રેફ્યુજી સ્ટોરીઝ 5 : નીલી

"વિશ્વ ના દેશો માં મોટાભાગ ની સમસ્યા વસ્તી વધારા ના થાય, પણ બર્મા ના ચીન રાજ્ય માં, જે મારું વતન હતું ત્યાં પરિસ્થિતિ આથી વિપરીત હતી. દરરોજ અમારી જગ્યા પર થી અમને દુર કરવામાં આવતા - અમારી ભાષા, સંસ્કૃતિ , સાહિત્ય જાણે બધું જ ખોવાઈ ગયું છે . . " - આ શબ્દો છે બર્મા થી વોલોન્ગોંગ ખાતે રેફ્યુજી વિઝા પર આવેલ નીલી ના !

આ કથની કદાચ કેટલાક વાચકો ને કડવી લાગશે તો કેટલાક ને વિચારવા મજબુર કરશે કેમકે આ કથની માં આપણા ભારત માં નીલી ને થયેલ કપરા અનુભવો ની પણ વાત છે. આ વાત કરતા તે સહેજ ખચકાઈ હતી કેમકે તે જાણતી હતી કે હું ભારતીય છું અને મને ભારત વિષે ટીકા થી દુઃખ થશે. ખેર , તેણે વર્ણવેલ વાતો વાસ્તવિકતા થી જરાય દુર ન હતી! તો ચાલો આજે વાત નીલી ની રેફ્યુજી તરીકે ની જીવની ની !

બે વર્ષ પહેલા નીલી પોતાની બે બહેનો ,બે ભાઈઓ અને માતા પિતા સાથે ઓસ્ટ્રેલીયા આવી. અહી આવ્યા પહેલા ના 7 વર્ષ ને તે જીવન નો અંધકારમય સમય ગણાવે છે ( આ સમય તેણે બર્મા થી આવી ભારત માં વિતાવેલ )

નીલી નો જન્મ અને ઉછેર ઝોન્ગ્ટે નામક, પહાડી ગામડાં માં થયેલ . આ એક કુદરતી સુંદરતા ધરાવતી જગ્યા છે જે ભારત ના રાજ્યો મિઝોરમ ,નાગાલેન્ડ અને મણીપુર ની સીમા શેર કરે છે . પહાડો ની હારમાળા સાથે ઓર્કિડ અને ગુલાબ ના ફૂલોની ચાદર પથરાયેલ દેખાય, પાલતું અને જંગલી જાનવરો વચ્ચે પંખી અવરજવર, ચેરી ના વ્રુક્ષો . અહી મને સૌથી વધુ ગમતા સૌખેલી ના નાના ઝાડ, જેને rhododendrons, એટલે કે લાલ ફૂલ ધરાવતું બારેમાસ લીલું રહેતું નાનું ઝાડ. આ ફૂલો ખાઈ પણ શકાય આથી અમે શાળા થી આવતા જતા તેને ખુબ ખાતા . હું જે ગામડા માં રહેતી ત્યાં 51 ઘર સાથે લગભગ 250-300 લોકો ની વસ્તી હશે. આસપાસ પણ આવા જ નાના ગામડાઓ હતા . બધા એકબીજા સાથે એક પરિવાર ની માફક રહેતા . તમને જાણી ને નવી લાગશે કે મારા ચીન રાજ્ય માં 9 અલગ અલગ ભાષાઓ બોલાય છે, અને રસ્તા ના નામ કઈ ભાષા માં લખવા તેનો વિવાદ થતા અહી રસ્તા બનાવવાનું જ રદ્દ કરાયું .

હું સરકારી શાળા માં ધોરણ 10 સુધી ભણી. આ દિવસો મારા જીવન ની ખુબ જ કીમતી યાદો છે- વાંસની દીવાલો થી બનેલ મારી શાળા માં 7 રૂમ હતા અને એક મોટું મેદાન હતું . દરરોજ શાળામાં સવારે પ્રાર્થના કરી અમને સારી વાતો કહેવામાં આવતી . શિક્ષકો ખુબ પ્રેમાળ હતા અને મારી બહેનપણી ઓ ની તો વાત જ શું કરું ? અમે એકબીજા ની બધી જ વસ્તુઓ એકબીજા સાથે શેર કરતા .

