શ્રવણ અને શ્રાવણી પતિ પત્ની ઓછા અને પ્રેમી પંખીડા વધુ. બંને નાં દામ્પત્યજીવનનો બગીચો મહેંકી રહ્યો હતો. બંનેનાં હસતા ચેહરા એટલે જાણે હસતા ગુલાબ. સાથે નોકરીએ જવું આવવું. સાથે જ ઘરનાં કામ પતાવી લટાર મારવા નીકળી પડવું અને મન ભરીને જીદગીની મજા માણવીએ જ જાણે એમનો જીવનમંત્ર હતો.

પરંતુ કુદરત રૂઠે ત્યારે માણસ એની સામે વામણો બની જાય છે. એક ગોઝારા અકસ્માતમાં શ્રવણ નો એક પગ કાપી નાખવો પડ્યો અને શરૂઆત થઇ તકલીફ ભરી જીદંગીની. જોકે શ્રાવણી એ પોતાનું મનોબળ મક્કમ બનાવી નાખ્યું હતું અને હિંમતભેર જીવનની નવી ઇનીગની શરૂઆત કરવા તૈયાર થઇ હતી. એ જાણતી હતી કે શ્રવણનાં કપાયેલા પગે એના આત્મવિશ્વાસને પણ કાપીને ટુકડે ટુકડા કરી નાખ્યા છે. અને એણે કોઈપણ ભોગે શ્રવણ નાં આત્મવિશ્વાસને ફરી જીવાડવા કમર કસવાનું નક્કી કર્યું હતું.

શ્રાવણીની હોશિયારી અને આવડતને લીધે નોકરીમાં તેને બઢતી મળી હતી. તે દિવસે એ ખુબ ખુશ હતી. એ ઘરે જતી વખતે એક લેપટોપ અને કેક લેતી ગઈ. ઘરે જઈ ને એણે એની બઢતીની ખુશી શ્રવણ સાથે ઉજવી અને શ્રવણને લેપટોપ આપી એને એના લેખનનાં શોખ ને ફરીથી જીવિત કરવા જણાવ્યું. એણે એને પ્રતિલિપિ એપ. વિષે વાત કરી અને લેખન કાર્યમાં પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા કહ્યું. જો કે શ્રવણે આનાકાની કરી એને પટાવતા કહ્યું હમણાં તો નહિ પણ જે દિવસે ફરી જીવવાની ઈચ્છા થશે ત્યારે લખશે.

શ્રાવણીની પડોશમાં કાંતાબા કરીને એક માજી રેહતા હતા. એ પણ એકલવાયી જીવન જ જીવતા હોવાથી શ્રાવણીએ એમને શ્રવણ સાથે બપોરે થોડો સમય વિતાવવા વિનંતિ કરી હતી જેથી શ્રવણને એકલતાનો અહેસાસ ઓછો થાય.

શ્રાવણીને બઢતી મળ્યા પછી ઘણી વખત એણે વહેલા જવું પડતું તો વળી ક્યારેક આવતા મોડું પણ થતું. શ્રાવણીનાં ફેરફારની નોંધ શ્રવણ તો લેતો જ પણ એની ઊંધી છાપ કાંતાબા શ્રવણ પર ઉભી કરવામાં કોઈ કસર છોડતા નહિ હતા. એ હંમેશા શ્રવણ ને શ્રાવણીનાં ચરિત્ર વિષે શંકા ઉપજાવતા પ્રશ્નો કરતાં અને વાતો પણ સતત એવી જ કરતા. જયારે જ્યારે એ વાત કરી ને જાય પછી એ બારી માથી બહાર બગીચામાં જોતો ત્યારે એને ગુલાબનાં છોડનાં બંને ગુલાબ રડતા હોય એવું એને લાગતું. અને એ


વધારે ઉદાસ થઇ જતો. એની ઉદાસીનું કારણ શ્રાવણી સમજી શક્તી નહિ. એ શ્રવણને ઘણીવાર પૂછતી પણ ખરી પણ શ્રવણ એની સાથે દિલ ખોલીને ચર્ચા કરી શકતો નહિ જાણે દિલમાં કઈ ડંખતું હોય એવું.

એક દિવસ શ્રાવણીને ઓફીસના કામ માટે ૨ દિવસ બહારગામ જવાનું થયું. આ તકનો લાભ લઇ કાંતાબા એ શ્રવણને શ્રાવણી વિષે ન કહેવાનું ઘણું બધું કહ્યું અને શ્રાવણી પરના વિશ્વાસની દીવાલ હલાવી નાખી. આજે શ્રવણને બાગમાંનાં ગુલાબ ધ્રુસકે ધ્રુસકે રડતા દેખાયા. શ્રવણ એકદમ સૂન થઇ ગયો હતો. એના મગજ માં વિચારોની ગતિ ફાસ્ટ ટ્રેનની જેમ ભાગવા લાગી. શ્રવણનાં મગજમાં એક જ વિચાર ફરી ફરીને ચકરાવો લઇ રહ્યો હતો, “શું શ્રાવણી મારી સાથે આવો વિશ્વાસઘાત કરી શકે?” વિચાર માં ને વિચાર માં એ ક્યારે ઊંઘી ગયો એની એને ખબર જ નઈ પડી.

