અગ્નિસંસ્કાર

સોળ વર્ષનો અમોલ હોસ્પીટલના બિછાના પર સુતેલી એ સ્ત્રી સામે એકીટશે જોઈ રહ્યો હતો. એ સ્ત્રી એટલે એની નિધીફોઈ. નિધીફોઈ હોસ્પીટલમાં એના છેલ્લા શ્વાસ ગણી રહી હતી. નિધીફોઈ સાથે વિતાવેલી કેટલીય ક્ષણો એની નજર સામેથી પસાર થઇ રહી હતી. અમોલને એવો પ્રશ્ન ઘણીવાર થતો કે પોતાને જેમ નિધીફોઈ બોલકી આંખોની ભાષા ઉકેલતા આવડતી એમ એની મમ્મી કે બહેનને કેમ નહોતી આવડતી? એની મમ્મીની જેમ એને ફોઈ પાસે જતા ક્યારેય ડર નહોતો લાગ્યો. મમ્મીને હંમેશા ચિંતા રહેતી કે ક્યાંક એ ગાંડી મારા દીકરાને કંઈક નુકસાન ન પહોંચાડી દે.મમ્મીએ ઘણીવાર પપ્પાને કહ્યું હતું કે એને પાગલખાનામાં મૂકી આવો પણ પપ્પા મમ્મીની વાત માનતા જ નહોતા. ગુસ્સામાં આવીને માથે પડેલી મુસીબત, ગાંડી, ગયા જનમની લેણિયાત જેવા દરવખતે નવા નામથી મમ્મી ફોઈને બોલાવતી. ફોઈને મમ્મીના કહ્યાનો અર્થ સમજતો નહોતો? નહી તો એ હસતી જ ના હોત ને!

પપ્પા ડોકટરને મળીને આવ્યા ત્યારે એમનો ચહેરો ભારે લાગતો હતો. ડોક્ટરે કહ્યું હતું કે કમળામાંથી કમળી થઇ ગઈ છે. 24 કલાક બહુ ક્રીટીકલ છે. અમોલ પપ્પાને સાંત્વના આપી નીચે ચા પીવા લઇ ગયો. જૂના સ્મરણો વાગોળતા હોય એમ પપ્પાએ બધી વાત માંડી અને અમોલ એમને સાંભળતો રહ્યો. "નિધી કંઈ બાળપણથી અસ્થિર મગજની નહોતી. હા! ક્યારેક તોતડાઈને બોલતી. નાનપણમાં બેઉ સાથે રમતાં, સ્કૂલ જતા, ખાતા-પીતાં, ફરીથી રમતાં અને સુઈ જતા. બંને મોટા થતા ગયા એમ હાલાત બદલાતા ગયા. નિધી ભણવામાં હોશિયાર નહોતી. પાંચમા ધોરણમાં નાપાસ થઇ. પછીના વર્ષે ફરી પાંચમુ કરવું પડ્યું. વર્ગના તોફાની બાળકોએ નિધીની ખીજ પાડી હતી "તોતડી!" . નિધી બહુ ચિઢાતી અને ગુસ્સે ભરાતી. એથી છોકરાઓને પાનો ચઢતો. ત્રીજી વાર પાંચમું કરવાનો આવ્યો. પછી આખી સ્કૂલમાં બધા નિધીને ચીઢવવા લાગ્યા. નિધી ચીસો પાડતી, રડતી. એક દિવસ નિધીએ ક્લાસમાં એક છોકરાને ડસ્ટર છુટું માર્યું. પછી "એ કશું ઉકાળી નહિ શકે" એમ કહી નિધીની માં એ એને સ્કૂલમાંથી ઉઠાડી મૂકી.

બા એક સગાની દુકાનમાં સિલાઈનું કામ કરતી. નિધીના બાપુ રમણભાઈને નોકરી નહોતી. બાપુની નોકરી છૂટી ગયા પછી બા ઘરે પણ બ્લાઉઝ સીવવાનું, ફોલ લગાવવાનું કામ લાવવા માંડી. રમણભાઈને બૈરીની કમાઈ પર જીવવું પડે છે તેમાં પોતાનું ગૌરવ હણાતું લાગતું. એમાં બાપુ દારૂને રવાડે ચઢી ગયા. બા અને બાપુ વચ્ચે ઘણીવાર ઝગડા થતા.