હું 5 વર્ષ ની હતી ત્યારથી મેં મારા માતા પિતા ને ચોખા ના ખેતરો માં મદદ કરવાની શરૂઆત કરી હતી. મારી જવાબદારી પીવાનું પાણી ભરી લાવવાની અને બર્મીસ સિપાહીઓ આવતા દેખાય તો પંખી જેવો અવાજ મોટે થી કાઢી ખેતર માં કામ કરનાર ને સાવધાન કરવાની હતી. મારો અવાજ સાંભળતા જ તેઓ નજીક ની ઝાડીઓ માં છુપાઈ જતા.

હું સવારે 5 વાગ્યે ઉઠતી . પાણી ભરવા પહાડો પર થી પસાર થતા 20 મિનીટ એકતરફી રસ્તો હતો. પાણી ભરી ને 30 મિનીટ બીજી તરફ પહાડો પસાર કરતા ચોખા ના ખેતરો માં કામ કરવા પહોચતી . ત્યાંથી 9 વાગે શાળા એ પહોચવા એક કલાક ચાલવું પડતું . 3 વાગે શાળા એ થી ઘેર આવી હું અને મારી નાની બહેન ક્યારેક લાકડા કાપવા જતા, નહિ તો સીધી રસોઈ ની તૈયારી કરતા . નાના ભાઈ બહેનો ની ધ્યાન રાખતા .મારા માતા -પિતા ખેતમજૂર તરીકે સૂર્યોદય થી સુર્યાસ્ત સુધી કામ કરતા . અમે રાત્રે દીવા ના પ્રકાશ માં ભણતા કેમકે અમારા ગામ માં ઇલેક્ટ્રીસીટી ન હતી.

બર્મા માં પરિસ્થિતિ બગડતી જતી હતી જેની અસર ગામડાઓ પર પણ થવા માંડી હતી. મારા પિતા ખેતમજૂર હતા પણ થોડું ભણેલા આથી ગામડા માં તેમનું નેતૃત્વ લોકો એ સહમતી થી સ્વીકારેલ. વર્ષ 2005 હતું મહિનો યાદ નથી - એક સાંજે અફવા ઉડી કે બર્મીસ સિપાહીઓ મારા પિતા ની શોધ માં છે અને તેમને મારી નાખશે . અફવા ના ડર થી ગામ લોકો કે મારા પિતા ને ફરજીયાત નાસી જવાનું કહ્યું , પરિસ્થિતિ જોતા મારી માં એ પણ તેમાં સહમતી આપી અને મારા પિતા નાસી છૂટ્યા - ક્યાં? ખબર નહિ !

તે અડધી રાતે બર્મીસ સિપાહીઓ અમારે ઘેર આવ્યા, મારા પિતા ક્યાં ગયા તે જાણવા પહેલા બે વખત શાંતિ થી મને પૂછ્યું, મારા નાના ભાઈ બહેનો ને પૂછ્યું પણ અમે કોઈએ જવાબ ના આપ્યો તો અમને અને અમારી માં ને ખુબ થપ્પડો મારી, અમને વાળ પકડી ને ઉચક્યા, અમને ધધડાવી દીધા, આવું જ તેઓએ અમારા પડોશીઓ સાથે પણ કર્યું . બીજા દિવસે ફરી આવશું ની ધમકી આપી તેઓ ત્યાંથી જતા રહ્યા .

