર હતું , જે ઊંચા ખડકો વચ્ચે હોય. આવી આસપાસ લીલોતરી વાળી જગ્યાને વાદી કહે છે. રસ્તો પર્વતો અને ખીણ વચ્ચેથી પસાર થતો હતો. વાદળો પર્વતોને ચુમતાં હતાં। પર્વતો પણ જાણે શિશુ વાદળો ને તેડી ને રમાડતા હતા. રસ્તો ઘણો સુંદર હતો પરંતુ ડ્રાઈવર માટે કસોટી રૂપ હતો.

જંગલમાંથી વિશાળ ધોધ ઊંચાઇએથી પડતો જોવો એ એક અવિસ્મરણીય અનુભવ હતો. એના દૂરથી સંભળાતા ગર્જના ભર્યા અવાજ ને માણતાં થાકો જ નહીં।


આગળ જંગલમાં ઝરણાં હતાં જ્યાં નિર્મલ પાણી ખળખળ વહેતુ હતું। નાની ગુફાઓ પણ હતી. લોકો તો સાત માળ જેટલે ઊંચેથી પડતો ધોધ અભિભૂત થઇ જોઈ રહેતા હતા અને ઝરણાનું પાણી પીતા હતા,
થોડે આગળ જતાં પાણીનો નાનો ધોધ ઐમ તબરુક નામની જગ્યાએ હતો।

અહીં જંગલ માં નાનું મેદાન જેવું બનાવ્યું છે. નજીક નાની ગુફાઓ અને ઝરણાઓ. લોકો શુદ્ધ પાણી ખોબેથી પીતા હતાં, છોળો ઉડાડતાં હતાં. ત્યાં નાનો ધોધ પણ હતો. એની નજીક ખડક પર બેસી કે ઝાડીમાં થઈ ઝરણાઓ નજીક જવાતું હતું.

આગળ મુશ્કેલ ચઢાણ કાર થી જ ચડી પહોંચ્યાં મોટા ધોધ પર.હવે અમે ગયાં એંટી ગ્રેવીટી પોઇન્ટ। આ જગ્યા આપણા કચ્છ ના કાળા ડુંગર જેવી છે. લાઈનબંધ કારો પેસેન્જરોને ઉતારી, ન્યુટ્રલમાં નાખી ઉભી રહે એટલે આપોઆપ આગળ વધે પરંતુ ધીમે ધીમે। અહીં ઓવરટેઈક કરવું શક્ય નથી, આજુબાજુ ખીણ છે. અહીં ઓમાનમાં સામાન્ય રીતે હોર્ન વગાડવાની મનાઈ છે પણ આગળની કાર ધીમે ખેંચાતી હોય તો પાછળની કાર હોર્ન મારતી આવે.ઉપર જઈ પછી ચાલુ કરી નીચે। અહીં આવેલી કારો ભારે હોય એટલે, કે ગમે તે હોય, ઉપર કાળા ડુંગર કરતાં ધીમે ખેંચાતી હતી એ પણ પેસેન્જરો ઉતરી જાય તો જ.
અહીં અમે વન ભોજન કર્યું- પથ્થરો ગોઠવી લોકોએ રાંધ્યું પણ હશે. અમે અમારા બેસવા માટે પથ્થરો ઉપાડી રાઉન્ડ ટેબલ ની જેમ ગોઠવ્યા અને ભોજન પતાવ્યું, આગળ ચાલ્યાં।હવે આશરે 50 કી.મી. દૂર આવ્યો ટાકા કેશલ। ટાકા ગામનું નામ છે. પ્રાચીન કિલ્લો પીળા રેતીના પથ્થરો વડે બનેલો। ઉપરથી નજીકનો દરિયો દેખાતો હતો. એ પણ ઈદ ની બપોરનો પોઢી ગયેલો। કિલ્લો ચડતાં સાથે શ્રીમતીજીના ચપ્પલની પટ્ટી તૂટી। બપોરે બે અને ઈદ ની રજા , ટાકા જેવું નામ પણ ના સાંભળયું હોય એવું ગામ! એક ખુલ્લી દુકાન માં ગયાં। માલિક આરબ। અંગ્રેજી તો એને ક્યાંથી આવડે? એક કાળા સેલ્સમેન તરફ ઈશારો કર્યો। એને હિન્દીમાં વાત કરી કામ પતાવ્યું। એ આંધ્રનો હતો!! અમારી સાથે હિન્દી માં અને માલિક સાથે અરેબિક માં વાત કરતો હતો.
અહીંથી ગયાં મુગસેઇલ બીચ. પાણી એકદમ લીલું છં, રેતી સફેદ। પણ રેતી પર ચાલતી પોલીસ ની ગાડી ફરતી હતી- ચેતવણી આપવા। એ દિવસે પાણી વધુ ઠંડું હતું અને તોફાની પણ, એમના મુજબ। અમે તો બાજુમાં ઉભી લોકો સાથે જોતા હતા.


