વરસાદ, વિરહ, પ્રેમ, પોલિટિક્સ

આવ રે વરસાદ

ઘેવરીયો પરસાદ

ઊની ઊની રોટલી 'ને કારેલાંનું શાક!

આ વરસાદી જોડકણું તો બધાને આવડતું જ હોય! પણ જરા યાદ કરો તો... વર્ષા સિવાય બીજી કોઈ ઋતુનું આવું જોડકણું યાદ આવે છે?! નહિ આવે! હા, છ ઋતુઓના આ દેશમાં બીજી ઋતુઓ વિષે પણ ખાસ્સું લખાયું અને ગવાયું છે પણ વર્ષાની તો વાત જ કંઈક અલગ છે. હિસાબ માંડવા જાઓ તો બાકીની બધી ઋતુઓ એક બાજુ રહી જાય અને વર્ષા બીજી બાજુ રહીને પણ પલ્લું નમાવી જાય એટલું બધું અધધ એના વિષે લખાયું, ગવાયું, ચર્ચાયું છે. આજે ય પહેલો વરસાદ આવ્યો નથી કે ફેસબુક પર વરસાદી કવિતાઓ ફૂટી નીકળે છે! વરસાદ સાલ્લો સામાન્ય માણસને ય (ઘટિયા તો ઘટિયા) કવિ બનાવી દે છે ! વરસાદ અને આપણો સબંધ જ કંઇક મજાનો છે. બે વર્ષ પહેલા ઇંગ્લેન્ડથી આવેલા એક સ્વજને ધોધમાર વરસતા વરસાદને જોઇને કહ્યું: "વેધર બહુ ખરાબ થઇ ગયું છે!". અને મારા ભારતીય ભેજાને આ વાત બહુ પચી નહિ! વિચિત્ર લાગી.

હા, વરસાદ આપણને પરેશાન પણ બહુ કરે છે, એને આપણે ખાલી પ્રેમ જ નથી કરતા, ગાળો પણ આપીએ છીએ. અને પશ્ચિમમાં પણ વરસાદને વ્હાલ કરે એવા લોકો હોય જ (બાકી તો ઈંગ્લીશમાં 'પ્લુવીઓફાઈલ' જેવો શબ્દ જ ન હોત!). પણ ભારતમાં આવો વરસાદ આવે અને 'વેધર ખરાબ થઇ ગયું'! બાત કુછ જમી નહિ! વેદોથી માંડીને સંસ્કુત સાહિત્ય અને લોકસાહિત્યથી લઈને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાંથી પસાર થતો થતો આજની મલ્ટીકલર ફિલ્મો સુધી અસંખ્ય રંગ, રૂપ અને અદાઓમાં વરસાદ વરસતો જ રહ્યો છે! વરસાદ પર લખાયેલા નિબંધો, કોલમો, કવિતાઓ, ગીતોને ભેગા કરીએ તો એક આખી અલાયદી વરસાદી લાઈબ્રેરી બની જાય! અને એ જ સાબિતી છે કે ભારતીય જનજીવન અને જનમાનસમાં વરસાદની કોઈક સ્પેશલ પ્લેસ છે.