આ તરફ એ જ સમયે શ્રાવણી પણ શ્રવણને ફોન કરી રહી હતી. પરંતુ શ્રવણ ઊંઘમાં હોવાથી ફોન લેતો ન હતો પણ એના ફોન ન લેવાને કારણે એ એકદમ ચિતિંત થઇ ગઈ હતી. વારંવાર ફોન કરવા છતાં ફોન ન લેતા શ્રાવણી એ કાંતાબાને ફોન કર્યો અને શ્રવણ વિષે પૂછ્યું. પરંતુ કાંતાબા એ જે કહ્યું એ સાંભળીને તો એના હોશકોશ ઉડી ગયા. કાંતાબા એ કહ્યું કે શ્રાવણ તારાથી ખુબ દુખી છે. શ્રાવણી બીજા સાથે રંગરેલિયા મનાવવા મને એકલો મૂકીને બહાર જાય છે. તે હવે મારાથી જોવાતું નથી અને સહન પણ થતું નથી. એના કરતા તો હું મરી જાવ તે સારું એવું શ્રવણ મારી સામે ઘણી વાર ફરિયાદ કરતો અને આજે તો સવારથી દુ:ખી પણ લાગતો હતો. આટલું સાંભળતા તો એના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું.

તે દિવસનું કામ પડતું મૂકી ભાગતી ગાડીએ ઘર તરફ આવવા નીકળી ગઈ. આખા રસ્તે બિહામણા ડરાવતા વિચારોએ જ એના મગજનો કબજો લઇ લીધો હતો. ઘરે પોંહચી શ્રવણને શું કહેશે? શ્રવણ એને શું કહેશે? ઘર નું ચિત્ર કેવું હશે? જેવા ચિત્રવિચિત્ર સવાલોમાં અટવાતી એ ક્યારે ઘરે પોંહચી ગઈ એનું એને ધ્યાન જ નહિ રહ્યું. ગાડીમાંથી ઉતરી સીધી ઘર તરફ દોટ મૂકી.

ઘરનો દરવાજો ખુલ્લો લાગ્યો. ઘરમાં એકદમ શાંતિ જણાતી હતી. તેણે જોયું કે શ્રવણ બાલ્કનીમાં બેઠો હતો ચા ની ચૂસકી માણતાં માણતાં કઈ લખી રહ્યો હતો. એને જોતા જ શ્રાવણી એને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

શ્રાવણી ને આમ અચાનક આવેલી જોઈ અને આટલું બધું રડતા જોઈ શ્રવણ પણ ગભરાઈ ગયો. એણે પહેલા શ્રાવણીને શાંત પાડી અને બધું પૂછ્યું. શ્રાવણીએ પણ કાંતાબા સાથેની વાત બધી વાત જણાવી અને પોતાના માટે આવું વિચારવા માટે ગુસ્સો કરવા લાગી. એણે શ્રવણને કહ્યું,” જો તને મારા માટે શંકા હતી તો સીધેસીધું મને કેમ ની પૂછ્યું. આમ ને આમ આટલા દિવસ ઉદાસ રેહવાની શી જરૂર હતી. જો, શ્રવણ આજે પણ આપણે પતિ પત્ની ની સાથે સાથે એકબીજા નાં પાક્કા દોસ્ત પણ છીએ જ. એટલે હવે પછી તને કઈ પણ સવાલ હોય તો તું મને સીધું જ કહી દેજે.” શ્રાવણીને હક્કભેર ગુસ્સો કરતા જોઈ શ્રવણ

ને ખુબ ગમ્યું અને એક મંદ મુસ્કાન એના ચેહરા પર રમી રહ્યું. શ્રવણે શ્રાવણીનો હાથ પોતાના હાથમાં લીધો એને પોતાની બાજુમાં બેસાડી ને કહ્યું,” મને માફ કરી દે મારી શ્રાવણી. પણ તું તો જાણે છે જ્યારથી મારો પગ તૂટ્યો ત્યારથી મારા આત્મવિશ્વાસની પણ ધજીયા ઉડી ગઈ છે. તું આટલી મહેનત કરે મારા માટે આપણા ઘર માટે એ જોઈને મને મારા માટે જ ધૃણા ઉપજતી. તેમાં કાંતાબાની વાતો મારા પુરુષ તરીકે નાં મારા અહં પર સીધો પ્રહાર કરતી એટલે તો મને વધારે જ ચીડ ચડતી. પણ આજે સતત વિચાર કરતા મને લાગ્યું કે મારી ગાડી તો હું ઉંધે પાટે દોડાઉં છું. ફાલતું અહમને કારણે તો હું મારી શ્રાવણીથી દુર જઈ રહ્યો છું. તે તો કઈ રીતે ચાલે? શ્રાવણી વગર તો કઈ રીતે જીવાશે? બસ આટલું વિચારતા તો મેં મારા અહમ નાં કણ કણ કરી જમીનમાં દાટી દીધા. અને મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું શ્રવણ તારો પતિ તને તારી કારકિર્દીમાં આગળ વધવા અને તને સફળતાનાં શિખરે બેસાડવા માટેનું પ્રથમ પગથિયું બનીશ. હું પણ મારા ખાલી દિમાગ ને શેતાનનું ઘર નહિ બનવા દઈશ અને લેખનમાં મારી કારકિર્દી બનાવીશ જેમાં તું જ મારી પ્રેરણા મૂર્તિ બનશે. આપણી વચ્ચેનાં પ્રેમ અને વિશ્વાસને હું અખંડ જ રાખીશ. શ્રાવણી હું તને ખુબ પ્રેમ કરું છું.” આટલું સંભાળતા તો શ્રાવણી શ્રવણ ને વળગી પડી અને એની ખુશી આંસુ બની વહી રહી હતી.

આજે શ્રવણે જોયું તો બાગ માના બંને ગુલાબ ખિલખિલાટ હસતા હતા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.