ત્યાંથી આગળ મારનીફ બીચ ગયા. ત્યાં ઊંચેથી સમુદ્ર જોવા વ્યુ પોઇન્ટ્સ છે. એ લીલોતરીથી ભરેલા પહાડો પર છે. એ પહાડો પર ઊંચે ઉટ લીલોતરી ચરતા જોઈ નવાઈ લાગી. લોકો ઊંચે પથરાળ રસ્તેથી ચડી દૂર ક્ષિતિજ માં જોતાં હતા.ત્રણ વ્યુપોઇન્ટ હતાં.


નજીકમાં બ્લૉ હોલ્સ હતાં જ્યાં સમુદ્રનું પરની ગુફામાં ખાલી જગ્યામાં પાણી જાય. હવા સાથે ભૂ.. ભૂ.. કરતું ઉપર ફુવારા સાથે ઉડે, પ્રચંડ અવાજ કરે. લોખંડની જાળી થી તેને કવર કરેલું. ત્યાં અગાઉથી બાફેલી પણ દાંડી સાથેની મકાઈ ખાધી। જાત જાતના મોં માં પાણી આવે એવા નાસ્તા મળતા હતા।

પરત ફરી સાંજે બોમ્બે ચટકા નામની રેસ્ટોરાંમાં ગયા. બહાર જ મરાઠી યુગલ નવવારી સારી પહેરેલી સ્ત્રી, ધોતી ને ટોપી વાળો પુરુષ ને છોકરો- એ ચિત્ર આવકારવા ઉભેલું। એક મરાઠી નાટકની સલાલામાં જ મંચન ની જાહેરાત હતી. અહીં ઘણા મરાઠીઓ ખાવા આવેલા। પણ ઘણા ભારતીયો અન્ય રાજ્યોના પણ હતા.************

દિવસ 3.

આજે દૂર કોસ્ટલ હાઇવે પર હુડબીન શહેર અને અશ સુવામીયાહ આશરે 240 કી.મી. જઈ , પાછું આવવાનું હતું। સવારે 9.30 વાગે નીકળી ગયાં। કોસ્ટલ હાઇવે જતાં એક બાજુએ રેતી ના ઢૂઆ આવે, ઊંચા પીળા સોનેરી ચમકતી રેતી ના ડુંગરો, થોડી વાર માં ખડકો , વળી નીચે ગામ ની વસ્તી, વળી અલગ અલગ રંગ ના ખડકો- કાળાશ પડતા, પીળા, કથ્થાઈ વગેરે। બીજી બાજુ સાથે ચાલતો દરિયો। દિવસ ના સમય અને કાપેલા દરિયો પણ કલર બદલતો રહે- લીલો, એકદમ ભૂરો, જાંબલી, દૂર જાંબલી, નજીક લીલો કે નીલો,