પ્રેમ અને પોલીટીક્સની જેમ વરસાદની ચર્ચા કરતા પણ આપણે થાકતા નથી. જુઓને વેદકાળથી શરુ થયું છે અને તમે આ વાંચો છો એ જ બતાવે છે કે હજુ આપણામાં ઘણો વરસાદ બાકી છે! પણ વરસાદ સાથે આટલું બધું એટેચમેન્ટ કેમ? કેમ બીજી ઋતુઓ એની સામે આમ ઝાંખી પડી જાય છે? કેમ વર્ષા જ આવું આકર્ષણ જન્માવી શકે છે? કેમ વસંત કે ગ્રીષ્મ કે શરદ કે હેમંત આવે ત્યારે આપણે આમ અંદરથી લાગણીઓ નથી ઊઠતી? છ ઋતુઓની વાત જુની લાગતી હોય તો વિચારો કેમ શિયાળો કે ઉનાળો આવે ત્યારે આવું ન થાય અને ચોમાસું જ કંઈક કંઈક સ્પેશલ ફીલ કરાવી જાય? તમે કહેશો, લ્યો ઉનાળામાં શું મજા લેવા જેવું છે? સહી બાત. વર્ષાની આટલી મજા છે એનું એક કારણ એ ય છે કે એ ગ્રીષ્મ પછી આવે છે. ગ્રીષ્મ આપણા માટે હાડમારી છે. દુ:ખ પછી જ સુખની મજા છે. અંધારું છે તો અજવાળાની કિંમત છે 'ને સંઘર્ષ જ સફળતાને મહાન બનાવે છે. કાલિદાસના ઋતુસંહારમાં ય કદાચ એટલે જ પહેલા ग्रीष्मवर्णनम અને પછી वर्षावर्णनम હશે?! ગ્રીષ્મમાં તપતી ધરતી, તપતા રસ્તા, લૂ, ધૂળની ડમરીઓ, અસહ્ય ગરમી (અને બુકાની બાંધેલી છોકરીઓ ને હવે તો છોકરાઓ પણ! બધું બહુ થકવી દેનારું અને ડીપ્રેસિંગ છે! ગ્રીષ્મના તાપથી બળી ગયેલી ધરતી, સુકાઈ ગયેલા વૃક્ષો અને કંટાળી ગયેલા માણસને વર્ષાથી રિલીફ મળવાની છે. વર્ષા આટલી સ્પેશલ એટલે છે કારણકે વર્ષમાં આશા છે!

કેટલીય આશા! ક્યાંક કોઈક ઘાંસને ઉગવાની, ધૂળ 'ને તડકો ઓઢીને ફરતા વૃક્ષને ભીંજાવાની, નદીના, ઝરણાના પુનર્જન્મની, ધરતીને એના પ્રેમી વાદળની એક ઝલકની, એના પ્રેમમાં તરબોળ થઈ જવાની, મકાનની ભીંતોની તિરાડના બે છેડાને જરા અમસ્તા પાણીથી જોડાઈ જવાની આશા અને માણસની આશાઓ... અનગીનત આશાઓ જોડાયેલી છે વર્ષા સાથે! બીજું કારણ જે વર્ષાને બીજી ઋતુઓ કરતા અલગ પાડે છે, એક્સાઈટિંગ બનાવે છે એ છે વર્ષાનું પર્ફોર્મન્સ! વર્ષાનું પરફોર્મન્સ સોલીડ રોકસ્ટાર જેવું નથી? એની એન્ટ્રી થાય એટલે વીજળીની ફ્લેશ, વાદળ ગર્જનાઓનું સંગીત પેદા થાય! એમાંય વિજળીના કડાકાની એડેડ સાઉન્ડ ઈફેક્ટ તો ખરી જ! અને એ આવે અને પૃથ્વીના કેનવાસને જડમૂળથી બદલી નાખે! સ્ટેન્ડસ્ટીલ પૃથ્વી પર ક્યાંય કેટલી હલચલ મચી જાય! નદી, નાળા, ઝરણા વહેવા માંડે, વુક્ષોનો જાણે જીર્ણોદ્ધાર થઈ જાય, ઉનાળામાં તપી ગયલી કોરી ભઠ્ઠ જમીન પોતાનો વાન ભીનો કરીને નવી ઉગેલી હરિયાળી સાથે મસ્ત મેચિંગ બનાવે! ધૂળ ધોવાઇ જાય, ધૂળની ડમરીઓ દબાઈ જાય અને આંખ આગળથી જાણે મેલી પરત હટાવી લીધી હોય એમ આખી સૃષ્ટિ ફૂલ HDમાં દેખાવા માંડે! અને પહેલા વરસાદ પડતાં, ઉનાળામાં એકલા પડેલા ડામરના રસ્તા અને ભજીયાની સુની પડેલી દુકાનો પર માણસો ઉભરાવા માંડે! ગરમીમાં પરસેવા લુછતી, રાહ જોતી ઓડીયન્સના મૂડને વર્ષા પોતાના હેપનિંગ પરફોર્મન્સથી ઓફુલથી ઓસ્સમ તરફ લઇ જાય! આ જ કારણ છે વર્ષાના આકર્ષણનું: હોપ અને હેપનિંગ! વર્ષામાં હોપ છે એન્ડ શી ઈઝ ડેમ હેપનિંગ !