શરૂઆત માં મને સમ્હ નહોતી પડતી કે આવું શામાટે પણ પછી સમજાયું કે અમે ખ્રિસ્તી હતા,અમે અમારો ધર્મ ખુલ્લી રીતે નહોતો પડી શકતા . જો બળજબરી થી ધર્મ પાલન કરો તો તમરી સામે કાર્યવાહી થતી અને જેલ ની સજા થતી કે ગોળી મારી દેવામાં આવતી . ધર્મગુરુઓ , પાદરીઓ ની હત્યા, ચર્ચ ને નુકસાન અને ક્રોસ ને બાળવું સામાન્ય ઘટના થઇ ગઈ હતી.

બર્મા માં પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે શાળા એ જવામાં પણ સલામતી ન હતી. એથીકલ સમુદાયો નો નાશ કરવાના પ્રયત્નો માં બર્મીસ સિપાહીઓએ કોઈ કસર નહોતી છોડી . સૌથી વધુ યાતનાઓ શન કરવાની મહિલાઓ ના ભાગે આવતી, ચીન રાજ્ય ની મહિલાઓ ની બર્મીસ સિપાહીઓ વડે જાતીય અને માનસિક સતામણી થતી, બળાત્કાર થતા, તેમને ખુબ મારવામાં આવતી અને ક્યારેક આવી રીતે માર ખાતા જ મહિલા મૃત્યુ પામતી . બર્મીસ સિપાહીઓ ગમેતે સમયે આવી અમારા સમુદાય ની યુવતી કે મહિલા ને પોતાની વાસના માટે ઉપાડી જતા, વળી સરકાર વડે તેમને ઇનામ માં મોટી રકમ મળતી જો તે ચીન સમુદાય ની મહિલા ને ગર્ભવતી કરે અને તેનાથી બાળક પેદા કરે !

આવી પરિસ્થિતિ માં અમારી સલામતી પણ જોખમ માં હતી. બ્ર્મીસ સિપાહીઓ મારી 4 બહેનપાણીઓ ને ઉપાડી ગયા પછી અમારી પાસે ભારત પલાયન થવા સિવાય કોઈ જ રસ્તો ન હોતો બચ્યો . અમે જવું કે ન જવું ની મૂંઝવણમાં હતા એવામાં 6 મહિના બાદ મારા પિતા એક રાત્રે આવ્યા અને અમારે તે જ રાત્રે પલાયન થવું પડ્યું .

અમે ભારત ની સીમા માં દાખલ થયા તે મિઝોરમ રાજ્ય હતું . અહી કોઈ રેફ્યુજી કેમ્પ ન હતા કે ન હતી બર્મીસ લોકો માટે કોઈ જાતની સગવડ, ન કોઈ જાતના પૈસા મળતા , ન ખાવાનું ! લગભગ 60 000 ચીન પ્રાંત ના લોકો અહી દયનીય પરિસ્થિતિ માં હતા. અહી પણ સીધી કે આડકરતી રીતે ભેદભાવ ભર્યા વ્યવહાર નો સામનો અમારે કરવો પડતો .

રેફ્યુજી કેમ્પ જેવું કઈ ન હોવાથી અમે એક રૂમ ભાડે રાખ્યો .

અલગ ભાષા, દેખાવ અને સ્થાનિક જ્ઞાન ના અભાવ સાથે અહી જે મજુરી કામ મળે તે કરવા અમે તૈયાર થઇ ગયા. અમે અહી પણ ચોખા ના ખેતરો માં 12 કલાક જેટલું કામ કરતા . અમે ચોખા ના ખેતર માં કામ કરતા પણ ચોખા ખરીદવાની અમારી તાકાત ન હતી. અમે શાકભાજી ની બજાર પૂરી થવાના સમયે જતા અને શાકભાજીવાળો જે બટેટા -ટમેટા અને બીજા શાકભાજી ફેંકી દેવાનો હોય તે લઇ આવતા . ગમે તે કરીએ તો પણ પૂરું ન પડતું .