89 કી.મી. કાપ્યા પછી પહોંચ્યા આશરે 11 વાગે મીરાબાત બીચ. અહીં સમુદ્ર શાંત હતો. ભીડ ખાસ ન હતી. નહાવાની મઝા પડી. સાત રંગ ના છીપલાં વિણ્યાં। અહીં ટોઈલેટ પર એક કેરાલી સ્લીપ ફાડતો હતો. હા, આખા ઓમાન માં કોઈ પણ જગ્યાએ ભૂલથી પણ મૂત્રત્યાગ માટે કોઈ પાછલી ભીંત કે ઝાડી ના પકડાય। સીધી જેલ. પેટ્રોલ પમ્પ પર અને આવી જાહેર જગાએ વ્યવસ્થા હોય જ. લોકો પણ ક્યારેય ખુલ્લામાં ઉભતા નથી. કેરાલી અરબો સાથે અરેબિક માં વાત પણ કરતો હતો! આવી ઇન્ટિરિયર જગાએ, એકાંત સ્થળે નોકરી- એ પણ સફાઈ કામદાર ની ! દયા આવી.

હવે શરૂ થયો કોસ્ટલ હાઈવે. ભોમિયા વિનાના ડુંગર ભમવાના એ પણ 120 ની સ્પીડે સંભાળીને. બીજી બાજુ દરિયો.આગળ ગયા. રસ્તો વચ્ચે વચ્ચે ઘુમાવદાર, ઊંચા ઢાળ , વળી નીચે- રસ્તો સુંદર। સાઈડ પર દરિયો સતત ખરો જ. દૂર મોજાઓ વચ્ચે સફેદ ફીણ હાલતાં ચાલતાં દેખાય। કહેવાયું કે એ ડોલ્ફિન હોઈ શકે. લોકોને બસ સવારે કાંઠા નજીક રમતી આવતી ડોલ્ફિન દેખાય છે, નસીબ માં હોય તો વ્હેલ પણ દેખાઈ જાય. અહીં મસ્કત માં લોકો 35 રિયાલ એટલે કે 5200 જેવા રૂ. ખર્ચી ડોલ્ફિન શો જોવા મધ દરિયે જાય છે. અહીં તો એમ ને એમ.રસ્તે જેટલી પણ થોભવા જેવી જગ્યા લાગે ત્યાં કાર થોભાવતા ગયા. સાથે અલગ અલગ રંગો બદલતો દરિયો અને જાત જાત ના ખડકો વચ્ચેથી પસાર થવાની મઝા અલગ જ છે.


વચ્ચે જંગલી રખડતાં ઊંટનાં ધણ , પાળેલાં ઊંટો ની વણઝાર અને એક તાજું જન્મેલું,ટપટપ દોડતું , આપણા ખભા જેટલું ઊંટ પણ મળ્યું। અહીં રસ્તે નિશાનીઓ હતી કે ઊંટો રસ્તાપર આવી શકે છે, ધીમા જાઓ. બે ત્રણ આકાર વાળી ખૂંધ ના, કેટલાક કદાચ રોગ ને લીધે કાળાં ઉંટ પણ હતાં।

આશરે 2.30 વાગે હુડબીન થી 15 કી.મી. જેવા દૂર એક છત્રી પર રોકાઈ લોકો વન ભોજન કરે એમ રણ ભોજન કર્યું। સાથે લીધેલા બ્રેડ બટર. કોસ્ટલ હાઇવે અહીં એંડ થતો હતો અને સાંજે ફ્લાઇટ પહેલા 240 કી.મી. પહોંચવાનું હતું। રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી. હા. જતા, આવતા સ્પીડ સતત 120 કી.મી./કલાક રાખેલી, જે પરમિસિબલ છે. વળતાં માત્ર સવાબે કલાક માં 240 કી.મી. કાપી સલાલા આર્કિઓલોજિકલ પાર્ક પહોંચ્યા।