પણ દર વખતે આ હોપફૂલ એન્ડ હેપનિંગ વર્ષા માણસને ખુશખુશાલ કરી દે એવું બનતું નથી. માણસને આમેય કોઈ વસ્તુ હંમેશા ખુશ ક્યાં કરી શકે છે! વર્ષા સાથે દર વર્ષે આશા આવે છે પણ દર વખતે એ પૂરી થાય છે ખરી? એક છેડે અતિવૃષ્ટિ અને બીજા છેડે દુષ્કાળ ઊભા જ હોય છે! આમ જુઓ તો આ બધું આપણી સરકારો જેવું જ નથી?! નવી આવતી સરકાર પ્રત્યે પણ આપણને આશા હોય છે પણ એનું ય ઉપર કહ્યું એમ જ. કંઈ નક્કી નહિ! નવી ચૂંટાયેલી સરકારો કંઈ ચુંટણી પહેલા પોતાનો પરફોર્મન્સ ટેસ્ટ આપતી નથી અને વર્ષા ય ઉનાળામાં આવીને પોતાનો પરફોર્મન્સ ટેસ્ટ આપતી નથી. વર્ષા તો બસ એનો સમય થાય ત્યારે આવીને વાદળો ગર્જાવે છે, વીજળીની ફ્લેશ મારે છે જેમ પોલીટીકલ પાર્ટીઓ ચુંટણી પ્રચાર કરતી હોય એમ જ! ચુંટણીમાં કોણ જીતશે અને જીતશે તો શું કરશે વાળી ભવિષ્યવાણીઓ જેમ પોલિટિકલ પંડિતો કર્યા કરે છે એમ જ દર વર્ષે વર્ષાનું ભવિષ્ય પણ મોસમ નિષ્ણાતો ભાખે છે. અને મજા એ છે કે એ બંને બહુ ખોટા પડે છે! ચુંટણી અને વર્ષા એટલે જ ગુજરાતી ભાષામાં સ્ત્રીલિંગ હશે ?!! અને જાણે ફેઝવાઈઝ ચુંટણી થતી હોય એમ પહેલા સાઉથમાં વરસીને પછી વર્ષા ઉપર તરફ ધીમે ધીમે ગતિ કરતી ચાલે! પણ વર્ષાના કેસમાં ચુંટણી થતી નથી! ગ્રીષ્મમાં આમ તપ્યા પછી વર્ષાને ચૂંટાવાની જરૂર છે ખરી? ગ્રીષ્મને દર વર્ષે એટલી બધી એન્ટી-ઇન્કમબન્સી નડે છે કે કુદરત ખુદ આપણી જનપ્રતિનિધિ બનીને વર્ષને મોકલી આપે છે! આ કુદરતની પોતાની ડેમોક્રેસી છે!

કવિ પંકજ રાગ કહે છે:

काले बादलोंका सर्कस

और इतनी भीड़ दर्शकोकी,

पानीके इंतज़ारमें हमेशा खड़े इस प्यासे दौरमें,

यह बारिशोकी सियासत है |

અને પહેલો વરસાદ પડે ત્યારે વાતાવરણ ચુંટણીના રીઝલ્ટ જેવું જ હોય! ગુજરાતમાં પાંચ ઇંચ, મધ્યપ્રદેશમાં ૬ ઇંચ, મહારાષ્ટ્રમાં દસ ઇંચ! છાપા અને ટીવી ન્યુઝ વરસાદના સમાચારો થી ઉભરાઈ જાય! જાણે કયા મતવિસ્તારમાં કોણ કેટલું આગળ છે અને કોણ ક્યાં જીત્યુંની વાતો ચાલતી હોય એમ જ! લોકો પણ વરસાદના 'રીઝલ્ટ'ની ચુંટણીના રીઝલ્ટની જેમ જ ચર્ચાઓ કરે! ફના ય થાય 'ને ફરિયાદો ય કરે! ન્યુઝ ચેનલ વાળાઓ ચુંટણીના રીઝલ્ટ પછી જીતેલા ઉમેદવારને ત્યાં થતા ઢોલ-નગારા-મીઠાઈઓ અને ઉત્સવો બતાવે એવી જ રીતે વર્ષા પછી પણ રખડતા, મજા લેતા, ભીંજાતા, મોજ મનાવતા લોકોની ખુશી ય શહેરે શહેરે જઈને ઉજવે! પણ પહેલા વરસાદ પછી એ વરસાદનો ચાર્મ ઓછો થઇ જાય છે! લોકોનો જેમ નવી સરકાર પ્રત્યેનો ચાર્મ ઊડી જાય એમ! પહેલા વરસાદમાં લીધેલી બધી જ મજાઓ પછી આપણે ફરિયાદો કરવા માંડીએ છીએ! "આ તો ખાલી રસ્તા પલાળીને જાય છે", "આમ એકધારો નથી આવતો", "કાદવ કરીને જાય છે ખાલી", "આ આમ થોડો વધુ આવે તો આ બફારો જાય", "ઓફીસ જવાનો ટાઈમ થયો નથી કે આ આવ્યો નથી", "હવે આ બંધ થાય તો સારું" ! આવું બધું! જુઓને આ સરકારને ય બે વર્ષ થયા 'ને લોકોને બફારો થવા માંડ્યો છે ને! પહેલા વરસાદ પછી જો વળી એકધારો વરસાદ ન આવે તો જેમ ગરમી અને બફારો આવીને ગ્રીષ્મની યાદ આપાવી જાય એમ નવી સરકારને થોડી જૂની થાય પછી લોકોને એ જૂની સરકાર જેવી જ લાગવા માંડે! બોલો છે ને વર્ષા પોલિટિક્સ જેવી જ !

પણ વર્ષા પ્રેમ જેવી પણ છે. વરસાદની વાત આવે અને પ્રેમની વાત ન થાય!? વર્ષા અને પ્રેમ. આ બે અઢી અક્ષરના શબ્દોને એકબીજા વગર ચાલતું નથી! વર્ષા હોય ત્યાં પ્રેમ હોય અને પ્રેમ હોય ત્યાં વર્ષા! અને વર્ષમાં પ્રેમ જેટલો ખીલે છે એટલો જ વિરહ પિડે છે. વર્ષાના ગીતોમાં ય પ્રેમ-વર્ષાગીતોનો અધધ મોટો હિસ્સો છે. પ્રેમ અને વર્ષાની રંગોળી પૂરતા સાહિત્યની આખી એક સંસ્કૃતિ છે. પછી એ પહેલા કહ્યું એમ સંસ્કૃત સાહિત્ય હોય કે લોકસાહિત્ય કે વાર્તા કે નવલકથા કે ફિલ્મો! એ બધે જ હવાની જેમ પ્રસરેલું છે!

રામાયણમાં જયારે વર્ષાઋતુ આવે છે ત્યારે રામને એની પ્રિયતમા-પત્ની સીતાનો વિરહ પિડે છે અને એને પ્રકૃતિના સ્વરૂપોમાં સીતા દેખાવા માંડે છે. રામ લક્ષ્મણને કહે છે:

"ગરમીથી અતિદુઃખી ધરતી અને શોક-સંતપ્ત સીતા બંને (મને)સમાન લાગે છે. બંને બાષ્પ(અને આંસુ)વહાવે છે!"

"વાદળની આશ્રિત અને એમાંથી સ્ફૂરતી વીજળી મને રાવણની ચુંગાલમાંથી (ભાગી) છૂટતી સીતા જેવી લાગે છે!"