આમ , બે વર્ષ વિતાવ્યા બાદ બે ભાઈઓ એ પણ કામ શોધી લીધું . , મારા ભાઈઓ લારી પર કે રેસ્તોરંટ જ્યાં કામ મળે ત્યાં પ્લેટો -કપ સાફ કરવા જતા, મારા માતા -પિતા એક ફેક્ટરી માં મજુર તરીકે જતા, ક્યારેક કામ મળતું ક્યારેક ન મળતું . હું એક નાની હોટલ માં સાફસફાઈ અને વાસણ સાફ કરવાનું કામ કરતી . ઘણી વખત જ્યાં કામ કરવા જતા તે લારીવાળો કે રેસ્તોરંટવાળો પૂરતા પૈસા ન આપતો અથવા પૈસા જ ન આપતો . અમે બધા કામ કરી મહીને 3500 રૂપિયા કમાઈ લેતા . જેમાંથી મોટાભાગે ભાડું ભરી શકતા અને ખોરાક ની સામગ્રી નો ખર્ચ જ નીકળતો .

હું જે હોટલ માં કામ કરતી ત્યાં અમીર લોકો રોકવા આવતા . તેઓ દ્વારા વારંવાર જાતીય સતામણી થતી, તેઓ મને ગંદા ઈશારા કરતા, શારીરિક અડપલા કરતા, મારી મરજી વિરીદ્ધ મારે એમને શારીરિક રીતે ખુશ પણ કરવા પડતા . શરૂઆત માં મેં તેનો વિરોધ કર્યો તો એક અમીરે મારા મેનેજર પાસે મને ચોર ઠેરવી, મને નોકરી માંથી કાઢી નાખવાની ધમકી આપાઈ . અન્ય વખત ફરિયાદ કરી તો કહેવામાં આવ્યું કે નોકરી કરવી હોય તો આ બધું કરવું પડશે અહીં તો કાલ થી ન આવજે! મેં આ બધું સહન એટલે કર્યું કેમકે મારી કમાઈ બંધ થાય તો આર્થિક મુશ્કેલી વધે અને જો મારી બહેનો ને કામ કરવા જવું પડે તો તેમની સાથે પણ આવા જ દુર્વ્યવહાર થાય!

મારી બહેનો ને શાળા માં દાખલ કરવાના અમે ખુબ પ્રયતો કર્યા પણ અમને સફળતા ન મળી. કેમકે રેફ્યુજી તરીકે ની માન્યતા ના દસ્તાવેજો અમારી પાસે ન હતા.

આમ ને આમ 4 વર્ષ વીતી ગયા રેફ્યુજી તરીકે, અને અમને ત્યારબાદ રેફ્યુજી તરીકે કાનૂની માન્યતા આપતા દસ્તાવેજો મેળવી શકાયા . આ દસ્તાવેજો વગર અમે અન્ય દેશ માં રેફ્યુજી તરીકે પુનઃ સ્થાપિત થવા અરજી ન કરી શકીએ .

જ્યારે મને આ દસ્તાવેજો મળ્યા, તેના અઠવાડિયા બાદ હું જે હોટલ માં કામ કરતી ત્યાં એક ઓસ્ટ્રેલીયન સમાજસેવક આવેલ . તે ભારત ફરવા આવેલ . તેમણે મારી કથની સાંભળી અને મને ઓસ્ટ્રેલીયા આવવા મદદ કરી.

મને ભારત પ્રત્યે કોઈ દ્વેષ નથી, ત્યાના લોકો ની પરિસ્થિતિ પણ કઈ ખાસ સારી ન હતી. એટલે રેફ્યુજી ને જ તકલીફ થઇ એવું ન કહી શકું . ખેર, હું હવે ખુશ છું. મારા ભાઈ બહેનો શાળા એ જાય છે, હું એક રેસ્તોરંટ માં નોકરી કરું છું અને મારા માતા -પિતા પણ કેઝ્યુઅલ કામ કરે છે! અંગ્રેજી તેમને બીજા ગ્રહ ની ભાષા સમાન અઘરી લાગે છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.