નામ અલ બલિદ આર્કિઓલોજિકલ પાર્ક. રણમાં ઉગતી અત્તર જેમાંથી નીકળે છે એ વનસ્પતિના વૃક્ષો જેનું નામ ફ્રાંકીન્સન્સ ટ્રી છે। આપણા મીઠા લીમડા ની જંગલી આવૃત્તિ જેવાં એના થડ દેખાય।


અહીં આ પ્રાઇવેટ મ્યુઝિયમ હોઈ એક કારની 2 રિયાલ ટિકિટ, પાર્કનો રાઉન્ડ લે છે એ ઈલેકટ્રીક કાર માં ફરવાના 500 બઇસા એટલે કે 85 જેવા રૂ., દરેક જગાએ ટિકિટ। યુનેસ્કો દ્વારા પુરસ્કૃત સાઈટ છે. દૂર જુના મહેલ ની કૃતિઓ, ખંડેરો,જુના વાસણો, એકાદ ખોપરી, એવું એવું એ વિસ્તારમાં થી જ નીકળેલું હતું। અંદર મ્યુઝિયમ માં વહાણોના મોડેલો, પ્રાચીન નકશા વગેરે એક ભાગ માં. રસપ્રદ છે કે ઈ.સ. 1098 માં ચીન સાથે ઓમાનની વ્યાપાર સંધિ માટે ત્યાંના દરબાર માં દૂત અને 1852 માં બ્રિટિશ સાથે સંધિ અને યુ.એસ. માં 1852 માં ઉતરતા ઓમાન ના એમ્બેસેડરના ફોટા હતા. ઓમાનના ઊંચા ડુંગરો પર સ્થિત ઇલેક્ટ્રિક ના ટાવરો , શહેરો ના મોડેલો, મસ્કત ની જેવી ઘુમાવદાર સડક અને રકાબી જેવા વૉચ ટાવર નાં મોડેલ વગેરે હતાં। એકંદરે સારો પાર્ક હતો પણ ખાસ રસ પડે એવું ના લાગ્યું। અત્તર જેમાંથી બને એ વનસ્પતિ ગમી. ત્યાંના જ કાફે માં ચા પાણી કરી સીધા સલાલામાં. ઉડીપીમાં ઢોસા ખાઈ નીકળયાં .7 વાગેલા. થોડું રખડી એરપોર્ટ । અહીં ગુગલ મેપ એ સાચે જ “ભેખડે ભરાવ્યાં’. જ્યાં you have reached destination બોલે ત્યાં તો ભીંત! અને મોટું મેદાન!! કોઈએ ગાઈડ કર્યાં। ,રેન્ટ એ કાર કાર્ડ એન્ટ્રી માં નાખી, પરત આપી રાતે દસ ની ફ્લાઇટ માં 12 વાગે રાતે સલાલા થી મસ્કત પરત.


એ લીલું છમ સલાલા શહેર,એ જંગલો, માત્ર 4 બાઈ 4 કાર જ જઈ શકે એવું કાર ટ્રેકિંગ- સીધા ચઢાણ, ઝરણાં, ધોધ,,બ્લો હોલ પોઇન્ટ, એન્ટી ગ્રેવિટી પોઇન્ટ, કોસ્ટલ હાઇવે ની મુસાફરી-આ બધું સ્મરણમાં રાખી પરત મસ્કત।


આ સ્થળ જેવા કે સાઉદી અરેબિયા, અબુધાબી, કતાર માં પણ એટલું જ લોકપ્રિય છે અને દરેક ને સરખો જ સમય લાગતો હોઈ દરેક આસપાસના લોકો અહીં આવે છે. કહેવાય છે આવી વરસાદ આપતી જગા અને લીલ્લું છમ દેખાય એવું સ્થળ આસપાસ હજારો કી. મી. માં ક્યાંય નથી.


તો સાવ લીલું સલાલા મારી સાથે ફેરવ્યા। ગમ્યું હશે.


  • સુનિલ અંજારીયા
  • 711, અલ મનાર ટાવર, અલ ખુવઈર,મસ્કત।
  • મૂળ અમદાવાદ।
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.