કાલીદાસે મેઘદૂતમાં કહ્યું છે એમ "મેઘનું દર્શન થતા સુખીઓનું ચિત્ત પણ બદલાયેલી વૃત્તિવાળું બને છે, તો પછી કંઠમાં આલિંગન આપવાની ઈચ્છાવાળા (પ્રેમીજન) દુર હોય તો કહેવું જ શુ?" કાલીદાસ જ આગળ કહે છે એમ કામથી દુઃખી થયેલા લોકો ચેતન-અચેતનનો ભેદ કરવામાં થાપ ખાઈ જાય છે! રામની પણ વર્ષના વાદળો જોઇને સીતા વગર આવી જ હાલત થાય છે!

કાલીદાસ અને વાલ્મીકી (અને બીજા ઘણા બધાએ પણ) વર્ષાને કામીજનો અને પ્રેમીજનોની પ્રિય કહી છે. કાલીદાસનું મેઘદૂત તો વર્ષા, વિરહ અને પ્રેમને ઘૂંટતું, કલ્પનાઓની છોળો ઉડાવતું અપ્રતિમ સર્જન છે! પોતાની પત્નીથી વિખુટો પડેલો યક્ષ, પત્નીને પોતાનો સંદેશો મોકલવા વાદળને પસંદ કરે છે. મેઘને દૂત તરીકે પસંદ કરવો એ જ પ્રેમ અને મેઘની નિકટતા નથી બતાવતું?! વરસાદ પડે અને પ્રેમીને મળવાનું મન ન થાય તો ધૂળ એ પ્રેમમાં!

પરવીન શાકીર કહે છે:

बरिशमें क्या तनहा भीगना लड़की

उसे बुला जिसकी चाहतमें

तेरा तन मन भीगा है |

વરસાદ પડે અને છોકરો-છોકરી ભીને ભીના એકબીજાને લીપટીને બાઈક પર આખું શહેર રખડી મારે! પણ બિચારા બદનસીબ પ્રેમીઓ જે આવા વરસાદમાં એકબીજાને મળી ન શકે એ શુ કરે? વરસાદની બુંદો ધરતી પર પડે અને વ્હોટ્સ-એપમાં મેસેજ ટપકે! એ ડીજીટલ વરસાદી આઈ. લવ. યુ.માં પ્રેમનું પાગલપન, વિરહની પીડા, મળવાની આશા અને બીજી કેટલીય વાઈલ્ડ ફેન્ટસી એકબીજામાં ભળી ગયા હોય! વરસાદી પાણી રસ્તા-મકાનોની જામી ગયેલી ધૂળની સાથે સાથે હૈયામાં જામી ગયેલી ધૂળ પણ કાઢી નાખે અને સ્વચ્છ, ભીના હૃદયમાં પછી પ્રેમ ચળકી ઉઠે! પણ ઘણીવાર વરસાદને પ્રેમ કરવો કે નફરત એ જ સમજાય નહિ.

પરવીન શાકીર ફરીથી:

जब उसके आनेकी घडी आई

एसी ज़ड़ी बरसी

पहली बार मुझे बारिश अच्छी नहीं लगी|

પ્રેમ જગાવીને વરસાદ આમ પ્રેમીના મિલનની આડે આવે ત્યારે बारिश अच्छी नहीं लगती |

અને પહેલો વરસાદ પ્રેમીઓના પહેલા મિલન જેવો હોય છે. જેમ પહેલા વરસાદમાં ભીંજાઈ જવાનો ઉમંગ હોય એમ પહેલા મિલનમાં તરબોળ થઇ જવાની ય ઉત્કંઠા હોય. અને પહેલો વરસાદ પડ્યા પછી જેમ બીજા વરસાદની વધુ રાહ જોવાય એમ જ પહેલા મિલન પછી બીજા મિલનની ઉત્કંઠા ઓર વધી જાય. અને પહેલા મિલન પછીનો એ વિરહ પણ કંઇક સ્પેશીયલ હોય. પહેલો વરસાદ રસ્તા ભીંજવીને, અંકુરો ફોડીને, આસ અને પ્યાસ જગાવીને ચાલ્યો જાય છે અને બીજા મિલન માટે તરસાવતો જાય છે! ધોધમાર વરસતો વરસાદ પણ ધોધમાર વરસતા પ્રેમ જેવો હોય છે. જેમ આવા વરસાદને રેઇનકોટ કે છત્રી રોકી શકતા નથી એમ ધોધમાર વરસતો પ્રેમ પણ ક્યાંક-ક્યાંક ઈચ્છા-અનિચ્છાએ પલાળી-પીગાળી દે છે! પહેલો વરસાદ અને નવો-નવો પ્રેમ પણ એકબીજા જેવા જ છે. જેમ પહેલા વરસાદમાં કોઈ ફરિયાદ કોઈ તકલીફ હોતી નથી એમ જ નવા નવા થયેલા પ્રેમમાં પણ પ્રેમીની કોઈ ખામી, કોઈ દોષ દેખાતો નથી. પહેલા વરસાદમાં જેમ આપણે વગર છત્રી કે રેઈનકોટે, સારા અને ડહોળા પાણીએ પૂરે પુરા ભીંજાઈએ છીએ એમ જ નવા પ્રેમમાં આપણે પ્રેમીની બધી જ ખાસિયતો, ખામીઓ, પ્રેમ, ગુસ્સો, મોકળાશ અને ડહોળાશમાં ભીંજાઈએ છીએ! પણ પછીનો પ્રેમ, થોડા વર્ષો પછીનો પ્રેમ, મોટા ભાગે અડધું ચોમાસું પૂરું થયે આવતા વરસાદ જેવો થઇ જાય છે! એમાં કાગડો થઇ જતી છત્રી, ગુલ થઇ જતી વીજળી, ગંદુ પાણી ઉડાડી જતી કાર, તૂટી ગયેલી સડક, ઓફીસ જવાની તકલીફ, કાદવ-કીચડ બધું દેખાવા માંડે છે! અડધે ચોમાસે વરસાદમાં અને અડધે આયખે પ્રેમમાં જે માણસ ખુલ્લા દિલે ભીંજાઈ શકે એ માણસ બહુ સુખી હોય છે!

પણ વરસાદની વાતો કરવામાં, કવિતાઓ લખવામાં, ગઝલો ગાવામાં જોજો ક્યાંક ભીંજાવાનું ભુલાઈ ન જાય! સુરેશ દલાલની એક માર્મિક કવિતા છે:

બહાર વરસાદ પડતો હતો ધોધમાર,

ન્હાના છોકરાની જેમ ઊભા ઊભા ન્હાવાનું મન થાય એવો,

પ્લાસ્ટિકના રેઈનકોટને અભાવે મકાનો ય પલળી રહ્યા હતા,

લીલો રંગ વૃક્ષોને અંગે અંગ ઉતરતો હતો,

આ બધાની વચ્ચે શહેરનો કવિ ,

ટેક્સીના સંરક્ષણ હેઠળ,

'the poetry review'ના પાનાં ઉથલાવતો ક્યાં જઈ રહ્યો હતો?

આનો મતલબ એ નહિ કે દરેક વરસાદમાં ભીંજાવું જ! પણ વરસાદી કવિતા લખનાર કે માણનાર વરસાદ સાથે વાત જ નહિ કરે તો કેમ ચાલશે? એણે વરસાદને ગળે મળીને શાબાશીના બે ધબ્બા કે બે ચાર ગાળો જ ન આપી હોય તો તો એ સંસાર ભોગવ્યા વગર સંન્યાસી થઇ ગયેલા બાવાના સંસાર પરના ઉપદેશ જેવું થઈ જાય! સાવ ઠાલું! વરસાદી કવિતાનું પાનું જયારે વરસાદમાં ભીંજાય ત્યારે એ કવિતા ધન્ય થઇ જાય!

સૌને મેઘ મુબારક!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.