આખો દિવસ સિલાઈકામમાં આંખો ફોડીને આવેલી બાને થાકેલી જોઈ નિધી ધીરે ધીરે ઘરકામ શીખવા માંડી હતી. શરૂઆતમાં કચરાપોતા કરવા, વાસણ ઉટકવા જેવા કામ એ કરતી. એને ખીચડી-શાક બનાવતા, લોટ બાંધતા બાએ શીખવાડી દીધેલું. એ આવડે એવું કરી રાખતી એટલે બાને નિરાંત થઇ હતી. બહાર જાય ત્યારે બધા નિધીને ઘરમાં પૂરી બહારથી તાળું મારીને જતા. ઘરમાં એકલી રહેતી નિધી બધા પાછા આવે ત્યારે ચીસો પાડતી ધમાલ મચાવતી. અને રમણભાઈ એને ડરાવતા ધમકાવતા. કોઈકવાર બાથરૂમમાં પૂરી દેતા. "બીજું કશું નહિ તો છોડીનું ધ્યાન તો રાખો" એવી બાની સલાહ માની રમણભાઈ ઘરે રહેતા થયા હતા. રમણભાઈ ઘરમાં વધારે રહેતા થયા એમ નિધી ચૂપ થતી ગઈ હતી.રમણભાઈનું થોડા વર્ષો પછી ટીબીમાં મૃત્યુ થયું ત્યારે નિધીને ગાંડપણનો મોટો એટેક આવેલો. ત્યારે કયારેક મોટેથી હસતી તો ક્યારેક રડતી, ભીતમાં માથું પછાડતી. સ્વિચબોર્ડમાંથી સ્વીચો પણ બહાર ખેંચી કાઢી હતી. લોકો કહેતા રમણભાઈની બહુ હેવાઈ હતી એટલે આવું કરે છે." અમોલનેય યાદ આવ્યું કે દાદાનો ફોટો જોઈને નિધીફોઈને ગાંડપણ ઉપડતું.

ચા પીને અમોલને એના પપ્પા પાછા ઉપર આવ્યા. એટલામાં એની મમ્મી ટીફીન આપવા આવી. મમ્મી થોડીવાર ફોઈની પાસે એના માથે હાથ ફેરવતી બેઠી. ઘરે જતા-જતા અમોલનેય સાથે લેતી ગઈ. રસ્તામાં અમોલને લાગ્યું મમ્મીની આંખ ભીની હતી. ઘરે આવી મમ્મી એના ઘરનાં કામકાજ આટોપવામાં લાગી ગઈ. અમોલ એના રૂમમાં જઈ આડો પડ્યો. ફોઈ સાથે વિતાવેલી ઘણી યાદગાર ક્ષણો એના મનમાં તાજી થઇ ગઈ. ફોઈનું વ્હાલ, પોતાની થાળીમાંથી જમાડવું , એમનો ગુસ્સો, પોતાની વસ્તુઓ માટે એમની પઝેસીવનેસ બધું જ. એને યાદ આવ્યું કે ફોઈ કઈ રીતે પોતાની વસ્તુઓ માટે પઝેસીવ હતાં. એમના કપડા, એમની પેટી, એમનો પલંગ કોઈ બીજું અડે એ એમને પસંદ નહોતું આવતું. અરે એમના ઓરડામાંય ઘણીવાર એ કોઈને ન આવવા દેતા. આ બધામાં અમોલ અપવાદરૂપ હતો. એને નિધીફોઈના એક કમરાના રાજમાં ગમે ત્યારે જવાની, ગમે તેને અડવાની છૂટ્ટી રહેતી. જોકે ફોઈની જૂની સ્કૂલે લઇ જવાની પતરાની નાનું તાળું મારેલી પેટીને અડવાનું સદભાગ્ય એને આજ સુધી નહોતું મળ્યું. એક વાર એણે એ પેટીને અડવાનું સાહસ કર્યું હતું અને ફોઈએ એ પેટી એની પાસેથી છીનવી લીધી હતી. એ પછી એ ક્યારેય એ પેટીને અડતો નહિ પણ એની અંદર શું છે એ જાણવાની એને કાયમ ઇન્તેજારી થતી. એક દિવસ મમ્મીને પૂછ્યું તો મમ્મી એ કહેલું "કંઈ નથી અંદર. ખાલી જૂના કાગળિયાં-ફોટા અને સ્કૂલડ્રેસ જેવો કચરો સંધરીને રાખ્યો છે તારી ફોઈએ! અડીશ નહિ એને ક્યારેય નહિ તો ગાંડી આખું ઘર ગજવશે"

બીજે દિવસે વહેલી સવારે પપ્પાનો હોસ્પીટલમાંથી ફોન આવ્યો. ફોન મૂકી અમોલે ભારે અવાજે મમ્મીને ખબર આપી. "મમ્મી ..ફોઈ... નિધીફોઈ હવે નથી રહી. થોડી વારમાં પપ્પા નિધીફોઈને લઈને ઘરે આવે છે. પપ્પાએ કહ્યું છે બધાને ફોન કરી દેજો. " મમ્મી બધાને ફોન કરતા કરતા ઘીના દીવાની, ફૂલોની, કોરી સાડી વગેરે વ્યવસ્થામાં લાગી ગઈ.

આજે રાતે અમોલને ઊંધ આવાની નહોતી. ફોઈની ચિતાને ડામ એણે જ આપ્યો હતો. એને લાગ્યું હતું કે એમ કરવો એનો હા હતો કે જે ફોઈએ જ એને આપેલો. આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઇ એણે બેડ પર લંબાવ્યું. ત્યાં એને પેલી પેટી યાદ આવી. ફોઈના ઓરડામાં જઈ, થોડા ખાંખાખોળા કરી માળિયામાંથી એણે એ પેટી શોધી નાખી. પેટીની ઉપર રાખેલા ગુલ્લકમાંથી પેટીની ચાવી પણ મળી ગઈ. એનાથી પેટી ખોલ્યા વગર રહેવાયું નહિ. એણે તાળું ખોલીને જોયું તો અંદર થોડી બુઠ્ઠી પેન્સિલો, સંચો, થોડા પીળા પડેલા કાગળિયાં વગેરે હતું. પેન્સિલ છોલીને છોતરાં પણ એમાં જ નાખેલા પડ્યા હતા. બધા કાગળિયાં પર કશુક કશુક દોરેલું હતું। રગીફોઈ ચિત્રો દોરતા હતા એ વાત જાણીને એને બહુ આશ્ચર્ય થયું . એની\ જરાક ધ્યાનથી જોયું તો એને ખ્યાલ આવ્યો કે નિધીએ ઘરની વ્યક્તિઓના ચિત્રો દોર્યા હતા. નાનકડા અમોલ દોરી એના માથે મુગટ મુકીને એને રાજકુમાર બનાવી દીધી હતો તો પપ્પાના જેવો ચહેરો દોરી એમની બાજુમાં રાખડી દોરી હતી. અમોલની મમ્મીને પણ એક ચિત્રમાં અમોલ સાથે દોરી હતી. એમાંથી અમુક ચિત્રો જે ના સમજાયા એ ચિત્રોમાં ફોઈએ રાક્ષસ જેવા કૈક ઓળા બનાવ્યા હતા. એક ચિત્રમાં એક નગ્ન રાક્ષસ એક છોકરીને મારતો હતો , બીજામાં એ રાક્ષસ એ છોકરીને નીચે પાડી એની ઉપર બેસી ગયો હતો. રાક્ષસનાં હાથ એ છોકરીની છાતી પર દોરેલા હતા એવું અમોલને લાગ્યું! તેણે બધા કાગળિયાં મૂક્યા અને પેટીની અંદર જોયુ. એમાં સાત-આઠ ફોટા પણ હતા. એણે એક પછી એક ફોટા જોવા માંડ્યા. "બાનો ફોટો, મમ્મી-પપ્પા સાથે અમોલનો ફોટો, ફોઈનો અને પપ્પાનો ફોટો ..અરે આ તો બા-દાદાનો ફોટો લાગે છે. આ દાદાના ચહેરા પર ચપ્પુ મારી એટલો ફોટો કેમ ફાડી નાખ્યો છે? બીજા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં જેમાં પપ્પા-ફોઈ-બા-દાદા બધા હતા એ ફોટામાં પણ દાદાનો ફોટો પેનથી ખરાબ કરેલો હતો. ફોઈએ આવું કેમ કર્યું હશે??". ત્યાં એની નજર ફરી પેલા ચિત્રો પર ગઈ. એણે એ ફરીથી ઉઠાવીને ધ્યાનથી જોયા. એ એને ચિત્રોમાંનો રાક્ષસ અને દાદાનો ચહેરો મળતો લાગ્યો. એને દાદાનો ફોટો જોઈ ને નિધી ફોઈને ગાંડપણ ઉપાડતું એ પણ યાદ આવ્યું. એટલે શું દાદા નિધીફોઈ જોડે ..?? એને લાગ્યું કે એ બેભાન થઇ જશે.

પપ્પાનાં હાથમાં આ કાગળ આવે તો?? એને યાદ આવ્યું કે પપ્પા કહેતા હતા દિવાળીમાં ફોઈના રૂમની સફાઈ કરતા બાને એટેક આવેલો ને એ ત્યાં જ ઢળી પડેલા. તો શું બા એ આ કાગળ જોયા હશે? ક્યાંક ચિત્રો જોઇને જ બાને ...? એના મગજમાં ભયંકર ઉથલપાથલ થઇ ગઈ. એણે બધા ચિત્રો, ફોટા બધું ફાડી નાખ્યું અને એનો પણ અગ્નિસંસ્કાર ઉપર ધાબે જઈ કરી આવ્યો! એણે બરાબર કર્યુંને ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.